|
મને સો
ટકા ખાતરી છે કે આ પ્રકરણનું મથાળું વાંચીને કે સાંભળીને ઘણાંને - લગભગ
બધાંને નવાઇ લાગશે. ગાંધીજીના નામ ને કામ સાથે જે લોકો એક યા બીજી રીતે
પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા છે, તે બધાંને માટે આ મથાળું નવું ને
કાંઇક અંશે ચોંકાવનારું થઇ પડશે. કેટલાકને તેમાં નવીનતા લાગશે, કોઇને
કૂતુહલનો અનુભવ થશે, તો કોઇ અપાર આશ્ચર્ય અનુભવશે. કેટલાકની
પૂર્વગ્રહયુક્ત બુદ્ધિ આવી કપોળકલ્પિત ને ગપગોળામાં ખપાવવા જેવી વાત
ક્યાંથી આવી કેવો વિચાર કરીને વિરોધી ભાવ પણ અનુભવશે. માણસના મનમાં ન
જાણે આ મથાળાના કેટકેટલા પ્રત્યાઘાત પડશે. મેં તો તેનો થોડોક ચિતાર જ રજૂ
કર્યો છે. કોઇ ના કલ્પેલી, ના માનેલી, કે ના જાણેલી વાત માણસની આગળ રજૂ
થાય ત્યારે તેના સ્વાભાવિક પ્રત્યાઘાતો એવા જ પડતા હોય છે, તે સમજી શકાય
તેમ છે. છતાં પણ જે સત્યપ્રેમી, સંશોધનશીલ, જિજ્ઞાસુ ને સારગ્રાહી
સ્વભાવના છે તેમને આ મથાળામાં ઘણું નવું જાણવા જેવું દેખાશે, તેમની
માનસિક પ્રસન્નતામાં વધારો થશે અને આજ સુધી આત્મકથાના વાંચનના
અનુસંધાનમાં આવો રસિક ને નૂતન વિષય મળવા બદલ તે આનંદ અનુભવશે. સાધનાની,
બોધની દૃષ્ટિએ આ વિષયનું મહત્વ તે સમજી જશે. આ પ્રમાણે અનેક પ્રકારના
પ્રત્યાઘાતોનો ખ્યાલ હોવા છતાં મને જે અનુભવવા ને જાણવા મળ્યું છે તેની
રજૂઆત હું પ્રામાણિકતા ને નમ્રતાથી કરી રહ્યો છું. મને જે અનુભવવા મળ્યું
છે તેનો ઉલ્લેખ કરવામાં મને કાંઇ ખોટું નથી લાગતું. એ ઉલ્લેખ કે
સ્પષ્ટીકરણ ભારે રસપૂર્વક વંચાશે તેની મને ખાતરી છે.
કેટલાક
માણસો હૃદય કે મનને બિલકુલ બંધ કરી રાખે છે. એટલે તે નવા વિચાર ને નવી
હવા માટે કોઇ અવકાશ કે તક રાખતા નથી. પોતે પસંદ કરેલા ને સેવેલા જૂના
વિચારોનું જતન કરીને જળોની જેમ જાળવવામાં જ તેમને આનંદ આવે છે. તે
વિચારોને તપાસવાની કે મૂલવવાની ટેવ તેમને પસંદ નથી હોતી. તેવા પ્રયાસનો
તેમને ભારે અણગમો પણ હોય છે. પરિણામે કેટલાક મિથ્યા વિચારોને તે વળગી રહે
છે ને સારા વિચારોથી વંચિત રહે છે. જેને સત્યની પ્રાપ્તિમાં ને જીવનના
વિકાસમાં રસ છે, તેણે એવી વૃત્તિથી દૂર ને ચેતતા રહેવાની આવશ્યકતા છે.
સત્યને ગ્રહણ કરવા ને સમજવા દિલને ખુલ્લું રાખવાની અનિવાર્ય આવશ્યકતા છે.
બધા પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત બનવાની ને નવા વિચારના પ્રવેશ માટે
હૃદયનાં બારી બારણાંને સદા ખુલ્લાં રાખવાની જરૂર છે. મોહ નવા ને જૂના -
કશાનો ના હોવો જોઇએ પણ વિવેક બંનેના સંબંધમાં લાગુ પાડવો જોઇએ. તો જ જે
સાચું હોય તે સમજાય, વિચારાય ને અપનાવાય. માણસે - ખાસ કરીને જિજ્ઞાસુએ
આટલું જાણી લેવાની જરૂર છે.
ગાંધીજી
વિશે આજ સુધી ઘણું ઘણું લખાયું છે. તેમના જીવન ને કાર્યની પ્રશસ્તિ તથા
વિવેચનમાં પુસ્તકોનાં કેટલાંય પૃષ્ઠો ભરાયાં છે. તેમને કોઇએ બુદ્ધ તો
કોઇએ ઇશુની સાથે પણ સરખાવ્યા છે. તે એક મહાન સંત, દેશપ્રેમી, માનવપ્રેમી
ને કર્મયોગી હતા, તેમાં શંકા નથી. એવા મહાપુરુષનો પૂર્વજન્મ પ્રભુપરાયણ
ને મહાન હોય એટલું તો સહેજે સમજી શકાય તેમ છે. મને તેમના પૂર્વજન્મનું જે
જ્ઞાન થયું છે તે આપોઆપ જ મળ્યું છે. મતલબ કે તેને પ્રાપ્ત કરવા માટે મેં
કોઇ જાતની ઇચ્છા નથી કરી. તેને મેળવવાનો સંકલ્પ કરીને હું કોઇ વિશેષ
પ્રકારના ધ્યાનમાં નથી બેઠો કે કોઇ ખાસ સાધનાના ક્રમનો આધાર પણ નથી લીધો.
એ જ્ઞાનનો અનુભવ મને સહજ રીતે પ્રભુની કૃપાથી જ થયો છે. ને પરિણામે જે
વસ્તુની કલ્પના પણ ન હતી તે વસ્તુ મને જાણવા મળી છે. એ અનુભવને ટુંકમાં
કહી બતાવું.
તારીખ
૨૬ ઓગષ્ટ ૧૯૫૭ ને સોમવારે રાતે એક વાગે મને એ અનુભવની પ્રાપ્તિ થઇ. તે
વખતે હું ઋષિકેશમાં હતો. રાતે ધ્યાનમાં બેઠેલો ત્યારે મારા ચિત્તનો લય થઇ
ગયો ને તે દશામાં મને એક આકસ્મિક અનેરું દર્શન થયું. એક નાની સરખી છતાં
સુંદર નદી હતી. તેને કિનારે નાની સરખી મઢૂલી. તેમાં એક સુંદર આસન પર
ગાંધીજી બેઠેલા. તેમને જોઇને મને અત્યંત આનંદ થયો. તેમના મુખ પર ઉંડી
શાંતિ છવાયેલી. તે વખતે બહારથી કોઇએ મીઠા સ્વરે ગાવા માંડ્યું ...
નરસૈંયો
આ જન્મ લઇને મોહનદાસ થયો;
નરસૈંયો
આ વેશ લઇને મોહનદાસ થયો.
લાંબા
વખત સુધી એ પંક્તિ મેં સાંભળ્યા કરી. એના અનુસંધાનમાં કોઇએ મને કહ્યું કે
મહાત્મા ગાંધી પૂર્વજન્મમાં નરસિંહ મહેતા હતા. ભક્ત નરસિંહ મહેતા પોતે જ
ગાંધીજીનું રૂપ અને નામ ધારણ કરીને લોકહિત માટે પ્રકટ થયેલા. મારા મનમાં
તે વાત તરત જ ઉતરી ગઇ. દેહાતીત દશામાંથી જાગૃતિમાં આવતાં એ અનુભવનો વિરોધ
કરવાનું કોઇ કારણ ન રહ્યું.
લગભગ
વીસેક મિનીટ પછી એ અનુભવનો અંત આવ્યો ને મને ભાન આવ્યું. એ અનુભવને
પરિણામે મને અત્યંત આનંદ થાય એ સ્વાભાવિક હતું. ઇશ્વરે પોતે કૃપા કરીને
કોઇ પણ જાતની વિશેષ ઇચ્છા કે સાધના વિના મને આવી અગત્યની કીમતી વાત જણાવી
તે સાચેસાચ મારું સદભાગ્ય હતું. મારી આંખ સામે હિમાલયની લીલીછમ પર્વતમાળા
અડગપણે ઉભેલી ને ગંગા રમી રહેલી. દેહાતીત દશામાં જોયેલી તેવી જ કોઇ સુંદર
નદી ને તેના તટપ્રદેશ પરની પેલી ગાંધીજીના સ્વરૂપ સાથેની મઢૂલી મને યાદ જ
હતી. રાત્રિની એ અનેરી અસીમ શાંતિમાં ભક્ત કવિ નરસિંહની પેલી સુમધુર
સુરાવલિ મારા સ્મૃતિપટ પર એક વાર ફરીથી તાજી થઇ -
હરિના
જન તો મુક્તિ ન માગે,
માગે જનમોજનમ અવતાર રે;
નિત
સેવા નિત કીર્તનઓચ્છવ,
નિરખવા નંદકુમાર રે.
એ
પંક્તિમાં ભક્ત શિરોમણી નરસિંહના પુનર્જન્મનું રહસ્ય સમાયેલું છે. હરિના
જનને મુક્તિ માંગવાનું કોઇ કારણ રહેતું નથી. પ્રભુને પામી કે ઓળખીને તે
મુક્તિના સ્વામી તો થયા જ હોય છે, પરંતુ પ્રભુનો મહિમા ફેલાવવા ને
પ્રભુનું કામ કરવા પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ફરીફરી શરીરો ધારણ કરે છે.
સંત તુલસીદાસે તેવા મહાપુરુષોને માટે કહ્યું છે કે
'મુક્તિ
નિરાદર ભક્તિ લુભાને.'
નરસિંહ
જેવા પ્રભુભક્તનો જન્મ લોકહિત માટે જ હોઇ શકે, તેમજ મહાત્મા ગાંધીજી જેવા
ભવ્ય ને વિશાળ રૂપમાં જ તેની પુનરાવૃતિ પણ થઇ શકે, તે વાત તો સહેજે સમજી
શકાય છે.
|