|
દિન ૧-ર-૩
ઇતિહાસ ને
પુરાણમાં સારી પેઠે ગવાયેલા આ તીર્થધામમાં હે મા, તમારી કૃપાનો ભિક્ષુક બનીને
એક વાર ફરી બેઠો છું.
તમારા પ્રેમની
ઝંખનામાં મારા દિનરાત વીતી જાય છે.
શાસ્ત્રોએ
કહ્યું છે કે તીર્થસ્થાનમાં કરેલું પુણ્યકર્મ કે તપ હજાર ઘણું ફળદાયક થાય છે.
મારામાં કોઇ
જાતનું તપ કરવાનું બળ નથી.
પણ મારા
હૃદયનો પોકાર હજાર ઘણો પુણ્યવંત બની જઇને તમારા અંતરે પહોંચી જશે ને આ વખતે
તમારી કૃપા જરૂર થઇ જશે એવી આશા રાખું છું.
આ વખતે વિલંબ
કર્યા વિના તમારી કૃપા જરૂર કરી દો.
-
કારતક વદ પ રવિવાર, ૧૮-૧૧-પ૧
☼
☼ ☼ ☼ ☼
દિન ૪
તમારી
લીલાભૂમિ જેવા પંચવટી ને નાશિકના આ મહાન પવિત્ર ધામમાં હે રઘુનંદન, હું તપી
રહ્યો છું.
તમે કરુણા ને
પ્રેમના ભંડાર કહેવાઓ છો. છતાં પણ આજે
ચાર ચાર દિવસથી તમે નિર્દયની જેમ બિલકુલ મૂક છો એ શું ઓછી અચરજની વાત છે
?
તમારી
લીલાભૂમિમાં એક બાળક આવી કરુણ રીતે તપે ને તમે ભક્તવત્સલ ને પતિતપાવનનું બિરુદ
ધારીને ઠંડા મનથી જોયા કરો તે શું તમને છાજે છે
?
તુલસી જેવા
ભક્તોએ તમારા અહેતુકી પ્રેમનાં જે ગુણગાન ગાયાં છે તે શું નામ માત્રનાં જ છે કે
?
જો તેમ ના હોય
તો તમારે હવે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના
'મા'ના
મધુર રૂપમાં મારી પાસે દોડી આવવું જોઇએ ને મારી બધી જ ઇચ્છા પૂરી કરવી જોઇએ.
(રાતે)
હે મા, આજે તો
તમારી પ્રેરણાથી મેં આખોયે દિવસ જલ વિના જ પસાર કર્યો છે.
મારી વેદના
અપાર છે. તમે ઠંડે
કલેજે હજી જોયા જ કરો છો.
વધારે શું
કહું ?
આજે તો તમે
જરૂર જરૂર પધારો, તમારી સંપૂર્ણ કૃપા મારા પર વરસાવી દો ને મને આ ઉપવાસ તેમ જ
તમારા વિરહના મહાન સંકટમાંથી ઉગારો.
-
કારતક વદ ૬ સોમ, ૧૯-૧૧-પ૧ |