|
ગંગનાથ
પહોંચ્યા ત્યારે સાંજનો સમય હતો. ચાંદોદ ને ગંગનાથ વચ્ચેની ટેકરીઓનો
પ્રદેશ જરા રમણીય છે. આ તરફ બધે નર્મદાજી ખૂબ જ ઊંડાણમાં છે ને ઘાટ વિના
સ્નાન કરવાનું સુગમ થતું નથી. ગંગનાથ ઊંચાઇ પર છે. સ્થળ રમણીય છે. આ જ
સ્થળમાં બ્રહ્માનંદજી કરીને મહાત્મા રહેતા. ૧૮પ૭ના બળવામાં તેમણે ભાગ
લીધેલો ને તેમાં તે નિષ્ફળ જવાથી, નિરાશ થઇ, આ સ્થળમાં આવીને શંકર
ભગવાનને શરણે રહેલા. તેમની લોકોત્તર શક્તિના પ્રભાવથી ગંગનાથનો ધીરે ધીરે
વિકાસ થતો ગયો. ગુજરાત-સૌરાષ્ટ્રની ભૂમિ ખૂબ જ દયાળુ, સરળ, વિવેકી ને
ધર્મપરાયણ છે. તે ભૂમિના સેવાભાવને લીધે કેટલાય લોકોત્તર સંતપુરુષોએ
ત્યાં આશ્રય લીધો છે. આજે પણ આ જ ભૂમિ વિવિધ પ્રાંતના સંતસાધુ કે
વિદ્વાનને કોઇ પણ જાતના ભેદભાવ વિના સન્માની ને પોષી રહી છે. અહીં આવીને
સાધુસંતો ને વિદ્વાનો ધન ને યશ બંને લઇ જાય છે. મંદિરો, મઠો કે આશ્રમોને
જમાવીને આ ભૂમિમાં કેટલાય પુરુષો સ્થાયી થઇ ગયા છે. ચરોતર ગાળામાં વિશેષ
ને ગુજરાત-સૌરાષ્ટ્રમાં લગભગ બધે જ સંતમહાત્માના નિવાસ માટે સુંદર પ્રબંધ
જોવામાં આવે છે. તે વસ્તુ ત્યાંની પ્રજાની સેવાભાવનાની સાક્ષી પૂરે છે.
ભારતના બીજા પ્રાંતોમાં આટલી સંગીન વ્યવસ્થા ભાગ્યે જ જોવા મળે છે. એ
સેવાભાવથી ખેંચાઇને ને નર્મદાના મહિમા તથા સૌન્દર્યથી મુગ્ધ બનીને
બ્રહ્માંનંદજીએ અહીં વસવાટ કર્યો ને જીવનનો છેલ્લો શ્વાસ પણ અહીં જ લીધો.
બ્રહ્માનંદજીની લોકોત્તર શક્તિ વિશે એક પ્રસંગ વિખ્યાત છે. કહે છે કે એક
વાર જમનારા માણસો ઘણા હતા. રસોઇ બનાવવાની તૈયારી હતી. પણ ઘી ન હતું.
બ્રહ્માનંદે કહ્યું કે નર્મદા માતા પાસેથી એક ડબો પાણી ઉછીનું લઇ આવો.
શિષ્યોએ તે પ્રમાણે કર્યું. બ્રહ્માનંદે તેમાંથી રસોઇ બનાવવાનું કહ્યું
તો સૌના આશ્ચર્ય વચ્ચે પાણીએ ઘીનું કામ કર્યું. પાછળથી આશ્રમમાં ઘી
આવ્યું ત્યારે એક ડબો ઘી નર્મદા માતામાં દેવાની પૂર્તિરૂપે છોડી દેવામાં
આવ્યું.
સાંજ એ
ઇશ્વરનું અનેરું કાવ્ય છે. માણસનું દિલ તેનો મહાપ્રસાદ પામીને અવનવા ભાવ
અનુભવે છે. તે ભાવોની સાથે ઇશ્વરના બીજા પ્રકટ કાવ્યસર્જન જેવા
સંતપુરુષના ભાવ ભળી ગયા. રસમાં વધારો થયો. મંદિરમાં બ્રહ્માનંદજીની વિશાળ
પ્રતિમા હસી રહી છે. સુદૃઢ શરીરવાળા આ મહાપુરુષ પોતાની શાશ્વત શાંતિમાંથી
પણ આંખ ઉઘાડીને મંદિરની પ્રવૃત્તિને જાણે જોયા કરે છે. તેમના વિરાટ
સ્વરૂપને અંજલિ આપીને અમે પાછા ફર્યા ને નાવમાં ગોઠવાયા.
શુકદેવના દર્શને ગયા ત્યારે રાત પડી ગઇ. શુકદેવનું સ્થાન ઊંચે ટેકરી પર
છે. સ્થાન નાનું પણ રમણીય છે. શુકદેવની સામે જ નર્મદાને બીજે કિનારે
વ્યાસ છે. શુકદેવ ને વ્યાસના નામ સાથે સંકળાયેલી આ ભૂમિ પૂર્વકાળમાં
તેમની નિવાસભૂમિ હોય તો નવાઇ નહિ. વ્યાસ ને શુકદેવ તથા ભર્તુહરિ ને ગોરખ
જેવા મહાપુરુષોના સ્થાનો ભારતમાં ઠેર ઠેર જોવામાં આવે છે. આટલાં બધાં
સ્થાનો એક જ પુરુષનાં કેવી રીતે હોઇ શકે તે શંકા પણ કેટલાકને થઇ જાય છે.
એવી શંકા સ્વાભાવિક છે. એટલું સાચું છે કે લોકોત્તર મહાપુરુષોના નામને
કેટલાક સ્થળો સાથે ખોટી રીતે જ-તે સ્થળની મહત્તાને વધારવા જોડી દીધા હોય
છે. પરંતુ કેટલાંક સ્થળોનો દાવો એ સંબંધમાં સાચો પણ હોય છે. વિરક્તિનું
જીવન જીવનારા કેટલાક મહાપુરુષો જીવનમાં એક નહિ પણ અનેક સ્થળે ફર્યા ને
રહ્યા હોય છે. તે સ્થળને પવિત્ર કે વંદનીય માની શકાય છે. એવાં સ્થળો
ખરેખર વાસ્તવિક છે કે કેમ તે ઇતિહાસાદિ પ્રાપ્ય પ્રમાણ ને માહિતીના આધાર
પર નક્કી કરવું જોઇએ. ને કદાચ તેવાં સ્થળોમાંનાં કેટલાક ખોટી રીતે
મહિમાને વધારવા ઉપજાવી કાઢ્યા હોય તો પણ તે નકામાં નથી. તેવા સ્થળોના
સ્મરણ, મનન કે દર્શનથી જે લોકોત્તર વિભૂતિઓની સાથે તે સંકળાયેલા હોય તે
વિભૂતિના જીવનનો ખ્યાલ આવે છે ને પ્રેરણાનું પિયૂષ પાવામાં માણસને તે
મદદરૂપ થાય છે. આવા સ્થળો, ટૂંકમાં કહીએ તો, મૂંગી યુનિવર્સિટી કે
વિદ્યાપીઠની ગરજ સારે છે. આવી વિદ્યાપીઠોએ માનવજીવનની ઉન્નતિમાં આજ સુધી
ઘણો ફાળો આપ્યો છે ને ભવિષ્યમાં પણ ગુણગ્રાહી ને પોતાના રાષ્ટ્ર ને
સંસારની સર્વોચ્ચ સંસ્કૃતિમાં ગૌરવ લેતી પ્રજાને માટે તે મદદરૂપ જ થશે.
જે મદદનું મૂલ્ય પૈસાટકા કે સંસારની કોઇયે નશ્વર સંપત્તિથી આંકી નહિ
શકાય. તે મદદને માટે સંસ્કૃતિના ઇતિહાસનાં આ ઉપયોગી સ્થળોનો જેટલો આભાર
માનીએ તેટલો ઓછો છે. જે હેતુથી માનવે તેમને આજ સુધી જાળવી રાખ્યા છે તે જ
હેતુથી તે જળવાઇ રહેશે તો તે ભાવિ પ્રજાનું મંગળ જ કરશે.
|