|
ઋષિકેશના નિવાસ દરમ્યાન દિવસો શાંતિપૂર્વક પસાર થતા ગયા અને છેવટે
નવરાત્રી વ્રતનો વખત પણ આવી પહોંચ્યો. નવરાત્રીનું વ્રત જીવનભર કર્યા જ
કરવું એવો સંકલ્પ મેં કદી સેવ્યો નથી. એવા સંકલ્પમાં મને ખાસ રસ પણ નથી.
વ્રતને ખાતર વ્રત કરવાની વાત સાચું કહું તો મને ભાગ્યે જ પસંદ પડે છે.
તેવી વાત કોઇ બીજાને પસંદ પડતી હોય તો તે સામે મારો વિરોધ નથી...તેમાં
મને લેશ પણ હરકત નથી...પણ મારે માટે તે વાતનો સ્વીકાર મેં નથી કર્યો.
મારી સમજણ પ્રમાણે વ્રત એક સાધન છે અને તેનો ઉપયોગ આત્મિક ઉન્નતિ માટે
અથવા પરમાત્માની કૃપાની પ્રાપ્તિ માટે કરવાનો છે.
મારા
જીવનમાં મેં વ્રતને એટલા માટે જ સ્થાન આપ્યું છે.
'મા'ની
કૃપા અને ઉત્તરોત્તર વધારે કૃપા મેળવવાની કામનાથી પ્રેરાઇને જ મેં મારા
સાધનામય જીવનમાં વ્રત કે ઉપવાસનો આશ્રય લીધો છે અને તેથી મને લાભ થયો છે.
વળી 'મા'ની
પ્રેરણાથી પ્રેરાઇને જ મેં વ્રત કે ઉપવાસનો આધાર લીધો છે, એ વાત પણ
અત્યાર સુધીની મારી જીવનકથા વાંચનારને માટે દીવા જેવી ચોક્ખી છે. એટલે
સહેજે સમજી શકાય તેમ છે કે 'મા'ની
સંપૂર્ણ કૃપાનું ધ્યેય સિદ્ધ થતાં અથવા
'મા'ની
પ્રેરણા મળતાં વ્રત કરવાની જરૂર જરા પણ નહિ રહે. એનો અર્થ એવો નથી કે
ઇશ્વરની કૃપા મેળવવાના મનોરથવાળા દરેક સાધકને માટે વ્રત અથવા ઉપવાસની
આવશ્યકતા છે. કોઇને તેની જરૂર હોય અને કોઇને ના પણ હોય. તેનો નિર્ણય
પ્રત્યેક સાધકે પોતાની મેળે કરી લેવાનો છે. મારા જીવનમાં તેની જરૂર
જણાવાથી જગદંબાએ મને તે માટે પ્રેરણા આપ્યા કરી છે અને તેને વફાદાર રહીને
મેં અવારનવાર ઉપવાસ કર્યા છે. આ વખતે પણ તેવી પ્રેરણા મળવાથી મેં
નવરાત્રીના ઉપવાસ કેવળ પાણી પર શરૂ કર્યાં.
આજ
સુધીના જીવનમાં મેં અનેક ઉપવાસો કરી લીધા હતા. છેલ્લા આઠેક વરસની મારી
સાધના વધારે ભાગે લાંબા ને કઠોર ઉપવાસ પર જ નિર્ભર હતી. ગયે વરસે તો
ઉપવાસે હદ જ કરી દીધેલી. ત્રણ મહિનાથી વધારે વખત માટે મેં ઉપવાસની વેદના
હિંમત, આશા ને ઉત્સાહ સાથે સહન કરેલી. છતાંય હજુ ધાર્યું કામ સિદ્ધ થયું
ન હતું. પરંતુ તેથી હતોત્સાહ થઇને બેસી રહ્યે પાલવે તેમ ન હતું.
ઇચ્છાનુસાર સાધનાની સિદ્ધિ ના મળે ત્યાં સુધી હિંમત હાર્યા વિના ને
શ્રદ્ધા ખોયા વિના આગળ ને આગળ પુરુષાર્થ કરવાની આવશ્યકતા હતી. તેથી મેં
'મા'ની
ઇચ્છા પ્રમાણે ઉપવાસ કરીને મારી સાધના ચાલુ જ રાખી. તે વખતના મનોભાવોનો
ઉડતો ખ્યાલ નીચેની નોંધ પરથી આવી રહેશે.
પ્રાર્થનાઓ
:
દિન ૧
|
દિન ૫
|
દિન ૧૨
(2)
આશાનું એક વધુ કિરણ
આશા
શબ્દ કેટલો બધો સુંદર છે ?
તે શબ્દની શક્તિ પણ કેટલી બધી અપાર છે
?
મારું સાધનામય જીવન કેટલાય વરસથી આશાના કિરણોમાંથી પસાર થતું જાય છે એમ
કહેવામાં કશી અતિશયોક્તિ નથી. તેનું ક્રમવાર અધ્યયન કરનારને એ વાત
સહેલાઇથી સમજાઇ જશે. 'મા'ની
પૂર્ણ કૃપા માટે પ્રત્યેક વરસે મેં બનતી મહેનત કરવામાં બાકી રાખ્યું કે
પાછું વળીને જોયું નથી અને પ્રત્યેક વરસે મને આશાના એક કે વધારે કિરણ
મળતાં ગયાં છે. તેને આધારે મેં મારી મુસાફરી પૂરી કરી છે. પ્રવાસ હજી
પૂરો નથી થયો. પણ પંથ ઠીક ઠીક પ્રમાણમાં કપાઇ ગયો છે. એવી રીતે એક દિવસ
સાધનાનો પંથ પૂરેપૂરો કપાઇ જશે એવી શ્રદ્ધા છે. એ શ્રદ્ધાની મહાન શક્તિએ
જ મને આજ સુધી ટકાવી રાખ્યો છે. કોઇ કારણે નિરાશ કે નાસીપાસ થવા દીધો
નથી.
નવરાત્રીના ઉપવાસ પૂરા થયા તે દરમ્યાન આશાનું એક વધુ કિરણ મળી ગયું. મારી
સાધનાના ઇતિહાસમાં જે દિવસે સારો ભાગ ભજવ્યો છે તે જેઠ સુદી પાંચમનો દિવસ
આ વખતે પણ આવી મળ્યો. મને ખબર હતી કે એવા પાંચમના દિવસો ઘણી વાર મિથ્યા
થયા છે તો પણ મારે આશા અને ઉત્સાહ રાખ્યા વિના છૂટકો જ ન હતો. દિવાળી
સુધીમાં લગભગ સોળ વાર જુદી જુદી રીતે એમ જ કહેવામાં આવ્યું કે
'આવતા
જેઠ સુદી પાંચમને દિવસે દેવપ્રયાગમાં
'મા'નું
સાક્ષાત્ દર્શન થઇ જશે ને તમારી બધી ઇચ્છા પૂરી થઇ જશે.'
દેવપ્રયાગના શાંતાશ્રમનું મકાન શ્રી ચક્રધરજીએ તોડી પાડ્યું હતું. એટલે
મકાનમાં રહેવાનું કેવી રીતે થશે તે પ્રશ્ન હતો. પરંતુ દિવાળી પહેલાં
ચક્રધરજી મને મળવા આવ્યા. તેમણે મકાન તૈયાર કરવાની મરજી બતાવી. એટલે મારી
શ્રદ્ધા વધારે પ્રબળ બની. 'મા'
ધારે તો શું ના કરી શકે ?
મકાન તૈયાર કરવાનું કામ તેને માટે કાંઇ મુશ્કેલ નથી.
આ વખતે
નવરાત્રિથી દિવાળી સુધીમાં બે વાર સાંઇબાબાએ પોતાનું દર્શન આપ્યું ને
વાર્તાલાપ પણ કર્યો એ વાત ખાસ ઉલ્લેખનીય છે. તે મહાપુરુષની કૃપા મારા પર
કાયમ માટે થયા કરે છે એ કાંઇ ઓછા આનંદની વાત નથી.
જેઠ સુદ
પાંચમના નવા અનુભવથી નવરાત્રિના ઉપવાસનો શ્રમ હું સહેજે ભૂલી ગયો. મને
થયું કે મારી દીર્ઘ સમયની સાધનાને સફળ થવાનો સમય હવે પાસે આવી ગયો.
અંતરમાં અનેરી આશા અને શ્રદ્ધા સાથે હું ભાવિની પ્રતીક્ષા કરવા લાગ્યો.
દરમિયાન
દેવપ્રયાગથી મેં મગાવેલી માહિતી આવી ગઇ.
'મા'ની
પ્રેરણા આ વખતે મારે દેવપ્રયાગ જવું એવી હતી, પરંતુ દેવપ્રયાગમાં રહેવાની
વ્યવસ્થા ન હતી. 'મા'ની
પ્રેરણા પ્રમાણે ચક્રધરજીએ કુટિયા બનાવી ન હતી. એટલે દેવપ્રયાગ જવાનો
કાર્યક્રમ મુલતવી રાખ્યા વિના છુટકો ન હતો.
'મા'એ
આપેલી દેવપ્રયાગ જવાની પ્રેરણા મને કામચલાઉ રાહત આપવા માટે જ હતી તેની
ખાતરી થઇ.
|