Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૨૧. સાંઇબાબાનો સંબંધ

 

નવરાત્રીના દિવસો પૂરા થયા પછી પણ સાધનાનો પ્રવાહ સંગીનતાથી ચાલુ જ રહ્યો અને ઋષિકેશની દિવ્ય ભૂમિનો છેલ્લાં દોઢ મહિનાનો વસવાટ સાધનાની ઉત્કૃષ્ટતા અને ઇશ્વરની કૃપાથી થયેલા જુદા જુદા સાધનાના અનુભવોને લીધે યાદગાર અને સંતોષકારક બની ગયો. છેલ્લાં પાંચેક વરસથી સાધનાની સિદ્ધિ અને 'મા'ની પૂર્ણ કૃપાના દિવસો મળ્યા કરતા પણ મિથ્યા જતા. તેથી મારી ધીરજ, હિંમત અને આશામાં ફેર પડ્યો ન હતો. પણ દિવસો મિથ્યા જવાની વાત મારે માટે રહસ્યમય જેવી બની ગઇ હતી. મારો સમય ચિંતા, પ્રાર્થના અને પ્રતીક્ષામાં પસાર થતો અને સાધના-યજ્ઞની પૂર્ણાહુતિ કરવાની મારી ઇચ્છા વધારે ને વધારે ઉત્કટ બનતી જતી. 'મા'ની પૂર્ણ કૃપાનો દિવસ જરા દૂર હોય તો પણ, જો કોઇ સમર્થ કે સિદ્ધ મહાપુરષ દ્વારા મને તે દિવસની ચોક્કસ અને ખુલાસાવાર માહિતી મળી જાય તો કંઇક રાહત મળે એવી મારી ઇચ્છા હતી. તે પ્રમાણે કેટલીકવાર માતા જગદંબા તરફથી તો કેટલીક વાર સિદ્ધ પુરુષો તરફથી દિવસો મળતા પણ તે મિથ્યા જતા. તેથી કોઇ મહાપુરુષનું જાગૃતિમાં મિલન થાય તો સારું એ ભાવના લાંબા વખતથી ઉત્પન્ન થઇ હતી.

નવરાત્રીથી એક બીજા સમર્થ સિદ્ધપુરુષનો સંબંધ શરૂ થયો. જીવનમાં એ એક વિશેષ આનંદ સિદ્ધ થયો. એ સંબંધ યાદગાર બનવા સર્જાયેલો. ઇશ્વરની કૃપાથી મહાપુરુષોના સંબંધના કેટલાય અનુભવો આજ સુધીના જીવનમાં થઇ ચુક્યા છે. એમાં એ અનુભવે નવી ભાત પાડી. એ સંબંધ પ્રસિદ્ધ સિદ્ધપુરુષ શ્રી સાંઇબાબાનો હતો. સાંઇબાબાનું નામ આજે તો કેટલેય ઠેકાણે જાણીતું થયું છે. જીવનનો વધારે કાળ તેમણે જ્યાં પસાર કર્યો હતો તે શિરડી ગામમાં તેમની સમાધિનું સુંદર મંદિર છે અને તેમની કેટલીક વસ્તુઓનો સંગ્રહ છે. એ મહાપુરુષ વિશે મેં આગળ પર લખ્યું છે. શિરડીની મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો ત્યારે તેમની સ્મૃતિને મેં શબ્દોમાં સમાવી લેવા પ્રયાસ કર્યો છે. એ પરથી સાંઇબાબા ને તેમના શિરડીના સ્થાન વિશે થોડી ઘણી માહિતી મળી રહેશે. તે છતાં, તે મહાપુરુષ વિશે થોડોક ઉડતો ઉલ્લેખ કરી લઉં.

શ્રી સાંઇબાબાએ ઇ. સ. ૧૯૧૮માં દશેરાને દિવસે શરીર છોડ્યું હતું. તે પછી તેમની સ્મૃતિમાં સમાધિ મંદિરની રચના કરવામાં આવી છે, ને શિરડીમાં આવેલી તેમની સમાધિના દર્શન સારુ દર વરસે કેટલાય લોકો જાય છે. શિરડીમાં રહેતા ત્યારે તે દર્શનાર્થીને આશીર્વાદ આપતા, ને સૌના દુઃખ દૂર કરતા. પોતાના જીવન દરમ્યાન તેમણે કહ્યું હતું કે મારા વિદાય થયા પછી મારી સમાધિ જવાબ આપશે, ને મારા ભક્તોના મનોરથ પૂરા કરશે. એ વાતની ખાતરી તેમના શરીરત્યાગ પછી કેટલાય માણસોને થઇ છે, ને થતી જાય છે. બાબા પોતે એક મહાન સમર્થ ને મુક્ત પુરુષ છે, ને ભક્તોની રક્ષા તેમનું પ્રિયમાં પ્રિય વ્રત છે. ભારતમાં થઇ ગયેલા બીજા કેટલાક સિદ્ધપુરષોની જેમ તે આજે પણ હયાત છે, ને પોતાની દિવ્ય શક્તિનો પરિચય આપે છે. ભારતમાં એવા કેટલા મહાપુરુષો છે તે આંકડાવાર કહી શકાય તેમ નથી તો પણ એમ જરૂર કહી શકાય કે સાંઇબાબાનું સ્થાન તેમનામાં નિરાળું ને મહત્વનું છે. મારા જીવનમાં આજ સુધી જે કેટલાક મહાપુરુષોનો દૈવી સંબંધ બંધાયો છે તેની કરવા જેવી લાગી તેવી થોડીક વિગત પ્રકાશના પંથની મહાયાત્રાના મારા આ નાનકડા ઇતિહાસમાં મેં રજૂ કરી છે. તે એટલા માટે પણ કે સાધકો અને જિજ્ઞાસુઓને મારા તરફથી એ વિશેની સાચી અને તટસ્થ માહિતી મળે ને તેમનો ઉત્સાહ અને તેમની શ્રદ્ધા વધે. એ વિગતને રજૂ કરીને મેં એવા મહાપુરુષોની એક રીતે પ્રશસ્તિ જ કરી છે. એવા પ્રાતઃસ્મરણીય સમર્થ મહાપુરુષોની નામાવલિમાં સાંઇબાબા જેવા સિદ્ધપુરુષનું ભારત ને સારા સંસારે ગૌરવ લેવા જેવું ને સન્માન તથા સ્તુતિ કરવા જેવું નામ ઉમેરતાં મને ખરેખર આનંદ થાય છે. એ સમર્થ મહાપુરુષે મારી સાથે સંબંધ બાંધ્યો તેને માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.

ભક્તોને અભય આપતા એમનાં બેત્રણ વચનો પ્રસિદ્ધ છે. તે પોતાના ભક્તોને માટે જાહેર કરે છે કે 'હું પાસે જ છું પછી કોઇએ ડરવાનું શું કામ છે ? તમારો બધો ભાર મારા પર નાખી દો. હું તેને ઉપાડી લઇશ. તમે મારા તરફ જુઓ. હું તમારા તરફ જોઇશ. તમે મારામાં શ્રદ્ધા રાખો ને હું હંમેશા તમારી સાથે જ રહીશ.'

વળી એવા જ પ્રેરક વચનો દ્વારા તે જાહેર કરે છે કે 'જે કોઇ મારા મંદિર કે મારી મસ્જીદમાં આવશે, તે કદાપિ ખાલી હાથે પાછો નહિ જાય. જેવી શ્રદ્ધા તમે મારામાં રાખશો તેવું જ ફળ તમને પ્રાપ્ત થશે.'

તેમની વાણી કોઇ સાધારણ સંતની વાણી નથી પણ ઇશ્વર સાથે અભેદ સાધી ચુકેલા એક પ્રેમના પયગંબર કે સિદ્ધ મહાપુરુષની વાણી છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્તોને અભય આપનારી આવી જ વાણી ઉચ્ચારી છે. શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ ને ચૈતન્ય મહાપ્રભુ તથા ઇશુના જીવનમાં પણ આ પ્રકારના સંદેશ સમાયેલા હતા. સાંઇબાબામાં શ્રી રામકૃષ્ણદેવની જેમ એક વિશેષતા એ હતી કે ભક્તોના હિત માટે પણ તે સદા તત્પર રહેતા. ભક્તોને કેવળ આધ્યાત્મિક માર્ગમાં નહિ પણ નાના મોટાં બધાં જ પ્રશ્નોમાં તે મદદ કરતાં. તે પોતે તો પૂર્ણ સિદ્ધ હતા જ પરંતુ પોતાની શક્તિથી બીજાને સહાય કરવા નિરંતર તત્પર રહેતા એ તેમની વિશેષતા હતી. તેમનો પ્રેમ અને પરગજુ સ્વભાવ તેમને બીજાના હિતમાં પ્રેરતો. એક માણસ ઇશ્વરની કૃપાથી પૂર્ણતા મેળવીને જાહેર ને વિરાટ રીતે બીજાની સેવા કેવી રીતે કરી શકે તે તેમના જીવનમાંથી શીખવા મળે છે. સાંઇબાબાએ કેટલાક ભક્તોને મદદ કરી છે અને હજી કરે છે. તેવી રીતે ઇશ્વરની કૃપા પામેલો પુરુષ દેશ ને દુનિયાના મંગલ માટે, જો ઇશ્વરની ઇચ્છા હોય તો વિરાટ રૂપમાં કામ કરી શકે છે અને અસરકારક કામ કરી શકે છે, એ વાત તેમના જીવન પરથી સહેજે સમજી શકાય છે. તેથી સાંઇબાબાનું જીવન મને વધારે પ્રિય ને કીમતી લાગે છે. એવા મહાપુરુષ પર મૃત્યુનું શાસન ક્યાંથી ચાલે ? તે તો પોતાની ઇચ્છાનુસાર મૃત્યુંજય બનીને બીજાને મદદરૂપ બને છે. એટલે એવા પુરુષોના દર્શન જિજ્ઞાસુઓને આજે પણ થઇ શકે છે તે વાત સહેલાઇથી સમજાય તેવી છે.

સાંઇબાબા સંસારમાં સૌને નીતિથી ચાલવાનું અને ઇશ્વરપરાયણ થવાનું શીખવતા. સૌને માટે તેમના દિલમાં પ્રેમનો પ્રબળ પ્રવાહ વહેતો. શક્તિશાળી હોવા છતાં તે સરળ ને દંભરહિત હતા. ઇ. સ. ૧૯૧૮માં તેમણે સમાધિ લીધી ત્યારે તેમના શરીરને જુદી જુદી જાતિ ને ધર્મના માણસોએ લઇ જવા પ્રયાસ કર્યો પણ સૌ નિષ્ફળ ગયા. આખરે તેમણે એક કમિટી નીમી ને બાબાના શરીર પર બધાનો હક્ક માન્ય રાખ્યો, ત્યારે તેમને સફળતા મળી.

ભારતમાં તેમના કેટલાય ભક્તો ને પ્રસંશકો છે. કેટલાંક તો તેમને ઇષ્ટદેવ ને ઇશ્વર માનીને પૂજે છે. પોતપોતાની શ્રદ્ધાના પ્રમાણમાં સૌને ફળ કે જવાબ પણ મળે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મદ્રાસ તરફ તેમની ખ્યાતિ સારી પેઠે ફેલાયેલી છે અને તેમના મંદિરો પણ થયાં છે. ભક્તો ગુરુવારે તેમની સમુહ પૂજા કરે છે. ભારતમાં છેલ્લાં વરસોમાં જે મહાન સંતો થઇ ગયા તેમાં શ્રી સાંઇબાબાનું સ્થાન મહત્વનું અને ગૌરવભર્યું છે. તેમને લીધે ભારતનો આધ્યાત્મિક ઇતિહાસ અવનવો અને વધારે ઉજ્જવળ બને છે. સાંઇબાબાનું જીવન પણ જ્યારે મારા જાણવામાં આવ્યું તો તેમના માટે મને અત્યંત આદર થયો. તેમનું જીવન કેટલીય રીતે નવીન અને રસિક લાગ્યું. તેમને શિરડીમાં મળવાનો અવસર સાંપડ્યો હોત તો અતિશય આનંદ આવત એમ પણ લાગ્યું. પરંતુ તે તો પરમાત્માની ઇચ્છાની વાત થઇ. તેમને જાણ્યા ત્યારથી તેમના પ્રત્યે આદર કાયમ જ રહ્યો છે, અને ઇશ્વરની કૃપાથી જીવનમાં તેમનો અલૌકિક સંબંધ પ્રાપ્ત થયો છે તે મારે માટે ઓછા આનંદની વાત નથી. તે મહાપુરુષને પ્રેમ અને ભાવનાની આ નાની સરખી અંજલિ આપીને આપણે આગળ વધીશું. वंदे महापुरुष ते चरणारविंदम् । મહાપુરુષ શ્રી સાંઇબાબાને પ્રેમપૂર્વક પ્રણામ.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer