|
ધરમપુર
તા. ૩૦ નવે. ૧૯૪૫
પ્રિય નારાયણ,
કાલે અહીં આવ્યો છું. અહીંથી તારો પત્ર મનુભાઈએ સોલન મોકલ્યો છે તેથી તે મને
મળી શક્યો નથી. પરંતુ તેની વિગત જાણવા મળી છે.
ઘણું જ વિચિત્ર થયું ને તદ્દન અણધાર્યું. આવું કોણે ધારેલું
?
તમને બંનેને બહુ જ દુ:ખ થયું હશે. પણ એમાં ઉપાય શું છે
?
ઈશ્વરે જે કર્યું છે તે સારું જ કર્યું છે એમ માની દુ:ખનો ઉત્તર વાળવો જોઈએ એ જ
યોગ્ય છે. ઈશ્વરની લીલા ઘણી વિચિત્ર છે. ઘણીવાર તે આનંદદાયક તો કોઈ વાર
દુ:ખદાયક નીવડે છે. પણ ઈશ્વરનિષ્ઠ પુરુષે તે બંનેમાં સમાન રહીને શાંતિ ગ્રહણ
કરવી જોઈએ ને પોતાની અહેતુકી નિષ્ઠામાં ખામી આવવા દેવી જોઈએ નહીં.
જે ગયું છે તે પાછું ક્યાંથી આવવાનું છે
?
ને પાછું આવવાનું છે તે પણ હંમેશને માટે થોડું આવવાનું છે
?
આવવા જવાનો ક્રમ તો સૃષ્ટિનો ક્રમ, સ્વભાવ છે. જ્યાં આવવાનું છે ત્યાં જવાનું
પણ છે. એટલે આવનારને માટે જે તૈયાર હોય ને પ્રસન્ન થાય તેણે જનારને માટે પણ
તૈયાર રહેવું જોઈએ. આ નિયમ છે.
આખરે ઈશ્વરની વસ્તુ ઈશ્વરે જ લઈ લીધી છે ને
?
તેમાં હર્ષશોક શો ?
તેણે આપેલું તે તેના જ હાથમાં ગયું છે. હું જાણું છું કે માણસનું હૃદય આટલો
આઘાત સહેવા હંમેશાં તૈયાર નથી હોતું, ને તેમાંયે જ્યારે તે આકસ્મિક આવી પડે છે
ત્યારે તો એક કુઠારાઘાત બને છે, પરંતુ તે વખતે પણ લાગેલા ઘાને રુઝાવવા માણસે આ
જ રીતે પ્રયત્નશીલ થવું જોઈએ.
*
પાછા લાવી આપવાની વાત લખી છે તે વિશે મનુભાઈએ કહ્યું. પણ એવી તાકાત અત્યારે
ક્યાં છે ?
એકાદ રામકૃષ્ણદેવ ધારે તો તેમ કરી શકે. પણ આપણે કાંઈ તેવા થોડા જ છીએ
?
તેમની શક્તિ તો અગાધ હતી. તે તો સર્વ સમર્થ હતા. પણ તેય આવું કરે કે કેમ એ શંકા
છે. કેમ કે તેમના જ સ્વરૂપ જેવા ભગવાન બુધ્ધે આ વિશે જુદું જ કર્યું છે.
આપણે માટે પણ આ જ માર્ગ છે. પુત્રના દુ:ખથી એટલો શોક ના થવો જોઈએ, જેટલો
ઈશ્વરના દર્શન ના થવાના દુ:ખથી. સાંભળ્યું છે કે નરસિંહ મહેતાના પુત્રને પણ
યુવાવસ્થામાં જ વિદાય થવું પડ્યું હતું. જ્યારે બાળક જ હોય ત્યારે કોઈ અદૃશ્ય
થઈ જાય તો તેટલું દુ:ખ ન પણ લાગે જેટલું યુવાન બાળકને લીધે. છતાં તે ભક્તાત્માએ
તો હસતાં હસતાં આ સહન કર્યું....ને ઉપરાઉપરી તેવા આઘાત થવા માંડ્યા ત્યારે પણ
‘ભલું
થયું ભાગી જંજાળ’
કરીને જ વધાવ્યા. આપણે આવી રીતે ગાઈ ના શકીએ. પરંતુ એટલી તો આશા રાખી જ શકીએ કે
ઈશ્વરે જો એક ગૌરાંગને લઈ લીધો હશે તો તે સારાને જ માટે. ને આપણે ઈચ્છીએ કે
એકાદ ગૌતમ (બુદ્ધ) આપવાને જ માટે.
|