|
વિજ્યાદશમીની સવારે ઉપવાસ તો છોડ્યા પણ મને સમાધાન થયું નહિ. સાધનાને
માટે કોઇ ચોક્કસ અનુભવની આવશ્યકતા હતી. સાધના ક્યારે પૂરી થશે તે ચિંતા
રાતદિન મારા મનમાં રહ્યા કરતી.
વિજયાદશમી પછીના બધા જ દિવસો પ્રાર્થનામાં પસાર થયા. નિષ્ફળતાના આવા
કેટકેટલા આઘાતોની વચ્ચેથી મારો ઉત્સાહ અખંડ રહીને કામ કરે છે ! ફરી
પુરુષાર્થ, ફરી ભોગ ને ફરી હિંમતપૂર્વકનો સાધનાપ્રવાસ-આ બધું કરતાં કરતાં
છેલ્લા ત્રણેક વર્ષ મેં વીતાવ્યાં છે. આ છેલ્લી ને મહત્વની સાધનાને સફળ
કરતાં મને વધારેમાં વધારે વખત લાગ્યો છે. પણ મારી શ્રદ્ધા આવા નિષ્ફળ
દિવસોની આવૃત્તિ વચ્ચે પણ તદ્દન અચળ અને અમર છે. જે બીજ નાખ્યું છે તે
વ્યર્થ જવાનું નથી જ નથી. વિશ્વના મંગળ ને મારી પોતાની સિદ્ધિ કે પૂર્ણતા
માટે કેવળ 'મા'ની
પ્રેરણાથી, 'મા'નો
આધાર લઇને મેં જે સાધનાપ્રવાસ એકલે હાથે ચાલુ રાખ્યો છે તે સફળ ને પૂર્ણ
થવાનો છે, એવા મારા દૃઢ વિશ્વાસમાં આથી તિલમાત્ર ફેર પડ્યો નથી, ને પૂર્ણ
સિદ્ધિની ઘડી સુધી તેમાં કૈં જ ફેર નહીં પડે. મારા જીવનાનુભવ પરથી
પૂર્ણતાનો પ્રત્યેક પ્રવાસી કે સત્યનો શોધક શીખી લે કે આધ્યાત્મિક
વિકાસનો માર્ગ કદી ના ખૂટનારી અચળ શ્રદ્ધાવાળા માણસ માટે જ છે. નિરાશા ને
વિષાદની જેની ભાવના ને મહેચ્છા પ્રત્યેક ઉષાએ પાંગરતી જ જાય છે, ને
મૂકપણે સહન કરીને પોતાના આદર્શ માટે છેવટ સુધી ભોગ આપવા જે તૈયાર થાય છે
તેને માટે જ સાધના છે. તે બહાદુર કે વીરપુરુષ જ પૂર્ણતાના પ્રવાસમાં
પરિપૂર્ણ રીતે સફળ થઇ શકશે. જે કાયર છે, નિષ્ફળતાથી ડરી કે નાહિંમત થઇને
જે લીધેલા નાના કે મોટા કાર્યને પડતું મૂકે છે, તે પોતાનો કે કોઇનો
ઉદ્ધાર કરી શકશે નહીં. સાધકે પહેલાં મજબૂત મનોબળ તૈયાર કરવું જોઇએ. પછી
તેણે શોધી કાઢવું જોઇએ કે જે ધ્યેય માટે તે મહેનત કરે છે તે ધ્યેય
ઇશ્વરપ્રેરિત કે ઇશ્વરમાન્ય છે ?
જો એનો ઉત્તર હા માં મળે તો તેણે ગભરાવાનું કે નિરાશ થવાનું કારણ નથી.
તેનો બધો ભાર પ્રભુ ઉપાડી લેશે ને છેવટે સુધી દોરશે. કેમ કે તે પણ જગદંબા
છે, ને તેની ઇચ્છા સદાય વિજયી થવા સર્જાયલી છે.
એટલે જ
નવરાત્રી વીતી ગઇ છતાં નિરાશ થયા વિના
'મા'
પર પૂર્ણ શ્રદ્ધા રાખીને મેં મારું કાર્ય ચાલુ જ રાખ્યું, તે વિના છૂટકો
ન હતો. જે કાર્ય લીધું છે તે પૂરું ના થાય ત્યાં સુધી મને ચેન જ ક્યાંથી
પડે ?
ફરી સજ્જ થઇને આગળ વધવું એ જ માર્ગ હતો.
લગભગ
આખો આસો મહિનો વ્રત તેમ જ પ્રાર્થના ને ચિંતામાં ને
'મા'ની
પ્રેમપૂર્વક પ્રતીક્ષા કરવામાં વીતી ગયો. દશેરા પછી આઠ દિવસ દૂધ પર ને બે
દિવસ બાદ કરતાં બીજા બધા દિવસ એક ટંક વ્રત કરીને
'મા'ની
કૃપા મેળવવા મેં પ્રાર્થના કરી. દિવાળી પહેલાં હિમાલયના પવિત્ર પ્રદેશમાં
મારી સાધનાત્મક આકાંક્ષા પરિપૂર્ણ કરવા મારું હૃદય આતુર થઇને ઝંખતું
હતું. મારી ખાતરી હતી કે મારી સફળતાનો મુખ્ય આધાર મારા પ્રયાસ પર નહિ,
પરંતુ જગદંબાની દયા પર જ રહેલો છે, ને તેથી જ ગંગાના તટપ્રદેશના એકાંત
શાંત આશ્રમમાં તેની દયા માટે ભીખ માગતાં મારા દિવસો પસાર થવા માંડ્યા.
દેવપ્રયાગમાં શેઠના મકાનના નિવાસ દરમ્યાન તે જ મકાનમાં ભાઇ જવાહરલાલ
સહાની પણ રહેતા. તેમણે જ અમને પ્રેમપૂર્વક જગા આપેલી તે ઉલ્લેખ મેં આ
પહેલા કર્યો છે. એ ભાઇ ખૂબ પ્રેમાળ, શ્રદ્ધાળુ ને સરળ હૃદયના હતા. તે મૂળ
કાશ્મીરી હતા. ધની ને સુસંપન્ન માતાપિતાના એકના એક પુત્ર હોવા છતાં
પિતાની વિરુદ્ધ પોતાના પગ પર ઊભા રહેવા માટે તે નોકરીમાં જોડાયેલા.
નવરાત્રી દરમ્યાન ને તે પછી મેં જે વ્રત કર્યું તેનાથી તે સારી પેઠે
માહિતગાર હતા. તદ્દન પાસે રહેતા હોવાથી જણાવવાની ઇચ્છા ના હોવા છતાં એ
વિશે જાણવાનું તેમને માટે સ્વાભાવિક હતું. તેમને માતા શીતળા પર પ્રેમ
હતો. સદ્દભાગ્યે તેમને એક દાંતના ડોકટર મળ્યા હતા. તેમને માતા શીતળાનો
આવેશ આવતો. તેમને ગુરુ માનીને તેમની પાસેથી તે બનતો લાભ લેતા. એટલે
આધ્યાત્મિકતા પ્રત્યે તેમને આકર્ષણ ને રુચિ બંને હતાં.
વ્રત
દરમ્યાન એક દિવસ તેમણે મને પૂછ્યું,
‘તમારા
જેવા મહાન પુરુષને આવી કઠોર ને તીવ્ર સાધના કરવી પડે છે, તો અમારા જેવા
સાધારણ મનુષ્યોને તો કેટલું તપવું પડે
?
પૂર્ણતા કે પરમશાંતિ કે ઇશ્વરપ્રાપ્તિ માટે અમારે તો કેટલી મહેનત કરવી
પડે ?
અમારો ઉદ્ધાર તો કેટલાય જન્મોમાં થઇ શકે એમ લાગે છે.’
મેં
કહ્યું, ‘ના,
એમ માનવાનું કોઇ કારણ નથી. મારી મહેનત જોઇને ડરી જવાનું કે નિરાશ થવાનું
કારણ નથી. મારામાંથી તો તમારે આદર્શને માટે મરી ફીટવાની ને છેવટ સુધી ભોગ
આપવાની પ્રેરણા મેળવવાની છે. એ પ્રેરણા પ્રમાણે ચાલો તો સંભવ છે કે
ઇશ્વરની કૃપા તમારા કે કોઇના પર જલદી પણ થઇ જાય. વળી મારી સાધનાનો આદર્શ
ઘણો વિશાળ છે. તે વિશે તમને જણાવવાની જરૂર નથી. પણ તે આદર્શ આકાશ જેટલો
ગહન ને હિમાલય જેટલો ભવ્ય ને મહાન છે. તેથી મારે તેને સાધ્ય કરવા થોડો
વધારે પરિશ્રમ કરવો પડે એ સમજી શકાય તેમ છે. તેનો અર્થ એમ નથી કે દરેકને
તેવો પરિશ્રમ કરવો પડશે. હા, વગર મહેનતે-જરા પણ ભોગ આપ્યા વિના પ્રાપ્ત
થઇ જાય એવાં આધ્યાત્મિક માર્ગના રહસ્યો નથી. તે લાંબી ઉપાસના, ધીરજ ને
પ્રલોભનરહિતતા માગી લે છે. વધારે ભાગના માણસોમાં એ વસ્તુનો અભાવ હોય છે.
તેથી તે આ માર્ગે આગળ વધી શકતા નથી.’
‘એક
બીજી વાત કહુ. પાણી પર તરવા માટે જે નાવ બનાવે છે તેને પહેલાં કેટલો
પરિશ્રમ પડે છે ! જંગલમાં જઇને તે લાકડાં શોધે છે, તેને બરાબર બનાવે છે,
ને કેટલાય દિવસોની મહેનત પછી તેમાંથી નાવ ઘડે છે. પણ એક વાર તે નાવ તૈયાર
થઇ ગઇ એટલે બધાંને તેવી મહેનત કરવી પડતી નથી. તેવી મહેનતના ખ્યાલથી દરેકે
ગભરાવાનું રહેતું નથી. પછી તો જેને પણ પાણીને પાર કરવું હોય છે તેનું કામ
સહેલું બની જાય છે. તેવી જ રીતે મહાપુરુષો શ્રમ કરે છે, સાધના કરે છે,
અને અનેકના કલ્યાણની કૂંચી તૈયાર કરે છે. પછી તો જેમણે આ સંસારસાગરની પાર
પહોંચવું હોય, તેમને માટે નવો વધારે પડતો પરિશ્રમ કરવાની જરૂર નથી રહેતી.
તેમણે તો કેવળ અમુક
યોગ્યતા પ્રાપ્ત કરીને તેવા મહાપુરુષોનું શરણ લેવાનું જ શેષ રહે છે. તેથી
તેમનું કામ સહેલું થઇ જાય છે. એવા પુરુષોનું શરણ મળે તો પછી નિરાશ થવાનું
કારણ રહેતું નથી. મારી સાધના ઇશ્વર પર શ્રદ્ધા રાખીને થાય છે. જગદંબા જ
તેનો એક માત્ર આધાર છે. એટલે જરા પરિશ્રમ પડે તે સમજી શકાય છે.’
બીજી
વાર એક ઓરિસ્સાના કલેક્ટર આવ્યા. તેમની સાથે ઔરંગાબાદના હિંદી તેમ જ
અંગ્રેજીના એક પ્રોફેસર પણ હતા. તેમણે પ્રશ્ન પૂછ્યો,
‘પરમાત્મા
સર્વના ગુરુ છે, તો પછી માણસે ગુરુ કરવાની જરૂર ક્યાં રહી
?’
‘બરાબર
છે.’
મેં કહ્યું, ‘પરમાત્મા
સૌના ગુરુ છે. પણ એ તો એક આદર્શ અથવા સિદ્ધાંત છે. જેમ કે આત્મા મુક્ત જ
છે એ સિદ્ધાંત કે આદર્શ છે છતાં વિચાર કરતાં જણાશે કે બંધનનો, અનેક
પ્રકારની અલ્પતા અને વાસનાનો અનુભવ માણસને થાય છે, ને તેથી તે મુક્ત થવા
ભરચક પ્રયાસ કરે છે. એટલે કે આત્મા મુક્ત કે પૂર્ણ છે એ સિદ્ધાંત તો
બરાબર છે. પણ માણસને જ્યાં લગી તેનો અનુભવ થયો નથી ત્યાં લગી વાસ્તવિક
દૃષ્ટિએ તે સાચું માની શકાય નહીં. કેમ કે આધ્યાત્મિક સત્યો કેવળ બોલી
બતાવવાનાં વાક્યો નથી પણ જીવનમાં પ્રત્યક્ષ કરીને આચરવાનાં રહસ્યો છે.’
‘એ
જ વાત આ પ્રશ્નને લાગુ પડે છે. પરમાત્મા સૌના ગુરુ છે એ સિદ્ધાંતની
દૃષ્ટિએ તદ્દન સાચું છે. પણ વાસ્તવિકતાની દૃષ્ટિએ બરાબર નથી. માણસ જો
નમ્ર ને પ્રામાણિક બનીને વિચાર કરશે તો તેને સ્પષ્ટ સમજાશે કે ઇશ્વરની
ઇચ્છા, ઇશ્વરના સંદેશ કે ઇશ્વરની પ્રેરણા પ્રમાણે તેનું જીવન ચાલતું નથી.
અહંકાર, દંભ, કામ, ક્રોધ ને મમતા તેમ જ આસક્તિના આવરણમાં માણસ ઢંકાયેલો
છે. એટલે ઇશ્વરનો સાચો સંદેશ ઝીલી કે સાંભળી શક્તો નથી. તે તો પોતાના
મલિન મન ને સ્વભાવની જ આજ્ઞા કે પ્રેરણા પ્રમાણે વર્તે છે. તે
મહાગુરુ-વિશ્વગુરુ પરમાત્માની સાથે તો તેનો સંબંધ જ ક્યાં છે
?
જ્યારે તે મમતા, અહંકાર અને આસક્તિને ખંખેરી કાઢશે, ને ઇશ્વરની તરફ ગમન
કરીને શુદ્ધ સત્વગુણ પ્રતિષ્ઠિત થશે ત્યારે ઇશ્વરી સંદેશ સાંભળી શકશે, ને
ઇશ્વરી પ્રેરણા પ્રમાણે જ જીવન ઘડી શકશે. મહાપુરુષોનાં જીવન આજ રીતે
ઘડાતાં હોય છે. તેથી જ તેઓ કહી શકે છે કે ઇશ્વર તેમનાં ગુરુ છે, ને તેના
આદેશ પ્રમાણે તે જીવે છે.’
‘સાધારણ
માણસમાં અનુભવની આટલી અવસ્થા ક્યાં છે
?
મનની વૃત્તિ, સ્ત્રી, ધન અને એવા કેટલાય પદાર્થો તેના પર સત્તા જમાવીને
તેને નચાવે છે. ઇશ્વરની સત્તાનો સંપર્ક તેને ક્યાં છે
?’
‘ત્યારે
ઇશ્વરી સંદેશ સાંભળવાની શક્તિ જેનામાં નથી, તેણે એવા મહાન પુરુષોનો આશ્રય
લેવો જોઇએ જે તેને ઇશ્વરના સંદેશની શિક્ષા આપે ને ઇશ્વરની આજ્ઞા શું છે
તે સમજાવે. એવા મહાન પુરુષોને ગુરુ તરીકે સ્વીકારવાનું એટલા માટે જ
આવશ્યક થઇ પડે છે. તેમની પ્રેરણાથી જીવનનો અંધકાર દૂર થાય છે, મનની જડતા
ટળી જાય છે, ને ઇશ્વરરૂપી પરમ ગુરુ સાથે અનુસંધાન સાધી શકાય. આવી
શક્તિવાળા ગુરુ જ સાચા ગુરુ છે, ને તેમનો આશ્રય લેવાની અગત્ય એટલા જ માટે
સૌથી વધારે છે.’
ગંગાના
અખંડ જયઘોષને સાંભળતાં, એવા એકાદ બે પ્રસંગોની વચ્ચે હિમાલયવાસના સાધનામય
દિવસો વીતી ગયા. સમય ઝડપી છે. નવાં નવાં ફૂલો ચઢાવીને, નવા નવા
પ્રેમભક્તિના ભાવથી એ વિશ્વગુરુ જગદંબાની પૂજા કરતાં દિવસ પર દિવસ વીતી
ગયા. પ્રેમ જ જે આરાધનાનો પ્રદીપ છે, શ્રદ્ધા જ્યોત ને ધીરજ ધૂણી છે, તે
આરાધના પ્રતિદિન ચાલુ જ રહી. દિવાળી એ રાતે જ પૂરી થઇ. હવે ઠંડી શરૂ થવા
માંડી. ત્યાં તો એક દિવસ 'મા'એ
નાશિક જવાની પ્રેરણા કરી. ભાઇ ચંપકભાઇ નાશિક હવાફેર માટે ગયેલા. એમના
આમંત્રણ પત્રો ઉપરાઉપરી આવતા હતા.
|