|
ટિહરીમાં રહેવાનું થાય ને સ્વામી રામતીર્થને કેમ ભૂલાય
?
ટિહરીના પ્રદેશ સાથે સ્વામી રામતીર્થનું નામ ગાઢ રીતે સંકળાયેલું છે. આ
પ્રદેશમાં તે રહ્યા હતા એટલું જ નહિ, તેમનું શરીર પણ આ પ્રદેશમાં જ છૂટી
ગયેલું. એટલે ટિહરીના નિવાસ દરમ્યાન તેમની સ્મૃતિ તાજી થાય એ તદ્દન
સ્વાભાવિક હતું. ધર્મ ને તત્વજ્ઞાનની ગંગા-જમનાને ભારતમાં જ નહિ પણ
ભારતની બહાર પણ વિપુલતાથી વહેતી કરનારા જે આંગળીને વેઢે ગણી શકાય એટલા
થોડા મહાપુરુષો આ દેશમાં છેલ્લા થોડા વરસોમાં ઉત્પન્ન થયા તેમાં
વિવેકાનંદની જેમ સ્વામી રામતીર્થનું નામ પણ ખાસ યાદ રાખવા જેવું છે.
વિવેકાનંદને પગલે ચાલીને તેમણે દૂરના દેશોમાં ભારતીય સંસ્કૃતિનો દીપક
જાગૃત કર્યો. તેમનામાં મહાન વ્યક્તિત્વની ઝલક હતી. તેમનો દેશપ્રેમ ને
માનવપ્રેમ ખૂબ વિશાળ હતો. તેમનું જીવન એક જીવતું જાગતું વેદાંત હતું.
અમેરીકાના લોકોને તેમણે પોતાની પ્રતિભાથી એટલા બધા મુગ્ધ કર્યા હતા કે
તેમને તે ઇશુની સાથે સરખાવતા. હિમાલયમાં પ્રવેશ કરતાં પહેલાં મેં તેમનું
જીવનચરિત્ર વાંચીને પ્રેરણા મેળવેલી, ત્યારથી મને તેમને માટે માન ઉત્પન્ન
થયેલું. એટલે ટિહરીમાં તે જે જગ્યામાં રહેતા તે જગ્યાનું દર્શન કરવાની
મને ઇચ્છા થઇ.
એક
જાણકાર ભાઇ મને તે જગ્યામાં લઇ ગયા. નદીને કિનારે એક મોટું સુંદર મકાન
હતું. ટિહરીના રાજાની ઇચ્છાથી સ્વામી રામતીર્થ થોડો વખત તે મકાનમાં
રહેલા. રાજા તેમના ભક્ત હતા.
રાજાના
એ મકાનનું દર્શન કરીને મને આનંદ થયો. ટિહરીથી કીર્તિનગર જવાના માર્ગની એક
બાજુએ આવેલા એ મકાનનું નિરીક્ષણ કરીને અમે પાછા વળતા હતાં, તે વખતે
માહિતી મળી કે સ્વામી રામતીર્થ જીવનના છેલ્લા દિવસોમાં જે સ્થાનમાં રહેલા
ને જ્યાં તેમણે સમાધિ લીધેલી તે સ્થાન તો બીજું જ છે. સીમલાસુ ગામની પાસે
આવેલું તે સ્થાન એકદમ એકાતમાં છે. તે માહિતી મેળવીને મને તે સ્થાનનું
દર્શન કરવાની ઇચ્છા થઇ. એટલે બેચાર દિવસમાં એક ભાઇને લઇને હું તેનું
દર્શન કરવા નિકળી પડ્યો.
સ્વામી
રામતીર્થના એ બીજા સ્મૃતિસ્થાનમાં અમે પહોંચ્યા ત્યારે બપોરનો વખત હતો.
સ્વામીજીની સ્મૃતિરૂપે એક નાનુંસરખું મકાન ત્યાં ઉભુ હતું. બાજુમાં એક
બીજુ મકાન હતું. તેમાં નાની સરખી સુંદર ગુફા હતી. પાસે કેટલાક વૈરાગી
સાધુઓ ઝૂંપડીઓ બાંધીને રહેતા. તેમાં એકબે નાથ સંપ્રદાયના સાધુ પણ હતા.
સ્થાન સુંદર અને એકાંત હતું. પાસે જ ગંગા વહેતી. સાધુઓ સાથે થોડીક વાતચીત
કરીને અમે તે તરફ વળ્યા.
ગંગા
કિનારે કાળા પત્થરોની કતાર થયેલી. પાણીની અંદર પણ મોટા મોટા પથ્થરો હતા.
એક પથ્થર પર મેં ચાલવા માંડ્યું કે તરત જ મારો પગ લપસી ગયો. જો જરાક ગફલત
થઇ હોત તો તે દિવસે હું સીધો ગંગામાં પડી જાત. પણ પ્રભુકૃપાથી મારા
શરીરની સ્થિરતા મેં સાચવી લીધી. કિનારા પરના લગભગ બધા જ પત્થરો ચીકણા
હતા. મને તરત જ યાદ આવ્યું કે સ્વામી રામતીર્થનો પગ પણ આવી રીતે જ લપસી
ગયો હશે. એમના અંતકાળની ઘટના મારી સામે તાજી થઇ.
સ્વામીજીનું જીવન જેણે વાંચ્યું હશે તે તેમના અંતકાળની ઘટનાનું સ્મરણ
સહેલાઇથી કરી શકશે. દિવાળીને દિવસે સવારે નિત્યકર્મમાંથી પરવારીને તે
સ્નાન કરવા ગયા. ત્યારે કહે છે કે તેમનો પગ લપસી ગયો ને તે પાણીમાં વહેવા
માંડ્યા. તે મોટા તરવૈયા હતા. પણ પાણીનો વેગ સખત હતો. ને તેથી પણ વધારે
મહત્વનો મુદ્દો તે હતો કે તેમના શરીરની શાંતિનો સમય નજીક આવેલો. તેથી તે
અકસ્માતમાંથી ઉગરવાનો કોઇ ઉપાય થઇ શક્યો નહિ ને તેમનું શરીર વહેતું જ
રહ્યું. પરંતુ સાવધાન બનેલા સ્વામીજીએ આત્મબળને એકઠું કરીને તરત પદ્માસન
વાળી લીધું ને ઓમકારનો ઉચ્ચાર કરીને મનને પરમાત્મામાં જોડી દીધું. તેમનું
શરીર ગંગાના પાણીમાં પ્રવાહિત થતું થતું છેવટે કેટલેક દૂર જઇને એક ઠેકાણે
ગુફા જેવું હતું ત્યાં અટકી પડ્યું. તેમના ભક્તોએ પાછળથી શોધ કરીને તેનો
પત્તો મેળવી લીધો. તેમના અંતકાળનો ઇતિહાસ ટૂંકમાં આવો છે.
સ્વામીજીનું શરીર પગ લપસી જવાથી પાણીમાં પ્રવાહિત થઇને શાંત થઇ ગયું કે
પછી સ્વામીજીએ પોતાની મેળે સ્વેચ્છાથી જ સમાધિ લીધી અથવા શરીર છોડ્યું તે
વિશે ભક્તોમાં મતભેદ છે. કેટલાક ભક્તો એમ કહે છે કે સ્વામીજી તો મહાન ને
સિદ્ધ હતા. કાળના સ્વામી હતા. તેમની ઇચ્છા વિના તેમનું શરીર કેવી રીતે
શાંત થઇ શકે ?
તેમના જેવા પરમાત્મામય મહાપુરુષને પાણી કેવી રીતે પ્રવાહિત કરી શકે
?
માટે તેમણે સ્વેચ્છાએ જ શરીર છોડ્યું હોવું જોઇએ. ગંગામાં સ્નાન કરવા ગયા
પહેલાં તેમણે જે લખાણ લખ્યું છે તેના પરથી પણ ખાતરી થાય છે કે તે પોતાના
વ્યક્તિગત નામરૂપનો ત્યાગ કરીને સમષ્ટિગત પરમાત્મામાં કાયમ માટે મળી જવા
માગતા હતા.
સાચી
વાતની ખબર તો સ્વામીજીને જ હોઇ શકે. તેમનું શરીર શાંત થયું છે તે નક્કી
છે. એટલે તેની પાછળ તે વિશેની વિશેષ ચર્ચાવિચારણાનું ખાસ મહત્વ નથી.
તટસ્થ રીતે વિચાર કરતા જણાશે કે ઉપર્યુક્ત વિચાર બહુ સંતોષકારક નથી.
બ્રહ્મજ્ઞાની પુરુષનો પગ લપસી જ ના શકે ને કદાચ લપસી જાય તો તેવા
પુરુષનું શરીર તેની ઇચ્છા વિના પાણીમાં પ્રવાહિત ના થઇ શકે એ વિચાર
ભૂલભરેલો છે. બ્રહ્મજ્ઞાની પુરુષ તો સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પોથી પર
હોય છે. જીવનની તૃષ્ણા ને મરણની બીકથી મુક્ત. તેનું શરીર પાણીમાં
પ્રવાહિત થાય કે અગ્નિમાં બળી જાય તો પણ તેણે સિદ્ધ કરેલી કે અનુભવેલી
ઇશ્વર સાથેની એકતામાં શો ફેર પડવાનો છે
?
તેની પ્રભુપરાયણ અથવા બ્રહ્મમયી વૃતિમાં શો દોષ આવવાનો છે
?
તેવો પુરુષ તો જીવતાં જ મુક્ત છે. શરીર ગમે ત્યાં ને ગમે તે દશામાં પડે
તેથી તેની મુક્તાવસ્થામાં કોઇ જાતનો દોષ આવવાનો નથી જ નથી. પાણીમાં વહી
જવા જેવા અકાળ મૃત્યુના પ્રસંગોથી સાધારણ માણસોની દુર્ગતિ થાય છે એ વાતને
સાચી માનીએ તોપણ જેમણે જીવતાં જ પરમાત્માને જાણી લીધા છે તેવા લોકોત્તર
મહાપુરુષના સંબંધમાં તેને લાગુ પાડવાની જરૂર નથી. એટલે સ્વામી
રામતીર્થનું શરીર પાણીમાં વહી જઇને શાંત થઇ ગયું એ હકીકત બરાબર હોય તો
તેનો સ્વીકાર કરવામાં કોઇએ એટલા માટે આનાકાની નથી કરવાની કે તે હકીકતથી
સ્વામીજીની મહત્તા, પ્રતિષ્ઠા કે પ્રભુપરાયણતા ઓછી થાય છે. ના, તેથી
તેમની પ્રભુપરાયણતા, પ્રતિષ્ઠા ને મહત્તામાં કાંઇ જ ફેર પડતો નથી.
માણસનું
શરીર કેવી રીતે છૂટે છે તે વાત કરતાં શરીર છૂટતી વખતે તેની મનોવૃતિ કેવી
રહે છે તે વાત મહત્વની ને ધ્યાનમાં રાખવા જેવી છે. તે પરથી જ તેની મહત્તા
કે શ્રેષ્ઠતાનું માપ કાઢી શકાય છે. તે રીતે વિચાર કરવાથી સ્વામીજીની
મહાનતાને બરાબર સમજી શકાશે ને તેમને ન્યાય કરી શકાશે. મહાત્મા ગાંધીજીને
અંતકાળે ગોળી વાગી. તેનું કારણ કર્મના નિયમ પ્રમાણે ગમે તે હોય પણ તે
વખતે પણ તેમની વૃતિ શાંત રહી શકી, પ્રભુમાં લાગી શકી, ને તેમના મુખમાંથી
'રામ'નું
નામ નીકળી પડ્યું, તે જ તેમની મહત્તા. તેથી જ બાહ્ય દૃષ્ટિએ ભીષણ અને
અમંગલ લાગતી મૃત્યુની પળ તેમને માટે મંગલ થઇ શકી. એમના અંતકાળની ઉજળી
બાજુ તે જ હતી. ગોળીથી મરવાનો પ્રસંગ તેમના સંબંધમાં પ્રશંસનીય નથી, પણ
તે પ્રસંગ વખતની તેમની મનોવૃતિ પ્રશંસનીય છે, અનુકરણીય છે, ને તેમની
પ્રતિષ્ઠાને સાચી ઠરાવનારી ને વધારનારી છે. તે પ્રમાણે સ્વામીજીના
સંબંધમાં પણ સમજી લો તો પછી શંકાને સ્થાન નહિ રહે. સ્વામીજી પરમાત્મામય
હતા. અંતકાળે પણ તેવા જ રહ્યા. તેમના અંતકાળને આકસ્મિક માનીએ તોપણ તે
વખતે તેમની વૃતિ પ્રભુપરાયણ જ હતી ને તેમણે ઓમકારનો ઉચ્ચાર કર્યો હતો એ
નિર્વિવાદ છે. તે જ તેમની મહાનતા. તેનો વિચાર કરવાથી તેમની લોકોત્તરતાનો
ખ્યાલ આવશે ને તેમને માટે માન જાગશે.
બાકી તો
મને જે લાગ્યું તે મેં કહી દીધું છે. સ્વામીજીના સ્થાન પાસેના ગંગાતટ પર
જે અસંખ્ય ચીકણા પત્થરો પડ્યા હતા તેમને જોઇને મને થયું કે આવા પત્થર પર
ગફલતમાં રહેવાથી કોઇવાર કોઇનોય પગ લપસી શકે. સ્વામીજીનો પગ પણ લપસી ગયો
હોય તો નવાઇ નહિ. ગંગાતટ પર ફરતાં ફરતાં ભારતના એ મહાપુરુષના જીવનને મેં
પ્રેમથી યાદ કર્યું અને એમને અંજલિ આપી.
|