Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૧૯૭. અન્નદાતાનો મેળાપ

 

ભારત દેશ ધર્મપ્રાણ છે. જો કે આજે ધર્મની કૈંક પડતી દશા છે ને ધર્મને નામે વધારે ભાગે અધર્મનું જ સ્વરૂપ જ્યાં ત્યાં જામી ગયેલું કે રૂઢ થયેલું જણાય છે, તેમ જ, સાચા કે ખોટાનો વિવેક કરવાની માણસની હંસબુદ્ધિ વધારે પ્રમાણમાં કુંઠિત થયેલી જ માલુમ પડે છે. તો પણ અંધકારથી ખીચોખીચ ભરેલા એકલવાયા મારગમાં જેમ કોઇ જ્યોતિર્મય દીપક દેખાય, તેમ પ્રેરણામય જીવનપ્રકાશથી ભરેલા કોઇ મહાપુરુષોનું દર્શન કોઇ વાર થઇ જાય છે ત્યારે અંતરમાં એક પ્રકારનો અલૌકિક આનંદ છવાઇ જાય છે. ભારતમાં હજી પણ સાચા સંતપુરુષોનું પ્રાકટ્ય થયા કરે છે એ સત્યનું પ્રત્યક્ષ દર્શન થતાં આ દેશના ઉજ્જવલ ભાવિની આશા જાગ્યા વિના રહેતી નથી.

        જે મહાપુરુષનો અહીં ઉલ્લેખ કરું છું તેમની મને મળવાની ઇચ્છા બહુ લાંબા વખતની હતી. પણ વડોદરામાં તે રહેતા હોવાથી, તેમ જ મારે ત્યાં જવાનું કેટલાક વખતથી બનતું ના હોવાથી, તેમના દર્શન-મિલનનો યોગ આવતો ન હતો. તેમની ઉપલક માહિતી તેમના ભાઇ ભવાનીશંકર દ્વારા મળી ત્યારથી, ને તેમણે મહાત્માજીની મળવાની ઇચ્છા પ્રદર્શિત કરી ત્યારથી, તેમને મળવાની ઇચ્છા તો થઇ જ હતી. છેવટે એ વખત પણ આવ્યો ને હિમાલય જતાં પહેલાં વડોદરા જવાનું થઇ શક્યું.

        મહાત્માજીનું નામ સરસ્વતીનંદન હતું. તેમણે કહેવડાવ્યું કે જો હું ના જઇ શકું તો તે પોતે મારી પાસે આવે. પણ હું ના જઉં તે બની શકે જ કેમ ? એક વૃદ્ધ મહાત્મા મને પ્રેમપૂર્વક મળવાનો સંદેશ મોકલે ને તેમના સંદેશનો હું સ્વીકાર ના કરું તે બને જ કેમ ? એક વૃદ્ધ પુરુષને મારી પાસે આવવાનું કષ્ટ આપવું તેના કરતાં તો મારે તેમની પાસે જવું જ વધારે યોગ્ય ગણાય. એટલે મેં તમને કહેવડાવ્યું કે હું પ્રેમથી તેમનાં દર્શને આવીશ ને જરૂર આવીશ.

        સુનિશ્ચિત સમયે મહાત્માજીએ ગાડી મોકલી એટલે અમે તેમની પાસે રવાના થયા. તેમનું મકાન તેમની પોતાની માલિકીનું હતું. કોઇ સંતનું રહેઠાણ વસતીથી દૂર એકાંતમાં હોવાની કલ્પના સાધારણ રીતે માણસને થાય છે. પણ આ સંતપુરુષનું મકાન વસતીની વચ્ચે હતું. જોકે વસતી એકદંરે શાંતિમય હતી એટલું જ. ગાડીમાંથી ઊતરીને અમે મકાનને મેડે ચઢ્યા. મહાત્માજી ઊભા હતા. તે તરત પાસે આવ્યા. અમે તેમને પ્રણામ કર્યા અને નીચે બેસવા જતા હતા ત્યાં જ તેમણે મને ઉપર આસન પર બેસવાનું કહ્યું. તેમના જેવા વૃદ્ધ અનુભવી મહાપુરુષની સામે ઊંચા આસન પર બેસવાનું મર્યાદાની દૃષ્ટિએ બિલકુલ અનુચિત હતું. પરંતુ તેમનો આગ્રહ ચાલુ જ રહ્યો, ને ના છૂટકે મારે તેનો સ્વીકાર કરવો કરવો પડ્યો. એ પહેલાં જ પ્રસંગથી તેમની મહાનતાનો સમ્યક્ ખ્યાલ આવી ગયો. આજે વય તેમ જ વિદ્યાની દૃષ્ટિએ મોટા ને નાનાના ભેદ વધતા જાય છે; કૈં જ યોગ્યતા ના હોવા છતાં કેવળ અહંભાવને લીધે પોતાને સર્વોત્તમ મનાવવાની વૃત્તિ વધારે ને વધારે ફેલાતી જાય છે; અને આગલે આસને બેસવાની, પુજાવાની ને યશસ્વી થવાની વૃત્તિ વધતી જાય છે, ત્યારે આવી રીતે વયોવૃદ્ધ ને માનને સર્વ પ્રકારે યોગ્ય હોવા છતાં બીજાને માન આપવા તૈયાર થવું ને માન આપવું એમાં ઓછી મહાનતા નથી. એ તો જીવનના અનુભવી વિવેકી પુરુષ જ સમજી શકે.

        મહાત્માજીની વય ઘણી મોટી હતી. એમના વિશે માહિતી મળી કે અત્યારે લગભગ ૮૦ વરસની વયના એક વૃદ્ધને તેમણે તેમના બાળપણમાં રમાડેલા. એટલે સો કરતા તેમની વય વધારે હતી. તેમના શરીર પરથી તે સાફ જણાઇ આવતું. તે ખૂબ ધીરે ચાલતા. હાથમાં માળા લઇને ભગવન્નામના જપ કરતાં તે અમારી પાસે બેઠા ત્યારે તેમની નિર્મળ આંખ અને મુખાકૃતિ જોવાથી ઘણું ઘણું જાણવાનું મળ્યું. ઋષિકેશમાં બાબા કાલીકમલીવાલાની સંસ્થામાં બાબા રામનાથજી રહેતા ત્યારે આ મહાત્માજી ઋષિકેશમાં રહેલા. ને તેમની તથા રામનાથજી વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. છેલ્લા કેટલાંક વરસથી તે વડોદરામાં સ્વતંત્ર મકાન રાખીને રહેતા. વચ્ચે વચ્ચે તેમના જન્મસ્થાનમાં  પણ જતા. જલગામ, ખંડવા તેમ જ બીજે ઠેકાણે તેમના ઘણા ભક્તો હતા. એક-બે કુટુંબો તો પોતાની બધી જ મૂડી ને મિલકત એમને અર્પણ કરીને તેમની સેવામાં જ રહેતા. તેમનો સ્વભાવ શાંતિપ્રિય, નમ્ર તથા પ્રેમાળ હતો. કેટલાક વિદ્વાનો કોઇ ગુંચવણનો ઉકેલ લાવવા તેમને ત્યાં આવતાં. છતાં તે ખૂબ જ ગુપ્તતાથી રહેતા. પ્રસિદ્ધિ તેમ જ યશ ને શિષ્યગણ તેમજ ભક્ત મંડળીની વૃદ્ધિમાં તેમને લેશ પણ રસ ન હતો. જો કે અત્યારે તેમની કાયા ખૂબ જ વૃદ્ધ હતી છતાં યુવાવસ્થામાં તેમણે ભારે તપશ્ચર્યા કરી હશે એમ તેમના યુવાવસ્થાના એક કેવળ કૌપીનવાળા મોટા ફોટા પરથી જણાઇ આવતું. મહાત્માજી સાથે કેટલીક વાતચીત થઇ. તે પછી તેમની ઇચ્છાથી મેં બેત્રણ ભજનો ગાયાં.

        એ દરમ્યાન મહાત્માજીએ પોતાના ભક્તોમાંના એકને મારી પૂજા કરવા કહ્યું. મેં કહ્યું, તમારી સામે મારી પૂજા હોય નહિ. હું તો એક સાધારણ બાળક છું. પણ તે માને તેમ ન હતા. વિધિપૂર્વક ચંદન ચોપડાવીને તેમણે પૂજન કરાવ્યું. તે પછી સુંદર હાર પહેરાવ્યો ને ફૂલનો ગજરો અપાવ્યો. આ વિધિ કદાય મહત્વની ના લાગે પણ મારે મન તો તે મહાત્માજીની મહાનતાના-એક વધારે પુરાવા જેવી હતી. પોતાની સામે ને પોતાના પ્રખર ભક્તો દ્વારા આ રીતે પૂજન કરાવવું એ કોઇ સાધારણ માણસનું કામ નથી જ. તે માટે તો કેટલી નમ્રતા, હૃદયની પવિત્રતા, ને ઉદારતા જોઇએ ? આડંબરી અને અભિમાનીથી આવું કામ ના જ થઇ શકે. એ વર્તાવની મારા પર ખૂબ જ ઊંડી છાપ પડી. મારા દિલમાં તે મહાપુરુષને માટે આદરભાવ ઉત્પન્ન થયો, ને વિદાય લેવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેમની માયાળુતાને જોઇને દિલ ગદગદ્ થઇ ગયું.

        એ મહાન પુરુષના જીવનપ્રસંગમાંથી બીજું કૈં ભલે ના શીખાય પણ નમ્રતા જ ગ્રહણ થાય, તો કોઇનુંયે જીવન ઉજ્જવલ બની ઊઠે ને માણસ મહાનતા પ્રાપ્ત કરે એમાં સંદેહ નથી. સ્વભાવની આવી મૃદુતા ને મધુરતા મહાપુરુષ વિના બીજે ક્યાં હોઇ શકે ?  તેવા મહાપુરુષ ગમે તે વેશમાં કે દેશમાં હોય તો પણ સદાયે સૌથી વંદનીય ને પૂજ્ય છે એમાં સંદેહ નથી.

આ મહાપરુષને એમના ભક્તો વધારે ભાગે અન્નદાતાને નામે ઓળખે છે ને સંબોધે છે. તે અન્નદાતા જેવા છે. કોઇ અતિથિ તેમને ત્યાંથી અન્ન કે પ્રસાદ વિના પાછો ફરતો નથી. તેમના પર પ્રભુની પરમ કૃપા છે. પંઢરીનાથ કે વિઠ્ઠલ ભગવાન પર તેમની પ્રીતિ છે. તેથી પ્રભુની સેવિકા લક્ષ્મી પણ જાણે તેમની સેવામાં નિરંતર હાજર રહે છે. મને તેમણે આમંત્રણ આપ્યું ત્યારે પ્રેમી ભાઇ ભવાનીશંકરને તેમણે સૂચના આપી કે મારે ત્યાં સૂકો મેવો તથા ફળ છે છતાં પણ મહાત્માજીને માટે મેવો તથા ફળ ને જે જોઇએ તે બધું જ બહારથી જ ખરીદી લાવજો.

એ મહાપુરુષના જીવનના કેટલાય સુંદર ને તેમની શક્તિના પરિચાયક એવા પ્રસંગો હશે ને છે; પણ તેમાંથી વિશ્વસ્ત સૂત્ર દ્વારા મળેલો એક પ્રસંગ ટાંકી બતાવું છું. મધ્ય ભારતમાં ઉદયગઢથી પાંચેક માઇલ દૂર ચાંદોદ ગામ છે. ત્યાં એ મહાપુરુષે એક મકાનમાં ત્રીસ દિવસ સુધી અન્નજળ વિના તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું. ઉદયપુરના મહારાણાને મહાત્માજી પર પ્રેમ હતો. તેમણે મહાત્માજીના મકાનને બંધ કરાવી બહાર એક પહેરેગીર રાખ્યો ને તેને પોતાની રજા વિના મકાન ના ખોલવાની સૂચના આપી. મહાત્માજીએ ત્રીસ દિવસ પૂરા થતાં પહેરેગીરને બારણા ઉઘાડવા કહ્યું. પણ પહેરેગીરે રાજા આવે ત્યાં સુધી શાંતિ રાખવાનું કહ્યું. મહાત્માજીએ કહ્યું કે મારે વળી રાજાનો હુકમ કેવો ? હું તો એક ઇશ્વરનો હુકમ પાળું છું. અને એમ કહીને ઇશ્વરની કૃપા તથા પોતાની શક્તિથી મકાનનાં બારણાંને ખોલી નાખીને તે બહાર આવી ગયા. પાછળથી રાજા ત્યાં આવ્યા ત્યારે મહાત્માજીને બહાર જોઇને તેમજ સઘળી હકીકત સાંભળીને આશ્ચર્યચકિત થયા ને મહાત્માજીના ચરણમાં પડ્યા. જે સ્થળે મહાત્માજીએ એ પ્રખર તપ કર્યું ત્યાં તેમણે પાછળથી વિઠ્ઠલ મંદિરની સ્થાપના કરી. ત્યાં તે પોતે કેટલીકવાર જાય છે પણ ખરા; ને સાધુસંત તેમ જ ક્ષુધાર્તને ત્યાં ભોજન આપવામાં આવે છે.

દંભ, પાખંડ ને કપટવૃત્તિ જેમને સ્પર્શી શકી નથી, જે લૌકિક પ્રતિષ્ઠાના મોહપાશમાં બંધાયા વિના ગુપ્તરૂપે ઇશ્વરી પ્રેમનો અમુલખ રસ અનુભવે છે, ને કરુણા તથા પ્રેમ ને સુજનતાથી સદાય સંપન્ન છે, તેવા મહાપુરુષો સંસારમાં બહુ જ ઓછા છે. ઇશ્વરની કૃપા અને માણસના પુણ્યોદય વિના એમનો સમાગમ થતો નથી ને જ્યારે પણ થાય છે ત્યારે અમોઘ નીવડે છે ને જીવનને આનંદ આપીને દૂરવર્તી અસર પહોંચાડે છે. અન્નદાતા જેવા મહાન પુરુષના સમાગમથી મને આનંદ થયો એ કહેવાની જરૂર છે ? 

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer