Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

લોખંડી શ્રદ્ધા
 

 

જે પરમ શક્તિ આ સારી સૃષ્ટિના સૂત્રધાર રૂપે લીલા કરી રહી છે, તે જ એક બધાના મંગલ-અમંગલને જાણે છે. તે બધાંનું મંગળ જ કરે છે. અમંગલનો દોષ તેને કેમ આપી શકાય ?

                                                
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

                                                          

દેવપ્રયાગ, 

તા.૨૧ સપ્ટે. ૪૫

પ્રિય ભાઈશ્રી નારાયણ,

પત્ર મળ્યો. વાંચી આનંદ થયો. સેક્રેટરીએટમાં નોકરી સ્વીકારી લીધી તે આનંદની વાત છે. જોઈતું હતું તેવું જ મળી ગયું. હવે તો શારીરિક શ્રમ પણ ઓછો પહોંચે તેવું કાર્ય મળ્યું. એ તો બધું સારું જ થાય. માત્ર શ્રદ્ધા જોઈએ. જે કોઈ પણ સારા કે નરસા પ્રસંગે અવિચલિત રહે, એવી લોખંડી શ્રદ્ધાની જરૂર છે. નોકરી કરવાથી આધ્યાત્મિક શક્તિ હણાય છે એમ માની દુ:ખ લગાડવું નહિ. ઉલટું, એમ માની આનંદમાં રહેવું કે એક કડવી નોકરી છોડાવીને બીજી કેવી અનુકૂળ નોકરી ઈશ્વરે લાવી આપી ! બાકી સંસારમાં રહીને તો થોડીક પણ અર્થપ્રાપ્તિ માટે એવા વ્યવસાયની જરૂર છે જ. સાથે સાથે ઈશ્વરસ્મરણ તથા ચિંતન-મનન પણ કયાં નથી થતું ? સ્વાભાવિક રીતે એવું જોવામાં આવે છે કે જરાક ફુરસદ કે નિવૃત્તિનો સમય મળે એટલે માણસ ઈશ્વરસ્મરણ કરે છે. વધારે સાચી વસ્તુ તો એ ગણાય કે ભારેમાં ભારે પ્રવૃત્તિમાં પણ તે ઈશ્વરને ન ભૂલે. તો જ તેનો આનંદ છે ને તેવા જ સ્મરણની કીંમત છે. સંસારને કે તેની પ્રવૃત્તિને મિથ્યા માનવાની નથી. ને તેમ માનીને પરમ શાંતિ તથા ઈશ્વરપ્રાપ્તિને માટે દરેકે જંગલની વાટ પકડવાની પણ નથી. શું સારું ને શું ખોટું, આપણે માટે શામાં મંગલ ને શામાં અમંગલ છે તે આપણે જાણવા સમર્થ નથી. આપણું જ્ઞાન જ કેટલું સીમિત છે ! જે પરમ શક્તિ આ સારી સૃષ્ટિના સૂત્રધાર રૂપે લીલા કરી રહી છે, તે જ એક બધાના મંગલ-અમંગલને જાણે છે. તે બધાંનું મંગળ જ કરે છે. અમંગલનો દોષ તેને કેમ આપી શકાય ? એટલે ઉત્તમ વાત તો એ છે કે જે પરિસ્થિતિ મળે તેમાં મંગલને જોતાં ને આનંદ લેતા શીખવું જોઈએ. આ બધી મનની તો બાજી છે. પોતાને નિત્ય મુક્ત ને શુદ્ધ આત્મસ્વરૂપ સમજીને એક નટ કે સૂત્રધારની જેમ પ્રવૃત્તિની વચ્ચે રહેવાનું છે. હા, જ્યારે તે ઈશ્વરને યોગ્ય લાગશે ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં તે પ્રવૃત્તિને મુકાવી દેશે ને તેને જ માટે ઝૂરતા કરશે. બાકી દરેકને એવી નિવૃત્તિની જરૂર હોય જ છે. એમ પણ કયાં છે ? શું નાગમહાશય ગૃહસ્થી ન હતા ? પણ વિવેકાનંદ કહે છે કે નાગમહાશય જેવા વિરક્ત પુરુષ રામકૃષ્ણદેવના શિષ્યોમાં કોઈ જ ન હતા. ભગવાન રામકૃષ્ણને માટે તેમના હૃદયમાં જેવો પ્રેમ હતો તેવો પ્રેમ ભાગ્યે જ કોઈકનામાં જડે. વિવેકાનંદ પણ તેમનાં દર્શને વારંવાર જતા. ને જે દૈવી પુરુષે રામકૃષ્ણ કથામૃતની નોંધ રાખી હતી તે શ્રી.મ. પણ ગૃહસ્થ જ હતા. તે શિક્ષક હતા. છતાં તેમનો વિકાસ તો ચાલુ જ રહ્યો. એટલે બાહ્ય અવસ્થા પર હમેશાં વધારે જોર દેવાની જરૂર નથી. મુખ્ય વસ્તુ છે તે આંતરિક વિકાસ છે. તે જ સાધતા રહેવાની જરૂર છે.

મધ્યકાલીન ભારતમાં બાહ્ય ત્યાગની જે પ્રચંડ ભાવના સંત સમાજમાં ફરી વળી હતી તે આજે આપણને કામ આવશે નહીં. આજનો યુગધર્મ તો ઈશ્વરની અર્ચના કરી જે બાહ્ય સૃષ્ટિ દેખાઈ રહી છે તેને તે જ મહેશ્વરની અભિવ્યક્તિ સમજવાનો ને તે માટે તેની પૂજા કરવાનો છે. માત્ર મિથ્યાત્વ ના તત્વજ્ઞાનને લીધે ને કેવલ નિવૃત્તિપરાયણતાના મોહને લીધે ત્યાગના બાહ્ય સિદ્ધાંત પર જોર દઈને ભારતે ઘણું ઘણું ખોયું. હવે એ સમય આવ્યો છે જ્યારે તેણે સાચા તત્વજ્ઞાનને સમજવાનું છે નહિ તો તે જ તત્વજ્ઞાન જેણે તેને એક વખત સારીયે સૃષ્ટિનો શિરમુકુટ કર્યું હતું તે તેનો આત્મઘાત કરનાર નીવડશે. એમાં શંકા નથી. સારે ભાગ્યે ભારતનો પુનરુદય શરૂ થયો છે. એ સમય સમીપમાં આવે છે જ્યારે ભારત એ સારાયે વિશ્વને માટે ગૌરવ ગણાશે ને આધ્યાત્મિક ગુરુ બનશે. તે વખતે આજ પ્રવૃત્તિમાં નિવૃત્તિનું તત્વજ્ઞાન તેને માટે કામ લાગશે ને જગત પણ તેને જ સ્વીકારશે.

આધ્યાત્મિકતા વિના ભારતની ઉન્નતિ કદાપિ નથી. આજે ભારતની અવનતિનું કારણ બીજા લોકો રાષ્ટ્રીયતાનો અભાવ-કુશિક્ષા કે ગમે તે ગણે. સાચી વાત તો એ છે કે આપણે આધ્યાત્મિક તત્વોનું સાચું મૂલ્યાંકન ભૂલ્યા છીએ ને તેથી જ આપણી અવનતિ છે. તત્વજ્ઞાનનો સંબંધ બે પ્રકારનો છે. એક તો તેનાં ઉત્તમોત્તમ તત્વો કે રહસ્યોનું પરિશીલન ને બીજું તે તત્વોનો જીવનની સાથે સાંગોપાંગ સમન્વય. આ બંને વસ્તુઓ આપણી પાસે નથી એટલું જ નહિ, પહેલી વસ્તુ પારખવાની સાચી શક્તિ આપણામાં બહુ જ થોડી રહી છે. પણ તેથી શું ? ભારતને માટે તો એ એક સ્વભાવ છે ને તે કાર્ય તેના દ્વારા થશે એ પણ નક્કી જ છે.

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer