Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૨૦. મહુવાના કેટલાક પ્રસંગો

 

એક દિવસ રાતના વાર્તાલાપમાં વૈરાગ્ય ને ત્યાગની વાત નીકળી. વાર્તાલાપ પૂરો થયો ને બધા ભાઇઓ વિખરાયા. તેમાં એક શંકરના મંદિરના પૂજારી પણ હતા. બીજા તેમના મિત્ર હતા. તેમને રામાયણની થોડીઘણી ચોપાઇઓ મોઢે હતી. બંને જતી વખતે મને પગે લાગ્યા.

પૂજારી કહેવા માંડ્યા : 'તમારા દર્શનથી અમને ઘણો જ આનંદ થયો છે. તે આનંદનું વર્ણન થાય તેમ નથી. અને આપની વાણી વિશે તો શું કહેવું ? કેવી મીઠી ને સરળ વાણી ! આપના દર્શનથી અમને ખરેખર ઘણો આનંદ થયો છે.'

બીજે દિવસે રાતે ભર્તૃહરિના એક શ્લોકની વાત નીકળી. એના અનુસંધાનમાં મેં કહ્યું : 'ઇશ્વરપ્રાપ્તિના માર્ગમાં જે કાંઇ પુરુષાર્થ કરવો હોય તે યુવાનીમાં જ સારી પેઠે થઇ શકે છે. તે વખતે અંતરમાં ઉત્સાહ હોય છે, મન મજબૂત હોય છે, ને રગેરગમાં આશા, ચેતના, આનંદ અને પુરુષાર્થ કરવાની પ્રેરણા ભરી હોય છે. સુખ ને દુઃખ કે ટાઢ અને તાપને સહન કરવાની ને કષ્ટ વેઠીને પણ ભયંકરમાં ભયંકર કે આકરામાં આકરી સાધના કરવાની શક્તિ પણ તે અવસ્થામાં સારા પ્રમાણમાં હોય છે. પછીથી જ્યારે ઇન્દ્રિયો ને શરીરની શક્તિનો હ્રાસ થઇ જાય, ઘડપણ શરીર ને મન પર સવાર થઇ જાય, ને મૃત્યુના સંદેશા વારંવાર આવવા માંડે ત્યારે સાધનાનું આકરું ને કષ્ટસાધ્ય કામ કેવી રીતે થાય ? ઘરમાં આગ લાગી હોય ત્યારે કૂવો ખોદવાનો પ્રયાસ કરવો એ જેમ મૂર્ખતા છે તેમ ઘડપણમાં બધી જ શક્તિ નષ્ટ થઇ ગઇ હોય ત્યારે ઇશ્વરને માટે સાધના કરવા પ્રયાસ કરવો તે મૂર્ખતા તો નહિ પણ એકદમ અચોક્કસ કે અપર્યાપ્ત પ્રયાસ છે. માટે યુવાનીમાં જ જાગી કે ચેતી જવું જોઇએ. મારી જ વાત કરું. આજથી લગભગ નવેક વરસ પર અમે એક ઊંચા પર્વત પર રહ્યા હતા. ત્યાં શિયાળો હોવાથી ખૂબ ઠંડી હતી. પણ દિલમાં સાધના માટેની લગની પણ એવી જ ભારે હતી. તેથી ખાસ તકલીફ પડી નહિ. અત્યારે પણ છે તો યુવાની જ. પણ એ બધા શરૂઆતના સમયમાં ટાઢ-તાપ સહન કરવાની જે સ્વાભાવિક શક્તિ હતી, તે આજે નથી જ. એ સાચું કહેવું હોય તો કહેવું જ જોઇએ. તે વખતે જે થઇ ગયું તે થઇ ગયું. માટે જ કહું છું કે જ્યારે લોહી ઉછળતું હોય, ત્યારે આત્મવિકાસને માટે એવો પુરુષાર્થ કરી લેવો જોઇએ.'

બીજા ભાઇઓને આ વાર્તાલાપમાં આનંદ આવતો હતો. પણ જે બે ભાઇઓએ આગલે દિવસે મારા આટલાં બધાં વખાણ કર્યાં હતા તેમણે બીજા દિવસથી આવવાનું છોડી દીધું. જેમના આમંત્રણથી અમે મહુવા ગયા હતા તે સંતપ્રેમી ભાઇને મેં એ બાબતની માહિતી માટે પૂછ્યું તો તેમણે કહ્યું : 'તેમને વખત તો ઘણો જ છે, પણ અહીં ના આવવાનું કારણ જૂદું જ છે. તમે તે દિવસે શ્લોકને સમજાવતી વખતે થોડીક તમારી વાત કહી તેથી તે મને કહેતા હતા કે મહાત્માજી તો પોતાના જ ગુણગાન ગાયા કરે છે. અમે તો બધે જ ફરીએ છીએ પણ અમારા ગુરુ હરેરામ બાપુ જેવા મહાપુરુષ ક્યાંય દેખાતા નથી.'

મને ખાસ આશ્ચર્ય થયું નહિ. જગત એક અજાયબઘર, સંગ્રહસ્થાન કે મ્યુઝિયમ છે, ને તેમાં અનેક પ્રકારના માણસો વસે છે, તે હું જાણું છું. આજ સુધી એવા કેટલાય માણસો મળ્યા છે. એટલે આ બે ભાઇઓની ઉપરઉપરની વખાણવાણી પરથી હું તેમને વિશે કોઇ નક્કી અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કરું એવો નથી. હું જાણું છું કે માણસોમાંના કેટલાક હાથી જેવા હોય છે. તેમની પાસે ચાવવાના ને દેખાડવાના એવા બે દાંત હોય છે. પેટમાં કૈંક ને મોઢામાં કૈંક. એવી દશા જગતમાં સામાન્ય થઇ પડી છે. એક બીજી વાત એ છે કે નિંદા ને નકામી ટીકા ઇશ્વરની જેમ વ્યાપક બનતી જાય છે. એ દશાનો ઇલાજ નહિ થાય તો દેશનું નાવડું સાગરના ઉત્તુંગ તરંગોની સાથે અથડાતું અથડાતું કયાં રસાતલમાં જશે એ કહેવું મુશ્કેલ છે. એટલે સમજુ માણસોએ સૌથી પ્રથમ પોતાની અંદરથી અને પછી પોતાના સંપર્કમાં જે કોઇ આવે તે બધાના દિલમાંથી દોષદૃષ્ટિ કે નિંદાના રોગને દૂર કરવા કોશિષ કરવી જોઇએ. અમુક વિષયો પર પ્રામાણિક મતભેદો હોય તે ભલે, પણ તેણે નિંદા, તિરસ્કાર કે વૈમનસ્યનું સ્વરૂપ તો ના જ ધરવું જોઇએ. ઝેર ને કુસંપથી આ દેશને માથે ભૂતકાળમાં દુઃખોના પારાવાર વરસી પડ્યા છે. માટે તેનાથી ચેતવું જ રહ્યું. જ્યારે દેશના નાનાથી માંડી મોટામાં મોટા માણસ સુધી અંદર અંદર ખૂબ પ્રેમ, સંપ, એકતા ને સહકારની ભાવના ને વિશાળ સહાનુભૂતિભરી દૃષ્ટિનો વિકાસ થશે ત્યારે આ દેશની સુરત બદલાઇ જશે ને સંસારમાં સ્વર્ગ ઉતરશે એ નક્કી છે.

કેટલાક માણસો સંતમહાત્માના દર્શન સારુ જાય છે. પરંતુ દર્શન દ્વારા તેમનો લાભ લેવા તો કોઇક જ જાય છે. કેટલાક તો દોષ જોવા જ જાય છે. ને સંતમહાત્મામાં દોષ ના હોય તો પણ, ગમે તે પ્રકારે, તેમની બેસવાની પદ્ધતિમાં કે વાણીમાં દોષ કાઢી, સદાને માટે એક નક્કી મનગમતો અભિપ્રાય બાંધીને પાછા ફરે છે. કેટલાક સ્વાર્થી હેતુને સિદ્ધ કરવા મહાત્માના દર્શને જાય છે. એ હેતુ સિદ્ધ ના થાય એટલે તેમની શ્રદ્ધા ખૂટી જાય છે. બહુ જ થોડા માણસો પ્રેમથી પ્રેરાઇને, કૈંક શીખવા કે માર્ગ ગ્રહણ કરવા સંતસાધુ પાસે જાય છે. બધા જ માણસો કે સંતો પૂર્ણ છે એમ સમજી લેવાની જરૂર નથી. એવી સમજણ ખોટી છે. ઇશ્વર ને તેને પહોંચી ચૂકેલા સંત બે જ પૂર્ણ છે. એટલે કોઇમાં કોઇ દોષ દેખાય કે હોય તો પણ તેને છોડી દેવાની જરૂર નથી. પણ મોટું પેટ રાખીને દોષને ગળી જવામાં જ બુદ્ધિમાની છે. આ રીતે જ સંસાર ચાલી શકશે. તે ઉપરાંત કોઇના વિશે કોઇ શંકા થાય તો તેનો ખુલાસો તે માણસ પાસેથી જ મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ. તેનો પ્રચાર કરીને તેને નિંદાનું સ્વરૂપ ના આપવું જોઇએ. એક બીજી યાદ રાખવાની વાત એ છે કે મહાનતા કે શ્રેષ્ઠતા કોઇ એક માણસનો જ ઇજારો નથી. તે સર્વનો અધિકાર છે. એક ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુ પણ યોગ્ય દિશામાં પ્રયાસ કરીને મહાનતા મેળવી શકે છે, ઇશ્વરનો પ્યારો જીવ થઇ શકે છે, ને વિશ્વવંદ્ય પણ થઇ શકે છે. માટે અમારા ગુરુ તે જ ખરા કે મોટા ને બીજા બધા છોટા કે ખોટા એવી માન્યતા ભૂલભરેલી છે. આ સંસારમાં એક ઇશ્વર જ સૌથી મોટો છે. બીજા તો તેના ચરણની રજ છે, ને ચરણની રજ બનવાને લીધે જ તે મોટાઇ પ્રાપ્ત કરી શક્યા છે.

આ ભાઇઓ રાતે કેટલાય કલાક ભજન કરે છે, ને રામાયણ પણ વાંચી સંભળાવે છે. પણ તેથી શું વળે ? જ્યાં સુધી નમ્રતા જાગી નથી, ને દોષદૃષ્ટિ, સંકુચિતતા, ઇર્ષ્યા અને અહંતા ભાગી નથી, ત્યાં સુધી માણસ આખુંયે રામાયણ મોઢે બોલી જાય, ગીતા કંઠસ્થ કરી લે, કે ભાગવત જેવાં શાસ્ત્રોનું પારાયણ કરીને ભગતમાં ખપે, તિલક, તુલસી કે માળા ધારણ કરે, છતાં તેનું દળદર ફીટવાનું નહિ, કે તેથી જરૂરી હેતુ સરવાનો પણ નહિ. આ ભાઇઓએ જો ડહાપણથી વિચાર કર્યો હોત તો મારા શબ્દોમાં તેમને આત્મશ્લાઘાને બદલે દીનતા જ લાગત. 'પહેલાં જે થયું તે કરવાની આજે શક્તિ નથી', એમ કહીને મેં મારી શક્તિની અલ્પતાનું જ પ્રદર્શન કર્યું હતું ને મારી નાનમ બતાવી હતી, તેની તેમને ખાતરી થાત ને કદાચ તેમનો પ્રેમ વધત. પણ જેને એક કે બીજી રીતે દોષ જ પકડવા હોય તેમને માટે આ ખુલાસો શું કામ કરી શકે ? ઇશ્વરની કૃપા વિના સમ્યક્ દૃષ્ટિ નથી મળતી એ શું સાચું નથી ?

મહુવાની મ્યુનિસિપાલીટીના પ્રમુખના આગ્રહથી મારે માઇક પર બોલવાનું થયું. મ્યુનિસિપાલીટી તરફથી આખા ગામમાં ઠેરઠેર લાઉડસ્પીકરો ગોઠવી દેવાયેલા એટલે સાંભળવાની વ્યવસ્થા સારી હતી. પેલા રામાયણવાળા ભાઇ ને શંકરના પૂજારી ભાઇએ આ વાત જાણી એટલે તેમણે ગોરધનભાઇને કહ્યું : 'અરે, મહાત્માજી તો રેડિયો પર પહોંચી ગયા !'

ગોરધનભાઇએ કહ્યું : 'એ તો મહાત્મા છે. ઇચ્છા પ્રમાણે કરે.'

'પણ અમને તો તે સારું નથી લાગતું !' તેમણે જવાબ આપ્યો. જાણે તેમણે એમ માની લીધું હોય કે તેમને સારું લાગે તે કરવાનું લખાણ કરી આપીને જ મેં ત્યાગી તરીકેનું જીવન શરૂ કર્યું છે ! પરંતુ મહુવાનો નિવાસ એકંદરે ખૂબ જ સરસ રહ્યો. ત્યાંના ભાઇઓ ખૂબ જ પ્રેમાળ ને સમજુ હતા. જેમ એક બે કે વધારે કુસાધુ પરથી આખાયે સંતસમાજની કિંમત ના થઇ શકે તેમ આવા એકાદ બે પ્રસંગ પરથી મહુવાભરના પ્રેમી માણસો વિશે અભિપ્રાય ના જ બંધાય. જેમ પકવાનની સાથે ચટણી કે અથાણા હોય છે તેમ આ પ્રસંગ તો વિનોદની ગરજ સારે છે. અલબત્ત, ચટણી કે અથાણાંની જેમ આવા પ્રસંગો જીવનમાં તદ્દન જરૂરી છે એવું નથી સમજવાનું.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer