Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અનુભવના અગ્નિમાં કંચન
 

 

પ્રેમ કદી મરતો કે મારતો નથી. તે તો સદા જીવે છે ને જીવાડે છે. જે તેને ચાખી લે તેને તે અમર બનાવે છે.

                                                
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

                                                          

દેવપ્રયાગ

તા. ૧૦ એપ્રિલ, ૧૯૪૫

પ્રિય નારાયણ,

પત્ર બે દિવસ થયાં મળ્યો છે. વાંચી ખૂબ આનંદ રહ્યો. બેને પણ લખ્યું છે તે ઘણા જ આનંદની વાત થઈ. હવે શરીર તેનું સારું હશે. પણ દુ:ખ તે શા માટે લગાડે છે ? રડે છે પણ શા માટે ? ઈશ્વર જે જે પ્રસંગ આપે છે તે તે કોઈ ગૂઢ શિક્ષાને માટે હોય છે. તે તે પ્રસંગથી મનુષ્યની કચાશ મટી જાય છે. અનુભવના અગ્નિમાં તે કંચન બને છે. બેન પોતાની દૃષ્ટિને વધારે ખોલી દે ને જે દેખાય તે સર્વ બાળકોમાં પોતાની મમતા જોવાનો પ્રયાસ કરે તો તેને શોક કે દુ:ખ કંઈ જ નહિ થાય.

તેનો પ્રેમ યાદ આવે છે ત્યારે અંતર અગમ્ય ભાવ અનુભવે છે. તેનામાં ઘણા ઊંચા ને વિરલ સદગુણો છે, ને સમય પર તેને કેળવીને જીવન કે આત્માની શાંતિ તે જરૂર પ્રાપ્ત કરી શકશે એવી તેની ભૂમિકા છે. હરેક માણસને સાધના કરવાની હોય જ છે એમ નથી. કેટલાક આત્મા આ સૃષ્ટિમાં અનુગ્રહ-સૃષ્ટિના હોય છે. તેમનામાં પ્રેમ હોય છે, હૃદયની નિર્મળતા ને ભારી શ્રદ્ધા હોય છે, ને આ જ શક્તિને બળે તેમના પર ઈશ્વરનો અનુગ્રહ યથા સમયે થાય છે. તું ને સરસ્વતી આવા આત્માઓ છો. સંસારના વ્યવહાર તારી આત્મોન્નતિની આંતર અભિપ્સાને દબાવી કે તોડી શકશે નહિ. વ્યવહારથી તેની ભૂમિકા વધારે ને વધારે નિર્મળ બનતી જશે, અને એક કાળે એ અભિપ્સા પૂર્ણાંશે પ્રકટી નીકળતાં શાંતિ મળશે જ મળશે.

આ દુનિયામાં મને કોઈ પણ વસ્તુ પ્રત્યે વધારે માન હોય તો તે પ્રેમ છે. સ્ત્રી હો કે પુરુષ, કીટ હો કે પતંગ, પ્રેમનો પવિત્ર પ્રવાહ મને જ્યાં પણ માલુમ પડે છે ત્યાં મારું હૃદય નમી પડે છે, ને એક દેવતાની જેમ તેની પૂજા કરવામાં ગૌરવ ગણે છે. કેમ કે મારું દૃષ્ટિબિંદુ આવું છે, ને જીવનના પ્રભાત કે ઉષઃકાલથી જ હું આ મનોવૃત્તિનો બનેલો છું, પ્રેમ મારા જીવનમાં વારંવાર કે સતત એ રીતે પ્રકાશે છે જેમ આકાશના આ તારા, અથવા તો જંગલમાં ચમકનારા પેલા જીવંત દીપ જેવા આગિયા. પરંતુ આગિયાનો જે પ્રકાશ તેને પોષે છે તે જ તેને મારે છે એમ કહેવાય છે. તેમ આ પ્રેમના સંબંધમાં નથી. કેમ કે હું નક્કી માનું છું કે પ્રેમ કદી મરતો કે મારતો નથી. તે તો સદા જીવે છે ને જીવાડે છે. જે તેને ચાખી લે તેને તે અમર બનાવે છે. પરંતુ આજે દુનિયામાં પ્રેમનું દર્શન કરવા જાઓ તો દ્વારે દ્વારે ભટકવું પડશે. આજે તો પ્રેમને નામે કામ કે મોહ જ વધારે છે. પ્રેમમાં ને ઈશ્વરમાં કાંઈ ભેદ નથી, એ જો બરાબર હોય, ને બરાબર જ છે, તો ઈશ્વરની જેમ પ્રેમ પણ માણસને સુખ, શાંતિ ને આનંદ પ્રદાયક હોવો જોઈએ, બંધનથી મુક્ત કરી સૃષ્ટિમાં રહેલા પોતાના સમગ્ર સ્વરૂપનું અનુસંધાન કરાવનારો હોવો જોઈએ. ને જ્યાં આથી વિપરીત દેખાય ત્યાં તેને કામ જ માનવો જોઈએ. મારું મંતવ્ય છે કે જો આ પ્રેમને માણસો પૂજતાં થયાં હોત તો ઈશ્વરને પૂજવા જેટલો જ લાભ થાત, ને જીવનમાં કેટકેટલાં જટિલ દુ:ખો, દુનિયાના કેટકેટલા જટિલ પ્રશ્નો, કેવલ પ્રેમમાંથી ઉકલી જાત. પરંતુ વાસનાના પ્રભાવે, રૂઢિજન્ય ભાવોને કારણે કે બીજા કોઈ કારણે આપણે આ પ્રેમને તુચ્છ માનતા થયા છીએ. ને તેથી જ શાંતિ, સુખ કે આનંદની વેદના જાગે છે ત્યારે પ્રેમના સંબંધોને નિરર્થક ને સ્વલ્પ ગણી સાધનાના કરાલ માર્ગે દ્રાવિડી પ્રાણાયામ કરીએ છીએ. આ પ્રેમને આપણે સમજી જઈએ તો કેટકેટલો આનંદ થાય ! સ્ત્રી એ આ પ્રેમનું મધ્યવર્તી બલ-ભંડાર જેવું સ્વરૂપ છે, ને તેથી જ મારે મન પ્રેમમયી સ્ત્રી એક માતા છે, દેવી છે, પૂજા કે સન્માનની વસ્તુ છે. બીજાની જેમ મારે મન તે કોઈ કારણસર, કોઈ વાર હેય નથી. હેય છે તે કેવલ મનુષ્યની મલિન બુદ્ધિ, બૂરી વાસના, જે પરમેશ્વરીના રૂપમાં રહેલી સ્ત્રીને ઓળખી શકતી નથી. જે સાધના સ્ત્રીને રૂકાવટ માને છે તે પોતે પાંગળી છે, ત્રુટિપૂર્ણ છે, એમ હું માનું છું.

આ દુનિયામાં જેમ ઘોર આસક્ત જીવો છે તેમ મહાન બડભાગ પ્રેમાત્માઓ પણ, ભલે રણના કોઈ રણદ્વીપ જેવા વિરલ છે, જે કોઈ ધન્ય ક્ષણે મળી જાય છે. ઈશ્વરની દયાથી મને આવા પ્રેમાત્માઓ સાથે અનેકવાર સંપર્ક થાય છે. આહા, પ્રેમ કેવી વસ્તુ છે ! જીવનની આવી અનુભૂતિમાંથી તે જાણવા મળે છે.

*

ભારતની તેમ જ સૃષ્ટિની સ્થિતિ દિનપ્રતિદિન વધારે જટિલ બનતી જાય છે. મારો ચોક્કસ નિર્ધાર છે કે આજે જે થઈ રહ્યું છે તે ઈશ્વરી સંકેત છે, સૃષ્ટિનો કે ભારતનો પ્રશ્ન આપસી નિરાકરણનો રહ્યો નથી; હવે તો ઈશ્વરની પ્રીવી કાઉન્સીલમાં તેનો કેસ મૂકવામાં આવ્યો છે, ને સમય પર ઈશ્વરની શક્તિથી સૃષ્ટિમાં પ્રકાશ, શાંતિ, સુખ, બધું જરૂર પ્રકટશે. ત્યાં લગી માણસે પોતાની શક્તિનો પ્રયોગ રક્ષા સારું કરતા રહેવું એજ ઉપાય આજે તો છે.

મુંબઈમાં પણ અશાંતિ હતી. હવે ઠીક હશે.

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer