Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

મેરે તો ગિરિધર ગોપાલ
 

 

જે આ સંસારને જ સર્વકાંઈ સમજીને તેમાં સાકર પરની કીડીની જેમ આસક્ત થવાને બદલે તેના વિધાતા એવા ઈશ્વરમાં આસક્ત થવા માટે જ સંસારનો ઉપયોગ કરે છે, તે સંસારમાં જીતી જાય છે.

                                                
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

                                                          

દેવપ્રયાગ

તા. ૧૭ ઓગસ્ટ, ૧૯૪૭

પ્રિય નારાયણ,

પત્ર મળ્યો. મનુભાઈ તથા કનકબેન તા. ૧૪મી એ ધરમપુરથી રાજકોટ જવા રવાના થયાં છે એવો પત્ર હતો. તેમનો વિચાર હમણાં રાજકોટથી થોડે દૂર એક ગામ છે ત્યાં રહેવાનો છે. તબિયત સારી છે છતાં હજી પૂર્ણ આરામની જરૂર છે. બેન કનકની તબિયત જરા અસ્વસ્થ રહેતી હતી ને તાવ આવતો હતો તેથી મનુભાઈને વહેમ આવ્યો કે ટી.બી. નો ચેપ પણ લાગ્યો હોય. આને લીધે તેમને માનસિક સંતાપ ઘણો થયો. ત્રણ ચાર ડોકટરોની વારંવારની તપાસ ને પરીક્ષા પછી તેમને ખાતરી થઈ કે તાવનું કારણ કોઈ બીજું જ -લોહીની ફીકાશ છે, તથા ટી.બી.ના વહેમ માટે જરાય સ્થાન નથી. ઈશ્વરકૃપાથી આમ તેમને મોટી આફત ટળી ગઈ લાગી, મનને શાંતિ થઈ, ને હવે ધરમપુરના ખૂબ ખર્ચાળ વાતાવરણમાં વધારે ના પોસાય, માટે આર્થિક દૃષ્ટિએ તેમણે રાજકોટ જવાનું ઠરાવ્યું છે.

ઈશ્વરની કૃપા એટલી અનેરી છે કે જેના પર તે થઈ હોય છે કે થતી હોય છે તેવા માણસોની પણ કોઈક વાર ખૂબ ખબર લે છે. સામાન્ય રીતે માણસ એમ જ માને છે કે લૌકિક રીતે સુખ લાગે તો જ ઈશ્વરની કૃપા છે. સંકટ, દુ:ખ કે વિપરીત પરિસ્થિતિમાં તેમની ઈશ્વરનિષ્ઠા ડગી જાય છે, ને ઈશ્વરની અવકૃપાનો તેમને ભાસ થાય છે. પણ આ એક અજ્ઞાન માત્ર છે. લૌકિક રીતે કેવલ સુખ જ જરૂરી છે એમ માનવું તદ્દન સાચું નથી, ને ઘણી વાર સુખને માટે દુ:ખની જરૂર પણ પડે છે એ એક સત્ય વસ્તુ છે. આમ સમજનાર પુરુષ કદી દુ:ખમાં ડગતો નથી. તે ઉપરાંત જેનો એવો વિશ્વાસ છે કે ઈશ્વર સર્વ કાંઈ મંગલ જ કરે છે, તે દુ:ખ કે કષ્ટમાં પણ મંગલતાનું દર્શન કરે છે તથા ઈશ્વરનું કંઈક રહસ્ય સમજે છે. દુ:ખમાં તેની શ્રદ્ધા ડગી જતી નથી. ઈતિહાસમાં આપણે જોઈએ છીએ કે ઘણાયે મહાન ભક્તોને માથે ખૂબ જ વિપત્તિ પડી છે. નરસિંહ ભગત, મીરાં, તુકારામ, જ્ઞાનેશ્વર એ બધાને લૌકિક જીવનમાં અનેક વાર વિપત્તિ પડી છે, પરંતુ ફેર એ જ છે કે તેમની શ્રદ્ધા સાચી હતી, અનુકૂળ કે પ્રતિકૂળ હરેક પરિસ્થિતિમાં તે ઈશ્વરી કૃપાનું દર્શન કરતા હતા, ને તેથી જ વિપત્તિએ તેમની ઈશ્વરી નિષ્ઠામાં અગ્નિમાં ઘીના જેવું કામ કર્યું છે. નહિ તો જ્ઞાનેશ્વરનો તે વખતના બ્રાહ્મણ સમાજે જેટલો અનાદર કર્યો હતો, તેટલો બીજાનો ભાગ્યે જ કર્યો હશે. નરસિંહ ભગતને માથે તો મોતની નોબત આવી ગઈ હતી. ને સારી રાત ભગવાનના મંદિરની બહાર તેમને બેસવું પડ્યું હતું. છતાં તેમની શ્રદ્ધા ડગી નહિ, ને ભગવાને મંદિરના બંધ દ્વારમાંથી પણ તેમને હાર પહેરાવ્યો. મીરાંના ઈતિહાસ પરથી સંસારમાં તે દુઃખી જ લાગે છે, પણ તેનું એકમાત્ર સુખ એક સાચા ભગવદ્ ભક્તની જેમ ઈશ્વરનો પ્રેમ હતો, ને તેથી જ જે દુઃખની આગળ કોઈ પણ માણસ ભગવાનને ગાળો દેવા બેસે ત્યાં તેણે મેરે તો ગિરિધર ગોપાલ કહીને પ્રેમનો જ સંબંધ જ વધાર્યો. ઈશુને તો શૂળી પર ચઢવું પડ્યું, ને તે વખતના સમાજે તેનું જે અપમાન કર્યું તે તો અભૂતપૂર્વ ને ભયંકરમાં ભયંકર કહેવાય. છતાં તેણે ધાય વીલ બી ડન કરીને બીજાની મંગલ કામના જ કરી છે. કેમ કે સાધારણ માણસને મન મૃત્યુ એ અભિશાપ કે દુઃખનું કારણ છે, પરંતુ ઈશુને મન તે વરદાન હતું, ઉત્સર્ગ હતો, ઈશ્વરની ઈચ્છા હતી. ને તેથી જ તે તેને સુખરૂપ થઈ ગયું. આવું કૃપા દર્શન, આવી દૃઢ શ્રદ્ધા, ઈશ્વરમાં પરમ પ્રેમ ના જાગે ત્યાં લગી આવી શકતી નથી. ને તે વિના ઈશ્વરનું દર્શન શક્ય પણ નથી. એટલે જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં ઈશ્વરી રહસ્યનું દર્શન કરતા રહેવાનો પ્રયાસ કરવો એ મુખ્ય વસ્તુ છે.

આપણે જે કંઈ કરવાનું છે તે સંસારમાં રહીને જ કરવાનું છે. સંસાર એક એવી મોટી યુનિવર્સિટી છે કે ધારીએ તો તેમાંથી ઘણું ઘણું શીખી શકીએ. આસુરીમાંથી દૈવી સંપત્તિની પ્રાપ્તિ, કામ-ક્રોધાદિ પર વિજય, મન-ઈન્દ્રિયનો સંયમ, અનેકમાં એક ઈશ્વરની ઝાંખી, આ બધું સંસારમાં થઈ શકે છે. વિકાસ ને પતન બંને માટે સંસારમાં અવકાશ છે. કેમ કે તેમાં બંને પ્રકારનાં અનુકૂળ ને પ્રતિકૂળ તત્વો ભરેલાં છે. જેનામાં દૃઢ નિશ્ચય છે, નિશ્ચિત આદર્શ છે, હરહંમેશ જે જાગ્રત છે, જે સદા આત્મપરીક્ષણ કરીને પોતાની ત્રુટિઓને જુએ છે, ને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહે છે, જે ઈશ્વર પર શ્રદ્ધા રાખી ઈશ્વરની પાસે પહોંચવા યથાશક્તિ પ્રયાસ કરતો રહે છે, તેમ જ જે આ સંસારને જ સર્વકાંઈ સમજીને તેમાં સાકર પરની કીડીની જેમ આસક્ત થવાને બદલે તેના વિધાતા એવા ઈશ્વરમાં આસક્ત થવા માટે જ સંસારનો ઉપયોગ કરે છે, તે સંસારમાં જીતી જાય છે. તે વિકાસ કરી શકે છે. બાકી જે બાહ્ય રૂપરંગમાં રત, સ્ત્રી, ધન ને કેવલ બાહ્ય પદાર્થોમાં આસક્ત હોય તે સંસારની સાચી બાજી હારી જાય છે, ને એક ઠોઠ નિશાળિયાની જેમ હતપ્રભ થઈને સંસારથી વિદાય લે છે. શું એ આશ્ચર્ય નથી કે કોઈ માણસને પૂર્ણ સુખ, પૂર્ણ આનંદ ને પરમ શાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છા થતી નથી ? શું એ અચરજ નથી કે જ્ઞાની ને પંડિત, ધની ને પ્રતિષ્ઠાપ્રાપ્ત પણ કેવળ સ્ત્રી, ધન ને બાહ્ય પદાર્થમાં જ આસક્ત છે ? જન્મ-જરા-મૃત્યુ ને વ્યાધિ પર વિજય મેળવવા જીવનમાં ક્ષણે ક્ષણે દર્શન થઈ રહ્યું છે કે પોતાની શક્તિ સીમિત ને પોતાનું સર્વ કંઈ પરિમિત છે, છતાં તેમાંથી અપરિમિત શક્તિને ત્યાગ ને અનાસક્તિ તથા સાધના દ્વારા પ્રાપ્ત કરવા, કોઈને તાલાવેલી જાગતી નથી એ શું અજાયબી નથી ? ખરેખર આવી ઉત્કટ કે તીવ્ર ઈચ્છા જાગ્યા વિના મનુષ્ય પામર છે. આ બઘુંયે સંસારમાં જ થઈ શકે છે, ને તે થઈ શકે છે તીવ્ર ઈચ્છા, સતત પ્રયાસ ને પવિત્રતા, અનાસક્તિ તેમ જ ઈશ્વરની પરમ ઉપાસના દ્વારા. પરંતુ સંસારનો આવો અનુકૂળ ઉપયોગ કરનારા મનુષ્યો બહુ ઓછા માલૂમ પડે છે. દયારામ કહે છે જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

*

ભારતની દશા દિનપ્રતિદિન બગડતી ચાલે છે. વિભાજન થવાથી તો સ્થિતિ તદ્દન ઊલટી ને બૂરી થઈ ગઈ એમ લાગે છે. હવે આગળ પર શું થશે એ કલ્પવું ખૂબ મુશ્કેલ છે. છતાંયે ભારતની ભગ્નદશાને ભારતવાસી વધારે વખત સાંખી નહિ જ શકે. ટૂકડા થવા છતાં પણ ગુંડાશાહી ને અત્યાચારનો અંત આવ્યો નથી. સાંપ્રદાયિકતાની જે જૂઠી નીંવ પર આજે ભારતનું વિભાજન થઈ રહ્યું છે તે તોડીને ભારતને ફરી એક અને અખંડ કરવું જ પડશે. આ વિશે વધારે નહિ લખું. તે પ્રમાણે કોઈ આધ્યાત્મિક શક્તિપ્રાપ્ત પુરુષ, જેના દિલમાં ભારતીય એકતા ને અખંડતાની શ્રદ્ધા હોય તેની જરૂર છે. મારો વિશ્વાસ છે કે સમય પર ઈશ્વર એ કાર્ય જરૂર કરશે.....આજે તો હું આ નિર્જન પહાડોમાં પ્રાર્થનામય દિવસો પસાર કરું છું. શું કરવું ને શું ના કરવું તે ઈશ્વરના હાથની વાત છે. છતાં મારો પોકાર તેને સદા સંભળાવતો રહું છું, ને શ્રદ્ધા છે કે બીજા બધાયે પોકારોની જેમ આ પણ સાચો ઠરશે. આજે તો આજ લાલસા છે કે દુ:ખથી તપેલાં મનુષ્યો-પ્રાણીઓનાં દુ:ખ દૂર હો ! જે ઈશ્વર મૂંગાને પણ વાચાળ કરી દે છે, પંગુને પણ પર્વત ઓળંગવાની શક્તિ દઈ દે છે, તેને માટે અશક્ય કશું જ નથી. ને આપણા હૃદયમાં ઊઠતો હરેક વિચાર એ સર્વસમર્થ ઈશ્વરની જ કૃપાપ્રસાદી છે એ શું સત્ય નથી ?

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer