|
દેવપ્રયાગ,
તા. ૧૭ જુલાઈ ’૪૫
મારા વ્હાલા આત્મા,
સંધ્યા પૂજાની જરૂર હરેકને છે જ
એમ નથી. તે તો એક વિધિ છે. મુખ્ય વાત તો એ છે કે તે દ્વારા ચિત્તશુદ્ધિ કરીને
માણસે પોતાના પ્રેમના વર્તુલને વિશાળ બનાવવું જોઈએ, રાગ-દ્વેષથી પર થવું જોઈએ,
ને ટૂંકમાં દૈવી સંપત્તિના અવતાર જેવું થઈ રહેવું જોઈએ. આ સ્થિતિ પછી
સંધ્યા-પૂજા જેવી ક્રિયાઓ આપોઆપ ખરી પડે છે. પણ ઘણા પુરુષો તેવી ઉચ્ચોચ્ચ
અવસ્થા પ્રાપ્ત થયા પછી પણ તેને સાચવી રાખે છે. જેમ કે તોતાપુરી. તારી પણ આ
સ્થિતિ થાય એ સ્વાભાવિક છે. તેને માટે સંધ્યા ભલે ના કરે. પરંતુ રાતે અથવા
સ્નાનાદિ કર્યા પછી વહેલી સવારે પૂજાને નામે પણ એક સ્થાને બેસવું તો જોઈએ જ. તે
સમયે જપ કરવા બહુ ઉપયોગી છે. ૦॥-૦॥॥
કલાક જપ કરવા જોઈએ.
તેની શરૂમાં ને અંતમાં
પ્રાર્થના કરવી જોઈએ. ઉપરાંત દિવસના સારાયે ભાગમાં કોઈ પણ કામ કરતાં માનસિક
રીતે જપ કરવાનો અભ્યાસ રાખવો જોઈએ. સંસારનો, કામિની-કાંચનનો ને માન પ્રતિષ્ઠાનો
મોહ છોડીને જેમણે પોતાનું જીવન ઈશ્વરપરાયણ કર્યું છે ને તે વાટે પરમ શાંતિ
મેળવી છે એવા મહાપુરુષોના જીવનનું પણ વારંવાર મનન કરવું જોઈએ. આથી પરાભક્તિ
(જેમાં પ્રેમ ને આંસુનો સમાવેશ છે તે) નો વિકાસ થાય છે. આંસુને તથા પોકારોને જ
સર્વસ્વ માની લેવાની જરૂર નથી. વિરહને ને વ્યાકુળતાને જ આખરી સ્થિતિ સમજી બેસી
રહેવાનું નથી. પરાભક્તિની સાથે સાથે દિવ્ય દૃષ્ટિ પણ પ્રકટવી જોઈએ, જેમ ગોપીઓ
શ્યામને માટે રોતી ને કકળતી હતી. સારાયે જગતને તેનું પ્રકટ રૂપ પણ સમજતી હતી.
આવી દિવ્યાનુભૂતિ પવિત્ર હૃદય વિના શક્ય નથી ને તે જ સાધનાનું સર્વસ્વ છે. વિધિ
ને ક્રિયાઓ સર્વ બહિરંગ છે. આ પરમપાવની સ્થિતિ પ્રાપ્ત થયા પછી પરમ શાંતિ પણ
પ્રાપ્ત થાય છે. આંસુ ને વ્યાકુળતા ભલે થાય પણ હૃદયમાં એક પ્રકારનો આનંદ હમેશાં
રહે છે. કેમ કે પ્રીતમના મિલનનો નશો સારાયે જીવનમાં વ્યાપ્ત થઈ તેને કૃતકૃત્ય
કરી દે છે.
*
વાસનાઓની પૂર્ણ નિવૃત્તિ વિના
શાંતિ નથી. પણ નિવૃત્તિ સાચા અર્થમાં શક્ય નથી. વાસના મનુષ્ય વિકાસમાં બાધક પણ
નથી. ફકત તેનું રૂપાંતર કરવું ઘટે છે. જે જાગ્યા છે ને જેના હૃદયમાં દૈવી ને
આસુરી સંપતિનો સંઘર્ષ થયો છે તે બડભાગી છે. કેમ કે આજે નહિ તો કાલે પણ વાસનાને
પૂર્ણ પવિત્ર કરી તે કૃતકૃત્ય બનશે. પણ કમભાગી તો તે છે જેને જાગૃતિ નથી, ને
સાંપ્રત સ્થિતિને જ જે સર્વસ્વ માને છે. આ લોકોને શાંતિનો સાચો ખ્યાલ જ નથી.
*
પ્રિય ભાઈ ! ઈશ્વરને સર્વસમર્પણ
કરવાનો આનંદ કેટલો બધો છે ! તે જ બઘું સંભાળે ! આપણે કાંઈ પરવા નહિ. દુનિયામાં
કદાચ આવા સંપૂર્ણ સત્યની અનુભૂતિ સ્વાભાવિક ના ગણાય. કિન્તુ અમારા એકાન્તિક
કુદરતમય જીવનને માટે તો આ શ્વાસ લેવા જેટલી જ સાચી વાત છે. કેમ કે આ કુદરતી
પહાડી પ્રદેશમાં વિના યાચના અમે સાનંદ રહીએ છીએ, કેવલ એના પ્રેમ મદિરાની
પ્યાલીને અધરે લગાવતાં જીવીએ છીએ. તેવી સ્થિતિમાં યોગક્ષેમની ચિંતા જે કાળજીથી
તે વહન કરે છે તે વિચારતાં તો હૃદય ગદગદ્ થઈ જાય છે. ને તેના પ્રેમ માટે
આંસુમાં આભાર માન્યા વિના નથી રહેવાતું. ખરેખર, જેણે આ પરમ પ્રેમનો-પ્રેમ
સાગરનો જરાય વિશ્વાસ પ્રાપ્ત કર્યો નથી, તે જ સંસારની અનેકાનેક વસ્તુઓમાં ભટકે
છે, નાહકની ચિંતા લઈને ફરે છે.
પ્યારા ! પ્રેમ મદિરાની પ્યાલીને
હાથમાં લઈ લો. તેને અધર પર ચઢાવી દો. જુઓ કેવો નશો ચઢે છે ! કેવો આનંદ આવે છે !
જીવનનું સાર્થક્ય આ એક પ્રેમ જ છે. તે પ્રેમની મદિરાના પ્રેમી થઈ જાઓ.
*
હરિશ્ચંદ્ર તથા બાબુભાઈ બંને નપાસ
થયા તે જાણ્યું. કાંઈ નહિ. હિંમત તથા ધીરજ રાખી અભ્યાસ કર્યા વિના છૂટકો નથી જ.
અહીં વાતાવરણ ઘણું જ સુંદર છે.
હમણાં હમણાં તો રાતે જ્યારે આકાશમાં ચંદ્રમા ખીલે છે ત્યારે આ શાંત એકાન્ત વનની
કુટિયા અજબ શોભા ધારણ કરે છે. વરસાદ શરૂ થાય છે ત્યારે પણ અજબ શોભા લાગે છે.
અહીં આશ્રમાદિ પ્રવૃત્તિ જેવું
કંઈ જ નથી. ખાલી એક સ્વતંત્ર કુટી જ છે. સ્થાન સુંદર છે. પોલી વાંસળીની જેવી
અમારી સ્થિતિ છે. અમે તો પ્રેમની મદિરા પીને પાગલ થયેલા પ્રેમી છીએ ! જેમ
ફૂંકવામાં આવે છે તેમ સૂર રેલીએ છીએ ! હા, સારાયે વિશ્વમાં એક જ તત્વની અનુભૂતિ
થવાથી ને શાંતિ તથા આનંદને હૃદયમાં જ લઈને ફરતા હોવાથી હરેક કાળ ને દેશમાં અમને
આરામ રહે છે. |