|
મહેસાણામાં પ્રેમી ભાઇ નારાયણભાઇને ત્યાં લગભગ ૩૬ દિવસનો સુખમય વસવાટ
પૂરો થયો. એ અરસામાં માતાજી પણ સરોડાનું કામકાજ પતાવીને ત્યાં આવી
પહોંચ્યા. મહુવા જવાનો કાર્યક્રમ નક્કી હતો. તે માટે ઇશ્વરી પ્રેરણા પણ
થઇ ચૂકેલી. તે કાર્યક્રમના અનુસંધાનમાં મહુવા જતાં વચ્ચે સિહોર ઉતરીને
શ્રી હનુમાનદાસજીના દર્શન કરવાનો પણ નિર્ણય કરી લીધો.
મહાત્મા
શ્રી હનુમાનદાસજી લગભગ વીસેક વરસથી સિહોરમાં ગૌતમકુંડ પર નિવાસ કરતા.
તેમને વિશે ભાવનગરથી પ્રસિદ્ધ થતાં
'દર્શન'
માસિકમાં બે લેખ લખવામાં આવેલા. એક લેખમાં કહેવામાં આવેલું કે લોકો શ્રી
રમણ મહર્ષિનું દર્શન કરવા દૂર દૂરથી તિરુવણ્ણામલૈમાં એકઠા થતાં પરંતુ રમણ
મહર્ષિ તો ભાવનગરની તદ્દન પાસે સિહોરમાં જ વિરાજે છે. બીજા લેખમાં માતા
આનંદમયી અને હરિબાબા બંને શ્રી હનુમાનદાસજીના દર્શને ગયેલાં તે વિશેનો
અહેવાલ હતો. આનંદમયી માતાએ હનુમાનદાસજીને એક બે પ્રશ્નો પૂછેલા.
હરિબાબાની સાથે એક બંગાળી ગૃહસ્થ હતા. તે શ્રી હનુમાનદાસજીને જોઇને
આનંદમાં આવીને બોલી ઉઠ્યા કે આખા ભારતવર્ષમાં ફર્યો પણ આવા સમર્થ
સંતપુરુષ બીજે ક્યાંય જોયા નહિ. હરિબાબાએ પણ હનુમાનદાસજીની પાસે કીર્તન
કર્યું ને ભાવનગર આવીને આવીને પોતાના ભક્તો ને પ્રસંશકોને કહ્યું કે
હનુમાનદાસજી બહુ મોટા ને જૂના જમાનાના જોગી છે. આવા મહાત્માઓ દેશમાં
ભાગ્યે જ જોવા મળે છે. તે પૂર્ણ સિદ્ધપુરુષ છે ને ત્રિકાળદર્શી છે.
એ બધી
રસિક વાતોને વાંચીને મને પણ શ્રી હનુમાનદાસજીની મુલાકાત લેવાનો વિચાર
થયો. ખાસ કરીને તો હનુમાનદાસજી ત્રિકાળજ્ઞ છે એ જાણીને મને તેમને મળવાની
વધારે પ્રબળ ઇચ્છા થઇ આવી, કેટલાય વખતથી કોઇ ત્રિકાળદર્શી સિદ્ધ
મહાપુરુષને મળવાની ઇચ્છા મારા દિલમાં અંકુરિત થઇ ચૂકેલી. તેવા મહાપુરુષની
મુલાકાતથી મારી સાધના ને જીવનસિદ્ધિની કલ્પનાછબીને વધારે સુરેખ, સુંદર,
સ્પષ્ટ ને મજબૂત કરવાની મારી ભાવના હતી. મને થયું કે હનુમાનદાસજીના
દર્શનનો અચાનક અનેરો અવસર આપીને ઇશ્વરે મારા પ્રયાસને યશસ્વી કરવાની કૃપા
કરવા માંડી કે શું ?
જો ખરેખર તેમ હોય તો તો મારી ઘણી ઘણી ચિંતા ઓછી થઇ ગઇ, ઉપવાસના દિવસોની
લાંબી અને આકરી યાતના સફળ થઇ ને ધ્યેયસિદ્ધિની મહત્વની આશાકડી મળી ગઇ.
ખરેખર, ઇશ્વરના સાચા કૃપાપાત્ર ત્રિકાળજ્ઞ સંતોના દર્શનનો યોગ ઇશ્વરની
કૃપા હોય તો જ ને ત્યારે જ મળી શકે છે. મારા પર પણ એ કૃપાના કિરણો વરસવા
માંડ્યા કે શું ?
એ વિચારથી ઉભરાતાં અંતરે એક પ્રભાતે મેં સિહોર સ્ટેશને પગ મૂક્યો. માતાજી
પણ સાથે જ હતા. તે દિવસ ૧ જાન્યુઆરીનો હતો.
સિહોરનો
પ્રદેશ નાના નાના ડુંગરોને લીધે ઘણો રમણીય લાગે છે. સ્ટેશન પાસેની એક
ધર્મશાળામાં ઉતરીને અમે ગામમાં જવા વિદાય થયા. ગામ સ્ટેશનથી જરા દૂર છે.
ગૌતમકુંડ તેથી વળી માઇલેક દૂર છે. વ્રતની નબળાઇને લીધે ચાલવાની મુશ્કેલી
હોવા છતાં એક મહાન સંતપુરુષને મળવાના ઉત્સાહ પાસે બહારની મુશ્કેલી કોઇ
વિસાતમાં ન હતી.
ગૌતમકુંડની જગ્યા ઘણી સુંદર છે. નાની સરખી ગુફા, અંદર નાનું સરખું મંદિર
ને નાનુંસરખું છતાં સ્વચ્છ મકાન. બહાર નાનીસરખી નદી છે. અંદરના ઓરડામાં
પ્રવેશ કરતાં જ મહાત્મા શ્રી હનુમાનદાસજીના દર્શનનો લાભ મળ્યો. એક પાટ પર
સાધારણ ગોદડી પાથરીને તે બેઠેલા. ઓરડામાં એક બાજુ થોડાક વાસણો પડેલાં.
બીજી બાજુ દોરી પર થોડાંક વસ્ત્રો લટકતાં. અંદરના ઓરડામાં મંદિર હતું.
ત્યાં દર્શન કરીને અમે હનુમાનદાસજી પાસે બેઠા. તેમની ઉંમર ઘણી મોટી
દેખાતી. વાળ ધોળા થઇ ગયેલા. શરીરે કરચલી પડી ગયેલી. આંખે ચશ્મા ચઢાવેલા.
ટાટનો ઝભ્ભો પહેરીને તે બેઠેલા ને કાંસકીથી વાળ સાફ કરી રહેલા. એમને વંદન
કરીને અમે એમની પાસે જમીન પર બેસી ગયાં.
થોડીક
ઉપલક વાતો કર્યા પછી તેમની વિશેષ શક્તિનો લાભ લેવાની ઇચ્છાથી મેં તેમને
જિજ્ઞાસાવૃત્તિથી પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. ઓરડામાં એક બાજુ ઘડિયાળ
પોતાનું કામ કરી રહેલું. તેની ઉપેક્ષા કર્યે ચાલે તેમ ન હતું. મને થયું
કે આવો મહાન અવસર સાંપડ્યો છે ત્યારે તેનો લેવાય તેટલો લાભ લઇ લેવો એ જ
ઉત્તમ છે. નદીકિનારે બે હાથ જોડીને બેસી રહેવું ને પાણી મળવા છતાં પ્યાસા
રહેવું સારું ના કહેવાય. તે વખતે હનુમાનદાસજી પાસે બીજું કોઇ હતું પણ
નહિ, એટલે કોઇ પણ પ્રકારની વાતચીત કરવાની અનુકૂળતા હતી.
|