Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૩૭. સ્વામી નિત્યાનંદનું દર્શન

 

નવરાત્રિથી દિવાળી સુધીના દિવસો દરમ્યાન 'મા'ના દર્શનનો આનંદ પણ પ્રાપ્ત થયો. આમ તો 'મા'નું દર્શન મને વચ્ચે વચ્ચે થયા કરતું, 'મા'ની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ પણ મળતો, પરંતુ 'મા'ના દર્શનની મારી ઇચ્છા જરા જુદી જાતની હતી. તેથી જ મારે સાધનાને આગળ વધારવાની આવશ્યકતા હતી.

શિયાળામાં ગુજરાતયાત્રાનો કાર્યક્રમ નક્કી હતો. 'મા'ની પ્રેરણા પ્રમાણે આ વખતે મુંબઈ જવાનું હતું. વચ્ચે ચારપાંચ દિવસ દહેરાદૂન પાસેના કોલાગઢ ગામમાં જવાનું થયું. આ વખતે ત્યાં કોણ જાણે કેમ પણ વધારે ના ફાવ્યું, એટલે ત્યાંના ભાઇઓનો અત્યંત આગ્રહ હોવા છતાં ત્યાંનો નિવાસ ટુંકાવવો પડ્યો. 'મા'ની મારા પર જે સતત કૃપાદૃષ્ટિ છે તેનો ખ્યાલ આપતા બે ટુંકા અનુભવોનો ઉલ્લેખ અહીં અસ્થાને નહિ ગણાય. વાત એમ બની કે દહેરાદૂનથી મુંબઈ જતાં મારો વિચાર વચ્ચે નાગદા ઉતરીને ઉજ્જૈન જવાનો હતો, માતાજીને પણ ઉજ્જૈન જોવાની ખાસ ઇચ્છા હતી. પરંતુ તે દિવસોમાં 'મા'એ ઉજ્જૈન ના જવાની પ્રેરણા કરીને કહ્યું કે ઉજ્જૈન જવાથી હાલ તકલીફમાં મુકાવું પડશે, તેથી ઉજ્જૈન જવાનો વિચાર બંધ રાખવો પડ્યો. એક બીજી વાત. દહેરાદૂનથી મુંબઈ ત્રીજા વર્ગમાં જવાનો વિચાર હતો. થતું હતું કે ત્રીજા વર્ગના નવા ડબ્બાનો લાભ લઇએ. તે માટે 'મા'ની આજ્ઞા માગી તો કહેવામાં આવ્યું કે ત્રીજા વર્ગમાં જવાની જરૂર નથી. ઉપવાસનું શરીર છે એટલે હેરાન થશો ને મુશ્કેલીમાં મુકાશો. તમારે ત્રીજા વર્ગમાં શા માટે જવું છે ? પૈસાની પૂરતી વ્યવસ્થા છે. માટે પહેલા વર્ગમાં જ મુસાફરી કરો.

વાત ઘણી નાની કહેવાય, છતાં 'મા'ની કૃપાનો ખ્યાલ આપવા માટે જ એનો ઉલ્લેખ કરી રહ્યો છું. મારા જીવનની ઝીણામાં ઝીણી વાત પર પણ 'મા'ની કેવી દૃષ્ટિ છે ને મારું જીવન નાની નાની વાતોમાં પણ 'મા'ની ઇચ્છા ને પ્રેરણા પ્રમાણે કેવી રીતે સંગીનતાથી આગળ વધી રહ્યું છે તેનો ખ્યાલ લાવવામાં એ પ્રસંગો ઘણી મદદ કરે તેવા મહત્વના છે. મારું જીવન આજે વરસોથી આમ 'મા'ની ઇચ્છા ને પ્રેરણા પ્રમાણે જ ચાલે છે. નાની નાની દેખાતી વાતોમાં પણ મારું જીવન 'મા'ની મરજી મુજબ જ આકાર ધારણ કરે છે, તો પછી મોટી બાબતોમાં તો કહેવું જ શું ? ટુંકમાં કહીએ તો મારું સંપૂર્ણ જીવન એક રીતે 'મા'ની અલૌકિક ઇચ્છાનો જ આકાર કે અનુવાદ છે. માટે જ તેનું પ્રત્યેક પાસું મંગલમય છે. મારા જીવનના આજ સુધીના ઇતિહાસનું સમજપૂર્વક અધ્યયન કરનારને એ વાતની સંપૂર્ણપણે પ્રતીતિ થશે.

દહેરાદૂનથી નીકળીને મુંબઈ આવ્યાં તો ખરાં, પરંતુ મુંબઈમાં રહેવાનું સ્થાન બહુ સારું ન હતું. પુષ્કળ પ્રયત્નો છતાં દર વખતની જેમ આ વખતે સેનેટોરિયમમાં જગા ના મળી. તેથી એકાદ માસ માધવબાગની ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરી. ધર્મશાળા બીજી રીતે સારી હતી પણ બાજુની હોટેલોના ધુમાડાનો ત્યાં ત્રાસ હતો. આખરે 'મા'એ પહેલેથી જ કરેલી સુચના પ્રમાણે એક માસ પછી પ્રયાસ સફળ થયો અને અમને વાલકેશ્વર પરના ખીમજી જીવા સેનેટોરિયમમાં જગા મળી ગઇ. ત્યાંનું વાતાવરણ ઘણું જ અનુકૂળ હતું.

થોડા દિવસો વીત્યા પછી અમે વજ્રેશ્વરી જવાનો વિચાર કર્યો. વજ્રેશ્વરીનું સ્થાન ઘણું સુંદર ને પ્રસિદ્ધ છે. ત્યાંનું કુદરતી સૌંદર્ય ને માતાનું મંદિર હૃદયસ્પર્શી છે. કુંડને લીધે પણ તેની શોભા ઘણી વધી જાય છે. મંદિરનું સ્થાન જરા ઊંચાઇ પર હોવાથી આજુબાજુની પર્વતમાળાના દર્શનનો અનેરો અનુભવ મળી રહે છે.

વજ્રેશ્વરીની બાજુમાં ગણેશપુરી નામે સ્થાન છે. એ એકાંતમાં આવેલું છે. વસતી પણ બહુ જ થોડી છે. ત્યાં કુંડની બાજુમાં સ્વામી નિત્યાનંદ નામે મહાત્મા રહેતા. તેમના દર્શનનો લાભ અમને મળી શક્યો. અમે તેમના સ્થાનમાં પહોંચ્યા ત્યારે સવારે નવેક વાગ્યાનો વખત હતો. દર્શનની ઇચ્છાવાળા સ્ત્રીપુરુષો બહાર ઓસરીમાં બેસી રહેલાં. સ્વામીજી એમના ઓરડામાં સફેદ ચાદર ઓઢીને સુતેલા. લગભગ અડધા કલાકે તે બેઠા થયા. તેમની પાસે જઇને અમે એમના દર્શનનો લાભ લીધો. એમની આંખ તેજસ્વી હતી. શરીર કાળું અને જરા ભારે હતું. મુખ પર ખાસ આકર્ષણ ન હતું પણ આંખ આકર્ષક હતી. થોડીવારે તે બહાર ઓસરીમાં આવીને બેઠા ને પછી આડા પડ્યા.

તેમનું વર્તન ઉદાસીન જેવું હતું. તે કોઇ મસ્ત કે દિવાના માણસની જેમ વ્યવહાર કરતા. કોઇની સાથે વાત કરવાનું પસંદ કરતા નહિ. પણ લોકો તો તેમના દર્શનમાત્રથી ખુશ હતા. તેમના વ્યવહાર પરથી તેમના વિશે કોઇ અભિપ્રાય આપવાનું કામ બરાબર ના કહેવાય. એવા મહાત્માઓની સાધના અને આંતરિક સ્થિતિનો ખ્યાલ પૂરતા કે લાંબા પરિચય વિના આવવો અઘરો છે. એટલે તે કેવા પ્રકારના મહાત્મા છે ને કયી ભૂમિકાએ પહોંચેલા છે તેની ચર્ચા અસ્થાને છે. પરંતુ એમની અવસ્થા સારી હશે એમ તટસ્થ રીતે જોનારને જણાયા વિના રહેતું નહિ. કહે છે કે પ્રસિદ્ધિમાં આવ્યા પહેલાં તેમણે ગણેશપુરીમાં વરસો સુધી કઠોર તપશ્ચર્યા કરેલી.

આવા મહાત્મા કાંઇ બોલતા હોય કે વધારે કાંઇ નહિ તો શાંત રીતે બેસીને જે આવે તેમને નિયમ પ્રમાણે દર્શન આપતા હોય તો ? એવા વિચાર કેટલાયને ઉઠે છે. પણ તેનો કોઇ ખાસ ખુલાસો નથી મળતો. તેવી રીતે થાય તો ઘણું સારું - લોકોને લાભ પણ વધારે થઇ શકે એમ જરૂર લાગે છે. પરંતુ દરેક મહાત્માની પોતાની ખાસ દૃષ્ટિ ને ખાસિયત હોય છે. તે રીતે તેને સમજીએ તો અન્યાય કે ગેરસમજ થવાનો સંભવ ઓછો રહે છે.

મારે તેમને મારી સાધના વિશે પૂછવાની ઇચ્છા હતી. પણ તે ઇચ્છા પૂરી થઇ ના શકી. પરંતુ મુંબઈ પાછા આવ્યા પછી તેમનો એક અનુભવ મળ્યો. તે દરમ્યાન એક દિવસ સવારે તેમનું દર્શન થયું. તે તેમના ઓરડામાં સ્નાનાદિથી પરવારીને બેઠેલા. કપાળે ભસ્મ હતી. તે કંઇક સંસ્કૃત પાઠ કરતાં હતા. તેમની પાસે જઇને મેં પ્રણામ કર્યા.

તે પછી તેમની સાથે થોડી અંગત વાતો થઇ.

એ દિવસોમાં એમના એવા કોઇ અનુભવની ઇચ્છા મારા મનમાં રમ્યા કરતી હોવાથી એ અનુભવથી અસાધારણ આનંદ થયો. 'મા'ની કે સ્વામીજીની, ગમે તેની ઇચ્છા કે શક્તિથી એવો અનુભવ થયો હોય પરંતુ તે લાભકારક થઇ પડ્યો એમાં શંકા નહિ. એ અનુભવથી મારી આશા વધારે પ્રબળ બની અને મને ઘણો આનંદ મળ્યો.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer