Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૩૪. મહાત્મા હનુમાનદાસજીનો મેળાપ -

 

મને એક બીજી વાત સુઝી. થયું કે પ્રસંગ મળ્યો છે તો તે વાતની રજૂઆત પણ ભલે થઇ જાય. મહાયોગી શ્રી અરવિંદે પાકિસ્તાનની રચના વખતે કહ્યું હતું કે પાકિસ્તાન દસ વરસ ટકશે. એ પ્રમાણે અરવિંદ આશ્રમના માતાજીએ જાહેર કર્યું છે. તે વિશે મેં હનુમાનદાસજીનો અભિપ્રાય માંગ્યો. હનુમાનદાસજીએ બધી વાત શાંતિપૂર્વક સાંભળી ને પછી પોતાના મંતવ્યની રજૂઆત કરતાં કહેવા માંડ્યું કે પાકિસ્તાનનો નાશ નહિ થાય. ઉલટું, દિલ્હીમાં તેમનું રાજ્ય થશે.

'કેટલા વખત સુધી દિલ્હીમાં તેમનું રાજ્ય રહેશે ?'

'એક વરસથી જરા ઓછું.' એમણે ઉત્તર આપ્યો.

મેં પૂછ્યું, 'તેમનું રાજ્ય દિલ્હી પર કેટલા વખતમાં થશે ?'

તેમણે કહ્યું : 'પાંચ વરસમાં. હજુ તો હિંદુઓને ખૂબ જ ત્રાસ પડશે.'

ચંદ બારોટ જેવા કોઇ કવિ કે ભક્તની પ્રચલિત થઇ ચૂકેલી ભવિષ્યવાણીને યાદ કરીને અથવા એની અસર નીચે આવીને તો હનુમાનદાસજી આ વાત નહિ કરતા હોય એવો વિચાર મને ક્ષણવારને માટે થઇ આવ્યો. પણ તેને મેં મનમાં જ દાબી દીધો. સમય અત્યંત થોડો હતો, ઘડિયાળ પોતાની સાધનાના કામમાં આગળ ને આગળ વધ્યે જતી હતી, એટલે વાર્તાલાપની પૂર્ણાહુતિ કરવાની આવશ્યકતા હતી. છેલ્લે છેલ્લે બીજા બે વિષયોની વાત નીકળી પડી.

મેં કહ્યું : 'હમણાં હમણાં શ્રી સાંઇબાબાનું નામ ઘણું ફેલાતું જાય છે. શરીર તો તેમણે ઇ. સ. ૧૯૧૮માં છોડ્યું છે. છતાં આજે પણ ભક્તોને તે મદદ કરે છે ને દર્શન પણ આપે છે. તો તે પ્રમાણે કોઇ મહાપુરુષ સમાધિ લીધા પછી પણ બીજાને દર્શન આપી શકે ખરા કે ?'

તેમણે જવાબ દીધો, 'યોગીપુરુષ તેવી રીતે દર્શન આપી શકે છે. શરીર છોડે છતાં પણ તે બીજે સ્થળે પ્રકટ થઇ શકે છે.'

હવે ઉઠવાની તૈયારી ચાલી. લગભગ અડધો કલાક થઇ ગયો. સવારના સાડા દસ વાગવાનો વખત હતો. ત્યાં માતાજીએ અચાનક છેલ્લો પ્રશ્ન પૂછવા માંડ્યો. તેમણે કહ્યું : 'આમના ઉપવાસ ક્યારે છૂટશે તે તો કહો. આ વખતે તો તેમના ઉપવાસ ખૂબ જ લાંબા ચાલ્યા.'

હનુમાનદાસજીએ શાંત ચિત્તે જવાબ દીધો, 'જ્યારે મન કરે ત્યારે ઉપવાસ છૂટી શકે છે. આ વાસણમાં પાણી પડ્યું છે તે પીવું હોય તો પીવાય ને ના પીવું હોય તો ના પીવાય. એ તો મનની વાત છે.'

હનુમાનદાસજીના આવા અનેરા ખુલાસાથી મને ઘણું આશ્ચર્ય લાગ્યું. મેં કહ્યું : 'ઉપવાસ કાંઇ મારી ઇચ્છાથી થતા અને પૂરા થતા નથી. એની પાછળ ઇશ્વરની ઇચ્છા કે પ્રેરણા હોય છે. તો તમે કહો કે ઉપવાસ પૂરા કરવાની ઇશ્વરની - રામની આજ્ઞા હવે ક્યારે થશે ?'

પણ તેમણે તો એ જ ખુલાસો ચાલુ રાખ્યો : 'ઇશ્વરની પ્રેરણા જેવું કાંઇ જ નથી. એ તો મનમાં આવે ત્યારે છૂટી શકે. પીવાના પાણી જેવું છે. મરજી પડે ત્યારે પી લો.'

પણ મારાથી એ ખુલાસાને કેવી રીતે માની શકાય ? જે મારા જીવનને જરાક પણ જાણે છે ને પ્રકાશના પંથના પ્રવાસના પૃષ્ઠો જેમણે વાંચ્યા છે તે પણ તેને કેવી રીતે માની શકે ? 'મા'ની પ્રેરણા પ્રમાણે જ છેલ્લા કેટલાક વખતથી મારે ઉપવાસનો આધાર લેવો પડે છે ને કેટલાક વખત પછી ઉપવાસ છોડવા પણ પડે છે. પછીથી એમ કેમ કહી શકાય કે ઉપવાસ મારા મનનો ખેલ છે ? મને થયું કે હનુમાનદાસજી હજી ઇશ્વરી પ્રેરણાના અનેરા અનુભવથી વંચિત છે, તેથી તેવી પ્રેરણાની વાત સમજી શકતા નથી. તેને સહાનુભૂતિથી સત્કારી ને સમજાવી શકતા નથી. તેને નિરાધાર કે મિથ્યા માનવા-મનાવવાનું સાહસ પણ કરી નાખે છે. વાત એમ છે કે અંતઃપ્રેરણા અથવા તો ઇશ્વરી આજ્ઞાના અનુભવો ભાગ્યે જ કોઇ સાધકોને થતા જોવામાં આવે છે. જે સાધક દશાને વટાવીને સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી ચૂક્યા છે, એમ કહેવાય છે, તેમના જીવનમાં પણ એવા અનુભવો ભાગ્યે જ જોવામાં આવે છે. એટલે જ્યારે એવા વત્તાઓછા અનુભવવાળા કોઇ સાધકના સંપર્કમાં આવવાનો પ્રસંગ આવે ત્યારે તેમને નવાઇ લાગે છે અને એમના અંતરંગ અનુભવોને તે 'મનની કલ્પના' કે 'મનના ખેલ'માં ખપાવવાનું ઉતાવળિયું પગલું ભરી બેસે છે. પણ જેમને અનુભવના ઊંડાણની ખબર છે તે તેમની માન્યતા સાથે કેવી રીતે સંમત થઇ શકશે ?

ગમે તેમ, હનુમાનદાસજીનો સત્સંગ પૂરો થયો. 'દર્શન' માસિકમાં લખાયેલા લેખોને યાદ કરીને મને થયું કે આપણે ત્યાં એવા પણ કેટલાક માણસો છે જે સંતપુરુષોના પૂરતા પરિચય વિના જ તેમના વિશે અતિશયોક્તિભર્યા અભિપ્રાયો આપી બેસે છે. સાધારણ જનસમાજ પર તેની અસર બહુ સારી નથી પડતી. એનો અર્થ એવો નથી કે હનુમાનદાસજી મને બહુ સારા સંત ના લાગ્યા. તે સારા સંત છે એ સાચું છે. ત્રીસેક વરસ જેટલા લાંબા ગાળા સુધી એક એકાંત સ્થાનમાં રહેવામાં કેટલું બધું મનોબળ ને બાહ્ય વિષયો તરફનું સતત વૈરાગ્યથી ભરેલું ઉદાસીન વલણ જોઇએ તેની જેમને સમજ છે તે તેમની તારીફ કરશે ને તેમના સંતહૃદયનો ખ્યાલ કરીને તેમને માનની નજરે જોશે. સંત તરીકે તે સારા છે. દંભ અને આડંબરથી રહિત, નમ્રતાથી ભરેલા. પણ તેટલાથી જ તેમને રમણ મહર્ષિની સાથે સરખાવવાનું બરાબર નથી. વિચારોની ઉચ્ચતા અને અનુભવના ઉંડાણની દૃષ્ટિએ તેમનું સ્થાન વિશેષ, લોકોત્તર અથવા અસાધારણ નથી લાગતું. તે ત્રિકાળજ્ઞ છે એમ પણ માની શકાતું નથી. ખાસ કરીને ભવિષ્ય દર્શનનો ઉલ્લેખ કરવાનું કામ તે પડતું મૂકે ને તે વિશે કોઇ માહિતીના આધાર પર કોઇ વસ્તુને માની લઇને બોલવાને બદલે, જેટલા હોય એટલા અનુભવના આધાર પર જ બોલે. નહિ તો મૌન સેવે, તો વધારે સારું એમ લાગ્યા વિના રહેતું નથી. બાકી તેમનો માયાળુ સ્વભાવ ને તેમની સાદાઇ ખૂબ જ અનુકરણીય અને પ્રસંશનીય છે.

તે મનોભાવ સાથે તેમને પ્રણામ કરીને અમે વિદાય લીધી. આજે પણ તેમનું સ્મરણ તાજુ થયું છે ત્યારે મારા તે સંતપુરુષના ચરણમાં વારંવાર પ્રણામ છે.

બહાર નીકળીને અમે નજીકની નાની છતાં સુંદર સરિતામાં સ્નાન કરીને સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. તે સાંજે ભાવનગર પહોંચીને બીજે દિવસે અમારે મહુવા પહોંચવું હતું.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer