Invaluable guide for spiritual aspirants

 

હિમાલયના પત્રો

 

Collection of Letters written by Shri Yogeshwarji

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

જીવનનું સુખ
 

 

ડર ત્યાં જ છે જ્યાં અસત્યનો પ્રભાવ છે. સત્ય છે ત્યાં ડર નથી. ત્યાં તો સદા અભય છે.

 
- શ્રી યોગેશ્વરજી

 

< Back | Index | Next >

                                                          

વડોદરા

તા. ૧૨-૧-૧૯૪૭

ભાઈ,

કેટકેટલા દિવસ થયા ! છેક આજે પત્ર લખી શકું છું. તે તરફ આવવાનું નિશ્ચિત નહોતું એટલે લખવાનું ઠીક પડતું નહિ.

તારો આ પહેલાંનો પત્ર મળ્યો છે. વાંચીને આનંદ થયો છે. બેને તારે માટે લખ્યું છે કે ના, ભાઈ ખૂબ જ પવિત્ર માણસ લાગે છે. તે અક્ષરશઃ સત્ય છે. ને હજી તો તેને તારો પૂરો પરિચય નથી. બાકી તારામાં જે વસ્તુઓ છે તે બધી ખૂબ ખૂબ મહાન છે, એમાં સંશય નથી. બેનનું હૃદય કેટલું દૈવી છે ! વિકારની તેમાં ગંધ ન મળે. સ્વાર્થની વાસ નહિ. પ્રેમ જ્યારે પાર્થિવતાથી પર થઈને પોતાના મૂળ સ્વરૂપે પ્રકટ થાય છે ત્યારે તેનું સ્વરૂપ કેટલું વિશાળ, મહાન ને પવિત્ર હોય છે, તે આ મહાન આત્મામાંથી આપણને જાણવા મળે છે. ને ત્યારે જ સમજી શકાય છે કે પ્રેમ પણ એક એવી વસ્તુ છે, એવી સાધના છે, જે પરમેશ્વરનું દર્શન કરી શકે છે, જેનો પરમેશ્વરની સાથે અભેદ છે. આજના સમયમાં આવી મહાન પ્રેમભાવના ક્યાં હશે ? એ અલૌકિક પ્રેમ પૂજાને પાત્ર છે એમાં લવલેશ સંશય નથી.

આવવાનું હજુ નક્કી નથી. પણ ઈશ્વરેચ્છા હશે તો ત્રણચાર દિવસમાં આવી શકાશે. મનુભાઈની એવી ઈચ્છા છે.

જીવનનું સુખ કેવળ ઈશ્વરમાં જ છે. ઈશ્વર જ જીવનનો આનંદ છે. ઈશ્વરને માટે જે મહાન પુરુષોએ સંસારમાંથી હાથ ધોઈ નાખ્યા તેમનો વિચાર કરીએ તો આજનો વ્યવસાયી માણસ કેવો લાગે છે ? જે મહાન શક્તિ, જે મહાન શરીર ને તક માણસને મળી છે તેનો ઉપયોગ કરી લેવામાં જ માણસાઈ છે. પણ દુનિયામાં આજે લાખો માણસો છે જે જીવન વિશે વિચારતા પણ નથી. જીવન શું ને તેનો ઉપયોગ શો, તેનું ધ્યેય શું, એ તેમની સમજ બહાર છે. બાહ્ય જીવનના રસ ને જીવનકલહ (સ્ટ્રગલ ફોર લાઈફ)માં જ તેમની શક્તિ સમાઈ જાય છે. આ લોકો ભુલભુલામણીમાં છે ને રતનને ખોઈ નાખે છે. એક દિવસ હતો જ્યારે સિદ્ધાર્થને જન્મ, મૃત્યુ, જરા ને વ્યાધિનાં દુ:ખ દેખાયાં હતાં. તેનો ઉપાય શોધવા તેણે નિશ્ચય કર્યો હતો. આજે પણ એ વસ્તુઓ છે. આપણી આંખે તે દેખાય છે, પણ સિદ્ધાર્થની ભાવના આજે કેટલાકમાં ઊઠે છે ? જે કંઈક સમજે છે તે તો તેથીયે કફોડું જીવન જીવે છે. મૂર્ખ રહેવું સારું છે, પણ સાચી વાતને જાણ્યા ને સમજ્યા પછી તેનું આચરણ ના કરવું, તેના અનુભવના સુખથી વંચિત રહેવું એ તો ખૂબ જ દયાજનક છે. એના મૂળમાં બે વાત છે. એક તો સમજે છે તેને આચરવાની નૈતિક હિંમત માણસમાં નથી, ને બીજું જે જાણે છે તેમાં તેનો પૂરો વિશ્વાસ નથી. પૂરો વિશ્વાસ હોત, તેની પૂરી જરૂર તે સમજત, તો તેને માટે મરી ફીટવાની હિંમત પણ તેનામાં આવત, ને તે વિના તે રહી જ ના શકત. આજે આવો વર્ગ પણ ઓછો નથી. એક રીતે કહીએ તો પ્રથમ વર્ગથી પણ વધારે છે. ને આપણા કેટલાંયે વિખવાદ, આપણાં કેટલાંયે દુઃખ આ જ મૂળમાંથી આવ્યા છે, આ જ કારણમાંથી જન્મ્યાં છે; વિચાર ને આચારની એકતાનો અભાવ.

પરંતુ આચાર એ જ સુખ છે, જીવન છે, એમ સમજીને માણસે આચારશીલ બનવા વધારે ને વધારે પ્રયાસ કરવો જોઈએ, ને તેવા આચારમાં ધર્મ, દેશ, જાતિ કે દુનિયાની બીજી કોઈ શક્તિનો ડર રાખવો જોઈએ નહીં. ડર ત્યાં જ છે જ્યાં અસત્યનો પ્રભાવ છે. સત્ય છે ત્યાં ડર નથી. ત્યાં તો સદા અભય છે. આધ્યાત્મિક કે સાધનાની પરિભાષામાં આ વસ્તુને મુમુક્ષુત્વ કે લગન અથવા તીવ્ર ઈચ્છા કહેવામાં આવી છે. અને આ જ વસ્તુને કેળવવાની સાધકને જરૂર છે.

મનમાં દૃઢ નિર્ણય થઈ જવો જોઈએ કે વ્યાધિ, મૃત્યુ કે જરામય જીવનમાં ને પાર્થિવ વિષયોના જગતમાં સાચું કે સનાતન સુખ હોઈ શકે નહીં, ને તેથી તેને જ સર્વકાંઈ સમજી લેવું એ ભ્રમણા છે. એથી રહિત જે પરમ પવિત્ર અવસ્થા-ઈશ્વર, તે જ સત્ય છે, ને તેની પ્રાપ્તિ ને વહેલામાં વહેલી પ્રાપ્તિ એ જ જીવનની સાર્થકતા છે. આવો દૃઢ નિરધાર હશે. ત્યાં સંસાર કે શરીરનો મોહ ફરકી પણ શકશે નહીં. વિકાસના માર્ગ બધા જ ખુલ્લા થઈ જશે, સમય કે સંજોગો અનુકૂળ બની જશે, ને સમય આવશે જ્યારે શાશ્વત સ્થાનને આસને માણસ પ્રતિષ્ઠિત બની જશે. આ જ જીવનનું લક્ષ છે એ હરહંમેશ ધ્યાનમાં રહી જશે તોય અવનવીન પરિવર્તન ને લાભ થતો જશે.

શરીર સારું હશે. જે યાદ કરે તેમને પ્રેમ.

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના પત્રો'માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer