|
મદ્રાસનો બે મહિના જેટલો સઘળો સમય ખૂબ જ શાંતિમય પસાર થઇ ગયો. છેવટે અમે
મુંબઈ પહોંચ્યા. મુંબઈ બહુ થોડા દિવસો માટે જ રહેવાનો વિચાર હતો એટલે દર
વખતની પેઠે સેનેટોરિયમની વ્યવસ્થા કરવાને બદલે અમે માધવબાગના મુળજી
નિવાસમાં જ મુકામ કર્યો.
તે
પછીના ચાર મહિના અમારે સરોડામાં જ રહેવાનું થયું. તે દરમ્યાન મેં વરસની
શરૂઆતમાં શરૂ કરેલું ઉપનિષદ પરનું લખાણ
'ઉપનિષદનું
અમૃત'
પૂરું કર્યું. વળી તે દરમ્યાન છેલ્લા દિવસોમાં પ્રેમી ભાઇ ચંપકભાઇની
મદદથી એકાદ બે પ્રકાશકોની મદદથી થોડુંક સાહિત્ય છપાવવા માટે સાધારણ જેવો
પ્રયાસ પણ કરી જોયો. એ બાબત ચંપકભાઇએ ઘણો સારો ઉત્સાહ બતાવ્યો. બે વાર તો
તે સરોડા પણ આવી ગયા. છેલ્લે છેલ્લે એમના એક પ્રકાશક મિત્રને લઇને તે મને
મળવા ને બધું નક્કી કરવા પણ આવવાના હતા પરંતુ પેલા ભાઇની તબિયત એકાએક
બગડવાથી તે ના આવી શક્યા. એમ તે પ્રયાસ ને બીજા પણ બે પ્રયાસ એક યા બીજા
કારણથી નિષ્ફળ ગયા.
સરોડા
ગામ છેક નાનું ને ત્યાં રહેવાનું મકાન શાંતિમય અને એકાંતમાં હોવાથી વરસો
વરસ ત્યાં રહેવાનું ગમતું ને ફાવતું પણ ખરું. ગયે વરસે બાકી રહેલી ગીતાની
વિચારણા આ વરસે ફરી ચાલુ કરી ને ચાર મહિનામાં દસથી માંડીને તેરમા
અધ્યાયના અર્ધ ભાગ સુધી આવી પહોંચ્યા. રોજ બપોરના ચારથી પાંચના એ સત્સંગ
દરમ્યાન ઘણાં રસિક ને જિજ્ઞાસુ ભાઇબેનો આવતા હતા. બેન તારાબેન તથા બાળકો
પણ અમારી સાથે જ હતાં. ઉનાળાની રજામાં ભાઇ અંબાલાલે મણિનગર મકાન રાખ્યું
એટલે તે બધાં અમદાવાદ ગયાં. તેમને ત્યાં ને નડિયાદ થોડો વખત રોકાઇને અમે
અષાઢ સુદ એકમને દિવસે સવારે હિમાલય માટે પ્રસ્થાન કર્યું. એ વખતે
તારાબેનને સુવાવડ આવવાની હતી. એટલે માતાજીનું મારી સાથે આવવાનું અનિશ્ચિત
હતુ. પરંતુ બેન સમરથ સરોડાથી બેનની સેવાસુશ્રુષા સારુ આવી પહોંચ્યા એટલે
તેમને રાહત મળી ને શાંતિ થઇ. બેન સમરથ અત્યંત પ્રેમી, સમજુ ને સેવાભાવી
હોવાથી બેનનો બધો ભાર ઉપાડી લે તેમ હતા. માતાજીને તેમણે ભારે ભાવપૂર્વક
વિદાય આપી. પ્રભુ જે કરે તે સારાને માટે માનીને અમે હિમાલય માટે વિદાય
થયા. ગયા વરસની જેમ એ વખતે પણ પ્રથમથી જ ઇશ્વરી આદેશ મળી ચુકેલો એટલે એને
અનુલક્ષીને અમારે મસુરી જ જવાનું હતું.
|