|
વખતને
વીતતાં વાર લાગે છે ?
દિવસ પછી રાત ને રાત પછી દિવસ - કાળનું ચક્ર એમ નિરંતર ચાલ્યા જ કરે છે.
કોઇને રોકાવું કે અટકવું હોય તો ભલે અટકે પણ કાળ તો કોઇને માટે રોકાતો કે
અટકતો નથી જ. તે તો આગળ દોડ્યે જ જાય છે. નદીનો પ્રવાહ કદાચ આગળ વધતો
અટકી પડે પણ તેનો પ્રવાહ તો અબાધિત રીતે વહ્યા જ કરવાનો. તેનો લાભ લઇને
જેને જીવનમાં કાંઇ મહત્વનું મેળવવું હોય, શુભ કે અશુભ, ઉન્નતિકારક કે
અવનતિકારક કરવું હોય તે કરી લે. સૌને તેની સ્વતંત્રતા છે. બાકી તે તો
પોતાનું કામ કર્યે જ જવાનો. ઋષિકેશના એ વખતના દિવસો પણ દર વખતની જેમ
કામકાજમાં ઝડપથી પસાર થઇ ગયા ને છેવટે નવરાત્રિના પેલા મહત્વના દિવસો પણ
આવી પહોંચ્યા.
સાચું
છે, કે નવરાત્રિના દિવસોનું મહત્વ મારા જીવનમાં ઘણું છે. આમ તો પ્રત્યેક
દિવસ, પ્રહર ને પળ મારે માટે મહત્વનો ભાગ ભજવી જાય છે, પરંતુ નવરાત્રિનો
વખત સાધનાની દૃષ્ટિએ અત્યંત મહત્વનો રહ્યો છે. મારા જીવનની કથાનું ક્રમિક
અવલોકન કરનારને એ વાત સહેજે સમજાઇ જશે.
'મા'ની
કૃપા માટે તે વખત દરમિયાન હું ભારે ચિંતા, વેદના ને તાલાવેલી સાથે તપું
છું તે વાત જાણીતી છે.
નવરાત્રિના દૈવી દિવસો આવી પહોંચ્યા. પર્વતો લીલાંછમ બનીને શોભી રહ્યા
હતા. તેમ મારા અંતરમાં પણ આશા ને ઉત્સાહની અનેરી સૃષ્ટિ શોભી રહી. ગંગાની
જેમ મારા હૃદયમાં પ્રેમની નદી ઉછાળા મારી રહેલી. ગયે વરસે નવરાત્રિ
દરમ્યાન મળેલો જેઠ સુદી પાંચમનો દિવસ મિથ્યા થયો તેથી જરા દુઃખ થયું
હતું. છતાં શ્રદ્ધા એવી જ અડગ હતી. તેની મદદથી
'મા'ની
પ્રેરણાના આધાર પર 'મા'ની
પૂર્ણ કૃપા માટે એક વાર ફરી પાણી પર રહીને તપવાની ને તલસવાની મેં શરૂઆત
કરી. આ માર્ગમાં નિરાશ ને હતાશ થયે કાંઇ જ વળતું નથી. ઉષાની જેમ નિત્ય
નૂતન બનીને રોજ રોજ નવી આશા, નવી શ્રદ્ધા, ધીરજ ને ઉત્સાહથી સજ્જ થતા જ
રહેવું જોઇએ. તો જ ધારેલી વસ્તુ મળી શકે કે કાર્યસિદ્ધિ થઇ શકે છે.
નવરાત્રિના ઉપવાસ 'મા'ની
કૃપાથી સારી રીતે પૂરા થઇ ગયા. વાતાવરણ એવું હતું કે ઉપવાસ કરવાનું મન
થાય જ નહિ. નવરાત્રિના દિવસો દરમ્યાન ઠંડી સખત હતી. સાતેક દિવસ સતત વરસાદ
વરસ્યા કર્યો. સૂર્યનારાયણનાં દર્શન દુર્લભ થઇ ગયાં. પવન અને વરસાદે જાણે
કે તાંડવ શરૂ કર્યું. બીજી બાજુ ગંગા પણ હિલોળે ચઢી. છેલ્લાં કેટલાંય
વરસોથી - ઋષિકેશના લોકોના કહેવા પ્રમાણે છેક ૧૯૨૦ની સાલથી ના આવ્યું હોય
એવું પ્રચંડ પૂર ગંગામાં આવી ગયું. ગંગાના તટપ્રદેશ પર આવેલી
સાધુમહાત્માઓની કુટિયાઓને ભારે નુકસાન થયું. એ બધા પ્રતિકૂળ વાતાવરણની
વચ્ચે પણ, મારા પાણી પરના ઉપવાસ અડગ રીતે ચાલ્યા કરતા હતા. મારા જીવનના
ક્રમિક ઇતિહાસનું અધ્યયન કરનારને એ વાત નવી અને આશ્ચર્યકારક નહિ લાગે.
સાધનાનો જે ઉત્સાહ મારા દિલમાં ભરેલો છે તે કોઈ પણ કારણે ઓસરતો નથી ગમે
તેવી પરિસ્થિતિમાં પણ તે અખંડ રીતે ચાલુ જ રહે છે. તેનાથી પ્રેરાઈને મેં
મારા જીવનમાં સાધનાની ઈચ્છાનુસાર સિદ્ધિ માટે ઉપરા-ઉપરી પ્રયાસ કર્યા જ
કર્યા છે. દેશ કે કાળનો અને પ્રતિકૂળતા કે અનુકૂળતાનો વિચાર કર્યા વિના
સાધનાના શરૂ કરેલા યજ્ઞને ચાલુ જ રાખ્યો છે અને તેમાં ઉપરા-ઉપરી આહૂતિ
આપ્યા જ કરી છે. શરીર તરફ નજર રાખ્યા વિના જગદંબાની ઇચ્છાને વફાદાર રહીને
મેં મારું કામ ચાલુ જ રાખ્યું છે. શરીર તરફ જોઇને જે બેસી રહે તે વ્રત,
તપ અને જરૂરી ઉપવાસ કેવી રીતે કરી શકે
?
શરીર મારે મન નગણ્ય કે હેય નથી, પરંતુ જરૂર પડતાં તેને કસોટીએ ચઢાવવા,
ગાળવા કે તપાવવા પણ તૈયાર થવું જોઇએ એવું મારું માનવું છે. એ માન્યતાને
લીધે જ 'મા'ની
આજ્ઞા થાય છે ત્યારે તેમાં મંગલ માનીને હું ઉપવાસ કરું છું.
|