Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૨૦. મહુવામાં નવરાત્રીના ઉપવાસ

 

ઋષિકેશમાં ભરત મંદિરનું સ્થાન ખૂબ જ સુંદર, શાંત, એકાંત તથા સર્વપ્રકારે પ્રતિકૂળ હતું. એટલે દિવાળી સુધી ત્યાં જ રહેવાનો વિચાર હતો. હિમાલયની દિવ્ય ભૂમિ મને અત્યંત અનુકૂળ આવે છે. તે ભૂમિના નિવાસના દિવસો સ્વર્ગસુખની જેમ આહલાદક થાય છે ને તે ભૂમિમાં એકવાર ગયા પછી તરત તેને છોડવાનું દિલ થતું નથી. પણ મારું જીવન પ્રભુની પ્રેરણા પ્રમાણે ચાલે છે. પ્રભુની પ્રેરણા પ્રમાણે નવરાત્રી પહેલાં મારે મહુવા જવાનું બન્યું. ઋષિકેશની સુંદરતા ને અલૌકિકતા મહુવામાં ના મળે એ સમજી શકાય તેમ હતું પરંતુ ઇશ્વરની ઇચ્છાને મંગળ માનીને એને અનુસરવાનું બરાબર હતું.

મહુવા પહોંચ્યા પછી ત્રીજે જ દિવસથી મેં પાણી પર રહીને વ્રત શરૂ કર્યું. એ વ્રત માટે 'મા'ની પ્રેરણા મળી ચૂકી. એટલે અતિશય આનંદપૂર્વક મેં તેનું પાલન કર્યું.

નવરાત્રી વ્રત દરમ્યાન વધારે બોલવું ના પડે તે માટે મેં દિવસભરનું મૌન લઇ લીધું. વ્રત દરમ્યાન સાંજે સાત થી નવ સુધી વાર્તાલાપ ને ભજનકીર્તનનો કાર્યક્રમ રાખ્યો. તે દિવસોના મારા મનોભાવોને રજૂ કરવાનું કામ કપરું છે. છતાં પણ તેનો કૈંક ચિતાર અહીં આપી રહ્યો છું.
 

પ્રાર્થનાઓ :

દિન ૧-૨-૩ | દિન ૫ | દિન ૭ | દિન | દિન ૧૦ | દિન ૧૧ | દિન ૧૨ | દિન ૧૩

 

ઉપવાસ દરમ્યાન થોડો થોડો તાવ આવવો શરૂ થયો તેથી નબળાઇ વધી. તાવની પીડા દસેક દિવસ રહી. એટલે બધા મળી ૨૨-૨૩ દિવસ મૌનવ્રતમાં ને નબળાઇમાં ગયા. એ પછી શરીરને સુધારવાની અનિવાર્ય આવશ્યકતા હતી એટલે, ને મહુવાનું વાતાવરણ અનુકૂળ હતું એટલે બરાબર અઢી મહિના મહુવામાં રહેવાનું થયું. એ દરમ્યાન કેટલાય પ્રકારના ચિત્રવિચિત્ર અનુભવો થયા.

મહુવામાં એક શ્રીમંત પુરુષનો પરિચય થયો. વાતચીત કરવામાં ખૂબ જ કુશળ ને મીઠા. સંતમહાત્માની શક્તિ વિશે વાત નીકળી. મને કહે, સંતમહાત્મા બધું જ કરી શકે. લેખ પર મેખ મારી શકે. તેમની શક્તિ અપાર હોય છે. મેં કહ્યું, હા. સંતમહાત્મા બધું જ કરી શકે. લેખ પર મેખ મારવાનું લખ્યું હોય તો તે પણ કરી શકે.

તેમણે કહ્યું, જુઓ મારા અનુભવનો એક તાજેતરનો પ્રસંગ કહું. એક સંન્યાસી મહાત્માની મેં શ્રદ્ધાપૂર્વક સેવા કરી. મારે ઇન્કમટેક્ષ એટલે આવકવેરાની ઘણી મોટી રકમ ભરવાની આવતી હતી. લાખ-બે લાખ જેટલી. હું ગભરાતો ને કોઇ ઉપાય શોધતો હતો. મહાત્માજીએ મને કહ્યું : ગભરાય છે શું કામ ? આપણે ઉપાય કરીએ. ને મને ટેક્ષમાંથી બચાવવા તેમણે ત્રણ-ચાર મહિનાનું લાંબુ અનુષ્ઠાન કર્યું. પરિણામે આફત ટળી ગઇ ને મારે ટેક્ષ ભરવો ના પડ્યો. મહાત્મા પુરુષોની શક્તિ એવી અસાધારણ હોય છે. તે ધારે તો શું ના કરી શકે ? તેમની કૃપા અપાર છે.

ઇન્કમટેક્ષને છૂપાવીને તે ના આપવામાં મદદ કરે ને તેને માટે એવા માણસને ધર્માત્મા કે મહાત્મા કહેવાય કે કેમ તે પ્રશ્ન વિચારવા જેવો છે. પણ મારો તો એ શ્રીમંતની જ વાત સાંભળવાનો વિચાર હોવાથી મેં તેમને કાંઇ કહ્યું નહિ.

તે ભાઇએ પોતાની વાત પાછી શરૂ કરી. પ્રભુ ખૂબ પૈસા આપે તો ઘણાં ઘણાં બીજાની ભલાઇના કામ કરવાની મારી ઇચ્છા છે. મારું દિલ સેવાની ભાવનાથી ભરેલું છે. સંતસેવાની ભાવના પણ છે. હું જાણું છું કે સંત તો ઇશ્વરના પ્રતિનિધિ છે. અરે, જીવતાં ઇશ્વર છે એમ કહીએ તોય ખોટું નથી. મહુવામાં સંતમહાત્માને માટે કોઇ સારું સ્થાન બનાવી દઉં તો મને સંતોષ થાય. સંતસમાગમનો લાભ આખા ગામને મળે. ને મારું જીવન પણ ધન્ય થઇ જાય. એ ઉપરાંત બીજા ઘણાંય કામ છે. નિશાળો ને દવાખાના કરવાનું કામ પણ ઓછું જરૂરી નથી. હમણાં ગામમાં એક હાઇસ્કૂલ તો મેં બંધાવી પણ છે. પણ એ તો પાશેરામાં પહેલી પૂણી ગણાય. બીજા ઘણાં કામ કરવા છે. પણ પૈસા વિના કેવી રીતે થાય ? તમારા જેવા સંતનો આશીર્વાદ મળી જાય તો પૈસો મળવો એ કાંઇ મોટી વાત નથી. લક્ષ્મી તો પ્રભુની દાસી છે. એટલે પ્રભુના ભક્તોની પણ તે સદાયે સેવા કરે છે. ને સંત શું ના કરી શકે ? તમારા દર્શન કરવાથી તમારી મહાનતાનું મને ભાન થયું છે. એટલે હવે તો મને આશીર્વાદ જ આપો.

આટલું બોલીને બેસી રહેત તો તો જરા વધારે વિવેકી ગણાત પણ તેમણે તો વળી પાછું શરૂ કર્યું : તમે જરા શાંતિથી સમાધિમાં બેસીને જોજો. બહુ ઉતાવળ નથી. બે-ચાર દિવસ પછી પણ જોજો જરૂર. ને જોયા પછી મને કહેજો કે મારે સોના-ચાંદીનો વેપાર કેવી રીતે કરવો. એક કાગળમાં દિવસ વાર બધી માહિતી લખી લેજો. તે મને ખપ લાગશે. જુઓ, આમાં મારો કોઇ સ્વાર્થ નથી. બે પૈસાની પ્રાપ્તિ થાય તો ઘણાં ઘણાં કામ થઇ શકે, પણ પૈસા વિના શું થઇ શકે ? પરમાર્થની ભાવનાથી પ્રેરિત થઇને જ હું તમને આ વિનંતી કરું છું. ને તમારા જેવા સંતમહાત્માનું જીવન તો પરમાર્થ માટે જ છે ને ? નદીનું પાણી, ઝાડ ને વરસાદ બીજાના ભલા માટે જ જીવે છે. પોતે કષ્ટ વેઠીને પણ તે બીજાનું તો હિત જ કરે છે. ઝાડ પોતે તાપ વેઠે છે પણ બીજાને તો છાયા જ આપે છે. નદી પણ ઠંડી ગરમી સહન કરે છે ને સાગરને કેટલાય સંકટ વેઠીને મળવા જાય છે. સાગરના પાણી તપે છે, તેની વરાળ બનીને વાદળ બંધાય છે અને એમ કેટલાય તપ કે કષ્ટ પછી વરસાદની રચના થાય છે. તેનાથી ધરતી રસ ને કસવાળી તેમજ ધનધાન્યવતી થાય છે. મહાપુરુષોનું જીવન પણ એવું જ હોય છે.

આ પણ પરમાર્થનું કામ છે તો તમે મને જરૂર મદદ કરજો.

મેં તેમને ખાસ કહ્યું નહિ.

થોડા દિવસ પછી તે અમને પોતાની વાડીમાં લઇ ગયા. મહુવામાં વાડીઓ બહુ સુંદર હોય છે. તેમણે કહ્યું : તમારા જેવા મહાત્માની સેવા કરવાની મને ઘણી ઇચ્છા છે. પણ શું કરું ? મારે મુંબઈ જવાનું છે. હવે તો ભવિષ્યમાં કોઇ વાર અવસર મળે ત્યારે ખરો.

એ વાત પછી એક દિવસ બપોરે તે અચાનક અમારે ઉતારે આવી ચઢ્યા. એ દિવસોમાં નવરાત્રી વ્રત હોવાને લીધે મારું મૌનવ્રત ચાલતું. અંદરના ઓરડામાં હું આરામ કરતો હતો. માતાજી એક બેન સાથે બહારના ઓરડામાં વાતચીત કરતાં બેઠાં હતા. તે ભાઇએ માતાજીને કહ્યું : 'મહાત્માજી ક્યાં છે ?'

'આરામ કરે છે.' માતાજીએ જવાબ આપ્યો.

'મારે આજે મુંબઈ જવું છે એટલે દર્શન કરવા આવ્યો છું. આરામ કરતા હોય તો ભલે. બાકી તમે મારું નામ આપશો તો તે ઊભા થઇ જશે ને મને મળ્યા વિના નહિ રહે.' પેલા ભાઇએ વિશ્વાસપૂર્વક કહ્યું.

હું બધું જ સાંભળતો હતો. જ્યારે તેમનો આગ્રહ વધી પડ્યો ત્યારે મેં એમને અંદર બોલાવ્યા. એ અતિશય આનંદમાં આવી જઇને કહેવા માંડ્યા : 'જોયું ? મેં તમને નહોતું કહ્યું ? પ્રેમની વાત તો ન્યારી જ છે. મહાપુરુષો સાધારણ માણસના પ્રેમને તરત જ ઓળખી લે છે.'

પછી કોઇ બીજું સાંભળે નહિ એવી ધીમી ગતિથી તેમણે કહેવા માંડ્યું : 'મને કોઇ છેવટની આજ્ઞા આપો. આજે ને આજે જ આપો એવો પણ મારો આગ્રહ નથી. હમણાં તમારે વ્રત ચાલે છે તે ભલે પૂરું થઇ જાય. પછી નિરાંતે તમે મારા વિશે સમાધિમાં જોજો. જોઇને બધું એક કાગળમાં લખીને મને મોકલજો. આ માટે હું તમને મુંબઈથી ફરી એક પત્ર લખીશ. આમાં કોઇ સ્વાર્થ નથી. આ તો પરમાર્થનું કામ છે.'

મેં તેમને લખીને કહ્યું : 'હું આવું કાંઇ જોતો નથી અને એ વિશે કાંઇ જાણતો પણ નથી. હું તો પ્રભુનું નામ જ જાણું છું. એ વિશે કાંઇ પૂછવું હોય તો પૂછો. બીજી વાતો બતાવનારા કોઇ સાધુ તમને મળી રહેશે.'

છતાં પણ તેમને શાંતિ વળી નહિ. અંતિમ આગ્રહ કર્યા પછી તે વિદાય થયા. મુંબઈ જઇને તેમણે એક પત્ર લખ્યો પણ ખરો, પણ તેનો ઉત્તર આપવાનું મને ઠીક ના લાગ્યું. આવા માણસો વધારે ભાગે સંતમહાત્માની પાસે આવા જ ક્ષુલ્લક સ્વાર્થ માટે જતા હોય છે. તેમને તેવા સંતસાધુ પણ મળ્યા કરે છે. પણ સાચા સંત આવી ક્ષુદ્ર ભાવનાના સંતોષ માટે કદી પણ પ્રયાસ નહિ કરે. સાચા સંતમાં લક્ષ્મી આપવાની શક્તિ હોય છે ખરી, પણ જેને એની આવશ્યકતા છે, અથવા જે દીનહીન ને ગરીબ છે, એવા નિર્મળ માનવોને જ તે તો પોતાની રીતે મદદ કરશે. આવા ચતુર શ્રીમંત માણસોના સટ્ટાના તે કોઇપણ સંજોગોમાં દલાલ નહિ બને.

પાછળથી માહિતી મળી કે ગામની હાઇસ્કૂલમાં તે ભાઇએ થોડીક આર્થિક મદદ કરેલી. હાઇસ્કૂલ બંધાવવામાં બીજા કેટલાક ભાઇઓનો ફાળો હતો.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer