Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

. પ્રેતની વાત

Watch Gujarati Play based on this chapter of 'Prakash Na Panthe' performed by youths of Toronto.

જુઓ ટોરન્ટોના યુવાનો દ્વારા ભજવાયેલ પ્રકરણનું નાટ્ય રૂપાંતર: પ્રેતનો પ્રસંગ

 

તે વખતે હું એકલો અગાશીમાં સૂઇ રહેતો વાત મેં આગળ કહી દીઘી છે. તેથી કેટલાક વિદ્યાર્થી નવાઇ પામતા. તેનું કારણ જરા જુદું હતું. વાત એમ હતી કે અમારી સંસ્થામાં એક નહિ પણ ત્રણ પ્રેત રહે છે એવી વાત પરંપરાથી વહેતી આવેલી. કોઇ કોઇ વિદ્યાર્થીઓએ એમનો અનુભવ પણ કર્યો હતો. બાબતે સંસ્થામાં રસોઇ કરનાર ત્રણ-ચાર મહારાજ પણ સાક્ષી પૂરવાનું કામ કરતા. વાત એમ હતી કે સંસ્થામાં દર સુદ બારસે લાડુ બનતા. એટલા બધા વિદ્યાર્થીઓના લાડુ સવારે બની શકે નહિ એટલે મહારાજ રાતે જાગીને લાડુ બનાવી લેતા. એક વાર તે પોતાના કામમાં મગ્ન બનીને વાતો કરી રહ્યા હતા ત્યારે રસોડાની બારી પાસે તેમણે એક પારસી ગૃહસ્થને હાથમાં કપડાનું પોટલું લઇને ઉભેલો જોયો. થોડી વારે તે પારસી ગૃહસ્થ રવાના થયો. તે દરમ્યાન એક મહારાજ બેટરી લઇને બધે જોવા માંડ્યાં પણ કાંઇ દેખાયું નહિ. ફકત દુરના નળ પાસેથી કપડાં ધોવાનો અવાજ આવવા માંડ્યો. મહારાજ ત્યાં ગયા ત્યારે ત્યાં પણ કાંઇ ના દેખાયું અને અવાજ પણ બંધ થયો. બીજે દિવસે એ વાત સંસ્થાના વિદ્યાર્થીઓમાં વહેતી થઇ. કોઇને બીક પણ લાગી. કોઇ વિદ્યાર્થીઓએ પોતાના એવા જ અનુભવો વર્ણવ્યા. ખાસ વાત એ હતી કે પ્રેત એક નહિ પણ ત્રણ મનાતા. કહે છે કે સંસ્થાનું મકાન પહેલાં એક મરાઠી બ્રાહ્મણ, એક પારસી ને એક ખ્રિસ્તીનું હતું, ને મરણ પછી તે ત્રણે પ્રેત થયેલા હતા.

એક દિવસ એક સારા ને મોટા વિદ્યાર્થીએ પોતાની વાત રજૂ કરતા મને કહેવા માંડ્યુ, 'હું પણ પહેલા રોજ એકલો ગેલેરીમાં સૂતો. પણ એક દિવસ ભરઉંઘમાં હતો ત્યારે કોઇ મરાઠી જેવો માણસ આવ્યો ને મને કહ્યું કે અહીં કેમ સૂતો છે ? આ સૂવાની જગ્યા નથી. જોજે, કાલથી અહીં સૂઇ ન રહેતો. પછી તે વિદાય થયો. છતાં પણ બીજે દિવસે મેં ત્યાં સૂવાનું ચાલુ જ રાખ્યું. બીજે દિવસે પણ તે આવ્યો ને મને આગલી રાતના શબ્દો ફરીથી કહીને તમાચો મારી દીધો. ને મારી પથારીને ખેંચીને ગેલેરીને બીજે છેડે મૂકી દીધી. પણ ત્યારથી હવે હું બળવાન છું તોપણ ત્યાં સૂતો નથી. મારી હિંમત જ ચાલતી નથી. માટે તમે પણ એકલા અગાશીમાં ના સુશો. બધાની સાથે હોલમાં જ સુજો. તમારા ભલા માટે કહું છું.'

પણ તે ભાઇની વાત મેં ગળે ના ઉતારી. એમની વાત સાંભળ્યા પછી તો મારો એકવાર સૂવાનો રસ ઉલટો વધી ગયો. લગભગ રોજ રાતે પથારીમાં બેસતાં કે આંટા મારતાં હું જોતો કે ભૂત દેખાય છે કે કેમ ? મને થતું કે હું તેને સદુપદેશ આપીને સન્માર્ગે વાળીશ. મેં તેનું કાંઇ બગાડ્યું નથી, તેથી મારે તેનાથી ડરવાની જરીયે જરૂર નથી. તે હશે તોપણ મારી પાસે શા માટે આવશે ? હું તો અહીં બેસીને ઉત્તમ કામ કરી રહ્યો છું. તે વખતે મારામાં નિર્ભયતા ઘણી હતી એટલે હું શાંતિપૂર્વક સૂઇ રહેતો. લગભગ ત્રણેક વરસથી પણ વધારે વખત સુધી એમ ચાલ્યું. પણ એકે દિવસ મેં પ્રેતનું દર્શન ના કર્યું ! જ્યારે મેં સંસ્થા છોડી ત્યારે મારી જેમ એક બીજા ભાઇ પણ મારી જગ્યાએ સૂવા માંડ્યા. પણ બીજે કે ત્રીજે જ દિવસે તેમની પાસે કોઇ માણસ આવ્યો ને તેમને તમાચો મારીને 'અહીં કેમ સૂતો છે' એમ કહીને ઉભો રહ્યો. તે ભાઇ ગભરાટમાં આવી જઇને નીચે હોલમાં પથારી લઇને જતા રહ્યા. તે પછી તેમણે અગાસીમાં સૂવાનું છોડી દીધું. સંસ્થા છોડ્યા પછી મને મળ્યા ત્યારે તેમણે મને એ વાત સંભળાવીને કહ્યું હતું કે 'એવી જગ્યામાં તમે આટલો લાંબો વખત કેવી રીતે સૂઇ શક્યા ? કે પછી તમારા તરફ ભૂતને કોઇ પક્ષપાત હતો ?'

મેં તેમને ઉત્તર આપતા કહ્યું કે, 'ઇશ્વરેચ્છાની વાત છે. બાકી ભૂત સાથે મારે કોઇ સંબંધ કે મિત્રતા થોડી જ છે ? પછી તે મારા તરફ પક્ષપાત શા માટે રાખે ? બાકી તો તે મળે તો ખુલાસો કરી શકાય. મને ઇશ્વર પર શ્રદ્ધા છે. તેથી જ હું ત્યાં સુતો હતો. ઇશ્વર મારી રક્ષા કરે છે એવો મારો વિશ્વાસ હતો. તેણે જ મારી રક્ષા કરી હશે. તેથી જ હું નિર્ભય ને સલામત રહી શક્યો.'

મારા ખુલાસાથી તેમને આનંદ થયો ને તેમનો મારા પરનો પ્રેમ વધી પડ્યો. પરંતુ તેમાંથી પ્રેરણા મેળવીને એકલા અગાસીમાં સુવાની હિંમત તે કેળવી શક્યા નહિ.

ત્યારે શું પ્રેત નામના કોઇ વસ્તુ છે ખરી ? કે પછી તે માત્ર મનની કલ્પના, શંકા કે વહેમવૃત્તિ છે ? કોઇને એવો પ્રશ્ન થવાનો સંભવ છે. તેના ઉત્તરમાં આપણે કહીશું કે જેમ મનુષ્યયોનિ એક યોનિ છે તેમ પ્રેતયોનિ પણ ચોક્કસ યોનિ છે. એટલે ભૂતપ્રેત હોવાની વાત તદ્દન સાચી છે. તે કોઇ કલ્પના, શંકા, પરંપરાગત અંધશ્રદ્ધા અને અજ્ઞાનમાંથી ઊભી થયેલી માન્યતા કે વહેમ નથી. મનુષ્યયોનિ સિવાયની બીજી કેટલીય યોનિઓ આ સંસારમાં હયાત છે. તેમા પ્રેતયોનિ પણ એક છે. એ બાબતે ભારતના ધર્મપુસ્તકો સૂર પુરાવે છે. મહાભારત, ભાગવત, રામાયણ ને ગીતામાં પ્રેતયોનિની હયાતિના પુરાવા પડેલા છે. એટલે તેની સત્યતાની ખાત્રી થાય છે. શાસ્ત્રો કહે છે કે પ્રેતયોનિ કેવળ સૂક્ષ્મ શરીરે રહેનારી હોય છે. એટલે તે યોનિમાં સ્થૂલ શરીરની મદદ વિના જીવ ભોગ ભોગવ્યા કરે છે.

મોટે ભાગે એવું બને છે કે બીકણ ને વહેમી લોકો ભૂતપ્રેતની ખોટી વાતોને ફેલાવે છે ને તે સાંભળીને બીજા માણસો ડરવા માંડે છે. 'અમુક ઘરમાં ભૂતનો વાસ છે તેથી તેમાં કોઇ રહી શકતું નથી ને હિંમત કરીને રહેવા જાય છે તો ભૂત પોતાનો પરચો બતાવ્યા વિના રહેતું નથી. પરિણામે જે રહેવા જાય છે તે બિમાર પડે છે. ગામની ભાગોળે અમુક કુવામાં ભૂત રોજ રાતે ભૂસકા મારે છે ને નહાવા પડે છે. તથા અમુક ખાસ ચોતરો ને અમુક ખાસ ઝાડ તો તેનાં કાયમી નિવાસસ્થાન ગણાય છે.' - એવી એવી વાતો ગામડામાં ને શહેરમાં સારી પેઠે પ્રચલિત હોય છે.

વડોદરામાં એક યોગીએ એક શેઠના ખાલી બંગલામાં ઉતારો કર્યો. ને તેના કંપાઉન્ડમાં જમીનમાં મોટો ખાડો ખોદાવીને સમાધિ લીધી. નવમે દિવસે તે બહાર નિકળવાના હતા. પણ તે પહેલાં જ જમીનની અંદરથી દુર્ગંધ આવવા માંડી. ભોંયરામાં તપાસ કરી તો પેલા યોગીપુરુષનું મરણ થયું હતું. તેમના શબને ઠેકાણે પાડ્યું. પરંતુ બંગલો પછી ખાલી જ પડી રહ્યો. કેમકે પાસે રહેનારાં માણસો કહેવા માંડ્યા કે પેલા યોગીની કોઇ વાસના રહી ગઇ છે, ને તે પ્રેત થયા લાગે છે. રાતે તે બંગલાની અંદર ને બહાર ફરે છે ને ધમાલ કરી મૂકે છે ! એટલે ભૂતપ્રેતની વાતો ગામડાના અભણ લોકોમાં જ ફેલાયેલી છે એમ નહિ. શહેરના ભણેલા કહેવાતા લોકોનો પણ તેને ટેકો છે. પશ્ચિમના દેશોમાં અને આપણે ત્યાં પણ કેટલેક ઠેકાણે મૃતાત્માઓ ને પ્રેતાત્માઓને બોલાવવાની ને તેમની સાથે વાત કરવાની વિદ્યા પ્રચલિત છે ને તેમાં માનનારી ને સક્રિય કામ કરનારી સંસ્થાઓ પણ છે. એટલે ભૂતપ્રેતની વાત સાવ નિરાધાર કે અંધશ્રદ્ધામાં ખપાવી ઉડાવી દેવા જેવી નથી. તેની પાછળ ખાસ વિજ્ઞાન છે. માણસનું જ્ઞાન અને અનુભવનું ક્ષેત્ર એટલું બધું અલ્પ છે કે સંસારના કેટલા બધા રહસ્યનો ઉકેલ તે હજી બરાબર કરી શક્યો નથી. માટે કોઇ વસ્તુને નિરર્થક ઠરાવવાનું સાહસ ઠીક નથી.

તોપણ એક વાત તો નક્કી છે કે કેટલીક વાતો લોકોએ ઉપજાવી કાઢેલી હોય છે ને બીજી કેટલીક રજનું ગજ કરીને મીઠું-મરચું ભભરાવીને વધારી મૂકી હોય છે. કેટલીક પૂર્વજો તરફથી વારસામાં મળીને વંશપરંપરાથી વહેતી થઇ હોય છે ને બહુ જ થોડી વાસ્તવિક હકિકતથી ભરેલી હોય છે. એટલે માણસે બધી દશામાં વિવેક કરવાની જરૂર છે. બીજી મહત્વની વાત એ છે કે ભૂતપ્રેતની વાત ગમે તેટલી સાચી હોય તોપણ માણસે તેથી નાહિંમત કે ડરપોક બનવાની જરૂર નથી. તે વાતોની નબળી અસરથી તેણે મુક્ત રહેવું જોઇએ. તેણે નીડર ને શૂરવીર બનતાં શીખવું જોઇએ.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer