Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૨૦૧. અનસૂયા ને સીસોદરા

 

અનસૂયા

મહર્ષિ વ્યાસના વિરાટ વ્યક્તિત્વને અંજલિ આપીને અમે પ્રભાતને પ્રથમ પ્રહરે જ નાવમાં બેસી ગયા અને અનસૂયા માતા તરફ ચાલવા માંડ્યું. અનસૂયા માતાનું સ્થાન નદીથી થોડે દૂર છે. સ્થાન નાનું ને સુંદર છે. અનસૂયા માતાના મહિમાને કોણ નહિ જાણતું હોય ? પોતાના તપોબળથી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને બાળક બનાવી દેનારી અનસૂયા પોતાની શક્તિ માટે સંસારના ઇતિહાસમાં અજોડ છે. કહે છે કે ત્રણે દેવોને એકવાર અનસૂયાની પવિત્રતાની પરીક્ષા લેવાનું મન થયું. એટલે ત્રણે ભિક્ષુનું રૂપ લઇને અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા. અનસૂયા માતાએ ભિક્ષા માટે કહ્યું ત્યારે દેવોએ હઠ પકડી કે નગ્ન થઇને ભિક્ષા આપો તો જ ભિક્ષા લઇએ. અનસૂયાએ પાણીની છાંટ મારીને પોતાના તપના ને પતિવ્રતાપણાના પ્રભાવથી ત્રણે દેવોને ઘોડિયામાં રમતા બાળકો બનાવી દીધા, ને પોતાને હાથે ભિક્ષા કરાવી. અત્રિ ઋષિએ એ જાણ્યું ત્યારે તેમને અતિશય આશ્ચર્ય થયું. પાછળથી દેવોને મૂળ રૂપ પ્રાપ્ત થયું ને અનસૂયાની ક્ષમા માગીને ત્રણે દેવો વિદાય થયા.

પુરાણમાં એક બીજી વાત આવે છે કે એક પતિવ્રતા સ્ત્રીના વચનથી સૂર્ય ઊગતો બંધ થઇ ગયો ને દિવસો સુધી જગતમાં અંધકાર છવાઇ રહ્યો, ત્યારે દેવતાઓ અનસૂયાની પાસે ગયા. તેમની વીનવણીથી અનસૂયામાતાએ કહ્યું સૂર્યોદય જરૂર થશે, પછી તેમણે પેલી પતિવ્રતા સ્ત્રીને સમજાવીને સૂર્યોદય કરાવ્યો. પણ તે સ્ત્રીના પતિને સૂર્યોદય થતાંવેંત મરવાનો શાપ હતો. તે પ્રમાણે તેનો પતિ મરી ગયો. ત્યારે માતા અનસૂયાએ કહ્યું કે, હું વચન, મન ને કર્મથી ખરે પતિવ્રતા હોઉં તો આ સ્ત્રીનો પતિ જીવતો થાય. આમ કહેતાંની સાથે જ પેલો પુરુષ જીવતો થયો. અનસૂયાની એવી શક્તિને લીધે જ ચંદ્રમા, દુર્વાસા ને દત્તાત્રેયના રૂપમાં ત્રણે દેવો તેમના સંતાનરૂપે જન્મ્યા હતા. નારીની વિરાટ શક્તિની પ્રતિમા માતા અનસૂયાને આજનો વિલાસપ્રધાન, ફેશન સામગ્રીથી સ્ત્રીપુરુષને પરસ્પર આકર્ષવાનો સમય કેવો લાગતો હશે ? સંયમને બદલે સ્વચ્છંદ ને શક્તિને બદલે નબળાઇના પ્રતિક બનેલાં સ્ત્રીપુરુષોને, ભારતના પોતાના બાળકોને જોઇને અત્રિ અને અનસૂયા તેમ જ ભગવાન દત્તનું દિલ કેવું દુઃખી થતું હશે ? ચોવીસ ગુરુના અમર ઉદાહરણ દ્વારા સંસારના પ્રત્યેક પદાર્થ ને પ્રસંગમાંથી ગુણગ્રાહકતા ગુણને લીધે શિક્ષા ગ્રહણ કરવાનો સંદેશ આપનારા ભગવાન દત્ત મતભેદોના મસાલાથી મૃતઃપ્રાય થતા દેશને ઉગારો ને શક્તિ, સેવા, સ્નેહથી શણગારો ! આવા દિવ્ય ધામમાં બીજી શી પ્રાર્થના હોઇ શકે ?

 

સીસોદરાનો આશ્રમ

નાવમાં પ્રવાસ કરતાં કરતાં સીનોરને સામે કિનારે સીસોદરા આવી પહોંચ્યા ત્યારે તાપ પુષ્કળ હતો. સવારે અગિયારેક વાગ્યાનો વખત હતો. સીસોદરા ગામ પાસે આવેલા એક આશ્રમમાં અમારે જવાનું હતું. તેના એક ટ્રસ્ટી ભાઇ કોઠારીજીનો આગ્રહ હતો કે મારે એ સ્થાન જોવું, પસંદ પડે તો ગુજરાતના એક પ્રિય સ્થળ તરીકે ગણવું, ને ઇચ્છા-પ્રમાણે રહેવું. આશ્રમ નદીથી દૂર હતો. પ્રખર તાપમાં આશ્રમમાં આવ્યા તો ત્યાં બે સાધુ પુરુષોને જોયા. એમણે અમને રહેવા માટે વ્યવસ્થા કરી આપી.

સ્થાન એકંદરે ઠીક હતું. આજુબાજુ મોટું આંબાવાડિયું અને ગામ દૂર હતું. પાણીને માટે હેન્ડપંપની વ્યવસ્થા હતી. પણ આ તરફનો જે ખાસ આનંદ કહી શકાય તે આનંદ, નદી જરા પ્રમાણમાં વધારે દૂર હોવાને લીધે, સહજ પ્રાપ્ય ન હતો. વળી આ સ્થાનમાં એક સ્વામીજી પોતાની સ્ત્રી સાથે રહેતા હતા. તેમણે બંનેએ રામસીતા નામ ધારણ કરેલાં. તે હાલ મુંબઈ ગયેલા. તેમના શિષ્ય નાગપુર તરફ ગયેલા. તેમનું નામ પવનસુત પાડેલું. એ ઉપરાંત આશ્રમમાં એક ગુજરાતી ભાઇ હતા. તેમને પત્ની તથા ચાર સંતાન હતાં. તે સાધક અથવા બ્રહ્મચારી કહેવાતા. એ ભાઇ સ્વભાવે ઘણા માયાળુ, વિવેકી ને મિલનસાર હતા. એવા પચરંગી વાતાવરણમાં વસવાનું મને યોગ્ય ના લાગ્યું. એક બે દિવસ ત્યાં રહીને અમે સીનોર આવી પહોંચ્યા.

સીનોરમાં નર્મદા કિનારે એક મહાદેવનું સુંદર સ્થળ છે. વસતીથી દૂર ને નર્મદાથી ઊંચાઇ પર આવેલું આ સ્થાન એકાંત પ્રેમીને માટે ખૂબ જ અનુકૂળ છે. ત્યાં ધર્મશાળા ને પાકું મકાન પણ છે. તે જોઇને બપોરની ટ્રેનમાં અમે માલસર ગયા. માલસર રમણીય સ્થળ છે. તેની રમણીયતા વિશેષ કરીને ત્યાં આવેલાં ત્રણ મોટાં મંદિરોને લીધે છે. એમાં શંકરનું મંદિર ને માધવદાસજીનું મંદિર વધારે સુંદર છે. માલસરવાળા માધવદાસજીને કોણ નહિ જાણતું હોય ? તે સિદ્ધપુરુષ પોતાની શક્તિ માટે તેમના વખતમાં સારી પેઠે પ્રખ્યાત હતા. થોડોક વખત હિમાલયમાં સાધના કરીને તે માલસરમાં આવીને રહેલા. માલસરથી પાછા સીનોર આવીને મોટર દ્વારા અમે વડોદરા પહોંચ્યા. લગભગ સાત દિવસનો એ પ્રવાસ એકંદરે આનંદકારક રહ્યો.

નર્મદાયાત્રાનું મૂળ લક્ષ્ય સીસોદરાના આશ્રમને અને એની સાથે સાથે નર્મદાતટના પવિત્ર પુણ્ય-પ્રદેશને જોવાનું હતું. પરંતુ એ પ્રવાસમાં કોઇ તટવર્તી સ્થળ અતિશય રમણીય, આકર્ષક અને અનુકૂળ ના લાગ્યું. શૂલપાણેશ્વર તરફનો પ્રદેશ કેવો છે તે તો પ્રત્યક્ષ જોયા પછી જ કહી શકાય. એ વખતે અધિક વૈશાખ માસ ચાલતો હતો. તે દરમિયાન સાબરમતી ને નર્મદા બંને સરિતાનું સેવન થયું. હજી ગંગાજીનું સેવન શેષ હતું.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer