|
દેવપ્રયાગ
તા, ૨ મે, ૧૯૪૭
પ્રિય નારાયણ,
પત્ર મળ્યો. આનંદ. તેવી જ રીતે લખતા રહેવું. ફોટા વિશે વાત જાણી. હવે તો તૈયાર
થઈ ગયા હશે. તો સૂચના પ્રમાણે યાદ રાખી મોકલી દેજે.
બેન સરસ્વતીનું શરીર હવે સારું છે તે આનંદની વાત છે. સરસ્વતી આનંદી છે ને
પ્રેમાળ પણ ખૂબ. નામ પ્રમાણે તો વિદ્યાની દેવી પણ પ્રેમની જાણે તે દેવી જ છે.
તેના જેવી સરલ, પ્રેમાળ, આનંદી સ્વભાવની સ્ત્રીઓ આજે જ્વલ્લે જ મળે. ખરેખર કોઈ
પુણ્યપ્રદ મહાન પૂર્વસંબંધથી જ તમારો બંનેનો મેળાપ થઈ ગયો છે. જેથી જ્યાં અનેક
જગાએ ગૃહસ્થાશ્રમ માત્ર કલુષિત, ઉદ્વેગમય, દુ:ખદ ને પતિપત્નીના માનસ વચ્ચે
તદ્દન મેળ વિનાનો થઈ ગયો જણાય છે, ત્યાં તમારો સંસાર સ્વર્ગમય, પ્રેમમય ને ખૂબ
પ્રસન્ન માલૂમ પડે છે. આ કાંઈ જેવી તેવી વાત નથી. આજના સમયમાં આ વસ્તુ મહાન
આશીર્વાદ જેવી છે.
હું હમણાં ૫-૬ દિવસ માટે અહીંથી છ માઈલ દૂર આવેલા દશરથાચલ નામે પહાડ પર નિવાસ
કરવા ગયો હતો. આ પહાડ ૮૦૦૦ ફીટ ઊંચાઈ પર છે ત્યાંથી સારોયે હિમાલય હિમાચ્છાદિત
ધવલ રૂપમાં અર્ધચંદ્રકાર રીતે દેખાય છે. ઊંચા ઊંચા ચીડનાં અનેક ઝાડ ને ઘોર જંગલ
વિના ત્યાં બીજું કશું નથી. પાણી માટે લગભગ ૦॥
માઈલ દૂર એક ઝરણ છે. કોઈ જમીનદારનું એક બે-ત્રણ ઓરડીવાળું પુરાણું પહાડી મકાન
છે. તે વિના બીજી કોઈ વસ્તી નથી.
૧૯૪૩
માં મનુભાઈ સાથે ત્યાં નિવાસ કરેલો તે પછી આ વરસે ફરીવાર જવાનું થયું. પણ અમુક
કારણોસર વધારે દિવસ રહેવાની ઈચ્છા છતાં ત્યાં રહી શકાયું નહિ. આવા સ્થાનમાં
થોડો સમય એકાંત નિવાસ કરવાથી ખૂબ ખૂબ લાભ થાય છે. એકાંતનો ખરો આનંદ આવા
સ્થળોમાં જ મળી શકે છે. અને એકાંત માણસના વિકાસને માટે ખૂબ ખૂબ જરૂરી છે. જેને
આત્મજ્ઞાનની ઉચ્ચોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવી છે, ક્ષણિક વાસના કે વિષયસુખથી પર
થઈને જેણે આત્માનંદના અમર આસન પર પલાંઠી મારવી છે, તેણે એકાંત સેવન કર્યે જ
છૂટકો છે. ચિત્તની એકાગ્રતા કે ધ્યાનને માટે તો એકાંત એક ઔષધિ જ છે. એકાંતમાં
સાધના ઝડપી બની જાય છે, અને એવા કેટલાય દોષો જેની નિવૃત્તિ સંસારમાં થતી નથી.
તે એકાંતમાં તરત શમી જાય છે. મહાન પુરુષો કે યોગીઓએ એકાંતવાસથી કેટલી
ચમત્કારભરી આત્મશક્તિ મેળવી છે તે વાત ઈતિહાસ બતાવે છે. આ જ મહાન પુરુષોએ
સૃષ્ટિને પ્રેરણા પાઈ છે ને યુગો આગળ ધકેલી દીધી છે. સંસારમાં રત માણસને પણ
એકાંતની તેટલી જ જરૂર છે. ઈન્દ્રિયવાસના, કામના, લાલસા વગેરે કેટલીયે દુષ્ટ
વૃત્તિઓ જે માનવને દાનવ કરે છે તે એકાંતના અદભૂત આનંદથી મટી શકે છે, ને માણસને
એ શક્તિ ને પ્રેમનું પાન કરાવે છે, જે તેને દેવ બનાવી દે છે. એટલા જ માટે
પ્રવૃત્તિશીલ માણસે પણ પોતાની પ્રવૃત્તિનો થોડો ભાગ પણ નિવૃત્તિ માટે ગાળવાની
ખૂબ જરૂર છે. સુંદર એકાંત સ્થળે થોડો સમય પણ રહેવાની ખાસ જરૂર છે. સંસારની
પ્રવૃત્તિ માટે આ એકાંત તેને વધારે દૃઢતા ને વધારે બળ આપશે એ નિર્વિવાદ છે. |