|
ચૈત્ર
વદમાં અમે વેરાવલ ગયાં. જે દિવસે વેરાવલ પહોંચ્યા તે દિવસે તારીખ ૧લી
એપ્રિલ ૧૯પર હતી. વેરાવલ નજીક આવતાં પહેલાં તો હવા તદ્દન બદલાઇ ગઇ.
સમુદ્રની ઠંડી હવા ગરમીને શાંત કરી ઠંડક ફેલાવી દેતી ચારે તરફ ફરી વળી.
વેરાવલના સ્ટેશને ભાઇ મનુભાઇ આવેલા. મનુભાઇને વેરાવલમાં ડેપ્યુટી
ક્લેક્ટરની જગ્યા મળી હતી. નાની ઉંમરમાં તેમણે સારો અભ્યાસ કર્યો હતો ને
હવે પ્રભુની કૃપાથી તેમને કામ પણ સારું મળ્યું હતું. વેરાવલમાં તેમને
રહેવા માટે સરકારી બંગલો મળેલો. ગામથી થોડે દૂર છેક દરિયા કિનારે આવેલો
બંગલો ખૂબ જ સુંદર હતો. ત્યાં અમે બધા મળીને વીસ દિવસ નિવાસ કર્યો.
ગરમીનું તો ત્યાં નામનિશાન દેખાતું ન હતું. દરિયાની ઠંડી હવા રાતદિવસ
વાતાવરણમાં ફરી વળતી. કોઇ જુદી જ દુનિયામાં વસતા હોઇએ એમ લાગતું.
સોમનાથનું મંદિર બહુ બડભાગી હોય એમ લાગે છે. તેના પર કેટકેટલાં આક્રમણ
થયાં, છતાં પણ તે સ્થિર રહ્યું અને આજે તેનું પુનર્જીવન વળી એક વાર શરૂ
થાય છે. હજી આગળ ઉપર શું થશે તેની કોને ખબર છે
?
પણ એક વાત તો ચોક્કસ છે કે મંદિર કે મસ્જીદનો, ધર્મપુસ્તકનો ને માણસનો
નાશ કરવાથી ધર્મની ભાવનાનો નાશ થઇ શકતો નથી, તે તો માણસના દિલમાં ઓતપ્રોત
થઇને રહેલી કે સૂતેલી હોય છે. ધર્મનું સમસ્ત બાહ્ય ક્લેવર નષ્ટ થયા છતાં
પણ તે જીવંત રહે છે ને વિકસિત થયા જ કરે છે. આ વાત પૂરેપૂરી સમજાઇ જાય તો
ધર્માંતરને માટે થતી બળજબરી ને બાહ્ય ત્રાસ કે જુલમનો અંત આવે ને
જગતમાંથી ધર્મના બાહ્ય માળખાના ઝઘડા દૂર થઇ જાય. માણસ આ પદાર્થપાઠ જેટલો
વહેલો શીખી લે તેટલું જ તેને માટે લાભદાયક છે.
વેરાવલથી અમે પ્રાચી પણ જઇ આવ્યાં. પ્રાચી તીર્થસ્થાન છે. પૃથુ રાજાએ એ
સ્થળમાં યજ્ઞ કર્યા હતા એમ કહેવાય છે. પાછા વળતાં માર્ગમાં ગોરખ મઢીનાં
દર્શન થયાં. ગોરખ મઢીનું ખરું સૌન્દર્ય જોવું હોય તો મકાનની પાછળ આવેલી
નદીનું દર્શન કરવું જોઇએ. ભેખડ ને ઝાડી વચ્ચેથી વહેતી નદી ખૂબ જ રમણીય
લાગે છે. મકાનમાં એક બાજુ ગોરખનાથજીનું કહેવાતું ભોંયરું છે. સ્થળ એકંદરે
સુંદર છે.
આ બાજુ
એક ઠેકાણે શ્રી ગાયત્રી દેવીનું પ્રાચીન મંદિર છે. તેના દર્શને પણ અમે એક
દિવસ જઇ આવ્યાં. આમ વેરાવલનો નિવાસ એક પ્રકારના ઉત્સવ જેવો બની રહ્યો.
હવે અમારે હિમાલય જવાનો સમય નજીક હતો. એટલે હિમાલય-પ્રસ્થાનની તૈયારી
કરવા અમે સાબરમતી પહોંચી ગયાં.
વેરાવલથી પાછા ફર્યા બાદ થોડા દિવસ સાબરમતી નિવાસ કર્યો. એ વરસે
દેવપ્રયાગ જવાની ખાસ ઇચ્છા ન હતી, કેમ કે ત્યાંના શાંતાશ્રમની આસપાસની
જમીન તૂટી ગઇ હતી ને માર્ગ પણ તૂટી ગયેલો. થોડોક સમય ઋષિકેશમાં કોઇ સારું
સ્થળ શોધીને રહેવાની ઇચ્છા હતી. એ વરસે આલ્મોડા તરફ પણ જવાની અનુકૂળતા
હતી. વેરાવલથી એક ભાઇએ આલ્મોડાના ત્રણ પ્રતિષ્ઠિત પુરુષો પર ભલામણ પત્રો
લખી આપેલા. તે આ બાબતમાં સહાયક થઇ પડે તેમ હતા.
પણ
અમારે ચોક્કસપણે કયી તરફ જવું તે નક્કી થઇ શકતું ન હતું. એક વિચાર
ઉત્તરકાશી જવાનો પણ હતો. દયામયી
'મા'એ
કૃપા કરીને એક સવારે નિર્ણય આપ્યો કે મારે આલ્મોડા જવું. એટલે અમે ત્યાં
જવા ઠરાવ્યું.
અમદાવાદથી આલ્મોડા જવા માટે અમારે બાંદીકુઇ અને અચનેરા બે ઠેકાણે ગાડી
બદલવાની હતી. પરંતુ થયું એમ કે ગાડી ચારેક કલાક મોડી પડી. અચનેરા જવાની
ગાડી ઉપડી ગઇ એટલે અમારે ના છૂટકે બાંદીકુઇ રાત રહેવું પડ્યું. એ રોકાણને
પરિણામે અમારો કાર્યક્રમ પણ ફેરવાયો. રાતે અમે બજારમાં ફરતા હતા ત્યારે
એક રેલ્વેમાં કામ કરતા ગુજરાતી ભાઇ મળ્યા. તે ખૂબ જ આગ્રહ કરીને અમને
પોતાને ત્યાં લઇ ગયા. ત્યાં રેલ્વેના તે બાજુના જનરલ ટિકિટ ઇન્સ્પેક્ટર
આવી પહોંચ્યા. એમણે આગ્રા જવાની સલાહ આપી. તેમનું કહેવું એમ હતું કે
આલ્મોડા જવા માટે કાઠગોદામની ટ્રેન આગ્રાથી જ ઉપડતી હોઇ ત્યાંથી બેસવું
વધારે અનુકૂળ થઇ પડશે. એ પ્રમાણે આગ્રા જવાનું એકાએક નક્કી થયું. અમારે
આખી રાત બાંદીકુઇમાં પસાર કરવાની હતી પરંતુ રાત દરમ્યાન એક વિશેષ પ્રસંગ
બન્યો. જેથી ઘણો ખરો સમય સારી પેઠે પસાર થઇ ગયો. પેલા ગુજરાતી ભાઇએ
કઠપુતળીઓને નચાવનારા માણસોને બોલાવ્યા. કઠપુતલીઓનો ખેલ લગભગ દોઢેક કલાક
ચાલ્યો. એક માણસ પડદા પાછળ ઊભો રહી, હાથમાં દોરી રાખી પુતળીને નચાવતો
હતો. જ્ઞાનીઓએ કહ્યું છે તે સાચું જ છે કે ઇશ્વર આ જ રીતે માનવપ્રાણીને
નચાવે છે. માણસ કર્મ કરવામાં સ્વતંત્ર તો છે, પણ વધારે ભાગે તો તેણે કોઇક
અદૃશ્ય શક્તિના વિધાન પ્રમાણે જ વર્તવું પડે છે. ગામડાના લોકો પેટ સારું
ને પૈસા મેળવવા માટે આવા ખેલો કરે છે, ને પ્રજા તેને હોંશથી જુએ છે.
વધારે ભાગે એના ખેલોમાં પણ રાજારાણીના પ્રસંગો આવતા હોય છે. જો એ ખેલોનું
ધોરણ વધારે સારું બનાવાય ને બોધક કે ઉપકારક વાતોને એમાં ગૂંથી લેવામાં
આવે તો પ્રજાના જીવન પર તેની સારી અસર થાય, ને જ્ઞાન સાથે આનંદ આપવામાં
એવા ખેલો સારો ફાળો આપી શકે. બાકી આજે જે સ્વરૂપમાં તે પ્રચલિત છે, તેમાં
સમજુ માણસોને ભાગ્યે જ રસ પડી શકે એમ છે.
બીજે
દિવસે સવારે અમે આગ્રા પહોંચ્યા. તે દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. તે જ
દિવસે બુદ્ધ જયંતિ હતી.
આગ્રામાં ખાસ જોવા જેવી વસ્તુ તાજમહેલ છે. મોગલ સમ્રાટ શાહજહાંએ પોતાની
પત્નીની પાછળ આ ઇમારત બંધાવી હતી એ ઇતિહાસ પ્રસિદ્ધ હકીકત છે.
તાજમહેલનો દેખાવ ખૂબ સુંદર અને આકર્ષક છે. તેની પાછળ જમનાજી છે. આરસની
બાંધેલી આ ઇમારત વર્ષોથી દેશ ને પરદેશના પ્રવાસીઓના પ્રેમ અને આકર્ષણનો
વિષય થઇ પડી છે. આટલા વરસો થયા પણ ઇમારત હજી ગઇ કાલે જ બની હોય એવી સજીવ
લાગે છે. કવિઓએ આ વિશે અનેક પદો લખ્યા છે. આજે વખત કેવળ ઇમારત પૂજાનો નહી
પરંતુ ઇમારતો દ્વારા માણસ કે સમાજને શું વાસ્તવિક લાભ થાય છે તે મૂલવવાનો
છેઃ એટલે મૂલ્ય પરિવર્તનના આ કપરા કાળમાં તાજમહેલની વિરુદ્ધ પણ ઘણું
લખાશે. છતાં તેને બંધાવનાર શાહજહાંની દૃષ્ટિ થોડીવાર માટે પણ કેળવીએ તો
આપણે તેને છેક જ અન્યાય નહીં કરીએ. એ દિવસે બુદ્ધ જયંતિ હોવાથી એ ઉત્તુંગ
ઇમારત પાસે બેસીને અમે જીવનની ચંચલતાના, મૃત્યુની અવશ્યંભાવિતાના, ને
જીવનના આદર્શના વિવિધ વિચારો કરીને પાછા ફર્યા.
તે જ
રાતે અમે આગ્રાની વિદાય લીધી. બીજા દિવસે સવારે કાઠગોદામ પહોંચ્યાં.
ત્યાંથી મોટર દ્વારા આલ્મોડા જવાય છે. પાછળથી ખબર પડી કે આલ્મોડા જવા
માટે કાઠગોદામને બદલે હલદ્વાનીથી મોટરમાં બેસવાનું વધારે અનુકૂળ રહે છે.
પર્વતના વાંકાચૂકા છતાં પણ પાકા માર્ગ પરથી પસાર થતાં લગભગ છ કલાકમાં અમે
આલ્મોડા જઇ પહોંચ્યા.
|