|
દિલ્હીથી મોટરમાં અમે હરિદ્વાર પહોંચી ગયાં. તારીખ ૧3 એપ્રિલે
હરિદ્વારમાં કુંભનું સ્નાન હતું. અમે એક દિવસ આગળથી હરિદ્વાર પહોંચ્યા.
તે દરમ્યાન માર્ગમાં જ્વાલાપુર પાસે કોલેરાનું ઇન્જેકશન પણ અમારે લેવું
પડ્યું. ઉત્તર પ્રદેશની સરકારે એને માટે સારી ને ચોક્કસ વ્યવસ્થા કરી
હતી.
હરિદ્વાર કેટલું સુંદર છે ?
ગંગાને કિનારે વસેલું હોવાથી તે વધારે રમણીય લાગે છે. આજ લગી જે
પર્વતપુત્રી હતી તે ગંગાજી હરિદ્વારમાં પ્રથમ જ વાર એટલી મોકળી થઇને
વહેવા માંડે છે. પર્વતોની શરૂઆત ને ગંગાનું દર્શન એવું ભાન કરાવે છે કે
પ્રવાસીએ હિમાલયમાં પગ મૂક્યો છે. બાકી મકાન, માણસો, માર્ગો બધું હવે તો
આ પ્રદેશમાં ઇતર પ્રદેશો જેવું જ થઇ ગયું છે. હિમાલયની તળેટીમાં પ્રાચીન
કાળમાં જે ઋષિમુનિના આશ્રમો હતા, તેને બદલે ભાડુતી મકાનો, દુકાનો ને
પરિવાર થઇ ગયાં છે. તેમાંયે આજે તો પૂછવું જ શું
?
કુંભમેળાનો આનંદ લુંટવા લાખો લોકો ઉમટી પડ્યાં છે. તલમાત્ર જગા નથી.
હરિદ્વારની સુરત જ બદલાઇ ગઇ છે.
‘ગંગા
મૈયાકી જય’ના
જયઘોષ સાથે લાખો ભાવિક લોકો ગંગાઘાટ તરફ જઇ રહ્યા છે. વચ્ચે વચ્ચે
ધર્મમંડલો ને સાધુસંતોના તંબુ છે. ત્યાં કથાવાર્તા, કીર્તન, ઉપદેશ બધું
થયા કરે છે. ભારતીય સાધુસંપ્રદાય ને લોકોની ધર્મરુચિનું વિવિધ ને જીવંત
ચિત્ર અહીં જોવા મળે છે.
આટલા
બધા માણસોની વ્યવસ્થા કરવાનું કામ કપરું છે. પણ બધા જ્યાં ફાવે ત્યાં
ગોઠવાઇ જાય છે. અમે ગુજરાતી ધર્મશાળામાં આશ્રય લીધો. સાંજે સ્નાનાદિથી
પરવારીને બહાર ફરવા નીકળ્યા. લોકોની ભીડમાંથી માર્ગ કાઢવાનું કામ ખૂબ જ
કપરું હતું. કીડીથી પણ ધીરા વેગે પગ મૂકીને આગળ વધવું પડતું. ગંગાઘાટ પર
તો અપાર ભીડ હતી. કોઇ સ્નાન કરતાં, કોઇ ઠેકઠેકાણે થતા ઉપદેશ-પ્રવચનમાં
સામેલ થતાં, તો કોઇ ઘાટ પરનાં મંદિરોમાં જતાં. એ બધી શોભાને નિરખીને ઊભા
રહેનારા લોકો પણ ઘણા હતા. સ્વયંસેવકોની વ્યવસ્થા ઘણી સારી હતી. પણ બાર
વરસે આવેલા આ મહાન પર્વનું પુણ્ય મેળવવા આવેલા લોકો વ્યવસ્થાની પરવા કરે
તેમ ન હતા.
ભોજનથી
પરવારીને અમે ધર્મશાળામાં આવી પહોંચ્યા. રાતનું દૃશ્ય સુંદર હતું.
ગંગાકિનારે બંને બાજુ દીપમાળાની શોભા અજબ હતી. ધર્મને જીવનનો પ્રાણ માની
બેઠેલા વિદ્વાનો ને સંતપુરુષો રાતે પણ ઉપદેશ આપતા હતા. એ માટે
લાઉડસ્પીકરની વ્યવસ્થા હતી. ‘ભજ
ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ ગોવિંદમ્ ભજ મૂઢમતે’ના
પડછંદા વાતાવરણમાં ફરી વળતા. સારું છે. ગોવિંદને ભજવાની જરૂરત જીવનમાં
ઘણી જ છે. એ ભજવું એટલે કેવળ બોલવાનું કે ગાવાનું નથી પણ જીવનમાં
ઉતારવાનું છે. જીવનને ઇશ્વરાભિમુખ બનાવવાથી માણસને અપાર યશ મળી શકે છે.
જીવન જ્યારે ઇશ્વરાભિમુખ બનશે ત્યારે આપણા દર્દોનો કાયમી કામયાબ ઇલાજ
સાંપડી જશે. જો બધા જ સાચા ધર્મનું આચરણ કરે, તો સંસારમાંથી અનીતિ,
અન્યાય, અધર્મ ટળી જાય ને સત્યતા, પ્રેમ, સહકાર કે નિર્ભયતા માણસ
માત્રમાં આવી જાય. આજે જે અન્યાય કે ઘર્ષણ થઇ રહ્યા છે તેનાં બાહ્ય કારણો
ગમે તે હોય, મૂળભૂત કારણ માનવનો સ્વાર્થ, મદ ને લાલસા છે. સાચા ધર્મના
આચરણ દ્વારા એક એબ ટળી જાય છે, ને માનવ નિસ્વાર્થ, નમ્ર ને સત્યપરાયણ બને
છે. આ માટે ધર્મનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. ને ધર્મનો સ્વીકાર
થયો એટલે જગતનું એક માત્ર ચેતન તત્વ-ઇશ્વરનો પણ સ્વીકાર કરવો જ પડવાનો,
કેમ કે માણસના વ્યક્તિગત વિકાસની પૂર્ણતાને માટે તેવો સ્વીકાર આવશ્યક છે.
ઇશ્વર પૂર્ણતા, મુક્તિ, શાંતિ એ બધાનું બીજું નામ છે, ને માનવજીવનનો
આદર્શ તે જ છે. પૂર્ણતાના એવા અંતિમ આદર્શના સ્વીકાર વિના જીવન ને તેના
વિકાસનો કોઇ જ અર્થ નથી રહેતો.
પરંતુ
એવા આદર્શના કેવળ સ્વીકારથી કાંઇ જ વળશે નહિ. જીવનની વાસ્તવિકતા પ્રત્યે
આંખમીંચામણા કરીને કેવળ આદર્શનું રટણ કરવાનો કશો અર્થ નથી. ધર્મ ને
ઇશ્વરના આદેશ પ્રમાણે જીવનને બનાવવું પડશે. તો જ જરૂરી હેતુ સરી શકશે.
ગોવિંદને ભજવાના છે ખરા પણ તે માટે સંસારના બીજા જે પદાર્થોને આપણે ભજી
રહ્યા છીએ તેમાંથી મન ખેંચી લઇને ગોવિંદમાં લગાડવાનું છે. આમ કરીને માત્ર
ગોવિંદને જ હૃદયમાં સ્થાન આપવાનું છે. આ કહેવું સહેલું છે, કરવું અઘરું
છે. પણ અનેક બડભાગી આત્માએ તે કરી બતાવ્યું છે. તે કરવામાં જ જીવનની
સાર્થકતા છે.
આજે તો
ગંગા કિનારે ગવાતા આ શબ્દો વાતાવરણમાં વિખરાઇ જાય છે. જ્યાં બોલાય છે
ત્યાં ને જે બોલે છે તેના દિલમાં ગોવિંદનું ભજન થઇ રહ્યું છે
?
આપણી પાસે ઉપદેશો, ધર્મગ્રંથો, સંતમહાત્માઓ, કશાની ખોટ નથી. ધર્મના
વારસામાં આપણે હજારો વરસોથી ઘણું ઘણું મેળવ્યું છે. તે વિના આપણામાં
ચૈતન્ય આવે તેમ નથી.
ક્યાંક
ભજન ગવાય છે, ક્યાંક કીર્તન થાય છે. ગંગામાતાને કિનારે આમ મોટો ઉત્સવ થઇ
રહ્યો છે. આકાશના તારાઓ આ મંગળ મહેફિલ જોઇ રહ્યા છે. હજારો વરસોથી
હિમાલયમાં વસતા ઋષિમુનિનાં તપ ને ભારતનું ઉત્થાન-પતન તેમણે જોયા કર્યું
છે. આ બધું જોઇને તેમને શા શા વિચાર થતા હશે
?
ખુલ્લી અગાશીમાં બેસીને અમે પણ પ્રાર્થના કરી લીધી.
બીજે
દિવસે મને ફરવાનું મન ના થયું. હરિદ્વાર ઘણી વેળા જોયું હતું. વારંવાર
ભીડમાં થઇને જવાની ઇચ્છા ન હતી. વળી સ્નાન કરવા માટે ગંગાજી ધર્મશાળાની
પાછળ જ હતી. સવારે ધર્મશાળાની બહાર નાસ્તા માટે ગયા. ત્યાં જ પેલા
કેનેડિયન મહાત્માનો ભેટો થઇ ગયો.
એ
મહાત્મા કેનેડાના વતની હતા. છેલ્લા દોઢેક વરસથી તે ભારતમાં સંતપુરુષોને
મળવા ને શાંતિ મેળવવા તેમજ ભારતનું દર્શન કરવા આવેલા. રમણ મહર્ષિ, કાશી
ને બદરીનાથથી પાછાં ફરતાં ગયે વર્ષે મારી બિમારીમાં તે મને મળવા આવેલા.
તેમની જિજ્ઞાસા ને તિતિક્ષા સારાં હતાં. અંગ્રેજી ભાષા વિના અન્ય કોઇયે
ભારતીય ભાષા તે જાણતા નહિ. તેમને ફરી મળીને મને આનંદ થયો. તેમને ભોજન
કરાવીને બપોરે અમે ઉતારા પર આવતા હતા ત્યાં તો જણાયું કે આજે સંતસાધુઓનું
સરઘસ નીકળવાનું છે. થોડીવારમાં સરઘસ આવી પહોંચયું. હજારો સાધુઓ-ભગવા
વસ્ત્રધારી તેમ જ નગ્ન-વિવિધ સરઘસના સ્વરૂપમાં આવી રહેલા. એમાં સ્ત્રીઓ
એટલે ભગવા વસ્ત્રધારી સાધ્વીઓ પણ સામેલ હતી. જે મહાત્માઓના દર્શન પહેલાં
ખૂબ જ દુર્લભ હતાં, માણસોને તેમને માટે ખૂબ જ શોધ કરવી પડતી, તે મહાત્માઓ
આમ ઉઘાડે છોગે સરઘસના રૂપમાં જનતાને કૃતાર્થ કરવા નીકળ્યા હતા. ભારતની આમ
જનતાનું માનસ પણ અહીં સારી પેઠે જોવા મળતું. મહાત્માઓ પસાર થતા તે
માર્ગની ધૂળ લોકો અત્યંત આદરથી લઇને કપડે બાંધી લેતા. લોકો હિમાલયના
સાધુઓને જોઇને ધન્ય બની જતા. હિમાલયની કંદરા ને ગુફાઓમાંથી સંતપુરુષો ને
તપસ્વીઓ ઉતરી આવ્યા છે એમ લોકો કહેતા ને વર્તમાનપત્રો એવા સમાચાર છાપતાં.
લોકોને શી ખબર કે હિમાલયની કંદરાઓ હવે તો સૂની છે
?
હરિદ્વાર ને ઋષિકેશ એટલે હિમાલયના પર્વતીય કષ્ટપ્રદ ભોગરહિત ને વિજન
પ્રદેશમાં ઉત્તરકાશી છોડતાં ભાગ્યે જ કોઇ સ્થળે કોઇ એકલદોકલ સાધુ કે
મહાત્માનાં દર્શન થઇ જાય છે. એમાં પાણીદાર મોતી જેવા તપસ્વી મહાત્માઓ પણ
કોઇક વાર મળી આવે છે. અહીં પણ હરિદ્વાર ને ઋષિકેશમાં લોકસમૂહમાં ને તેથી
દૂર સપ્તસરોવર તરફ એકાંતમાં એવા મહાત્મા જરૂર હશે, જે વાસ્તવિક રીતે મહાન
હોય. પણ જેમની પવિત્ર દુઃખવિદારક ચરણધૂલિ આટલી સસ્તી ના જ મળી શકે તેવા
મહાનપુરુષોની પણ ભારતમાં ખોટ નથી. મહાન તપસ્વીઓ ભારતમાં હજી પણ મળી આવે
છે, પણ તેમને મેળવવા આકાશપાતાળ એક કરવું જોઇએ, સાચી ભૂખ જગાવવી જોઇએ અને
અધિકારી થવું જોઇએ.
અત્યારે
તો આ સરઘસમાં જ સંતોષ માનીને હજારો સ્ત્રીપુરુષો ભારતની સાધુપુંજીને જોઇ
રહ્યાં છે. કેનેડિયન મહાત્મા પણ આ બધું આશ્ચર્ય સાથે અવલોકી રહેલા. તેમને
માટે આ દૃશ્ય ભારતમાં પહેલું જ હતું. સંસારમાં બીજે તો મળે જ ક્યાંથી
?
સરઘસ પૂરું થયું ત્યારે મેં તેમને પૂછયું કે આ જોઇને તમને શું વિચાર
આવ્યો ?
સાધુઓ વિશે તમને શું લાગ્યું ?
તેમણે કહ્યું કે દુઃખ, દરિદ્રતા અને અજ્ઞાનનું પ્રતીક આ સાધુઓના
સ્વરૂપમાં દેખાય છે.
તેમના
શબ્દોમાં ભારે રહસ્ય સમાયેલું. એક સાધુપુરુષ ભારતની બહાર સંતસાધુ વિશે
આવા અભિપ્રાયને લઇને જાય તે ઠીક ગણાય ખરું
?
ઢાલની બીજી બાજુનો ખ્યાલ પણ તેમને હોવો જોઇએ. મેં કહ્યું,
‘આ
સરઘસના સાધુઓને જોઇને ભારતના સંતમહાત્માઓ વિશે કોઇ ચોક્કસ અભિપ્રાય બાંધી
ના લેતા. ભારતમાં મહાત્માઓ પણ વસે છે. જે સાચા અર્થમાં મહાત્મા છે, તેવા
પણ તમને મળ્યા હશે ને મળશે. ભારતની આધ્યાત્મિકતાનો વિચાર કરતી વખતે આવા
ક્ષણિક દૃશ્યોની આડમાં એવા વીતરાગ મહાત્માઓને ભૂલશો નહીં. વળી આ સરઘસમાં
પણ કોઇ મહાન સંત નહિ હોય તેની શી ખાતરી
?’
મારી
વાત તેમને ગળે ઉતરી ગઇ. મને એ જોઇને સંતોષ થયો.
બીજે
દિવસે તારીખ ૧૪મી એપ્રિલે અમે હરિદ્વાર છોડ્યું. અત્યંત ભીડમાંથી જેમતેમ
માર્ગ કરીને અમે ટ્રેનમાં જગા મેળવી. ઋષિકેશમાં શાંતિ હતી. બે દિવસ ત્યાં
રહીને એક સવારે અમે દેવપ્રયાગની મોટર પકડી. હવે અમે શાંત એકાંત હિમાલયના
દર્શને જતા હતા.
|