Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૭૦. ઉપસંહાર

 

આત્મકથાના આલેખનનો આનંદ અવર્ણનીય અથવા અનેરો છે. આત્મકથાનું આલેખન બીજું કાંઈ નહીં પરંતુ પૃથ્વી પર પ્રકટીને લીધેલા કે છોડેલા શ્વાસનું સરવૈયું છે. સંસારમાં શ્વાસ લેવાનો અમૂલખ અવસર મેળવીને માણસે શું કર્યું, સમયને ક્યાં કેવી રીતે પસાર કર્યો, તેનો ઈતિહાસ તેની મારફત મળી રહે છે. જે આત્મકથાનું આલેખન કરે છે તેને પોતાને પણ ઘણું મહત્વનું જાણવાનું મળે છે, તટસ્થ રીતે કરાતો પોતાના જીવનનો વિચાર શ્રેયસ્કર છે.

આત્મકથાનું સ્થાન સાહિત્યની દૃષ્ટિએ ગમે તેવું હોય, એથી સાહિત્યની સમૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થતો હોય કે ના થતો હોય, મારી દૃષ્ટિએ એના કરતાં વિશેષ મહત્વની વાત એની માનવ મન પર થનારી અસર છે. એ વાત મને વધારે કીમતી લાગે છે અને સ્પર્શે છે. મને પોતાને મારી નાની વયમાં જીવનકથાઓએ અગત્યની જીવનોપયોગી પ્રેરણા પૂરી પાડેલી. એ પ્રમાણે આત્મકથાની મદદથી માનવ પ્રેરણા પામે, પ્રકાશ મેળવે, જીવનને ઉજ્જવળ કરવાની સામગ્રીથી સંપન્ન બને અને જે જીવનને ઉજ્જવળ કરવાના કલ્યાણકાર્યમાં રત છે તે તેમાંથી વધારે શક્તિ અને સમજ મેળવે, તો આત્મકથાની અગત્યતા ઓછી ના અંકાય. માનવજીવનની ઉપયોગિતાની દૃષ્ટિએ એની કિંમત અસાધારણ લાગે છે.

જીવનના વીતેલા વખતનું સરવૈયું કાઢતી વખતે જીવનને મારી સમજ તથા શક્તિ પ્રમાણે જીવ્યાનો સંતોષ સાંપડ્યો છે અને કોઈક મહામૂલ્યવાન મંગલ મહોત્સવમાં સામેલ થયા જેવો આનંદ મળ્યો છે.

પ્રકાશના પંથના પ્રવાસની આત્મકથા અહીં પૂરી થાય છે, છતાં પણ એ સંપૂર્ણ થાય છે એવું નથી કહી શકાતું. આત્મકથા તો અંખડ રીતે ચાલ્યા જ કરે છે, જીવન ચાલશે ત્યાં સુધી ચાલ્યા કરશે, પરંતુ એટલું કહી શકાય કે એનો એક તબક્કો પૂરો થયો. એ તબક્કો કોઈને પણ પ્રેરણા કે આનંદ આપશે તો એનું આલેખન સફળ ઠરશે.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer