|
દેવપ્રયાગ,
તા.૨૧ સપ્ટે. ’૪૫
પ્રિય ભાઈશ્રી નારાયણ,
મારા અનુભવ પરથી હું એટલું સમજી
શક્યો છું કે ઈશ્વરદર્શન અથવા આત્મસાક્ષાત્કાર એ જ કાંઈ જીવનની ઈતિશ્રી નથી.
તેનું ક્ષેત્ર ઘણું જ વ્યાપક છે. કેવલ ઈશ્વરદર્શન કરીને માણસે કૃતકૃત્યતા માની
લેવાની નથી, પરંતુ પોતાની સારીયે પ્રકૃતિનું રૂપાંતર પણ તેણે કરવાનું છે. એટલે
કે સ્થૂલ ને સૂક્ષ્મ- બંને શરીરનું દિવ્યકરણ કરી પ્રકૃતિ તથા પંચમહાભૂત પર
પૂર્ણ સ્વામિત્વ મેળવવાનું છે. ભક્તિ, યોગ કે જ્ઞાન, કોઈ પણ વિશિષ્ટ રીતે આ
કાર્ય થઈ શકે છે. આવી ઉત્તમોત્તમ શક્તિ (જેવી કે શ્રી રામકૃષ્ણદેવ, ચૈતન્ય
પ્રભુ, ઈશુ વિ.માં જણાઈ હતી) પ્રાપ્ત થાય તો માણસને કશું જ કરવાનું રહે નહિ.
તેના સાન્નિધ્ય ને સ્પર્શ કે સંકલ્પથી જ ઘણાંનું કલ્યાણ થાય. આ શક્તિની જરૂર
છે. તે પછી માનવજાતિની નિસ્વાર્થ સેવાનો આદર્શ સ્વીકારવાનો છે. તે વિના માણસ
કોઈને કશું જ સ્થાયી આપી શકવાનો નથી. સેવાની મદિરાના કેફમાં મસ્ત થઈ માત્ર તે
કૂદાકૂદ કરે એટલું જ. જરા કલ્પના તો કરો કે જે મહાત્માના હૃદયમાં માનવજાતિ
પ્રત્યે અગાધ પ્રેમ ભર્યો હોય તથા જેનામાં સર્વ શક્તિ હોય, તે મહાત્મા જગતને
માટે કેવું વરદાન થઈ પડે ! મને એમ લાગ્યા કરે છે કે આવા પ્રકારનું જીવનકાર્ય એ
મારે માટે એક નિર્મિત વસ્તુ છે, ને તેને જ માટે આ શરીરનું ધારવું થયું છે. આ
વસ્તુ કયારે થશે ને કેવી રીતે થશે તે ખબર નથી. તેને માટે કોઈ નિયત સાધનપ્રણાલિ
પણ નથી. આ તો વારંવાર હૃદયમાં જે પ્રેરણા થાય છે તે જ લખાઈ રહ્યું છે. તેની
પૂર્તિ માટેના બધાયે માર્ગ એક ઈશ્વર જ જાણે છે. પણ તે જરૂર થશે ને થાય તો
આશ્ચર્યનો વિષય ન જ ગણાય એમ સ્પષ્ટ લાગે છે. કોની દ્વારા શું હેતુ સાધ્ય થવાનો
છે ને કયું કાર્ય નિર્માયું છે તે કોઈ કહી શકે તેમ નથી, તેમ જ ઈશ્વર કયા
કાર્યને માટે કયું શરીર પસંદ કરે છે તે પણ કોઈની સમજમાં આવી શકતું નથી. આપણો
ધર્મ તો સારીયે શક્તિને એક તે જગદીશ્વરની પૂજામાં જ લગાડી દેવાનો છે. તેને
જ્યારે જરૂર જણાશે ત્યારે તે હૃદયપાત્રને અધરેથી ઉતારશે ને બીજા માટે વહેતું
મૂકશે. જે તેનું છે તેનો ઉપયોગ તે ગમે તેવો કરી શકે છે.
*
આ બધીયે વસ્તુ શ્રી પરમહંસદેવના
જીવનનો વિચાર કરવાથી બરાબર સમજાય તેવી છે. શ્રી તોતાપુરી તેમ જ ભેરવી (ને ખાસ
કરીને તોતાપુરી) ના સહવાસ પછી તેમનામાં દૈવી શક્તિનો આવિર્ભાવ થયો હતો ને
સમાધિની સહજ પ્રાપ્ય અવસ્થા પણ તેમણે તે પછી જ પ્રાપ્ત કરી હતી. મારા જીવનમાં
પણ એવો સહવાસ આવશે એમ ઘણા સમયથી લાગ્યા કરે છે. તેની ઘડી નિર્માણ થઈ ચૂકી છે.
તે સમય પણ ખૂબ જ નજીક છે એમ લાગે છે.
હમણાં તો ઈશ્વરી પ્રેમમાં મસ્ત
રહીએ છીએ. જેણે ઉત્તમોત્તમ આનંદનો ને ધન્યતાનો આસ્વાદ લેવો છે તેણે તો (૧)
ઈન્દ્રિય ને મનના વિષયરસથી વિમુખ થવું જોઈએ ને (૨) પોતાના પ્રેમને કોઈ પણ
સાંસારિક પદાર્થ કે વ્યક્તિમાં કેન્દ્રિત ન કરતાં પ્રેમના સાગરરૂપ ઈશ્વરને જ
તેનું ધ્યેય બનાવવું જોઈએ ને પછી (૩) જીવનનું અમૃતપાન કરવું જોઈએ. કાચું કે
નિર્બળ વાસનાવાળું મન આ માર્ગમાં ચાલી શકે એમ નથી. તેવા મનને પ્રાર્થના દ્વારા
શુદ્ધ કરવું જોઈએ. પછી તેને ઈશ્વરને ચરણે ફૂલ ધારી અર્પણ કરવું જોઈએ. એટલે
હમણાં તો પ્યારા પ્રભુની જ સાથે ક્રીડા કરીએ છીએ. પ્રિયતમનો પ્રેમરસ અપાર છે.
જામ પર જામ ભરી પીએ છીએ. મધ્યરાત્રીએ - જ્યારે ચંદ્રકલાની ચાંદની સારાંયે
વૃક્ષો પર છવાઈ હોય છે ત્યારે, ને ઉષ:કાલીન સવારે તેમજ હરેક સમયે હમણાં તો તે જ
એક મહાપ્રેમીની પાસે બેસી હૃદયનું બીન બજાવીએ છીએ. ને તેવી જ ક્રીડામાં આનંદ
છે. આજે વધુ વિચાર ઊઠે છે તે તો તેની જ લીલા છે, ને પોતાના કોઈ હેતુને માટે જ
તેને તે ઉત્પન્ન કરે છે. ને તેમાં મંગલ જ છે કેમ કે માનવના પ્રેમથી રહિત એવી
કોઈ સાધના, જીવન ને જગત સાથે સમન્વય સાધી તેનું આત્યંતિક કલ્યાણ ન કરનારી એવી
કોઈ પણ તપસ્યા, ને માનવ તથા પ્રભુને માટે બલિ થઈ સફલ ન થનારી એવી કોઈ પણ
પ્રકારની આધ્યાત્મિકતા, કશા જ ઉત્તમ કામની નથી એવું સ્પષ્ટ સમજાય છે.
*
આશા છે કે આ બધીયે વિચારસરણી સારી
રીતે સમજમાં આવી હશે.
ભાઈ, જીવનની ઈતિકર્તવ્યતા આમાં જ
છે. એકાંતમાં રહીને અમે આ જ વસ્તુ કરીએ છીએ. કોણ જાણે કેમ, છેક નાની અવસ્થાથી,
સાધનાની શરૂઆતથી જ આધ્યાત્મિકતા દ્વારા કલ્યાણ કરવાની ઈચ્છા જાગી છે. એટલે
બીજાનું કલ્યાણ થાય એ ભાવના પણ મંગલ લાગી છે. ખરેખર, જીવનનું શ્રેય
આધ્યાત્મિકતાની ઉચ્ચોચ્ચ અનુભૂતિમાં જ છે. વિષયરસના રસિકોને ને અર્થ તથા કેવલ
સાંસારિક પદાર્થો પાછળ જ શક્તિને બરબાદ કરનારા મનુષ્યોને સાચો આનંદ પ્રાપ્ત થતો
નથી. ખરેખર, તે લોકો ઠગાય છે, ને દિવ્ય માનવજીવનને હતું ન હતું કરી નાખે છે. જે
દિવ્ય મહાત્મા પુરુષોએ પોતાની સમગ્ર શક્તિને ઉચ્ચ આધ્યાત્મિક માર્ગે વાળી દીધી
અને અનેક પ્રકારે શક્તિ સંપાદન કરી તેમનો વિચાર તો કરો ! કહે છે કે ચાંગદેવે ૧૪
કે ૧૬ વાર મૃત્યુને પાછું મોકલ્યું હતું;
જ્ઞાનેશ્વરે ભીંત ચલાવી હતી ને બીજી અનેક અલૌકિકતા કરી હતી. બાઈબલ તો જુઓ,
ઈશુમાં કેવી માનવોત્તર શક્તિ હતી ! શ્રી રામકૃષ્ણદેવ પોતાના શિષ્યો જેવી માગતા
તેવી શક્તિ ને સ્થિતિ તેમને આપી શકતા. આવા દૈવી પુરુષોનો વિચાર કરતાં શું જણાય
છે ? એમ નથી જણાતું કે
ક્ષણિક સુખદાયી પરંતુ અંતે દુ:ખદાયી એવા આનંદકારક વિષયસુખ માટે મનુષ્યો જીવનને
વ્યર્થ ગાળી રહ્યા છે; ને
તો પછી જે શરીર દ્વારા આત્મોન્નતિ કરવી જોઈએ તે શરીર દ્વારા અવનતિ કરવાનો અપરાધ
પણ શું તે નથી કરતા ?
પણ તેથી તો કહ્યું કે ‘બહુનાં
જન્મનામન્તે’ ને ‘મનુષ્યાણાં
સહસ્ત્રેષુ કશ્ચિચતતિ સિદ્ધયે’.
માટે આપણે તો ઈશ્વર સ્મરણાદિ જે બને તે ચાલુ જ રાખવાનું છે. ને ઉત્તમોત્તમ
માનસિક વિચારો દ્વારા જીવનને વધારે ને વધારે ઉર્ધ્વતર બનાવવાનું છે.
*
ધારું છું કે આ બધું સ્પષ્ટ થયું
હશે. ઈશ્વર કરે છે તે ઠીક જ કરે છે. આશરો એક તેનો જ છે. ઘણા સમયથી તેની પ્રેરણા
થતી હતી. પાછલા ૭-૮ દિવસથી એક પ્રકારની નિશ્ચિત પ્રેરણા થવાથી હું આ સ્થાન છોડી
દેવાનો છું. નવરાત્રી અહીં કરીને તરત જ આ સ્થાનથી નિવૃત્તિ લેવાનો છું. તને થશે
કે ક્યાં જશે. કલ્પના કરી શકે છે ?
હવે પછીનું ગન્તવ્ય સ્થાન બીજું કોઈ નહિ પણ જે મહા અવતારી પુરુષે આ જીવનમાં
શૈશવથી જ પ્રેરણા પાઈ તે ભગવાન શ્રી રામકૃષ્ણદેવનું સ્થાન, તેમની
લીલાભૂમિ-દક્ષિણેશ્વર છે. ઈશ્વરની આંતરપ્રેરણાથી જ આવો વિચાર કર્યો છે, ને
નવરાત્રી દરમ્યાન કોઈ વિશેષ મહત્વનીય બનાવ બને તો આ જ નિશ્ચય કાયમ રાખવાનો છે.
સંભવ છે કે થોડી કાવ્યોની નોટો તથા નોંધબુકો જે અહીં આવ્યા પછી લખાઈ છે. તે
અહીંથી જતી વખતે તને મોકલીશ. તે રાખજે. અંગત નોંધો તો હરેકને વાંચવા માટે નથી જ
હોતી એટલે તે જાળવી જ રાખવાની છે.
એટલે તારો પત્ર હવે ધારું છું તેમ
જો જવાનું નક્કી જ રહેશે તો મને એક જ મળી શકશે. દશેરા સુધીમાં સંભવિત હશે તેટલા
પૂરતો જ. અહીંથી ગયા પછી મારા પત્ર તો ત્યાં આવતા જ રહેશે તેમ જ માતાજીને પણ
લખાતા રહેશે. માતાજી ખૂબ જ ઉચ્ચ વ્યક્તિ છે. તેમને પત્ર લખે છે તે ખૂબ જ આનંદની
વાત છે. |