Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૧૮૪. અમરનાથ યાત્રા - ૧

 

દેવપ્રયાગ છોડ્યા પછી બે દિવસ ઋષિકેશમાં ને ચારેક દિવસ હરિદ્વારમાં રોકાઇ ને અમે દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં સૌથી પહેલી વાર સ્ટેશન પાસે આવેલી ગુજરાતી સમાજની ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં વ્યવસ્થા ઘણી સારી હતી. સ્વચ્છતા તેમ જ સગવડની દૃષ્ટિએ એ સ્થળ ઘણું સારું કહી શકાય, ને દિલ્હી જેવા મોટા શહેરમાં-જ્યાં ધર્મશાળા જેવી બીજી સગવડ ભાગ્યે જ મળે છે ત્યાં આવું સ્થળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

દિલ્હીમાં અમારે મુંબઇથી આવનારા ધનેશ્વરભાઇની રાહ જોવાની હતી. તે કાશ્મીર સાથે આવવાના હતા. અમે દિલ્હી પહોંચ્યાં તે જ દિવસે રાતે તે આવી પહોંચ્યા. બીજે દિવસે કાશ્મીર જવા માટેની તૈયારી કરવામાં અમે રોકાઇ ગયા. કાશ્મીર જવા માટે પહેલાં તો પાસપોર્ટ જોઇએ. ધનેશ્વરભાઇ મુંબઇથી ખૂબ જલદી રવાના થઇ ગયા હતા, કેમ કે શ્રાવણ મહિનાની પૂર્ણિમા પાસે હતી, ને વધારે વિલંબ થાય તો તે અવસર પર અમે અમરનાથ પહોંચી શકીએ નહીં. તેમના એક મિત્ર દિલ્હીમાં રહેતા હતા. તેમણે કહ્યું કે પાસપોર્ટ મળવાનું કામ મુશ્કેલ છે. છતાં અમે ઇશ્વર પર શ્રદ્ધા રાખીને પ્રયાસ કર્યા. સંરક્ષણ ખાતાની કચેરીમાંથી એકાદ કલાકમાં જ પાસપોર્ટ લઇને ધનેશ્વરભાઇ પાછા ફર્યા. ઇશ્વરની ઇચ્છા એવી જ હોય કે અમારે પૂનમ પર અમરનાથ પહોંચવું હોય તો તેણે પાસપોર્ટની વ્યવસ્થા કરવી જ જોઇએ. ગમે તેવી મુશ્કેલી હોય તો પણ તે માર્ગ કરી શકે છે. તેની ઇચ્છા શું નથી કરી શકતી ? તેની ઇચ્છા પ્રમાણે જ આ જગતના કાર્યો થયા કરે છે. માણસે તો કેવળ તે ઇશ્વરને આધીન થઇને તે પ્રમાણે આનંદપૂર્વક જીવન જીવવાનું હોય છે. એને જ શાસ્ત્રીય પરિભાષામાં નિમિત્ત બનવું એમ કહ્યું છે. પણ એ દશા સહેલી નથી. તે ખૂબ ખૂબ જાગૃતિ, શ્રદ્ધા ને તપ કે પુરુષાર્થ માગી લે છે. સાથે સાથે નમ્રતા પણ માગે છે. એ દશાની પ્રાપ્તિ થતાં જીવનમાં અજબ સંવાદ ને સમાધાન પ્રાપ્ત થાય છે. મિથ્યાભિમાન ને જડ અહંકારના નાશ વિના શ્રદ્ધાની એ ચિનગારી જાગવાનું સંભવિત નથી.

પાસપોર્ટ મળ્યો એટલે પ્રવાસનું કામ સહેલું થઇ ગયું. પૂનમને હવે ત્રણચાર દિવસ જ બાકી હતા. ધનેશ્વરભાઇનો ઉત્સાહ અજબ હતો. તેમની હિંમત પણ ભારે હતી. પાસપોર્ટની વ્યવસ્થા કરવાની સાથે સાથે તે શ્રીનગર સુધી વિમાનની ત્રણ ટિકિટની વ્યવસ્થા પણ કરતા આવ્યા. અકલ્પનીય ! જે વસ્તુનો મનમાં વિચાર સરખો ન હતો, તે વસ્તુ બનવા સર્જાયલી હતી. બીજે દિવસે શ્રાવણ સુદ બારસને મંગળવારે તારીખ ૧૪ ઓગસ્ટે વિમાનમાં બેસીને અમે શ્રીનગર જવા ઉપડ્યાં. જીવનમાં મારી ને માતાજીની એ સૌથી પહેલી વિમાનની મુસાફરી હતી. આબોહવા અનુકૂળ હતી. પંજાબની નદી ને નહેરોને જોતાં, વિમાનમાં ગીતાહૃદયનો પાઠ કરતાં ને છેવટે કાશ્મીરની ઊંચી પર્વતપંક્તિઓને પેખતાં, આશરે સાડાચાર કલાકમાં અમે શ્રીનગર પહોંચ્યા. વચ્ચે અમૃતસર ને જમ્મુ વિમાન રોકાયું. અમારી સાથે ઇશ્વરે જેમની પસંદગી કરી હતી તે ધનેશ્વરભાઇ તે પસંદગી માટે અત્યંત યોગ્ય હતા તે વાતની ખાતરી મને એ બે દિવસો દરમ્યાન થઇ ગઇ.

શ્રીનગર એટલું બધું સુંદર ના લાગ્યું. સૌંદર્યની દૃષ્ટિએ નવીન અને અસરકારક એવું કાંઇ શ્રીનગરમાં આવતાંવેંત ના જણાયું. પણ અમારે તો અમરનાથ જવું હતું. એટલે બપોરની મોટરમાં અમે પહેલગામ જવા ઉપડ્યા. શ્રીનગરથી પહેલગામ પ૯ માઇલ જેટલું દૂર છે. કાશ્મીરની ભૂમિમાં આવતાંવેંત ચીનારનાં સુંદર વૃક્ષો જોનારનું મન હરી લે છે. કાશ્મીરના પર્વતોમાં એ વૃક્ષો હજારોની સંખ્યામાં હારબંધ ઊભા છે, ને પહાડોને વધારે શોભા આપે છે. એ વૃક્ષોને જોતાં જોતાં સાંજે અમે પહેલગામ પહોંચ્યાં. પહેલગામનું સ્થળ સુંદર લાગ્યું. ત્યાંની હરિયાળી, નદી, ઝરણાં તેમ જ પર્વતમાળા ખૂબ જ સુંદર ને હૃદયસ્પર્શી છે. ૭ર00 ફીટ જેટલી ઊંચાઇએ આવેલા એ શાંત સ્થળમાં રાતે ઠંડીનો અનુભવ પણ ઠીક ઠીક થાય છે. કાશ્મીરની ભૂમિમાં હોઇએ એવું ભાન એ સ્થળને જોવાથી જ અમને થયું. અત્યાર સુધીની ભૂમિમાં કોઇ ખાસ વિશેષતા જોવા નહોતી મળી એટલે એ સ્થળને જોઇને અમને આનંદ થયો. ત્યાં નંદભવન નામે ધર્મશાળા છે ત્યાં અમે રોકાયાં અને ઉચિત વ્યવસ્થા કરીને બીજે દિવસે સવારે પંદરમી ઓગષ્ટે, એટલે શ્રાવણ સુદી તેરસ ને બુધવારે ઘોડા પર બેસીને અમરનાથ જવા ઉપડ્યા. ધનેશ્વરભાઇને માટે પર્વતીય યાત્રાનો એ પહેલો જ પ્રસંગ હતો. તેમના આગ્રહથી અમે ઘોડાની વ્યવસ્થાને સંમતિ આપી. પર્વતોનો આનંદ લૂંટતા બપોરે અમે ચંદનવાડી આવ્યા. ત્યાં સુધીનો માર્ગ સુંદર છે. ચંદનવાડીથી ચઢાઇ શરૂ થાય છે. તેને પાર કરીને સાંજે સાતેક વાગે અમે શેષનાગ પહોંચ્યા. પહેલગામથી શેષનાગ સોળેક માઇલ છે. શેષનાગની પહેલાં એક ઝીલ આવે છે. તેનું દૃશ્ય મનોહર છે. ચારે બાજુ પર્વત ને તેની વચ્ચે જમા થયેલું બરફનું પાણી સુંદર લાગે છે. એ માર્ગમાં બરફના પર્વતો પણ પ્રથમ વાર દેખાય છે. એમ તો પહેલગામમાં પણ બરફના પર્વતનું દર્શન થાય છે. પણ શેષનાગ જતાં તો ખૂબ જ બરફ દેખાય છે, ને બરફ પર ચાલવાનું પણ આવે છે. શેષનાગ ચારેબાજુ હિમાચ્છાદિત પર્વતથી ઢંકાયલી જગા છે. ઠંડી ખૂબ પડે છે. જમીન પર પાણીના સ્ત્રોત વધારે હોવાથી ઠંડી વિશેષ લાગે છે. રાતે ઠંડી સખત લાગી. ઇશ્વરની કૃપાથી વરસાદ ન હતો. શેષનાગમાં યાત્રીઓ સારા પ્રમાણમાં દેખાયા. ઠેર ઠેર તંબુઓ જોવા મળ્યા. એ માર્ગમાં મકાન કે ધર્મશાળાની વ્યવસ્થા ન હોવાથી યાત્રીઓને તંબુમાં રહેવું પડે છે. તંબુની વ્યવસ્થા પહેલગામથી થઇ શકે છે. સવારી ઉપરાંત એક સામાનનો ઘોડો પણ કરવો પડે. એ બધા સરંજામ સાથેની મુસાફરી અજબ હતી. તંબુમાં રાત્રિવાસ કરવાનો પ્રસંગ મારા જીવનમાં એ પહેલો જ હતો. વળી એ દિવસે પંદરમી ઓગસ્ટ હતી. ત્રીસમું વર્ષ પૂરું થઇ એકત્રીસના આરંભના એ દિવસે થઇ રહેલી અમરનાથની એ યાત્રા અણધારી અને અવનવી હતી.

સવારે ઊઠીને અમે શેષનાગથી આગળ ચાલ્યાં. આગળનો માર્ગ ખૂબ જ કપરો હતો. ઘોડા ખૂબ જ સંભાળપૂર્વક બરફમાં થઇને આગળ વધતા. ઊંચા ઊંચા હિમાચ્છાદિત પર્વતો પર થોડી વારમાં તો ઊગતા સૂર્યનારાયણનાં સોનેરી કિરણો ફરી વળ્યા. સૂર્ય જગતનો આત્મા છે એમ વેદમાં કહેલું છે ને નિત્યકર્મ કરનાર પ્રત્યેક માનવ તે વિધાનનો મંત્ર નિત્ય સવારે બોલી જાય છે, પણ તેનો સાચો મર્મ અત્યારે સમજાયો.

અત્યંત ઠંડી ને બરફના કપરા માર્ગને લીધે યાત્રીઓ ધ્રુજતા હતા. સૂર્યનાં કિરણો એમને માટે આશીર્વાદરૂપ થઇ પડ્યા. યાત્રીઓની પ્રસન્નતાનો પાર રહ્યો નહિ. પ્રભુની એક મોટી દયા એ હતી કે વરસાદ બંધ હતો ને આકાશ ખુલ્લું હતું. તો પણ ઠંડી કાંઇ ઓછી ન હતી. હવે અમે લગભગ ૧3,૬00 ફીટની ઊંચાઇ પરથી આગળ વધી રહેલા. ચારે બાજુ બરફ જ બરફ દેખાઇ રહ્યો. એક સન્નારી ઠંડીથી બેહોશ થઇને પર્વત પર ઢળી પડેલી. તેને ગરમી પહોંચાડીને ભાનમાં લાવવાના પ્રયાસ કેટલાક માણસો કરી રહેલા. એ વિકટ કષ્ટપ્રદ યાત્રામાં ઊઘાડે પગે ચાલનારા માણસો પણ ઘણા હતા. શંકરના દર્શન માટેની તેમની શ્રદ્ધા અસાધારણ હતી.

આઠેક માઇલનો કપરો માર્ગ પાર કરીને અમે પંચતરણી પહોંચ્યાં. એ સ્થાનમાં પાંચ નદી વહે છે. અથવા કહો કે નદીનાં પાંચ વિભાગો થાય છે. તેથી તે પંચતરણી કહેવાય છે. તંબુમાં સામાન મૂકીને અમે ભોજનનો પ્રબંધ કરવા માંડ્યો. એ યાત્રામાં લાકડાં તો મળતાં જ નથી. છતાં કેટલાંક યાત્રીઓ તદ્દન લીલાં લાકડાંને સળગાવીને જેમ તેમ કરીને રસોઇ બનાવી લે છે. બાકી બેચાર દુકાનદારો યાત્રાની સાથે જ રહેતા. તે તૈયાર પુરીશાક પુરા પાડતા. અમે અનુકુળતા માટે સાથે પ્રાયમસ લીધેલો પરંતુ પીન ભૂલી ગયેલા. એટલે પ્રાયમસનું કામ અટકી પડેલું. માતાજી ને ધનેશ્વરભાઇને ચા જોઇએ, પણ ચા સારી મળતી નહિ. દૂધનો પ્રબંધ પણ મુશ્કેલ હતો. ત્યાં તો પ્રભુએ કૃપા કરી. એક દૂધ વેચવાવાળો માણસ માટીની દોણી ભરીને દૂધ વેચવા સીધો અમારી પાસે જ આવ્યો. તેનું દૂધ લઇ લીધું. ઇશ્વરે પોતે મોકલેલી એ મદદથી રાહત મળી ને આનંદ થયો. થોડોક નાસ્તો કરીને અમે તાપમાં આનંદથી બેઠા. બીજે દિવસે અમરનાથ જવાનું હતું. એટલે તંબુમાં બેસીને મેં ભગવાન શંકરની સ્તુતિ શિવસંગીત પરિપૂર્ણ કરી લીધી.

સવારે વહેલા ઊઠીને અમરનાથનાં દર્શને જવાનું હતું. દર્શન કરીને પાછા વળી જવાનું હતું, કેમ કે ત્યાં રાતે રહેવાની વ્યવસ્થા ન હતી. હિમાલયના બીજા પ્રદેશ કરતાં યાત્રાનાં આ પ્રદેશની મુસાફરી ખૂબ વિકટ હતી. એક કૈલાસને બાદ કરીએ તો આવી યાત્રા બીજી ભાગ્યે જ મળે. એ યાત્રાનો છેલ્લો દિવસ હજી બાકી હતો. સંતમહાત્મા, સ્ત્રીઓ ને પુરુષો ઉત્સાહપૂર્વક અમરનાથના દર્શને જઇ રહેલાં. પંચતરણીથી અમરનાથ પાંચ માઇલ હતું. પણ માર્ગમાં ચઢાઇ તેમ જ બરફ ખૂબ જ આવતાં. વહેલી પ્રભાતે અમારી યાત્રા શરૂ થઇ. બરફના ખૂબ જ વિકટ માર્ગને પસાર કરીને થોડી વારમાં અમે પુરાણપ્રસિદ્ધ પુણ્યધામ અમરનાથમાં આવી પહોંચ્યાં.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer