Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સતત પ્રયત્નશીલતા
 

 

વાસના ને તૃષ્ણાપૂર્ણ જીવનમાં ઈશ્વરી પ્રેમનો ઉદભવ સંભવ નથી. જીવનનો ઉપયોગ એક શોખની વસ્તુ તરીકે નહીં પરંતુ સાધના કે સંયમની પાઠશાળારૂપે થવો જોઈએ.

                                                
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

                                                          

દેવપ્રયાગ

તા. ૧૬ માર્ચ, ૧૯૪૬

પ્રિય ભાઈ,

પત્ર મળ્યો. આનંદ થયો. આ વખતે આ પત્ર સાથે એક પત્ર માતાજીને માટે પણ લખું છું. તે સરોડાને સરનામે (સાથે કંઈક લખીને) મોકલી દેજે.

અત્યારે રાત્રિનો સમય છે અને આ પત્ર લખવા બેઠો છું. રાત્રિ શુકલ પક્ષની છે એટલે ચંદ્રમાનો પ્રકાશ અનેરો છે. ને નિંદ્રા તો યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી એ ન્યાયે ક્યાંથી હોય ? એટલે વિચાર થતાં લખું છું.

ગૃહસ્થાશ્રમની પ્રવૃત્તિમાં ને ખાસ કરીને ત્યાંના વ્યવસાયી જીવનમાં ખાસ કશું સાધનાવિષયક કાર્ય થતું નહિ હોય એ સંભવિત છે. એ પણ સાચું છે કે સાધનાનો માર્ગ હરેકને માટે નથી. (અહીં હું તીવ્ર સાધનાની અથવા તો સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છાની વાત કરું છું.) જે પુણ્યશાળી આત્માઓએ પૂર્વજન્મમાં કાંઈક કર્યું હોય છે તે જ ઈશ્વરની કૃપાથી આ જન્મમાં આ સાધના માર્ગ તરફ તીવ્ર ગતિથી વળે છે, ને વિના રુકાવટે વધે છે. બીજાને માટે આ માર્ગ એટલો સહેલ નથી. કેમકે વાસના ને તૃષ્ણાપૂર્ણ જીવનમાં ઈશ્વરી પ્રેમનો ઉદભવ સંભવ નથી. મને તારામાં પ્રથમથી જ એક ઊંચી આધ્યાત્મિક યોગ્યતાની ભૂમિકા લાગી છે. કાંઈ નથી થતું માટે નિરાશ ના થવું. એમ નથી કે હરેક તીવ્ર સાધના કરવી જોઈશે ને પ્રાણાયામાદિ સાધનોમાં પારંગત પણ બનવું પડશે. મુખ્ય વસ્તુ ઈશ્વરી પ્રેમ છે. તેમજ પ્રેમથી પૂર્ણ સમર્પણ પણ આવશ્યક છે. આપણાં સર્વ કર્મોની અંદર ઈશ્વરની પૂજાની ભાવના રહેતી હોવી જોઈએ ને જીવનનો ઉપયોગ એક શોખની વસ્તુ તરીકે નહીં પરંતુ સાધના કે સંયમની પાઠશાળારૂપે થવો જોઈએ. ગમે તેવા કર્મ કે પ્રવૃત્તિ પરાયણ હોવા છતાં એક ક્ષણને માટે પણ ભૂલવું જોઈએ નહીં કે આ બધી બાજી બે આંખ ઉઘાડી છે ત્યાં સુધીની જ છે. ને જીવનનો સાચો ઉપયોગ આત્મદર્શન છે. કેટકેટલા મહાત્માઓ ને મહાન પુરુષો સંસારની પ્રલોભનાત્મક વસ્તુઓને સલામી ભરીને આ રસ્તે વળી ગયા, ને જીવન ધન્ય કરી ગયા. એ હમેશાં યાદ રાખવું જોઈએ. એથી પ્રમાદ ને આળસ કે જડતા દૂર થઈ જશે.

જીવનના પરિપૂર્ણ અનુભવ માટે કોને માટે કયી ક્ષણ નિર્મિત છે તે કેવલ ઈશ્વર જ જાણે છે. મનુષ્યે માત્ર ઈચ્છા બનાવ્યે રાખવી જોઈએ, ને બનતી રીતે જીવનને આદર્શ બનાવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. યાદ રાખો કે તીવ્ર ઈચ્છા જ એક વાર બધાંય આવશ્યક ઉપકરણો લાવી દેશે ને તે સમયે અચિંત્ય બાહ્ય મળશે.

પણ શાંતિથી જડની જેમ સૂવાનું કામ નથી. જીવન ખૂબ વેગથી ચાલે છે. જે ઉત્તમમાં ઉત્તમ સમજીએ છીએ તેને આચારમાં ઉતારવા સતત પ્રયાસ કરવો જોઈએ. તો આ જ જીવન ઉજ્જવલ બની શકશે.

હા, પ્રાર્થના ખૂબ ઊંચી વસ્તુ છે. ઈશ્વરની સાથે તેના દ્વારા અનુસંધાન થઈ શકે છે. પ્રાર્થના વખતે હરહંમેશ ઈશ્વરને કહેવું જોઈએ કે, હે પ્રભુ ! અમને તમારી વધારે ને વધારે પાસે લેતા જાઓ. અમારા હૃદયને શુદ્ધતર બનાવો. ને અમારું જીવન સત્યમય બનો. સંસારની પ્રવૃત્તિમાં અમે તમને કદી પણ ભૂલીએ નહીં.

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer