Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૮૬. મંત્રદર્શનનો અનુભવ

 

દેવપ્રયાગ ને દશરથાચલના નિવાસ દરમ્યાન બીજા અનુભવો પણ થયા કરતા. ધ્યાનાવસ્થામાં સિદ્ધપુરુષોના દર્શનના અનુભવો અવારનવાર મળતા. દેવપ્રયાગમાં ચક્રધરજીના ઘરની નીચેની ઓરડીમાં એક દિવસ સવારે હું ધ્યાન કરવા બેઠો ત્યારે એક મોટી ઉંમરના નગ્ન મહાત્માનું દર્શન થયેલું. દશરથાચલના નિવાસોમાં કેટલાક મંત્રો પણ મળતા. ધ્યાનમાં મળતા તે મંત્રો કદી ન સાંભળેલા ને વાંચ્યા વિનાના હતા. તે મંત્રોને ધ્યાનમાંથી ઉઠ્યા પછી હું લખી લેતો. તે વખતે મને થતું કે પહેલાંના ઋષિમુનિઓને આ પ્રમાણે ધ્યાનમાં કે જાગૃતિમાં મંત્રો મળતા હશે. તેથી જ તેમને મંત્રદૃષ્ટા કહેવામાં આવતા હશે. સાધનામાં સહજ રીતે પ્રાપ્ત થનારા એ મંત્રોમાં ભારે શક્તિ હોય છે. તેના જપથી લાભ થાય છે.

પાછળના વરસોમાં પણ મંત્રો મળવાના એવા અનુભવો ચાલુ જ રહ્યા. તેથી મને ઘણો આનંદ થતો. તે અનુભવોનું વર્ણન ઘણું લાંબુ થઇ પડે તેમ છે તેથી અહીં તો તેમાંના એકનું જ ઉડતું વર્ણન કરી શકીશ.

એકવાર રાત્રે ધ્યાન કરતાં કરતાં મને સમાધિ થઇ ગઇ. તે દશામાં મેં એક સિદ્ધ મહાપુરુષોની મંડળીને ચાલતી જોઇ. તે મંડળીની શરૂઆતમાં બેત્રણ મહાપુરુષો ઢોલક સાથે નાચતા હતા ને બીજા મહાપુરુષો તેમને તાલ આપતા આગળ વધતા. તેમનો કંઠ કોમળ ને મધુર હતો. તે મંત્રનું આકર્ષક રીતે સંવાદમય ગાન કરી રહ્યા હતા. મંત્ર બીજો કોઇ નહિ પણ જરા સંક્ષિપ્ત સ્વરૂપનો ગાયત્રી મંત્ર હતો. તે દિવસોમાં હું ગાયત્રીના જપ કરતો પણ ગાયત્રીનો મંત્ર મને લાંબો લાગતો. તેથી કદાચ ગાયત્રીના નવા સંસ્કરણ જેવો એ ટૂંકો મંત્ર મને સંભળાવવામાં આવ્યો હોય એમ મને લાગ્યા વિના રહ્યું નહિ. મંત્ર આ પ્રમાણે હતો :

 

ૐ ભૂર્ભુવ: સ્વ: ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોન:

ૐ ભૂર્ભુવ: સ્વ: ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોન:

 

મહાપુરુષો નૃત્ય કરતાં કરતાં ઉપરાઉપરી એ મંત્રનું સમુહગાન કરી રહેલા. કેટલો બધો અલૌકિક ને આનંદદાયક હતો એ અનુભવ !

કેટલાકવાર સમાધિ દશામાં કોઇ ઉપદેશ આપવામાં આવતા ને કોઇ વાર કોઇ કવિતાની પંક્તિ સંભળાતી. તેની નોંધ હું પાછળથી કરી લેતો. એવા અનુભવથી મારો ઉત્સાહ વધતો રહેતો.

દશરથાચલ પર એવા એવા અનુભવોનો આરંભ થઇ ચુકેલો. વળી સમાધિનો આનંદ પણ મળેલો. એટલે ફરી દેવપ્રયાગ આવીને રહેવાનું થયું ત્યારે એક જાતની ધન્યતા ને ઊંડી શાંતિનો અનુભવ મને થઇ રહ્યો. મુંબઇના જીવન દરમ્યાન વાવેલા આત્મિક ઉન્નતિના બી હવે જાણે ઉગી નીકળવા માંડ્યાં.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer