Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૧૯૪. ત્રીસ દિવસના ઉપવાસ

 

જીવનના પ્રવાસમાં કેટકેટલા ચઢાવ ઉતાર આવે છે ! હિમાલયની પર્વતમાળામાંથી જ્યારે વક્રગતિએ મોટર પસાર થાય છે ત્યારે એવો વિચાર જાગે છે. જીવનના સફળ ને સુખદ પ્રવાસ માટે જીવનરૂપી રથનો ચલાવનારો સારથિ પણ ખૂબ જ સાવધ ને સશક્ત હોવો જોઇએ, નહિ તો હિમાલયના વિકટ માર્ગ જેવી જીવનની આંટીઘૂટી પાર કરવાનું કામ તેને માટે મુશ્કેલ થઇ પડે. જીવનની સાધના અતિશય કપરી છે ને પ્રવાસી સાધકે સદાય જાગ્રત રહીને તેની પરિપૂર્ણતા માટે પ્રયત્નશીલ રહેવાનું છે.

દેવપ્રયાગથી ઋષિકેશનો પર્વતીય મોટરમાર્ગ ખૂબ વિકટ છે. એ માર્ગનો પ્રવાસ કરવાથી સાચા હિમાલય પ્રદેશનું દર્શન થાય છે. ઋષિકેશ સુધી આવીને પાછા ફરતા પ્રવાસી હિમાલયના મહાન દર્શનથી વંચિત રહી જાય છે, એ મેં પહેલાં પણ કહ્યું છે. એ દર્શનનો આનંદ અજબ છે. દેવપ્રયાગની ભૂમિ પણ સાધના માટે ઉત્તમ અને અનુકૂળ છે. તે ભૂમિના પરમાણુ જ જુદા છે. લાંબા વખતના અનુભવ પછી જ એ વાત સમજી શકાય તેમ છે.

એ પરમાણુઓમાં સ્નાન કરવાનું સૌભાગ્ય મને કેટલાંય વરસોથી સાંપડ્યું તેથી અંતર સંતૃપ્ત ને શાંત બન્યું. એ પ્રદેશમાંથી વિદાય લેવાનો વખત આવી પહોંચ્યો. ભાઇ જવાહરલાલ ગદગદ્ થઇ ગયા. તેમનો પ્રેમ ખરે જ અજબ હતો. કહ્યું છે કે અનેક જન્મોનાં પુણ્ય વિના મહાત્મા પુરુષો પર પ્રેમ થતો નથી તે સાચું લાગ્યું. દેવપ્રયાગના ભાઇ રામેશ્વર-વ્રજમોહન પણ મોટરે આવ્યા. તેમનો પ્રેમ પણ ભારે હતો.

વર્ષો પહેલાં આધ્યાત્મિક સાધના માર્ગના એક અજાણ્યા પથિક તરીકે જ્યારે હું આ પ્રદેશમાં આવ્યો ત્યારે મારા દિલમાં કેવા કેવા ભાવતરંગો ઊઠતા હતા ? તે પછી તો હિમાલયના પ્રદેશમાં મેં અનેક અનુભવો મેળવ્યા, જીવનનો ઇશ્વરપ્રેરિત આધ્યાત્મિક ઘાટ ઘડ્યો ને ઊંડી શાંતિ પણ મેળવી. એનો લગીર જેટલો ઇતિહાસ હું આલેખી ચૂક્યો છું. એ દિવસોની ઉડતી યાદ આવતાં હિમાલયની મારી રસવૃત્તિ ને ઉત્તરાખંડ પ્રત્યેની મારી માનબુદ્ધિ ફરી તાજી થઇ, ને મારું હૃદય કાવ્યમય ભાવોથી ભરાઇ ગયું.

ઋષિકેશમાં બે દિવસ રોકાઇને આખરે અમે નાશિક આવી પહોંચ્યા. ભાઇ ચંપકભાઇ જ્યાં રહેતા હતા તે સ્થાન ખૂબ સુંદર હતું. આ ઉપરાંત તે પોતે પણ મારા પર ખૂબ પ્રેમભાવ રાખતા. દશરથાચલના પર્વત પર અમે સાથે રહ્યા તે પહેલાંથી એટલે ઋષિકેશનિવાસના દિવસથી તે પ્રેમ જાગ્રત થઇને વધતો જતો. એમની સાથે એકાંત વાતાવરણમાં રહેતા મારા દિવસો આનંદપૂર્વક પસાર થવા માંડ્યા.

નાશિકના તીર્થધામમાં પણ મારું બધું જ ધ્યાન મારી સાધનાની સિદ્ધિ પ્રત્યે એકાગ્ર થયેલું. સાધનાને સફળ કરવા મારાથી બનતા પ્રયાસ મેં કર્યા હતા. તે પ્રયાસને આગળ લંબાવવાની મારી ઇચ્છા હતી. તે ઇચ્છાને ક્રિયાન્વિત કરવાનું કામ નાશિક આવીને મેં શરૂ કર્યું. એટલે કે 'મા'ની દયાથી વિભૂષિત થવા માટે તારીખ ૧૬ નવેમ્બર શુક્રવાર કારતક વદી ત્રીજથી મેં જલ પર તેમ જ નિર્જલ રહીને 'મા'ને પ્રાર્થના કરતાં ઉપવાસ શરૂ કર્યા. તેની ટૂંક નોંધ શરૂઆતમાં લખું છું.

 

પ્રાર્થનાઓ :

દિન ૧-૨-૩ | દિન ૪ | દિન ૬ | દિન ૧૨ | દિન ૨૫ | દિન ૨૬ |

દિન ૨૭-૨૮ | દિન ૩૨ | દિન ૩૩ | દિન ૩૪ | દિન ૩૫ |

 

ઉપવાસના એ દિવસો નાશિક તેમ જ મુંબઈમાં સારી પેઠે પસાર થઇ ગયા. પણ સાધનાની પરિપૂર્ણતા ના થઇ. મુંબઈથી પ્રસિદ્ધ સિદ્ધપુરુષ સાંઇબાબાનું સ્થાન શિરડી પાસે જ હતું ત્યાં જવા માટે વિચાર હતો. પરંતુ મારા મનમાં એમ થયું કે જો ઇશ્વરી સંકેત થાય તો જ શિરડી જવું. એ જ અરસામાં એક વાર આંતર જગતમાં પ્રેરણા મળી કે શિરડી આવવા માટે નીકળવું હોય તો મુંબઈથી રાતની ગાડીમાં નીકળજો, દિવસની નહીં. એ પછી થોડેક દિવસે સાંઇબાબાનું સ્વપ્નદર્શન થયું. ને તે પછી શિરડી જવાનો સંકેત પણ મળ્યો. એવી ચોક્કસ ઇશ્વરી પ્રેરણા મળવાથી મેં શિરડી જવાનું નક્કી કર્યું. નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે અમે તારીખ રપ-૧-૧૯પરની રાતે મુંબઈ છોડ્યું.

નાશિકના ઉપવાસ દરમિયાન એકાંતરે દિવસે પાણી પર રહેવાનું રાખ્યું હોવાથી શારીરિક અશક્તિ વધી ગયેલી. એ ઉપવાસ જીવનના કઠોરતમ ઉપવાસ હતા. ઉપવાસ દરમિયાન અવારનવાર સિદ્ધપુરુષોનો ને જગદંબાનો દિવ્ય દર્શનલાભ ધ્યાનમાં મળતો રહેતો અને એથી મને અવનવો ઉત્સાહ સાંપડતો.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer