|
મહાત્મા
ગાંધીજીના પૂર્વજન્મનાં જ્ઞાનનાં ઉપર્યુક્ત અનુભવ પછી મને થોડાક વિચારો
સહજ રીતે આવી ગયા. તેમનો ઉડતો ઉલ્લેખ અહીં કરી લઉં તો તે અસ્થાને નહીં
ગણાય, બલકે બંધબેસતો જ અવશ્ય લાગશે.
ગાંધીજી
નરસિંહ મહેતાના અવતાર હતા એ અનુભવ મળ્યા પછી નરસિંહ મહેતાનું પેલું પદ
મને વારંવાર યાદ આવ્યું : 'વૈષ્ણવજન
તો તેને કહિયે.'
ગાંધીજીને એ પદ કેટલું બધું ગમતું હતું તે તો સૌ કોઇ જાણે છે જ. તેમની
નિત્ય પ્રાર્થનામાં અને આશ્રમ ભજનાવલિમાં તેમણે તેને સ્થાન આપ્યું હતું.
એકલું સ્થાન આપીને બેસી રહ્યા ન હતા, પરંતુ તેને જીવનમાં ઉતારવા કે સાકાર
કરવા બનતો પ્રયાસ કરતાં હતાં. નરસિંહ જેવા ગુજરાતી ભાષાના મહાન કવિના એ
પદને પ્રસિદ્ધિમાં લાવવાનું કામ એટલા વિપુલ પ્રમાણમાં તેમણે જ કર્યું.
એને કોઇ અકસ્માત કહો, કલ્પના કહો કે ગમે તે કહો, પરંતુ તેમના પૂર્વજન્મની
માહિતીના પ્રકાશમાં આ વાત ખાસ રસપ્રદ થઇ પડે તેવી અને વિચારવા જેવી છે.
નરસિંહ
મહેતાના પ્રભાતિયાં ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. પ્રેમાનંદના પેંગડામાં
પગ ઘાલે તેવો કોઇ કવિ પાક્યો નથી એવું જેમ કહેવામાં આવે છે તેમ નરસિંહ
મહેતાના પ્રભાતિયાના સંબંધમાં પણ સહેજ પણ સંકોચ સિવાય કહી શકાય. કીર્તન
ભક્તિ અને તેમાંયે સમુહ કીર્તન નરસૈંયાને ખૂબ જ ગમતું. નરસિંહની તે
કીર્તનપ્રિયતા ગાંધીજીને વારસામાં મળી. ફક્ત તેની સુધારાવધારા સાથેની
સમયની આવશ્યકતા પ્રમાણેની અભિનવ આવૃત્તિ બહાર પડી એટલું જ. ગાંધીજીની
સવાર સાંજની જાહેર સમૂહ પ્રાર્થનાઓને સંકીર્તનનું એક પ્રકારનું એવું જ
સંશોધિત, સંવર્ધિત સ્વરૂપ કહી શકાય.
'હરિજન'
શબ્દનો પ્રયોગ નરસિંહે સૌથી પ્રથમ કરેલો તે તો તેના સાહિત્યના રસિકો
સહેજે જાણી શકશે. ગાંધીજીએ પોતાના જમાનાના પરિબળોને લક્ષમાં લઇને હરિજનની
સેવા અને અસ્પૃશ્યતા નિવારણનું કામ વિશાળ પાયા પર શરૂ કર્યું. નરસિંહે
રાજકારણમાં ભાગ નથી લીધો એ સાચું પણ ગાંધીજીને માટે રાજકારણમાં પ્રવેશ
અનિવાર્ય બન્યો ને તે પ્રવેશ તેમણે સંત તરીકે ચાલુ રહીને કર્યો, નરસિંહના
માણેકબાઇ કેવા હતાં તેની આપણને ખાસ ખબર નથી પણ ગાંધીજીને કસ્તુરબાએ
સર્વપ્રકારે સાથ આપ્યો.
જન્મ
માટે બન્નેએ સૌરાષ્ટ્રને જ પસંદ કર્યું. એકે જૂનાગઢ અને બીજાએ પોરબંદરને.
એક કૃષ્ણભક્ત છતાં જ્ઞાની - બીજા
'અખિલ
બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ'
માનીને કર્મ કરતાં કરતાં રામમાં મનને રાખવામાં માનનારા. નરસિંહે
પ્રભુદર્શન કર્યું પણ ગાંધીજીને તેવા દર્શન અને તેવા તપની જરૂર નહિ હોય.
તેમણે ટૂંકા વખતમાં લોકહિતનું મોટું કામ કરવાનું હતું. તેથી તેમનું
દર્શનનું પાસું કોરું જ રહ્યું. પણ પૂર્વજન્મમાં તે પ્રભુની પૂર્ણ કૃપા
પામ્યા હોવાથી વર્તમાન જન્મમાં પણ તેમનું મન સદા પ્રભુપરાયણ રહ્યું.
આ
વિચારો બંને વચ્ચેનું સામ્ય બતાવવા માટે નથી, પણ સહજ રીતે જ સ્ફુરેલા છે.
માનવના પ્રત્યેક જન્મમાં બધાં તત્વોનું સામ્ય હોય છે જ એવું નથી. કોઇ વાર
તેમાં દેખીતો વિરોધ પણ લાગે. બે કે વધારે જન્મોની એકવાક્યતા અથવા સગાઇ
સિદ્ધ કરવા તે જન્મોમાં જે સમાન તત્વો કે લક્ષણો હોય તે બહાર લાવવાં જ
જોઇએ એવું કશું જ નથી. એક વ્યક્તિના બે જન્મોમાં કેટલીક વાર કેટલાંક
વિરોધાભાસી તત્વો પણ મળી આવે. જમાનાની જરૂરત પ્રમાણે દરેક જન્મનું બાહ્ય
સ્વરૂપ જરા જુદું પણ લાગે. ગાંધીજી અને નરસિંહની કેટલીક ખાસ વાતોનો
ઉલ્લેખ આપણે આ અગાઉની ચર્ચાવિચારણામાં સહજ રીતે જ કરી લીધો.
મેં
શરૂઆતમાં જ કહી દીધું છે કે ગાંધીજીના પૂર્વજન્મનો અનુભવ મને ઇશ્વરની
કૃપાથી કોઇ ખાસ પ્રયાસ વિના આપોઆપ જ થયો છે. એ અનુભવ પછી એ જ ભાવાર્થના
બીજા અનુભવો પણ થયા છે. તેથી મને પૂરેપૂરો સંતોષ છે. આ જ્ઞાન મને મારી
અંતરંગ દુનિયામાંથી મળ્યું હોવાથી તે વિશે મને કોઇ જ શંકા નથી. તેમાં
મારી શ્રદ્ધા દૃઢ અને અડગ છે. જે જણાયું છે તે જ સત્યને વફાદાર રહીને આ
પ્રકરણમાં મેં અંકિત કર્યું છે. સૌએ તેને માનવું જ જોઇએ એવો મારો
દુરાગ્રહ નથી અને ના હોઇ શકે. આધ્યાત્મિકતા અને આત્મિક સાધનાની સેવાની
દૃષ્ટિએ આ અનુભવ અતિશય અગત્યનો છે એમ હું માનું છું ને તેથી જ તેને પ્રકટ
કરું છું. આજે પણ એ મીઠી પંક્તિ મનમાં ગૂંજી રહી છે :
નરસૈંયો
આ જન્મ લઇને મોહનદાસ થયો;
નરસૈંયો
આ વેશ લઇને મોહનદાસ થયો.
ભક્ત
નરસિંહ અને મહાત્મા ગાંધીજી બંને મહાપુરુષોને મનોમન પ્રેમથી અંજલિ આપીને
આ પ્રકરણ પૂરું કરું છું.
|