Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૧૯૫. શિરડીની યાત્રા

 

શિરડી ગામ બહુ મોટું નથી. સ્વચ્છ પણ વધારે ના ગણાય. ત્યાં પહોંચતા વેંત જ અમારા પર એવી છાપ પડી. ગામથી જરાક દૂર નદી છે. ત્યાં સૌથી પહેલાં અમે સ્નાન કરવા ગયા. નદી તદ્દન નાની પણ સુંદર છે. નદીની બંને બાજુ જારનાં ખેતરો શોભી રહ્યાં હતાં. દૃશ્ય રમણીય હતું. સ્નાનાદિ માટે શિરડીમાં ગરમ પાણીની વ્યવસ્થા હતી. પણ નદીનું નામ સાંભળીને અમે નદીમાં નહાવાનું નક્કી કર્યું. નદીને માતાનું બિરુદ આપ્યું છે તે બરાબર જ છે. નદીએ જવાથી એક સાથે અનેક કામ પતી જાય છે. નદીથી સ્થળની સુંદરતા ખૂબ જ વધી જાય છે. નદીના કુદરતી સૌન્દર્ય વચ્ચે બેસીને શાંતિ મેળવવાનો અવસર આજના શહેરી અને પ્રકૃતિવિમુખ માણસોને ભાગ્યે જ મળે છે; ને જ્યારે મળે છે ત્યારે એમનાં અંતર અસાધારણ આનંદ અનુભવે છે. તો પછી જે કુદરતની ગોદમાં જ રમે છે, નદી ને પ્રકાશ ને કુદરત સાથે જેને સદાનો સંબંધ છે, તેના આનંદનું તો કહેવું જ શું ? અમારી સાથે શિરડીયાત્રામાં જે દસ-બાર ભાઇઓ હતા તે બધા જ ગ્રામજીવનમાં ઉછરેલાં હોઇને કુદરતી સૌન્દર્યના અનુરાગી હતા. નદીને જોઇને એમને અત્યંત આનંદ થયો.

સ્નાન કરીને પાછાં આવ્યા ત્યારે તો પ્રેમી ભાઇઓએ ઉતારાની વ્યવસ્થા કરી લીધી હતી. શિરડીમાં યાત્રીઓની ભીડ ઘણી ભારે હતી. પ્રમાણમાં ઓરડીઓની મુશ્કેલી હતી. સાંઇબાબાના પ્રસિદ્ધ સમાધિ મંદિરની ઉપરના ભાગમાં અમને જગા મળી. એ જગા એકદંરે સારી હતી. કેમ કે નીચે સમાધિ મંદિરનો વિશાળ હોલ તેમ જ સમાધિનું દર્શન ઉપરથી સારી પેઠે થતું. ત્યાં જગા લઇને અમે સમાધિના દર્શને ગયા.

શિરડીમાં મુખ્ય જોવાલાયક સ્થળો ત્રણ : સમાધિમંદિર, સાંઇબાબા જે સ્થાનમાં રહેતા તે સ્થાન દ્વારકામાઇ, ને સાંઇબાબાનું ગુરુસ્થાન-જ્યાં તેમના ગુરુ પ્રકટ થયા તે સ્થાન.

સમાધિમંદિર ખૂબ જ વિશાળ ને સુંદર છે. એ સ્થળે શિરડીના સિદ્ધપુરુષ સાંઇબાબાએ સમાધિ લીધી છે. એ વાતને તો વરસો વીતી ગયાં, પણ કોઇ ભક્ત પુરુષે પાછળથી હજારો રૂપિયા ખરચીને આજનું સમાધિમંદિર બંધાવ્યું છે. તે અત્યંત આકર્ષક છે. સમાધિમંદિરમાં સામે જ સાંઇબાબાની ખુલ્લી સમાધિ છે. સમાધિ પર ફૂલમાળાઓ પડેલી હોય છે. એક બાજુ અખંડ અગ્નિ સળગ્યા કરે છે. તે જ તરફ સાંઇબાબાની ચરણપાદુકા છે. સામે સાંઇબાબાનું મોટું તૈલચિત્ર છે. સમાધિમંદિરમાં નાતજાતના ભેદ વિના સૌ કોઇ પ્રવેશી શકે છે. પૂજા કરવાનો પણ સૌને અધિકાર છે. સવારે લગભગ સાડાદસ કે અગિયાર વાગે પૂજા થાય છે. તે વખતનું દૃશ્ય સુંદર હોય છે. પૂજારી ને બીજા ભક્તો સાંઇબાબાની સ્તુતિ ગાય છે ને ખૂબ જ ભાવથી પૂજા પૂરી કરે છે.

પૂજામાં ભાગ લઇને અમે દ્વારકામાઇનાં દર્શને ગયાં. દ્વારકામાઇ એક મસ્જીદ છે એમ કહેવાય છે, પરંતુ મસ્જીદ જેવો તેનો આકાર નથી દેખાતો. નાનું સરખું મકાન છે. તેનાં પગથિયાં ચઢીને અમે ઉપર પ્રવેશ કર્યો. ઉપર સાંઇબાબાનું મોટું તૈલચિત્ર છે. તેમાં સાંઇબાબાની બેઠેલી આકૃતિ છે. આકૃતિ ખૂબ જ આકર્ષક છે. આબેહૂબ પણ એટલી જ. જાણે સાંઇબાબા હમણાં જ વાત કરી ઊઠશે એમ આકૃતિને જોતાં તરત જ લાગે છે. દ્વારકામાઇમાં પણ એકબાજુ અખંડ અગ્નિ જલ્યા કરે છે. સાંઇબાબા અગ્નિ રાખતા ને તેની ભસ્મ સૌને આપતા. તેમની સ્મૃતિમાં આજે પણ ભસ્મ અને અગ્નિ જોવા મળે છે. એક કબાટમાં સાંઇબાબાની પહેલાંની બે ત્રણ કફની છે. એ ઝભ્ભા જાડા કાપડના ને સાદા છે. બીજી બાજુ દિવાલમાં તેમની જૂની ચલમો હારબંધ જડેલી છે. સાંઇબાબા ચલમ પીતા એ વાત પ્રસિદ્ધ જ છે. એની સાથે સાથે યાત્રીઓને સાંઇબાબાનાં બે ત્રણ વાસણો પણ જોવા મળે છે. એક ખૂણામાં ઘંટી તથા એક કોથળો છે. એ વિશે એમ કહેવાય છે કે શિરડીમાં દુકાળ પડતો ત્યારે સાંઇબાબા પોતે અનાજ દળતા ને તે વખતે આ ઘંટીને ઉપયોગમાં લેતા. દળેલા ઘઉંનો લોટ તે ગામબહાર આવેલી નદીમાં ફેંકાવી દેતા. ગોદાવરી નદીમાં લોટ પધરાવવાથી કે એ જાતના સાંઇબાબાના આશીર્વાદથી શિરડીમાંથી દુકાળની અસર દૂર થઇ જતી. કોથળામાં અનાજ ભરેલું આજે પણ કાયમ છે. એ વસ્તુઓ ઉપરાંત સાંઇબાબાની બીજી સ્મૃતિ પણ જોવા જેવી છે. તેમની રેશમી જેવી છત્રી. બહાર જતાં કેટલીક વાર સાંઇબાબા આ છત્રીનો ઉપયોગ કરતા. તે વખતે સાંઇબાબા કેવા લાગતા હશે એમ સહેજે વિચાર થાય છે. એ વિચાર તરત સંતોષાય છે પણ ખરો. સાંઇબાબા બહાર જાય છે તે વખતે તેમના ભક્તો તેમની આજુબાજુ ઊભા છે. એક ભક્તે તેમને છત્રી પણ ઓઢાડી છે. એ દૃશ્ય મોટા તૈલચિત્રમાં અહીં જોવા મળે છે. દૃશ્ય ખૂબ જ આકર્ષક અને આબેહૂબ છે.

દ્વારકામાઇનું સ્થળ સુંદર છે. જ્યારે એ સ્થળમાં સાંઇબાબા જેવા સિદ્ધપુરુષ વિરાજતા હશે ત્યારે એનો મહિમા કેવો અદ્દભુત હશે ! કેટલાય ભક્તો તેમનાં દર્શનથી ધન્ય થયા હશે, ને અસંખ્ય સાધકોએ તેમનાં વચન ને જીવન દ્વારા પ્રેરણા મેળવીને સાધનાની કપરી કેડીને કાપી હશે. આજે એ મહાપુરુષ આ સ્થળમાં સ્થૂળ શરીરે બેઠા હોત અને એ જ રીતે વાતો કરવાનું ને પ્રેરણા પાવાનું મંગળ કાર્ય કરતા હોત તો કેટલો આનંદ આવત ? તો તો શિરડી-ગામની યાત્રા ખૂબ ખૂબ ઉપકારક કે અગત્યની થઇ જાત. પણ સમય સમયનું કામ કરે છે. આજે તો જે છે તેનાથી જ દર્શકે તૃપ્ત બનવાનું રહે છે. જો કે સાંઇબાબા તો સિદ્ધપુરુષ હતા. ઇશ્વર તુલ્ય હતા. તેમને કાળ કે અવસ્થા બાંધી શકે તેમ ના જ બને. આજે પણ જે જિજ્ઞાસુ છે, ને તેમના દર્શનસમાગમની ઝંખના રાખે છે, તેમની આગળ તે અચૂક પ્રકટ થાય છે; તેમને પ્રેરણા ને માર્ગદર્શન આપે છે અને એ રીતે પોતાના ભક્તોને પોતાની હાજરીનું ભાન કરાવે છે. શિરડીની બહાર પણ એવાં અનેક દૃષ્ટાંતો બને છે. પરંતુ તે બધું હોવા છતાં સાંઇબાબાની પ્રત્યક્ષ ને સદાની હાજરીનું મહત્વ તો જુદું જ હોય. તેની બરાબરી અખંડ હાજરી સાથે ના જ થઇ શકે એ દેખીતું જ છે. તેમની હાજરી ને તેમના દીર્ઘકાલીન નિવાસથી પવિત્ર બનેલું આ સ્થાન આજે પણ સાધક ભક્તોને પ્રેરણા પાય છે એમાં શંકા નથી.

દ્વારકામાઇનું દર્શન કરીને બહાર આવતાં સામે જ દિવાલ પાસે એક મોટો પત્થર છે. એ પત્થર પર કેટલીક વાર સાંઇબાબા બેસતા. તેવો એક ફોટો પણ તેમનો મળે છે. સાંઇબાબા કહેતા કે દ્વારકામાઇનાં પગથિયાં પર જે ચઢ્યો તેનાં બધાં જ દુઃખદર્દ મટી ગયાં એમ જ સમજવાનું. તેની જવાબદારી હું સહર્ષ ઉપાડી લઉં છું, એ શબ્દો આ સ્થાનમાં આવતાંવેંત યાદ આવે છે.

દ્વારકામાઇની બહાર દિવાલ પર એક બોર્ડ છે. તેનો ઉલ્લેખ કરવાનું અહીં મન થાય છે. એ બોર્ડ પર થોડીક સૂચનાઓ લખી છે. એમાં એક સૂચના એવી છે કે દ્વારકામાઇ કે સમાધિ મંદિરના ભાગમાં કોઇ પણ માણસે કોઇ હાડમાંસના માણસને પ્રણિપાત ના કરવા. તેવા માણસને સાષ્ટાંગ દંડવત્ કરવા તે સાંઇબાબાનું અપમાન કર્યા બરાબર છે. એ સૂચના જરા વિચિત્ર લાગે છે. સાંઇબાબા તો સર્વ પ્રકારના ઉચ્ચ-નીચ કે મોટા-છોટાના ભેદથી પર ને વિશાળ હૃદયના હતા. તેમના જેવા મહાન પુરુષના સ્થળમાં પાછળથી આવી સૂચના લખવામાં આવે એ એક રીતે જોઇએ તો શ્રી સાંઇબાબાના આદર્શનું અપમાન જ છે. દુનિયામાં મહત્તા કે શ્રેષ્ઠતા કોઇ એક જ માણસને વરતી નથી. ઇશ્વરની કૃપા પ્રમાણે ઘણા મહાપુરુષો સંસારમાં છે. તેમના અનુયાયી કે પ્રેમી પણ હોઇ શકે, તેવા કોઇ મહાપુરુષને પ્રસંગોપાત અહીં આવવાનું થાય ને તેમના કોઇ પ્રેમી કે પ્રશંસક તેમને પ્રણિપાત કરે, તો તેમાં સાંઇબાબાનું અપમાન કેવી રીતે થાય ? તે ઉપરાંત હાડમાંસના માણસને એ પ્રયોગ પણ હલકો લાગે છે. કોઇ માણસ-પછી તે ગમે તેવો સાધારણ હોય તો પણ, એકલા હાડમાંસનો બનેલો હોતો નથી જ. હાડમાંસના માળખામાં જ્યારે આત્મા પ્રકટ થાય છે ત્યારે જ માણસ માણસ બને છે. ને બીજી રીતે જોઇએ તો પ્રત્યેક શરીરધારી શરીરધારી છે જ એટલે તેને હાંડમાસ હોવાનાં જ. હાડ કે માંસ હોવાં તે તેની ખોડ નથી પરંતુ આવશ્યકતા છે. એ બધી વાતને જવા દઇએ તો પણ માણસ કોઇને પણ નમે છે કે પ્રણિપાત કરે છે ત્યારે હાડ, માંસ કે રુધિરને નથી નમતો, તેની અંદર રહેલા પ્રકાશને જ પૂજે છે. મહાપુરુષના મહાન ગુણને, ત્યાગને, જ્ઞાનને ને મહત્વને જ નમે છે. એ વાત ક્યાં અજાણી છે ? તો પછી માણસને કેવળ હાડ ને માંસનો કહી-તેને જ આગળ ધરી તિરસ્કારની નજરે જોવામાં કયી બુદ્ધિમાની છે ? સ્ત્રીના શરીરને જ્યાં હાડમાંસ ને ગંદકીનું ઘર કહીને શાસ્ત્રોએ હેય માન્યું છે,  ત્યાં પણ તે જ શાસ્ત્રો બીજી વાર સ્ત્રીનો માતાતુલ્ય મંગળ ઉલ્લેખ કરે છે, તેના પ્રેમની પ્રશંસા કરે છે, ને તેના તેમ જ પુરુષના શરીરને ઇશ્વરનું મંગલ મંદિર માને છે. ગંદકી કે અશુદ્ધિનો વિચાર શરીરની અંદર રહેલા ચૈતન્યનો તિરસ્કાર કરવા માટે નથી, પરંતુ શરીરસુખની આસક્તિનો અંત આણવા અને એની અંદરના ચૈતન્યને જ સદા ધ્યાનમાં રાખવા માટે છે. એટલે સાંઇબાબાનાં સ્થાનમાં પણ કોઇ બીજા કોઇ મહાપુરુષને વંદે તો તેમાં કાંઇ વાંધા જેવું ના ગણાવું જોઇએ.

લેભાગુ સાધુઓ સાંઇબાબાના સ્થાનમાં બેસીને પૂજાવાનું શરૂ કરે ને ભોળા માણસો તેમના પાશમાં સપડાઇ ના જાય તે માટે ટ્રસ્ટીમંડળને આ સૂચના લખવી કદાચ જરૂરી લાગી હશે. તેટલા પૂરતી તે સમજી શકાય છે. છતાં તે ખૂંચ્યા વિના તો રહેતી નથી જ. આવા દિવ્ય સ્થાનોમાં કોઇ લેભાગુને પૂજવા પ્રેરાય એ બની શકે જ નહીં. સાંઇબાબાની દૈવી શક્તિનો મહિમા એવો મોટો છે.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer