|
મસુરી
સમુદ્ર સપાટીથી આશરે ૬૦૫૦ ફીટ ઉંચુ છે. ક્યાંક ક્યાંક ૭૦૦૦ ફીટથી વધારે
ઊંચાઇ પણ છે. વરસાદના દિવસોમાં તે ખૂબ જ ઠંડુ થઇ જાય છે. વરસાદના
દિવસોમાં લાગે છે પણ ઘણું અનેરું. વરસાદ પર્વતીય પ્રદેશ હોવાને લીધે પડે
છે પણ ઘણો પરંતુ વરસાદ ના હોય ત્યારે ધુમ્મસના ગોટેગોટા ઊંચા ઊંચા
પર્વતો, મકાનો તથા રસ્તાઓ પર બધે જ ફરી વળે છે. સાધારણ રીતે તો માણસને
એવે વખતે ગમે પણ નહિ. પરંતુ એમાં પણ એક પ્રકારનો આનંદ છે. પર્વતીય
પ્રદેશમાં રહેવાને ટેવાયેલા લોકો માટે એવું વાતાવરણ નવું નથી હોતું. એ
વખતનું વાતાવરણ જોવા જેવું હોય છે. ઘડીમાં ધુમ્મસના ગોટેગોટા બધે પથરાઇ
જાય ને જ્યાં જુઓ ત્યાં કોઇ નાટકનો પડદો પડે તેમ વિશાળ પડદો પડી જાય ને
બીજી જ ઘડીએ અથવા થોડી વાર પછી એ બધું જ ધુમ્મસ વિખરાઇ જાય, અંધકારને
બદલે બધે પ્રકાશ પ્રકાશ ફેલાઇ જાય ને બધું ચોક્ખે ચોક્ખું દેખાવા માંડે.
પરંતુ એ દેખાવ પણ કાયમને માટે થોડો જ રહેવાનો છે
?
લશ્કર જેમ આગેકૂચ કરતું હોય તેમ વળી પાછું ધીમે ને ઝડપી ગતિથી ધુમ્મસ
દોડાદોડ કરવા માંડે ને વળી પાછો જ્યાં જુઓ ત્યાં બધે જ પડદો પડી જાય.
કોઇવાર વરસાદની ધારા પર ધારા પડવા માંડે તો કોઇ વાર વરસવાની સંભાવનાવાળા
વાદળ વરસ્યા વિના જ પસાર થઇ જાય. કુદરતના એવા અનેરા અભિનયનું દર્શન કરીને
અંતરને અવર્ણનીય આનંદ થાય.
તો પણ
દિવસ કરતાં રાતે ઠંડી વધારે હોય છે. તેમાં પણ વરસાદ પડે છે ત્યારે તો
ઠંડી ઘણી જ વધી જાય છે. ઠંડીનો સફળતાપૂર્વક સામનો કરવા લોકો વધારે ભાગે
ઊનના ગરમ કપડાં પહેરે છે. બાકી સુતરાઉ વસ્ત્રોમાં સજ્જ લોકો પણ કેટલાય
જોવા મળે છે. રંગબેરંગી પોશાક પહેરીને સાંજે ને સવારે સ્ત્રીપુરુષો રસ્તા
પરથી પસાર થતા હોય છે ત્યારે દેખાવ અજબ જેવો લાગે છે. સ્ત્રી ને
પુરુષોનું પ્રદર્શન ભરાયું હોય - કોઇ મોટો મેળો ભરાયો હોય તેવું લાગે છે.
ખૂબ જ સરસ દૃશ્ય હોય છે.
મસુરી
શહેર પ્રમાણમાં ચોક્ખું છે. રસ્તા મોટા, પાકા અને પહોળા છે. લાંબે લગી
વિસ્તરેલા રસ્તા પર ફરવા જવાનો આનંદ ઓર જ હોય છે. ઠંડી વધારે હોવાથી
શરૂઆતમાં કોઇને પાતળા મળ તથા શરદી જેવા વ્યાધિ થઇ જાય છે. તે માટે ઠંડીથી
રક્ષણ મેળવવામાં મદદ કરે તેવા વસ્ત્રોની તથા આહાર વિહારમાં નિયમિત
રહેવાની જરૂર પડે છે. અમને પણ - ખાસ કરીને માતાજીને શરૂઆતમાં પાતળા મળ
શરૂ થયા. માતાજી જરા વધારે નરમ થઇ ગયા. પરંતું થોડાક દિવસોમાં જ તકલીફ
દૂર થઇ ગઇ. વૈદ્યનાથ ફાર્મસીની ક્લોરોડીન નામની દવાએ એ બાબત બહુ જ ઉપયોગી
કામ કર્યું. તે દવા ખરેખર અક્સીર લાગી. બે-ચાર વાર તેનો પ્રયોગ કરવાથી જ
મળ બંધ થયા ને પૂરેપૂરી રાહત મળી. પછી તો તે દવાની એક બાટલી કાયમ માટે
સામે ટેબલ પર જ રાખી મૂકતાં. એ ઠંડા પ્રદેશમાં તેનું મહત્વ એટલું બધું
હતું. દવા અત્યંત અક્સીર હતી ને તેના પ્રમાણમાં ખાસ મોંઘી ન હતી. આજે તો
બજારમાં જાત જાતની ને ભાત ભાતની દવાઓ દેખાય છે. અસલી દવામાં ભેળસેળ
કરવાની ને નકલી દવા વેચવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલે છે. દવાઓ મોંઘી પણ
એટલી બધી મળે છે કે સાધારણ માણસ તેનો લાભ ભાગ્યે જ લઇ શકે. દવા ને ડોક્ટર
બંનેની કિંમત વધી પડી છે. માણસનું ધ્યાન દર્દીની દવા કે સારવાર કરતાં પણ
પૈસા પેદા કરવા તરફ વધારે છે. આપણે આયુર્વેદને વધારે ને વધારે લોકપ્રિય
ને વ્યાપક બનાવવું હોય તો એ અક્સીર બને, સુલભ બને ને વધારે ને વધારે
સસ્તું છતાં સારું બને તેનું ધ્યાન રાખવું જોઇશે. તે ઉપરાંત, સત્તા અને
પદપ્રતિષ્ઠાની હોડ અને આંતરિક મતભેદ, ઇર્ષા અને વૈમનસ્યને દૂર કરીને સૌના
હિતસાધનને માટે સંયુક્ત પુરુષાર્થ કરવો જોઇએ.
*
સવારે
ઊઠી પરવારીને બીજા બહારના કામમાં મન લગાડીએ તે પહેલાં દાતણની જરૂર પડે.
હવે તો મોટા ભાગના માણસો આવા અને બીજા સ્થળમાં દાતણને બદલે કાયમને માટે
બ્રશનો ઉપયોગ કરે છે. છતાં પણ જેમને દાતણ જોઇતા હોય તેમને માટે મસુરીમાં
દાતણ નથી એમ નહિ. બજારમાં કેટલેક ઠેકાણે તેજમલના દાતણ વેચાય છે.
પર્વતોમાં તેજમલના ઝાડ થાય છે. તેમાંથી એ દાતણ તૈયાર કરવામાં આવે છે. તે
કાંટાવાળા હોય છે. કાંટા કાઢી નાખીને પછી જ તેનો ઉપયોગ થાય છે. તેજમલના એ
દાતણ ભારે વિચિત્ર ને યાદગાર હોય છે. તેનાથી મોંમાં એક જાતની ઝણઝણાટી
ઉત્પન્ન થાય છે ને સુંદર સુવાસ પેદા થાય છે. થોડી જ વારમાં મોં બરાબર સાફ
થઇ જાય છે. તે દાતણનો પ્રયોગ કરવા જેવો છે. અમે તો રોજ સવારે તેનો જ
ઉપયોગ કરતા. તેજમલના ઝાડ પર્વતોમાં બધે જ ઠેકાણે કે બધા જ પર્વતોમાં નથી
થતાં. અમુક ખાસ ઉંચાઇ પરના પર્વતોમાં થાય છે. દેવપ્રયાગ પાસેના દશરથાચલ
પર્વત પર જતાં રસ્તામાં અમે તે ઝાડ જોયા હતા. ઊંચા પર્વતો પર તે પ્રમાણે
દેવદાર, ચીડ ને ચિનારના ઝાડ પુષ્કળ પ્રમાણમાં થાય છે ને તે ઝાડ અહીં પણ
જોવા મળે છે. તે ઉપરાંત, પાતળા ને લાંબા થડવાળા બીજા જાતજાતના ઝાડ
પર્વતમાં બધે જ છવાયેલા છે. મકાનો પણ છૂટાછવાયાં અનેક જોવા મળે છે.
લીલાંછમ પર્વતો છૂટાછવાયાં મકાનોને લીધે વધારે રમણીયતા ધારણ કરે છે.
ફુલોના
વિશિષ્ટ બગીચા અહીં ક્યાંયે નથી દેખાતા. મકાનોમાં ક્યાંક ક્યાંક બગીચા છે
તે જ. બજારમાં ક્યાંય ફુલ નથી મળતાં. શહેરથી દૂર દૂર એક તરફ મ્યુનિસિપલ
ગાર્ડન છે પણ તે એટલું બધું આકર્ષક નથી. છતાં પણ સુંદર, પહોળા ને સ્વચ્છ
રસ્તાને લીધે શહેર દેખાવડું લાગે છે. દુકાનો ને મકાનો પણ આધુનિક ઢબે સજ્જ
છે. ઇંડા, માંસ ને દારૂનો વપરાશ અહીં ઘણા વધારે પ્રમાણમાં થાય છે. ઠંડા
પ્રદેશમાં ગરમી ઉત્પન્ન કરવા એ બધું જરૂરી છે એમ કેટલાક માને છે ને કહી
બતાવે છે. પણ તેમની માન્યતા બરાબર નથી. તેવા લોકો આદતના દાસ થઇ ગયા છે
એટલું જ. બાકી ઠંડા પ્રદેશમાં એવી વસ્તુઓ જરૂરી છે એવું નથી. ઠંડા
પ્રદેશમાં આજે પણ એવા કેટલાય લોકો છે જે એમના સિવાય સહેલાઇથી ચલાવે છે.
એટલે એવી બધી દલીલોને છોડી દઇને માણસે પોતાનું જીવન વધારે ને વધારે
સાદું, સંયમી, વ્યસન વિનાનું, સાત્વિક અને અહિંસક કરવાની જરૂર છે.
|