Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

. સત્યાગ્રહની ઝાંખી

 

મારે મુંબઈના આશ્રમમાં રહેવાનું થયું તે વખતે દેશમાં આઝાદી માટેની લડત ચાલતી હતી. પાછળના વરસોમાં તે લડત વધારે ને વધારે ઉગ્ર બનતી થઈ તે જાણીતું છે. ગાંધીજી મુંબઈ આવતા ત્યારે હજારો લોકો તેમના દર્શન માટે ભેગા થતા. ચોપાટી પર દેશના મહાન મનાતા નેતાઓની હાજરીમાં સભા થતી, સરઘસ નીકળતાં ને જુદા જુદા નેતાઓનાં પ્રવચનો ચાલતાં ત્યારે તે જોવાની મને તક મળતી. તેથી મને આનંદ થતો. એક વરસ તો જરા અનેરી રીતે પસાર થઈ ગયું. તે વરસે ગાંધીજી લગભગ અઠવાડિયા સુધી રોજ સવારે અમારા આશ્રમનાં વિશાળ મેદાનમાં પ્રાર્થના કરવા આવ્યા. તેમની સાથે જાણીતા નેતાઓની મંડળી પણ હતી. એ જ અરસામાં એક સવારે એ આશ્રમમાં પ્રાર્થના કરવા આવતા હતા ત્યારે જ તેમની ધરપકડ પણ થઈ. મુંબઈનું સ્થાન દેશમાં ઘણું મહત્વનું છે. રાજકીય દૃષ્ટિએ પણ તેનું મહત્વ ઓછું નથી. તે વરસોમાં પણ મુંબઈની બોલબાલા ઘણી હતી. તેની તરફ આખા દેશનું ધ્યાન રહેતું એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. એટલે એ વરસોમાં મુંબઈમાં રાજકીય પ્રવૃત્તિનું પ્રમાણ ઘણું વધારે હતું ને સમસ્ત દેશની તેના પર નજર રહેતી. મારી અવસ્થા તે વખતે છેક નાની હતી. દેશની સ્વતંત્રતા માટે થઈ રહેલી સત્યાગ્રહ અને અસહકારની લડતને સમજાવનાર કોઈ ન હતું. કોંગ્રેસ સંસ્થા અને એના હેતુ વિશે મને સમજ ન હતી. તે વખતની બુદ્ધિ કાચી કહેવાય, તો પણ જો આશ્રમ અથવા તો શાળાના સંચાલકોએ સહેલી ભાષામાં તેની સમજ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો હોત તો અમે તે વિશે સારી માહિતી મેળવી શકત ને સમજવા જેવી સારી વાતોને સમજી પણ શકત. પરંતુ સંચાલકો તે બાબતે તદ્દન ઉદાસીન હતા. પરિણામે અમે એક મોટા લાભથી વંચિત રહી ગયા. પોતાના દેશની વર્તમાન સ્થિતિ કેવી છે ? તેમાં શા દોષ રહેલા છે ? ને તેમને દૂર કરવા માટે કેવા પ્રયાસો થાય છે ? દેશના વર્તમાન નેતા કોણ છે ને કેવા છે ? કોંગ્રેસ ને ગાંધીજી શું છે ને તેમની વચ્ચે શો સંબંધ છે ? સ્વતંત્રતા કોને કહેવાય ને તે કેવી રીતે મેળવવાની છે ? તેની પ્રાપ્તિના પ્રયાસોમાં વિદ્યાર્થીઓ ધારે તો પોતાની  રીતે શો ફાળો આપી શકે ? એ બધા અને એવા જ બીજા જાણવા જેવા મુદ્દાઓની માહિતી અમને સરળ શબ્દોમાં પૂરી પાડવામાં આવી હોત તો ખૂબ આનંદ થાત અને આગળ ઉપર વિશેષ લાભ થાત. નાની ઉમરમાં દેશપ્રેમની વાતો સાંભળવાથી અમારું અંતર પણ દેશપ્રેમથી ઊભરાઈ જાત, ને મોટા થતાં શુધ્ધ ચારિત્ર્યવાળા બનીને દેશના મંગલને માટે કોઈક નક્કર કામ કરી છૂટવાનું ને ભોગ આપવાનો આછોપાતળો પણ સંકલ્પ અમારામાંથી કોઈકના મનમાં પ્રકટ થાત. અંકુરરૂપે ઉગેલા તે સંકલ્પમાથી કળી, ફૂલ ને ફળની કેવી સુંદર સૃષ્ટિ થાત તેની કલ્પના કોણ કરી શકે તેમ છે ? દેશના વર્તમાન નેતાઓના જીવનમાંથી પ્રેરણા મેળવીને અમારામાંથી કોઈ બાળક કે યુવાન પણ આગળ પર દેશસેવક કે નેતા થાત અને એવી રીતે એનું જીવન એને તથા બીજા માટે કેટલું બધું ઉપકારક બની જાત તેની કોને ખબર છે ? બાળપણમાં પડેલા સંસ્કારો વજ્રલેપ જેવા બની રહે છે ને લગભગ જીવનપર્યંત જળવાઈ રહે છે. અમારા સંચાલકો પણ એ વાતને જાણતા હતા છતાં દેશની પરિસ્થિતિ વિશે તેમણે અમને કશી માહિતી જ આપી નહિ. અમારી સાથે બેસવાનો ને વાત કરવાનો પ્રસંગ તે ભાગ્યે જ યોજતા એટલે જીવન સુધારવાની બીજી વાતો પણ ના જાણી શક્યા. આશ્રમજીવન પૂરું થયા પછી લાંબે વખતે મારા પોતાના પ્રયાસથી દેશની પરિસ્થિતિ ને સત્યાગ્રહની લડત વિશે મને થોડી માહિતી મળી શકી. બાકી તે દૃષ્ટિએ જોતાં કહેવું જોઈએ કે જીવનમાં પહેલા વીસ વરસ તો અંધારામાં જ ગયા.

એવી રીતે અંધારામાં રહેવા છતાં પણ મને એટલું તો જણાયું હતું કે ગાંધીજી એક સાચા મહાન પુરુષ કે મહાત્મા છે ને દેશના ભલા માટે કામ કરે છે. અંગ્રેજી રાજ્યનો અંત લાવવાની તેમની ઝંખના છે. તે માટે તે જવું પડે તો જેલમાં જાય છે ને ઘણું ઘણું સહન કરે છે. તે પોતે પવિત્ર પુરુષ છે, તે જાણીને મારા મનમાં ગાધીજી પ્રત્યે માન ઉત્પન્ન થયું. તે સારું જ કામ કરી રહ્યા છે એવી ખાતરી થઈ. તેમનો વિચાર કરીને મને પણ સારા સાચા ને મહાન પુરુષ બનવાની ને બીજાને માટે કામ કરવાની ઈચ્છા થઈ.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer