|
એ વરસે
ઋષિકેશનો નિવાસ સાનુકૂળ તથા સુખમય સાબિત થયો.
'ગીતાદર્શન'ના
લેખનમાં કેટલોક કાળ પસાર થઇ ગયો. તે દરમ્યાન પણ સાધનાનો પ્રવાહ તો ચાલુ જ
રહ્યો. પરંતુ નવરાત્રીની શરૂઆતથી એમાં એક નવો જ વેગ આવ્યો. નવરાત્રી પૂરી
થઇ છતાં પણ સાધના ચાલુ જ રહી ને બાર દિવસના નવરાત્રી પરના ઉપવાસ પૂરા
થયા. પણ કારતક માસની પૂનમ સુધી લાંબા વખત લગી કટકે કટકે ઉપવાસ ચાલ્યા
કર્યા. એ બધો વખત ખરે જ કીમતી હતો. એવો સાનુકૂળ સમય જીવનમાં ફરી ફરી મળતો
નથી. ભરત મંદિરનું સ્થાન પણ એટલું જ અનુકૂળ હતું. દિવાળી પછી જો કે
ઠંડીમાં વધારો થયેલો. છતાં પણ હવામાન એકંદરે આહલાદક હતું. એ બધા
વાતાવરણમાં દિવસો ખૂબ જ સારી રીતે પસાર થઇ ગયા.
નવરાત્રીના ઉપવાસ પૂરા થયા તે પછી એક વિદ્વાન સંન્યાસી મહારાજ મારી પાસે
આવ્યા. નવરાત્રીમાં મેં પાણી પર ઉપવાસ કરેલા તેની તેમને ખબર હતી. તેને
યાદ કરીને તેમણે કહ્યું : વ્રત પૂરું થઇ ગયું
?
મેં કહ્યું : હા. થોડી વાર તો તે શાંત રહ્યા પણ પછી તરત બોલી ઉઠ્યા : શું
તમે હઠયોગમાં માનો છો ?
મેં
કહ્યું : હઠયોગ ?
હા, હઠયોગ મને પ્રિય છે ને હું તેમાં માનું છું. મને હંમેશા લાગ્યું છે
કે આસન, ષટક્રિયા ને પ્રાણાયામ જેવા હઠયોગના અંગો શરીર ને મનની
તંદુરસ્તીને માટે ખૂબ ઉપયોગી છે. તેના જરૂરી અભ્યાસથી લાભ થાય છે. મેં
તેનો થોડો ઘણો અભ્યાસ કર્યો છે ને શરીરની સુખાકારી માટે હજી તેને ચાલુ
રાખ્યો છે. મને તેમાં ખૂબ જ રસ છે.
તે
બોલ્યા : વાત તો સારી છે. પરમાનંદની પ્રાપ્તિ માટે બધાં સાધનો છે. પણ
કેટલીક વાર માણસ તે સાધનોની પસંદગીમાં ભૂલ કરે છે.
ને તે
પછી તેમણે કેટલાક વધારે વિચારો પ્રદર્શિત કર્યા. તેથી જણાયું કે તેમને
હઠયોગ શું છે તેનો સાચો ખ્યાલ જ ન હતો. ઘણા વિદ્વાન કહેવાતા માણસોની એવી
દશા છે. હઠયોગ કોઇ હઠ કરીને કરવાનો યોગ છે એમ તે માને છે. એવી માન્યતા
હઠયોગ વિશેના એમના અજ્ઞાનના પ્રદર્શન વિના બીજું કૈં જ નથી. સાચી વાત તો
એ છે કે હઠયોગને હઠ કરવા સાથે કાંઇ જ સંબંધ નથી. તે તો પ્રાણ, મન ને
શરીરના સંયમનો યોગ છે, અને અંધકારમાંથી પ્રકાશમાં જવા માટે અથવા ઈડા ને
પીંગલા નાડીમાંથી વહેતા પ્રાણને સુષુમ્ણામાં લઇ જવા માટેની સાધના છે.
'હ'
અને 'ઠ'
નો પ્રયોગ એવા જ અર્થમાં કરવામાં આવ્યો છે. તે વાત
'હઠયોગ
પ્રદીપિકા'
ને 'ઘેરંડ
સંહિતા'
જેવા હઠયોગના ગ્રંથોની હઠ શબ્દની વ્યાખ્યા પરથી સમજી શકાય છે. એ અર્થને
ના સમજવાને લીધે જ કેટલાક માણસો હઠયોગ જેવી સુંદર ને વૈજ્ઞાનિક સાધના તરફ
તિરસ્કાર વૃત્તિથી જોતા થયા છે ને તે સાધના વધારે ભાગે હઠ પર આધાર રાખે
છે તેમ માની રહ્યા છે. સંયમ ને જ્ઞાન તથા તે પ્રમાણે વર્તન કરવાનો આગ્રહ
દરેક નાની મોટી સાધનામાં રાખવો પડે છે, પણ એવો આગ્રહ આવકારદાયક છે એ સૌએ
સમજી લેવું જોઇએ.
પણ
સંન્યાસી મહારાજની દૃષ્ટિ તો ઘણી મર્મભેદી હતી. વિચારોના પાતળકૂવામાં
વહેનારો તેમનો ભાવ ઘણો ઊંડો હતો. તેની ખબર પાછળથી પડી. વાત એમ હતી કે
ઉપવાસ કરીને હું કોઇ હઠ કરી રહ્યો છું એમ તે સમજતા હતા. સંસારમાં આવા
માણસો કેટલાય છે જે બીજાને સહાનુભૂતિપૂર્વક સમજવાને બદલે, પોતાનો જ કક્કો
ખરો ગણી, બધાંને પોતાનાં જ ચશ્માથી જુએ છે. એમાં જે બંધ બેસે તે પાસ અને
બરાબર, ને જે તેથી જરા પણ જુદું દેખાય તે નાપાસ અને અનુચિત - એમ તે માને
છે. વિદ્વાનોમાં પણ આ બદી - સ્વભાવની આ વિકૃતિ ઘર કરી બેઠી છે તે
આશ્ચર્યકારક છે.
પણ
તેમને ઉતાવળ હતી. તેથી તેમને ખુલાસો કરવાની તક જ ના મળી. મને સમજાયું કે
સાધનાને ગુપ્ત રાખવાનો શાસ્ત્રોએ આપેલો આદેશ કાંઇ વૃથા નથી. તે સાચો જ
છે. કેમ કે બધા માણસોને તે જાણવાની જરૂર નથી હોતી ને બધા તેને સમજવા
જેટલા શક્તિવાળા પણ નથી હોતા. પણ મારા ઉપવાસની વાત તો તેમને બીજા એક ભાઇએ
- ભરત મંદિરના મેનેજર ભટ્ટજીએ કરી હતી. મેં નહોતી કરી.
વારુ,
પણ હવે બીજો વિચાર કરીએ કે કોઇ સાધના માટે ઉપવાસ કે વ્રત કરવાના કામને હઠ
કહેવી બરાબર છે ?
મારી સમજ પ્રમાણે તેને હઠ નહિ પણ આગ્રહ કહી શકાય. તે જ પ્રયોગ તેને માટે
બરાબર છે. સાધનાનો એવો સત્યાગ્રહ ધ્રુવ ને વાલ્મીકિ તથા તુકારામ ને નરસી
જેવાએ કરેલો. પાર્વતીની વાત પણ એ બાબત જાણીતી છે. એ સત્યાગ્રહ સૂકો નહિ
પણ પ્રેમથી ભરેલો હતો. ભગવાનને માટે તેમના દિલમાં એટલી ભૂખ લાગી હતી કે
તેમનું મન બીજે ક્યાંય લાગતું નહિ. ખાવા પીવા પરથી પણ તેમનું મન હઠી
ગયેલું. એના મૂળમાં ઇશ્વર માટેનો તીવ્ર પ્રેમ હતો. આ રીતે સમજીએ તો એ વાત
સમજી શકાય છે. ને ધારો કે કોઇનામાં એટલો ઉત્કટ પ્રેમ ના હોય, થોડો જ
પ્રેમ હોય, છતાં તે તપ વ્રત કે ઉપવાસ કરે ને ઇશ્વરની પ્રસન્નતાની આશા
રાખે તો તે વ્રત કે તપના પ્રયાસને કેવળ હઠ કહીને હસી કાઢવાનું કે ઉડાવી
દેવાનું શું બરાબર છે ?
મારી સમજ પ્રમાણે તો કદી નહિ. તેવા પ્રયાસના પાયામાં પણ ઇશ્વર માટેની
ઇચ્છા રહેલી છે. તેથી તે ઇચ્છા ને તેને વ્યક્ત કરતો પ્રયાસ બંને
આવકારદાયક છે.
કેટલાક
માણસો ભાષાવાર પ્રાંતરચના માટે દબાણ લાવવા ઉપવાસ કરે છે, ગૌવધ અટકાવવા ને
હૃદયશુદ્ધિ કરવા પણ ઉપવાસ કરે છે;
તો જૈન ધર્મમાં ધાર્મિક સિદ્ધાંતના પાલન માટે ઉપવાસ કરવામાં આવે છે. કોઇ
સ્વજનનું મૃત્યુ થાય, ચોરી થાય કે ધંધામાં ખોટ જાય તો માણસોને ખાવાનું
ભાવતું નથી, ઊંઘ આવતી નથી, ને ચેન પડતું નથી. કોઇનો છોકરો ઘરેથી નાસી જાય
તો છાપાંમાં છપાવે છે કે ભાઇ, તું જ્યાં હોય ત્યાંથી ઘેર આવી જા. તારા
માતા-પિતાએ ખાવાનું મૂકી દીધું છે. પણ ઇશ્વરને માટે એવું થતું ભાગ્યે જ
દેખાય છે. કોઇ માણસના દિલમાં ઇશ્વરને માટે પ્રેમ જાગી જાય, સાચો કે ખોટો
ભાવ ઉત્પન્ન થાય, ને તે વ્રત તપ કરે તો તેમાં ખોટું શું છે
?
આપણને કે કોઇને એમાં આપત્તિ પણ શું હોઇ શકે
?
તે માટે વણમાગ્યો અભિપ્રાય આપવાની આપણને આવશ્યકતા પણ શી છે
?
છતાં કેટલાંક માણસો જગતનાં કાજી હોય તેમ આ સાચું અને આ ખોટું એવા
અભિપ્રાયો આપવા નીકળી પડે છે, ને તે પણ વસ્તુની સાચી ને પૂરી સમજ વિના,
તે ખરેખર વિચિત્ર છે. શાસ્ત્રકારોએ તપ ને વ્રતની આજ્ઞા ને યોજના કરી છે,
તેની પાછળ જરૂરી હેતુ ને શુભ હેતુ રહેલો છે. તમારે તેનો આશ્રય ના લેવો
હોય તો ના લો. પણ બીજાની ખોટી ટીકાને ટેવથી દૂર રહો.
|