Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૧૮૮. જગન્નાથપુરી ને ભુવનેશ્વર

 

[૧] પુરીમાં

કલકત્તામાં પંદર દિવસ રોકાયા બાદ અમે જગન્નાથપુરી આવી પહોંચ્યા. એ બાજુનો પ્રદેશ આકર્ષક, રમણીય ને લીલોછમ છે. ઝાડપાન પણ પ્રચુર પ્રમાણમાં છે. નાની નાની ડુંગરીઓ પણ છેલ્લેછેલ્લે દેખાય છે. એ બધા સૌન્દર્યથી જગન્નાથજીનું સ્થળ પણ ખૂબ જ રમણીય હશે એવું અનુમાન થાય છે. એ અનુમાન સર્વાંશે સાચું નહિ તો છેક ખોટું પણ નથી પડતું. પુરીનો પ્રદેશ પણ રમણીય છે.

જગન્નાથપુરીની આબોહવા સુંદર છે. ત્યાં મંદિરની પાસે જ ધનજી મુલજીની સુંદર સગવડવાળી વિશાળ ધર્મશાળામાં અમે ઊતારો કર્યો.

જગન્નાથજીમાં જોવાની પ્રસિદ્ધ ને મુખ્ય વસ્તુ કયી ? ત્યાંનું મંદિર જ. ભારતના ચાર પ્રસિદ્ધ ધામમાં પુરીની ગણના છે. તેટલા પૂરતું તો તેનું મહત્વ છે જ, પરંતુ શંકરાચાર્યે ભારતને ચાર ખૂણે જે પીઠ સ્થાપી છે, તેમાંની એક પીઠ ત્યાં છે, એનું માન એ સ્થળને પ્રાપ્ત થયું છે.

ચાલો ત્યારે એ મહત્વના પુરી ધામનાં દર્શને જઇએ. મંદિર ખૂબ જ પ્રાચીન છે. અલબત્ત, રામેશ્વરના મંદિરની ભવ્યતા કે દ્વારકાના મંદિરની સુંદરતા ને સ્વચ્છતા અહીં નથી, પરંતુ વિશાળતા ને વિવિધતાની દૃષ્ટિએ જગન્નાથજીનું મંદિર પણ આકર્ષક છે. રામેશ્વર, દ્વારકા ને બદરીનાથનાં મંદિરોની તદ્દન પાસે સમુદ્ર, ગોમતીજી અને અલકનંદા નદી વહે છે, તેવું અહીં નથી દેખાતું. દરિયો થોડેક દૂર છે, તેને બદલે જો મંદિરની પાસે જ હોત તો મંદિરની શોભા ખૂબ જ વધી જાત એમાં સંદેહ નથી.

મંદિરમાં મૂર્તિ સુંદર છે. વચ્ચે સુભદ્રા ને આજુબાજુ બલદેવ તેમ જ ભગવાન જગન્નાથ છે. મંદિરમાં દર્શન થાય છે તે પહેલાં કીર્તનકારો અમુક અમુક અંતરે સુમધુર સ્વરથી કીર્તન કરે છે, ને નામધુન જગાવીને પ્રેમભક્તિનું વાતાવરણ ઊભું કરે છે. બદરીનાથ, દ્વારકા કે રામેશ્વરમાં એવી પરંપરા નથી દેખાતી. પણ અનુકરણીય અવશ્ય છે. મંદિરમાં થતું નામસ્મરણ દર્શકોનાં મન પર ઊંડી છાપ પાડે છે.

મંદિરમાં એક બાજુ શ્રી ચૈતન્ય મહાપ્રભુનું સ્થાન પણ જોવા મળે છે. ચૈતન્ય મહાપ્રભુના નામથી કોણ અપરિચિત હશે ? નવદ્વીપમાં જન્મીને કૃષ્ણભક્તિનો પ્રચાર કરનારા તે એક લોકોત્તર મહાપુરુષ હતાં. જીવનનાં છેલ્લા કેટલાય વરસો તેમણે અહીં ભગવાનના પ્રેમોન્માદમાં પસાર કરેલા, ને છેલ્લે તે જગન્નાથજીના શ્રી વિગ્રહમાં સમાઇ ગયેલા. એમને અવતારી પુરુષ કે કૃષ્ણાવતાર માનનારો એક વર્ગ પણ આજે છે. તેમનું જીવન અલૌકિક, પ્રેમભક્તિથી ભરેલું ને ઉજ્જવલ હતું. તેમની ઉપસ્થિતિમાં આ મંદિર કેવું શોભી ઊઠતું હશે ? પ્રેમ ને ભક્તિનો દેશમાં પ્રચાર કરવા ચૈતન્ય મહાપ્રભુ ને નિત્યાનંદના રૂપમાં ભગવાને અવતાર લીધો હતો એમ ભક્તોનું માનવું છે. તેમને ઇષ્ટ તરીકે પૂજનારા માણસો પણ આજે કેટલાય છે. તેમના જીવન ને કર્મ દ્વારા જાગૃતિની જે લહેર ફેલાઇ ને કીર્તન ભક્તિની વ્યાપક અસર થઇ તે ખૂબ જ નોધપાત્ર છે. એવી વિભૂતિઓનું પ્રાકટ્ય યુગોમાં ક્વચિત જ થાય છે. તેમના સ્થાનનું દર્શન કરીને અમને આનંદ થયો. તેમને મંદિરમાં નાચતા, મંદિરને દ્વારે ઊભા રહીને પ્રેમાશ્રુ સારતા, ભક્તો સાથે વાતો કરતા, સંન્યાસીઓની સભામાં ભક્તિનો મહિમા સમજાવતા ને છેવટે શ્રી ભગવાનના સુંદર વિગ્રહમાં સમાઇ જતા અમે કલ્પનાચક્ષુથી જોઇ રહ્યાં.

જગન્નાથપુરીનો દરિયો સુંદર છે. મોજાં એક પછી એક ઊછળતાં ઊછળતાં કિનારે આવે છે તે ખૂબ જ આકર્ષક લાગે છે. દરિયાનો વિસ્તાર પણ ઘણો છે. શ્રદ્ધાળુ માણસો ત્યાં સ્નાન કરીને યાત્રાના પુણ્યસંચયમાં વધારો કરે છે. ગરીબી ને કંગાલિયતનાં દૃશ્યો અહીં પણ નથી એમ નહીં. એક બાજુ કિનારે હોટલોનાં આલિશાન મકાન ઊભાં છે અને આકર્ષક વસ્ત્રોથી વિભૂષિત પ્રવાસીઓ ફરે છે, તો બીજી બાજુ કંગાલ ને ચીંથરેહાલ માગણો પણ જોવા મળે છે. આ દૃશ્યો હૃદયસ્પર્શી છે. ભારતને કોઇ પણ છેડે જઇને ઊભા રહો, આવા વિરોધાભાસી દૃશ્યો દેખાવાનાં જ.

દરિયા કિનારે એક બાજુ શંકરાચાર્યનો મઠ છે. શંકરાચાર્યે પસંદ કરેલું સ્થળ ગામથી છેક દૂર છે. મઠમાં શંકરાચાર્યની મૂર્તિ છે. બાંધણી પહેલાંના સમયની અને બિલકુલ આકર્ષક નથી. મઠમાં હાલના શંકરાચાર્ય કે કોઇ સંન્યાસી મહાત્માના દર્શન ના થયાં.

 

[ર] ભુવનેશ્વર

ભુવનેશ્વર જગન્નાથપુરીની પાસે છે. જગન્નાથપુરીથી મોટરમાં જવાય છે. વચ્ચે સાક્ષીગોપાલ તીર્થ આવે છે. ત્યાં પંડાઓ યાત્રીની પાછળ સારા પ્રમાણમાં પડે છે. તેમને દાન કે દક્ષિણા ના મળે તો ધર્મનો નાશ થઇ ગયો, અધર્મ વધી ગયો, કલિકાળનો પ્રભાવ બધે ફેલાઇ ગયો એવી વાણીમાં હૈયાવરાળ કાઢે છે. સાક્ષીગોપાલમાં ભગવાન ઠેઠ મથુરાથી એક ભક્તની સાક્ષી પૂરવા માટે આવ્યા ને તે ભક્તના આગ્રહથી પછી ત્યાં જ રહી ગયા એમ પંડાઓ સમજાવે છે. ભુવનેશ્વરમાં અનેક પ્રાચીન મંદિરો છે. કેટલાક તો જીર્ણાવસ્થામાં છે. સૌથી મોટું મંદિર ગામની અંદર છે. તેમાં શંકર ભગવાનનું લિંગ છે. આ બાજુના મંદિરો એકદમ અંધારા અને ઊંડા હોય છે. મંદિરોમાં સ્વચ્છતા ઓછી હોય છે.

ભુવનેશ્વરથી પાછા પુરી આવ્યા ત્યારે આકાશમાં સંધ્યાના ગુલાબી રંગો ફરી વળેલા. વિદાય લેતો દિવસ એક વારની જીવનની નિશ્ચિત વિદાયની ને સંસારની પરિવર્તનશીલતાની કથા કહેતો હતો. પણ એ સાંભળનારા કેટલા હશે ? માણસો પોતપોતાના વ્યવહારમાં એવા તો મગ્ન હતા કે સાંજની એ શોભાને જોવાની પણ તેમને નવરાશ ન હતી. માનવીને વિચાર કરતો કરી મૂકવા માટે કુદરત એક મહાન ને ઉત્તમ ગ્રંથ બનીને પોતાના હૃદયને રજૂ કરે છે. તે ગ્રંથના પાનાં વાંચવાની શક્તિ જો માણસ કેળવે તો તે જીવનનો કલાકાર બની જાય. પ્રકૃતિના વિશ્વવિદ્યાલય પાસે બીજા વિદ્યાલયો ગૌણ બની જાય છે એ સાચું છે.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer