|
હનુમાનજીનો આવેશ
નાશિકમાં ઉપવાસ ચાલતા હતા, તે દિવસોમાં એક બ્રાહ્મણ આવ્યા. તે રસોઇનું
કામ કરતા. પાછળથી જેમને ત્યાં અમે રહેતા હતા તે ચંપકભાઇએ બેત્રણ વાર
તેમને રસોઇ કરવા પણ બોલાવ્યા. એક દિવસ તેમણે ચંપકભાઇને એક તરફ બોલાવીને
કહ્યું, 'મને
હનુમાનજીનો આવેશ આવે છે. મારા પર હનુમાનજીની કૃપા છે. તમારી ઇચ્છા હોય તો
હું તમને તેમનો ચમત્કાર બતાવું. તમારે કાંઇ પૂછવું કરવું હોય તો પણ તે
વખતે હનુમાનજી ઉત્તર આપશે.'
ચંપકભાઇએ મને વાત કરી ત્યારે મને જરા અજાયબી તો લાગી. જેના પર હનુમાનજીની
કૃપા હોય તે આમ દરિદ્રાવસ્થામાં કેમ ફરે છે, એ પ્રશ્ન વધારે મહત્વનો ન
હતો. કેમ કે ઉત્તમ કોટિના કેટલાક સાધકો દુન્વયી દૃષ્ટિએ દરિદ્ર જેવા
દેખાય છે. પરંતુ એક વાત નક્કી છે કે ઊંચો સાધક ગમે તેવો સાધારણ દશાનો કે
રંક હશે તો પણ તેનું મન રંક નહિ હોય. દરિદ્રાવસ્થામાં પણ તે આનંદ ને
ગૌરવપૂર્વક જીવે છે, ને પોતાના ઉપાસ્ય દેવ કે ઇશ્વર વિના કોઇનીય તરફ
દીનભાવે જોઇ, યાચના કરી, પોતાની ભિક્ષુક વૃત્તિને પ્રદર્શિત કરતો નથી.
એટલે એ બ્રાહ્મણની યાચનાવૃત્તિથી અચરજ થાય એ સ્વાભાવિક હતું.
છતાં પણ
વાત નવીન ને રસપ્રદ હોવાથી બ્રાહ્મણ ભાઇને હનુમાનજીનો આવેશ બતાવવાનું
આમંત્રણ આપ્યું. તેમણે પૂજાની સામગ્રી પહેલેથી જ મંગાવી રાખી હતી. એક
ઓરડામાં ધોયેલું વસ્ત્ર પહેરીને તે બેઠા, ઘીનો દીવો કર્યો, ને અગરબત્તી
સળગાવી. થોડી વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. હનુમાનજીનું સ્મરણ કર્યું.
ત્યાં તો આવેશની શરૂઆત થઇ. શરૂઆતમાં ધીરે ધીરે ને પછી તેમણે જોરથી શ્વાસ
લેવા માંડ્યા. ધીરે ધીરે રુદ્રરૂપ ધારણ કર્યું. હાથ પછાડવા માંડ્યા ને
દસેક મિનિટ પછી કૈં પૂછવું હોય તો પૂછવાનો સંકેત કર્યો. અમે પૂછવાને ખાતર
એક બે પ્રશ્નો પૂછ્યાં. તેનો તેમણે ગોળગોળ ઉત્તર આપ્યો. મને કહ્યું,
'તું
મારી ભક્તિ કરે છે તે ખરી ભક્તિ છે. મને તેની ખબર છે. ને મારી કૃપા હું
તારા પર વરસાવીશ.'
એ વખતે
તેમને હનુમાનજીનો નહિ પણ દેવીનો આવેશ હતો. દેવી ને હનુમાનજી બંનેનો આવેશ
તેમને આવતો. થોડીવારે તેમનો આવેશ પૂરો થયો. અમે કહ્યું,
'હવે
હનુમાનજીનો આવેશ લાવો. તે પણ જોઇએ.'
બ્રાહ્મણ ભાઇએ કહ્યું કે હનુમાનજી કાલે પધારશે. એ વાત અમે બીજા દિવસ માટે
મુલતવી રાખી.
બીજે
દિવસે સાંજે તે જરા વહેલા આવ્યા અને આગલા દિવસની જેમ જ બધી વિધિ કરીને
ધુણવા માંડ્યા. આજે હનુમાનજીનો આવેશ હતો- એટલે ખૂબ જ જોરથી તે હાથ પછાડવા
માંડ્યા. પરંતુ ગઇકાલની ને આજની તેમની થોડીઘણી વાતચીત પરથી અમને ખાત્રી
થઇ કે દેવતાના આવેશને નામે તે બ્રાહ્મણ ભાઇ ઢોંગ કરતા હતા. એ પ્રમાણે
ઢોંગ કરી, બની શકે તો અમને આંજી નાખી, પૈસાની મદદ કરવા અમને પ્રેરણા
કરવાનો એ પ્રયાસ હતો. આવા કેટલાય માણસો આજે સમાજમાં ફરે છે, ને દેવી
દેવતાના આવેશવાળા તે માણસો આવેશની દશામાં કોઇક વાર અટપટી વાતો કહે છે, તો
કોઇવાર રોગની નિવૃત્તિ ને પ્રમદા, પૈસો ને પદની પ્રાપ્તિ માટે ઉપાયો પણ
બતાવે છે, એટલે કે બાધા પણ આપે છે, ને કંઇક જાણવાની ને પામવાની ઇચ્છાવાળા
માણસો તેમની જાળમાં આબાદ રીતે સપડાઇ જાય છે. જ્યારે એ ભાઇની ધૂર્તતાની
પાકી ખાતરી થઇ ત્યારે ચંપકભાઇએ તેમને આવેશની અવસ્થામાં પૂછ્યું,
'ત્યારે
હવે એ પણ બતાવો કે આ મહિનામાં મહાત્માજી ક્યા સ્થાનમાં હશે
?'
બ્રાહ્મણ ભાઇને ખબર હતી કે મારે અને ચંપકભાઇને પ્રેમ સંબંધ છે. એટલે
તેમણે અનુમાન કરી લીધું કે મહા માસમાં મારું રહેવાનું ચંપકભાઇને ત્યાં જ
હશે. એટલે તેમણે જવાબ આપ્યો કે 'રાજકોટ
હશે.'
ચંપકભાઇએ હસીને પૂછ્યું, 'રાજકોટમાં
કોને ત્યાં હશે ?'
બ્રાહ્મણ ભાઇએ કહ્યું, 'તમારે
જ ત્યાં.'
હવે
મુદ્દાની વાત શરૂ થઇ. ચંપકભાઇએ તરત પૂછ્યું કે,
'મારું
નામ શું ?'
બ્રાહ્મણ ભાઇએ તરત જ જવાબ આપ્યો કે,
'બાબુભાઇ
!'
બિચારા
બ્રાહ્મણ ભાઇ આખરે પોતાની જ માયાજાળમાં સપડાઇ ગયા. હવે તેમને કૈંક
કહેવાની ને તેમનો ભ્રમ દૂર કરવાની જરૂર હતી. એટલે તે ધુણતા હતા અને હાથ
પછાડતા હતા તે દરમ્યાન જ મેં તેમને કહ્યું કે હવે આ ધતિંગ બંધ રાખો. તમે
બધાને ઠગશો પણ અમને ઠગી નહિ શકો. દેવી ને દેવતાને નામે ખોટો પ્રચાર કરીને
તમે લોકોને આમ ઠગો છો તેથી જ આવા દુઃખી ને દરિદ્ર છો. ને નહિ ચેતો તો હજી
વધારે દુઃખી થશો. બ્રાહ્મણ થઇને હનુમાનજીના જ ધામમાં ને પુણ્ય ક્ષેત્રમાં
આવું કપટ કામ કરો છો ને પાપનું ભાથું બાંધો છો, તેમાંથી જન્મોજન્મ સુધી
ઘોર દુઃખ ભોગવશો તો પણ ક્યાંથી છુટી શકશો
?
બિચારા
બ્રાહ્મણ ભાઇના તો હોશકોશ ઊડી ગયા. આવેશની દશામાંથી તે તરત જ સાધારણ
ચોરની દીન દશામાં આવી ગયા. છતાં પણ તેમણે પોતાની ભૂલ સ્વીકારી નહીં. ખૂબ
પ્રયાસ પછી જ તેમણે પોતાના પર દેવી-દેવતાની કૃપા નથી એ વાત માન્ય રાખી.
મેં કહ્યું, 'ભાઇ,
દેવી કે દેવતાની કૃપા એવી સહેલી નથી. તે માટે તો ભયંકર તપ ને વ્રત કરવાં
પડે છે. કઠિન કષ્ટ ને સાધનાના તાપને કે શ્રમને સહન કરવો પડે છે. ધ્રુવ ને
પ્રહલાદ, મીરાં ને નરસી, તુકારામ ને તુલસીનાં જીવન જુઓ. તેઓ શું પ્રભુના
પ્રેમી ન હતા ?
પણ તમારા જેવું તોફાન તેમણે કદાપિ કર્યું નથી. હા, કોઇને સાચો આવેશ પણ
આવી શકે છે પણ તમારી પ્રવૃત્તિ તો ખોટી જ છે. માટે સદગુણી બનો, દેવી કે
દેવતાનો સાચો પ્રેમ પ્રાપ્ત કરો ને જીવનને ધન્ય કરવું હોય તો કૂડકપટ ને
જૂઠને છોડી દઇને ઇશ્વરનું શરણ લો. હવે તો વૃદ્ધાવસ્થાને આરે પહોંચ્યા છો.
મૃત્યુના શિકાર થવાની તૈયારીમાં છો. તો પણ આવું ધતિંગ શા માટે કરો છો
?
પ્રતિજ્ઞા કરો કે આજથી આવી પાપલીલાને છોડી દેશો.'
પણ
જૂઠનો પણ નશો હોય છે. તે નશો જેને ચઢી ચુક્યો હોય એટલે કે જૂઠું બોલવાની
કે કરવાની જેને ટેવ પડી હોય તે બહુ મોટું ભાગ્ય કે પુણ્ય હોય તો જ આટલો
જલદી ને આવો દૃઢ સંકલ્પ કરી શકે. કેટલાક લોકો કહે છે કે વાલ્મિકી શું
પાપી ન હતા, કે બિલ્વમંગલ કામી ન હતો
?
તેમનો ઉદ્ધાર થઇ ગયો તેમ આપણે પાપ કરીએ તો પણ આપણો ઉદ્ધાર જરૂર થઇ જશે.
પણ તેઓ એક વાતને વારંવાર ભૂલી જાય છે કે પાપીનો ઉદ્ધાર પાપી હોવાને લીધે
કે પાપ કરતા રહેવાથી થયો નથી પણ પાપને ઓળખી લઇને પાપથી મુક્ત થવાનો
શીઘ્રાતિશીઘ્ર સંકલ્પ કરી, પાપને છોડી પુણ્યાત્મા બનવાથી જ થયો છે.
વાલ્મિકીને નારદના ઉપદેશથી કુકર્મ પરથી વૈરાગ્ય થયો ને તે જ ઘડીએ તે
ઇશ્વરને માર્ગે વળી ગયા. બિલ્વમંગલને પણ જે દિવસે પોતાની ભૂલ સમજાઇ તે જ
દિવસે તેણે પોતાના ચક્ષુ ફોડી નાખ્યાં ને ઇશ્વરને માટે ફકીરી લીધી. ત્યાગ
ને વૈરાગ્યની એવી ઉત્કટ ભાવના હશે તો જ પોતાની જાતનો ઉદ્ધાર થઇ શકશે.
એટલે વાલ્મિકીના ને સાધારણ પાપી કે કુકર્મી માણસના માનસમાં આભ જમીનનો ફેર
છે. આજે તો સામાન્ય રીતે માણસ પોતાના દુષણ ને પાપને છુપાવવામાં જ ગૌરવ
સમજે છે ને તે ઢંકાઇ જાય એટલા માટે ખોટી દલીલો પણ કરે છે. સાત્વિક કે
શ્રેયાર્થીને માટે એવી ટેવ ઘાતક ને પતનની ગર્તામાં લઇ જનારી છે.
બ્રાહ્મણભાઇની ટેવ પણ એવી જ હતી એ વાત તેમને માટે ઓછી દુઃખદ કે શરમજનક ન
હતી. આજે ભલે તેમને તેની ખાતરી ના થતી હોય પણ પુણ્ય પ્રકટશે ત્યારે કોઇ
ધન્ય ક્ષણે, એ વાત તેમને સાલશે ને ત્યારે પરિતાપના દુઃખ ને દુષ્કર્મની
શરમથી તેમનું માથું નીચું નમી જશે, નહિ તો હજી વધારે દુઃખ, દર્દ ને યાતના
તેમને માથે ભમ્યા કરે છે એમ જ કહેવું રહ્યું.
|