Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૨૩. બદરીનાથના ધામમાં

 

દસેક દિવસની લાંબી મુસાફરી પછી આખરે અમે બદરીનાથ પહોંચ્યા. બદરીનાથની યાત્રામાં પીપલકોટી સુધી મોટર જતી હતી. પછી ૩૮ માઇલ પગપાળા ચાલવું પડ્યું. માતાજીથી ચાલી શકાશે કે કેમ એ વાતની શંકા હતી. પણ પ્રભુની કૃપા તો જુઓ ! માતાજીએ છેવટે સુધી પગરસ્તે યાત્રા કરી અને તે પણ ખૂબ જ ઉત્સાહ અને હિંમતથી. ઉત્સાહ અને હિંમત આપનાર શક્તિ તો એ જ છે ને ? એની કૃપાથી શું નથી થતું ? તે ધારે તે કરી શકે છે.

હનુમાનચટ્ટીથી ચઢાઇ ચઢતાં છેક ઉપર આવી પહોંચ્યા ત્યારે દૂર દૂર પર્વતની સોડમાં સૂતેલી બદરીનાથપુરીનું દર્શન થયું. કેવું ધન્ય દર્શન ! એ દર્શનનો આનંદ માણવા દૂર દૂરથી આવતા યાત્રિઓ બદરીવિશાલ કી જય ના પોકારો કરીને પોતાની પ્રસન્નતા પ્રકટ કરતા. જેને માટે કેટલાંય કષ્ટો વેઠીને અને ઠંડી સહન કરીને ઘર અને ગામથી દૂર નીકળી પડ્યા હતા તે દિવ્ય ધામ બદરીનાથનું દર્શન થતાં તેમને આનંદ કેમ ના થાય ? અમે પણ બદરીનાથની ભૂમિને દૂરથી મનોમન નમસ્કાર કર્યાં. તારીખ ૩૧ મે, ૧૯૫૪ વૈશાખ વદ ચૌદસને સોમવારે અમે બદરીનાથની પુરાણ-પ્રખ્યાત પુણ્યભૂમિમાં પ્રવેશ કર્યો અને અમારું અંતર આનંદથી નાચી ઉઠ્યું. મહાપુરુષ શ્રી સાંઇબાબા તથા જગદંબાએ લગભગ છ મહિના પહેલાં આપેલી બદરીનાથ યાત્રાની આજ્ઞા-પ્રેરણા આખરે સાચી ઠરી. 'મા' પોતે પોતાની ઇચ્છા પ્રમાણે બધું કર્યે જ જાય છે. આપણે તો તેના હાથમાં માત્ર હથિયાર છીએ. એ વાતની ખાત્રી થઇ જાય છે ત્યારે જીવનનો ભાર હલકો થઇ જાય છે, ચિંતા હળવી થાય છે, ને જીવનમાં કેવો આનંદ છવાઇ જાય છે ! પણ ઊંડા અનુભવ વિના એવી ખાતરી થઇ શકતી નથી. જેને થઇ જાય તેનું ઘણું કામ ઊકલી ગયું અથવા સુધરી ગયું એમ સાચે જ સમજી લેવું.

બદરીનાથની ભૂમિ કેટલી સુંદર છે ! ચારે બાજુ રમણીય પર્વતો ને વચ્ચે વસેલી બદરીનાથપુરી ખૂબ જ રમણીય લાગે છે. બદરીનાથનું પ્રાકૃતિક સૌંદર્ય તો ઉત્તમ છે જ, પરંતુ એનો આધ્યાત્મિક મહિમા પણ ઓછો આકર્ષક નથી. નર-નારાયણ ઋષિની તપસ્યાભૂમિ તરીકે એ ભૂમિ પ્રખ્યાત છે. સનક, સનંદન ને સનત્કુમારના નામ પણ અહીં ગૂંથાયેલા છે. પાંડવોના મહાપ્રસ્થાનની વાત પણ આ ભૂમિ સાથે સંકળાયેલી છે. તે ઉપરાંત, ભારત ને સંસારના અજોડ વિચારક મહર્ષિ વ્યાસ, પ્રેમમાં મગ્ન થઇને ફરનારા દેવર્ષિ નારદ અને તપ, જ્ઞાન ને પ્રેમની પૂર્તિ જેવા શુકદેવ આ ભૂમિના મુખ્ય દેવતાઓ છે. કાળની અસરથી તે પર છે ને ઉત્તમ કોટિના સાધકોને તે આજે પણ કૃપા કરીને દર્શન આપે છે.

મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવને આ જ ભૂમિમાં આવવાનો આદેશ આપેલો. યક્ષ, કિન્નર, ગંધર્વોનો પ્રદેશ તથા કુબેરની નગરી આ તરફ કહેવાય છે. તેની યાદ આવતાં પુષ્પદંતનું શિવમહિમ્નસ્તોત્ર તથા કાલિદાસનું મેઘદૂત યાદ આવ્યા વિના રહેતું નથી.

હિમાલયની ભૂમિનું આકર્ષણ ભારતવાસી ધર્મપરાયણ માણસોને બચપણથી જ હોય છે. હિમાલયનું દર્શન કરવાની ભાવના તેના જીવનમાં ભળી ગઇ હોય છે. ઋષિમુનિની તપશ્ચર્યાનો જે ઇતિહાસ આ ભૂમિમાં લખાયો છે. તેની યાદ તેને કાયમને માટે પ્રેરણા પૂરી પાડે છે. આજે એવા ઋષિમુનિઓ અહીં પહેલી નજરે જોવા ના મળે તેથી એમનું અસ્તિત્વ અને આ ભૂમિનો પ્રભાવ મટી જાય છે એમ માની લેવાનું નથી. આ ભૂમિની અલૌકિકતા હજી એવી ને એવી જ છે.

બદરીનાથમાં આવી પહોંચ્યાં. ઊકળતા ગરમ પાણીના કુંડમાં સ્નાન પણ કર્યું. પણ હવે ઉતારાનું શું ? પ્રભુએ એ ચિંતા પણ દૂર કરી. ઉતારા માટે મંદિરના સેક્રેટરીને મળ્યા. મંદિરની અંદર જ સિંહદ્વારની ઉપરના ભાગમાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. સેક્રેટરી ધારત તો કોઈ બીજે સ્થળે પ્રબંધ કરી શકત પણ તેમને માટે અમે અપરિચિત હતાં. વળી પ્રભુની ઈચ્છા અમને આ જ જગ્યામાં રાખવાની હશે. એટલે અમે એમાં આનંદ માની લીધો. નાની ગુફા જેવી ત્રણ ઓરડીઓમાં અમારો ઉતારો થયો. છેલ્લી ઓરડીની બારીમાંથી તપ્તકુંડ, અલકનંદા, બદરીનાથના કેટલાક મકાનો ને બ્રહ્મકપાલી દેખાય તેમ હતાં. વળી મંદિરમાં દર્શનાદિનો લાભ પણ સારી પેઠે લઈ શકાય તેમ હતું.

ત્રીજે દિવસે મંદિરમાં એક બનાવ બન્યો. અમે મંદિરના ચોકમાં બેઠાં હતાં. બીજા પણ ઘણા માણસો હતાં. લગભગ બાર વાગ્યા હશે. તે વખતે એક નાનો છોકરો બુટ પહેરીને મંદિરના ચોકમાં આવી પહોંચ્યો. મંદિરના કર્મચારીએ તેને ગાળો દઈને મારવા માંડ્યો. બીજા બેચાર માણસો પણ તેને ધમકાવવા માંડ્યા. છોકરો કાંઈ પણ બોલ્યા વિના બહાર જતો રહ્યો. વાત ઘણી નાની હતી છતાં મને તેણે વિચાર કરતો કરી મૂક્યો. છોકરાએ તો ભૂલ કરી જ હતી. પણ તે ભૂલ મોટા ભાગે અજાણતામાં થઈ હશે. પરંતુ છોકરાને ગાળ દઈને, ધમકાવીને ને મારીને મંદિરના કર્મચારી ને બીજા માણસોએ શું વધારે મોટી ભૂલ ના કરી ? મંદિરની મર્યાદા ને પવિત્રતા શું તેનાથી વધારે ઝાંખી નથી પડતી ? ભગવાન શું તેમના વર્તનને પસંદ કરી લેશે ? માણસો શાંતિ ને સમજાવટથી કામ લેવાનો પાઠ ક્યારે શીખશે ?

મંદિરનું વાતાવરણ અસરકારક છે. મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી આદ્ય શંકરાચાર્યે કરી છે. તેમની સાથે કેટલાક બ્રાહ્મણો પણ આવેલા એટલે મંદિરની પૂજાનો હક્ક ત્યારથી જ તે જ ધરાવે છે. સાંજે મંદિરમાં કથા થાય છે. સવારે ને રાતે કીર્તન ચાલે છે. રાતનું કીર્તન ઘણું સુંદર હોય છે. જે માણસો આટલે દૂર દર્શન કરવા આવે છે તેમને એવી રીતે સત્સંગનો લાભ મળે છે. મંદિરોમાં આવી સત્સંગની વ્યવસ્થા થાય એ આવકારદાયક છે.

ભગવાને અમને પોતાના અતિથિ માનીને, પોતાના જ ઘરમાં ઉતારો આપ્યો એ કાંઈ ઓછા આનંદની વાત ન હતી.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer