|
હિમાલય
માટે મહાત્મા યોગેશ્વરને અસીમ આકર્ષણ ને પ્રેમ છે. ત્યાં તેમને અનેક
આધ્યાત્મિક દર્શનો પ્રાપ્ત થયા છે. રામનું (દશરથાચલ પર), બુદ્ધનું, સિદ્ધ
મહાપુરુષોની મંડળીનું, આત્મજ્યોતિનું, લક્ષેશ્વર મહાદેવની કુટિયામાં
પ્રકાશનું અને સમૂહ સંગીતનું, રમણ મહર્ષિનું, જ્ઞાનેશ્વરનું, જમનોત્રીના
માર્ગમાં આવેલી ધર્મશાળામાં સો મહાત્માઓનું જે યોગેશ્વરજીનું સ્વાગત કરે
છે, દક્ષીણેશ્વરમાં કુમારી રૂપે
'મા'નું,
લેખકના મૂલાધાર ચક્ર પર અંગૂઠો દબાવી તેમને સમાધિની અનુભૂતિ કરાવનાર
અવધૂત મહાત્માનું, હનુમાનજીનું, પોતાના જ દિવ્ય દર્શનનું, આલંદીમાં
જ્ઞાનેશ્વરનું અને નિવૃતિનાથનું, નર-નારાયણનું, ઓગણીસ કન્યાઓએ (રિદ્ધિ,
સિદ્ધિ, અષ્ટયોગ સિદ્ધિઓ અને નવનિધિઓ) તેમને પુષ્પહારો પહેરાવ્યાનું,
જગદંબાનું, ત્રણ વામન સનકાદિકોનું - આમ અનેક આધ્યાત્મિક દર્શનો આ મહાન
સાધક યોગેશ્વરજીને થયા છે તે તેમની યોગસાધનાની ઉચ્ચ દશાની સાબિતિઓ છે.
છતાં પોતે તટસ્થતાપૂર્વક કહે છે કે દરેક સાધકને આવા દર્શનો થાય જ એવું
કાંઇ આવશ્યક નથી. તે તો સાધકની રુચિ, સ્થિતિ, ઇચ્છા પર આધાર રાખે છે.
હિમાલયમાં અને ઇતર સ્થાનોમાં લેખકને અનેક સંતમહાત્માઓનું પણ મિલન થયું
છે. પરમ કૃપાળુ 'મા'
જ તે બધું ગોઠવતી હોય છે. વાળમાંથી દૂધ કાઢનાર એક બાવાનું, ભિક્ષુ
અખંડાનંદનું (નડીયાદ, અમદાવાદમાં), સ્વામી શિવાનંદનું (ઋષિકેશમાં),
વડોદરામાં રણમુક્તશ્વર મહાદેવને મેડે રહેતા શાંતાનંદનું કે મગર
સ્વામીનું, અઢાર વર્ષની ઉંમરના, જડીબુટ્ટીઓના જાણકાર, વસુધારાના
વૈરાગીનું, એક ત્રિકાળજ્ઞ મહાત્માનું, વેદબંધુનું, પ્રભુદત્ત
બ્રહ્મચારીનું, જમીનથી અધ્ધર પદ્માસનમાં રહેતા અજ્ઞાત મહાપુરુષનું,
જોશીજીનું (જે આગલા જન્મમાં એક સ્ત્રી હતા અને ત્યાર પહેલાંના જન્મમાં એક
ફકીર હતા), ઉત્તરકાશીમા નાગાજીનું તથા મોતીલાલ બ્રહ્મચારીનું, શ્રી
કૃષ્ણાશ્રમનું, તપોવનજીનું, દેવગિરિજીનું, પ્રજ્ઞાનાથજીનું, કુલાનંદજી,
મા આનંદમયીનું તથા હરિબાબાનું (સોલનમાં), ચેલના મહાત્માનું, ભગતનું,
નેપાલીબાબાનું તથા તેમના ગુરુ ચીનના લામાનું, તૈલંગ સ્વામીનું તથા એક
બંગાળી મહાત્માનું વગેરે ... આ બધા સાથેની વાતચીતમાંથી, તેમના દર્શનથી
લેખકને જે કાંઇ પ્રાપ્ત થયું તેની તેમણે સમીક્ષા કરી છે. આત્મનિર્ભર,
ગુણગ્રાહી સાધકને દત્તાત્રેયે જેમ ચોવીસ ગુરુઓ કર્યા હતા તેમ ગમે ત્યાંથી
અને ગમે તેની પાસેથી કાંઇકને કાંઇક શીખવાનું મળી રહેશે;
તે બધું 'મા'
જ પૂર્વયોજના પ્રમાણે કરાવતી હોય છે. કવિ નાટ્યકાર શેક્સપિયરે બરાબર જ
કહ્યું છે કે સાચા જિજ્ઞાસુ માટે વહેતા ઝરણાંમાં ધર્મશાસ્ત્રો છે,
પત્થરોમાં પ્રવચનો છે, સર્વત્ર કલ્યાણકારી સામગ્રી છે, આ ગુણગ્રાહીતા
વ્યાપક દૃષ્ટિમાંથી સાચી વિનમ્રતામાંથી અને તત્વ-દૃષ્ટિમાંથી જ પ્રાપ્ત
થાય છે.
તેમનો
જન્મ 1921 પંદરમી ઓગષ્ટે થયો હતો. શ્રી અરવિંદનો જન્મદિન પણ પંદરમી
ઓગષ્ટ, 1872, ભારતને આઝાદી મળી 1947ની પંદરમી ઓગષ્ટે, રામકૃષ્ણ
પરમહંસદેવે સમાધિ લીધી તે દિન પણ પંદરમી ઓગષ્ટ હતો. આ દિવસ અનન્ય છે.
યોગેશ્વરજી અનંતના યાત્રી છે. જ્ઞાન અને યોગ તેમની સાધનામાં સહકારી છે,
પણ મૂળ મુદ્દે તેમનું હૃદય શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના હૃદય જેવું
ભક્તહૃદય છે. 'મા'ને
પોકારતા તેમની આંખોમાંથી અશ્રુ વહે છે, હૃદય દ્રવી જાય છે, દિલ કકળી ઉઠે
છે. 'મા'ના
દર્શનની એ તાલાવેલી, એ લગની એ જ એમની સાધકતાની ગુરુચાવી છે. પ્રાર્થનાએ
એમના જીવનમાં મહાન ભાગ ભજવ્યો છે, એમ તે પોતે અનેકવાર કહે છે.
પ્રાર્થનાનું બળ અમોઘ છે. ચંપકભાઇનો રોગ (ક્ષયરોગ) પ્રાર્થનાથી ગયો,
માંદા પડેલાં ગૃહપતિ (અનાથાશ્રમના) તેમની સમૂહ પ્રાર્થનાથી સાજા થઇ ગયા,
ટ્રસ્ટીમંડળના સંસ્થાપકની બાબતમાં પણ તેમ જ બન્યું. પણ આંતર વિકાસમાં પણ
બાળક જેમ 'મા'ને
પોકારે એમ તે હંમેશા 'મા'ને
પોકારતા રહ્યા છે. તે જ તેમનું બળ છે, વિજયની ચાવી છે.
હજી તો
કેવળ ગુજરાત કે ભારત નહિ, પણ વિશ્વ તેમની પાસેથી ઘણી ઘણી મોટી આશાઓ રાખે
છે. તેમનો પણ સંકલ્પ એવો જ છે કે વિશ્વના વિકાસમાં સહાયભૂત થવું,
માર્ગદર્શક બનવું. તે પોતે જ પોતાને એક આધ્યાત્મિક પ્રોફેસર માને છે,
જગતના દર્દની ચિકિત્સા કરનાર આધ્યાત્મિક વૈદ્ય અથવા ડોક્ટર માને છે.
એંધાણ તો એવા જ છે કે તે સંકલ્પ જરૂર ચરિતાર્થ થશે. તેમના પ્રવચનો સાંભળી
લોકો ગદ્દગદ્દ અને આશ્ચર્યવિભોર બની જાય છે. તેમની ભાષા સરળ, શિષ્ટ,
સંસ્કારી અને મધુર છે. તેમના કાવ્યોમાં પણ તે જ ભાષાશૈલીની અને
આધ્યાત્મિકતાની પ્રચુર છાંટ હોય છે, તેમની કલમ કોઇ આધ્યાત્મિક શક્તિથી
અણથંભી વહેતી જ રહે છે, તેમની વાગ્ધારાની જેમ. એટલે આ મહાન આધ્યાત્મિક
વિભૂતિથી જગતને અનહદ લાભ થશે જ, એવી અમારી દૃઢ માન્યતા છે. પરમ કૃપાળુ
પરમાત્મા તેમ કરો એવી અમારી સાચા દિલની પ્રાર્થના છે. તે પોતે સતત એવી
પ્રાર્થના કરતાં જ રહ્યા છે. તેમની પ્રાર્થનાઓ ભૂતકાળમાં અનેક
ક્ષેત્રોમાં અનેક રીતે ફળી છે. અને આ સંકલ્પની સિદ્ધિમાં પણ તે ફળશે જ
એવી અમારી અતૂટ શ્રદ્ધા છે.
'પ્રકાશના
પંથે'
એ ગ્રંથની દેણ અનેક ક્ષેત્રોમાં અનેકવિધ છે. સાધકો માટે તે સાધનામાં
સહાયક, અમૂલ્ય પથપ્રદર્શિકા છે. સાહિત્યના ક્ષેત્રે એ એક ઉત્તમ આત્મકથા
ગ્રંથ છે. દેશના હિતચિંતકો માટે તે અમૂલ્ય સામગ્રીથી ભરપૂર, કાર્યદિશાઓ
બતાવનાર, નિર્દેશગ્રંથ છે, તેમના પ્રશંસકો અને પ્રેમીઓ માટે તે તેમના
આંતરજીવનમાં ડોકિયું કરાવનાર રહસ્યબારી છે. અમને આ ગ્રંથને આવકારતાં હર્ષ
અને ગૌરવ થાય છે. જિજ્ઞાસુઓ, સાહિત્યપ્રેમીઓ, દેશહિતના વિધાયકો આનો પૂરો
લાભ ઊઠાવે એવી અમારી નમ્ર પણ આગ્રહભરી વિનંતી છે.
ૐ તત્
સત્
-
શાંતિલાલ ઠાકર (એમ. એ, બી. ટી, વિદ્યાભાસ્કર)
ભૂલા
ઠાકરની પોળ, નડીયાદ.
તાઃ
16-12-1977
|