Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૨૦. આવેશના પ્રસંગો - ૨

જગન્નાથપુરીની સ્મૃતિ

દેવીના ને દેવતાના આવેશવાળા ઘણાં સ્ત્રીપુરુષો આજે નીકળ્યા છે. એમાંના કોઇ સાચાં હશે તો કોઇ ખોટાં હશે. પણ એટલું તો સાચું કે વધારે ભાગે ખોટાં જ પ્રસંગો બનતાં હોય છે. કેટલાક લેભાગુ લોકો પોતાના લૌકિક સ્વાર્થને સિદ્ધ કરવા પોતાને આવેશ આવે છે એવો પ્રચાર કરે છે, લોકોને ઠગીને પૈસા તથા પ્રતિષ્ઠા મેળવે છે, ને પુજાય છે પણ ખરાં. એમાંના કેટલાંક લોકો હાથ કે શરીરમાંથી કંકુ કાઢી બતાવે છે તો કોઇ સંતાન થાય ને નોકરી મળે તે માટે બાધા આપે છે, ને કોઇ ભૂતકાળ ને ભવિષ્યની વાતો કરીને લોકોને અચરજમાં નાખી દે છે.

અમે જગન્નાથપુરીમાં હતા ત્યારે જે ધર્મશાળામાં અમે ઉતર્યા હતા તેમાં અમારી પાસેના ઓરડામાં કલકત્તાથી આવેલી કેટલીક સ્ત્રીઓ ઉતરી હતી. તેમની સાથે એક બાઇ હતી. તેને અંબામાતાનો આવેશ આવતો. તે વખતે તેના હાથમાંથી ખૂબ કંકુ નીકળતું. અમે હિમાલયથી આવીએ છીએ તેની ખબર પડતાં તે બેનોમાંથી કેટલીક બેનો અમારી પાસે આવવા માંડી ને પેલી દેવીના આવેશવાળી બેનની વાત કરીને તેની સાથે આવા પુણ્યસ્થાનમાં રહેવાનો ને સેવા કરવા આવવાનો અવસર મળ્યો છે તે માટે પોતાને ધન્ય ને બડભાગી માનવા માંડી. જગત અનેક પ્રકારની વિવિધતા ને રહસ્યમયતાથી ભરેલું છે, એ વાતની જાણ હોવાથી શરૂઆતમાં અમે એ વાત પર ખાસ ધ્યાન ના આપ્યું. પેલી બેન અમારા ઓરડાની બહાર બેસી કેટલીક વાર ધૂણતી ને જોરથી બોલતી તેમજ પૂછનારાને જવાબ આપતી, વળી ભજન પણ ગાતી. તેના હાથમાંથી કંકુ નીકળતું તે ત્યાં ભેગા થયેલા માણસો પ્રસાદીરૂપે લેતાં ને પોતાને કૃતાર્થ સમજતાં. પરંતુ અમને એ બધું જાણ્યાં છતાં ખાસ કુતૂહલ થયું નહિ. અમારા સમાચાર મળવાથી ધર્મશાળાના કોઇ ઉતારુ મારી પાસે આવતા. એક વાર એવા કેટલાક માણસો સાથે મારી વાતચીત ચાલતી હતી ત્યારે તે બાઇએ ઓરડામાં આવીને પોતાને કેવી રીતે આવેશ શરૂ થયો, અત્યારે 'મા'ની કેવી કૃપા છે તેમજ કલકત્તાના શ્રીમંત મારવાડીઓ તેને પૂજે છે, ને તેમણે તેને માટે એક બંગલો પણ બાંધી આપ્યો છે, એ બધી વાત કહી. મેં વાતમાં વધારે રસ બતાવ્યો નહિ. કેમ કે તેની આંખ પરથી તે સત્યપરાયણ નથી પણ દંભી છે એવી છાપ પડી. એ પછી બીજી બેનોના આગ્રહથી માતાજી તેમની પાસે બેત્રણ વાર ગયાં અને એકાદ વાર કંકુ પણ લઇ આવ્યાં.

મેં માતાજીને કહ્યું : 'આ બાઇ દંભી લાગે છે. એનામાં સચ્ચાઇ નથી. છતાં સંપૂર્ણ ખાતરી થઇ જાય તે માટે તેને આવેશ આવે ત્યારે એક બે પ્રશ્નો પૂછી જોજો. કંકુને દેવી કે દેવતા સાથે કાંઇ સંબંધ નથી. તેના કારણ તો ઘણાં છે. એટલે તેનાથી અંજાઇ જવાની જરૂર નથી.'

એટલામાં તો અમારે જગન્નાથપુરીથી નીકળવાનો દિવસ આવ્યો. પેલી બેનો પણ તે જ દિવસે નીકળીને કલકત્તા જવાની હતી. સામાન તૈયાર કરીને હું ગાડીવાળાને બોલાવવા ગયો. ગાડી આવી એટલે ઉપર ઓરડામાં ગયા તો આવેશનું છેલ્લું દૃશ્ય જોવા મળ્યું. પેલીને માતાનો આવેશ આવેલો. કેટલાંય માણસો તેને વીંટળાઇને કંકુંની પ્રસાદી લેવા બેઠેલા. હું પણ માતાજીને બોલાવવા આજે પહેલી જ વાર તે બેનની પાસે ગયો. કેમ કે માતાજી પણ ત્યાં જ બેઠેલા. બાઇએ મારી તરફ એક દૃષ્ટિપાત કર્યો ને પછી આંખ ફેરવી લીધી. એ દૃષ્ટિપાતમાં મને સમજાઇ ગયું કે બાઇ કેવળ ધતિંગ કરે છે. મેં માતાજીને કહ્યું, 'ચાલો જઇએ, ગાડી તૈયાર છે.' ને પછી છેલ્લીવાર પ્રત્યક્ષ ખાતરી કરી લેવા સંકેત કરીને કહ્યું કે પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લો.

માતાજી તો તૈયાર જ હતાં. 'માતા, મારે એક પ્રશ્ન પૂછવો છે.' તેમણે કહ્યું.

'હા, હા, પૂછો પૂછો.' પેલી બાઇએ જવાબ વાળ્યો.

'અમારી દીકરીને સુવાવડ આવે તેમ છે. તેની તબિયત કેવી હશે તે જણાવો તો સારું. હમણાં તેના સમાચાર નથી.' માતાજીએ કહ્યું.

પેલી બાઇ તરત બોલી ઉઠી, 'તેની ચિંતા ના કરશો. હમણાં તેની તબિયત જરા બગડી હતી, પણ હવે સુધરી છે. બેત્રણ મહિના પછી તેને સંતાન થશે.'

માતાજીને ખાતરી થઇ કે આ બાઇ ધતીંગ જ કરે છે. કેમ કે બેનનો પત્ર હમણાં જ હતો. બેનને લગભગ પંદર દિવસ પહેલાં જ પુત્રી થઇ હતી, ને તેની તબિયત સારી જ હતી.

હવે ખાતરી કરવા વધારે પૂછવાની જરૂર ન હતી.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer