|
દિન ર૬
આજે છવ્વીસ જેટલા દિવસથી
સતત કષ્ટ સહન કરી હું તમને ઝંખી રહ્યો છું, પણ તમે તો હજી એવાં જ ઉદાસીન દેખાઓ
છો.
તમારે ને મારે કોઇ સગાઇ જ
ના હોય એવું સાવકી મા કરતાંય ખરાબ ને વધારે ઉપેક્ષાભર્યું વર્તન તમે મારી સાથે
કરવા માંડ્યું છે.
મારું દુઃખ જોઇને તમારું
રુંવાડુંયે હાલ્યું હોય એવું મને જરા પણ જણાતું નથી.
માફ કરજો, પ્રેમની વેદનાના
અતિરેકમાં મારે તમને આ શબ્દો કહેવા પડે છે, પણ તે સત્ય જ છે.
જો તેમ ના હોય તો તમે હજી
પણ બેસી રહ્યા છો ને મારું આ કઠોર કષ્ટસહન જોયા કરો છો તે બને જ કેવી રીતે ?
આમ કરશો તો તમારી કૃપાળુતા
ને કરુણા વિશે લોકોમાં કેવો ખ્યાલ બંધાશે ?
પછી કોણ તમારા આ પાવકથીયે
પ્રખર એવા પ્રેમ-માર્ગમાં દાખલ થશે ?
ને પ્રેમ-માર્ગમાં પ્રવેશ
કરીને આખર સુધી ઝઝૂમી તમને મેળવવાની હામ પણ કોણ ભીડશે ?
ના, તમને આમ કઠોર થવું
છાજતું નથી.
જેણે તદ્દન નિરાભિમાન
બનીને પોતાનો બધો જ ભાર તમારે ચરણે નાખી દીધો ને તમારે માટે ભેખ લીધો, તેને તો
જલદી જલદી તારી દેવા, કૃતકૃત્ય કરવા ને તેના બધાય કોડ પૂરા કરવા તમારે વધારે
ઉદાર બની તત્પર થવું જોઇએ.
મારે માથે છેલ્લા ચાર
વરસમાં વિપત્તિના વાદળ વરસાવવામાં તમે બાકી રાખ્યું નથી.
હવે આજે તો જરૂર પધારો ને
પ્રેમની સુધાથી મને સજીવન કરી દો.
-
માગશર સુદી ૧૩, મંગળવાર તારીખ:
૧૧-૧ર-૧૯પ૧
☼
☼ ☼ ☼ ☼
દિન ર૭-ર૮
ગઇ કાલે તો નાશિકથી
પ્રસ્થાન પણ થઇ ગયું. ને અહીં મુંબઈ આવવાનું થયું.
નાશિકના બધા જ દિવસો મેં
તમારી ઝંખના, પ્રાર્થના ને કૃપાભિક્ષાની યાચનામાં પસાર કર્યા.
પરંતુ તે પુણ્યભૂમિમાં
તમારી કૃપા થઇ નહીં.
કાંઇ નહિ, તમારી ઇચ્છા.
મારે તો તમારે માટે તપ્યા
ને અંત લગી ઝંખ્યા વિના છૂટકો જ નથી.
કેમ કે મીનનું જીવન જેમ
જલમાં, તેમ મારું જીવન-સર્વસ્વ પણ એક તમારામાં જ રહેલું છે.
તમારા મધુર મિલન વિના મને
શાંતિ કે આનંદ ને ધન્યતા કદીકાળ થઇ શકે તેમ નથી.
ને એ પણ સાચું છે કે આ
વખતના મારા કઠોર પરિશ્રમનું ફળ મને મળશે ત્યારે જ સંતોષ વળશે.
તમારી કૃપા નહિ થાય ત્યાં
લગી હું તલસતો ને પ્રેમથી તપતો ને જલતો જ રહીશ, ને તમારે દ્વારે મારો
પ્રેમપોકાર પાડ્યા કરીશ.
તમારે દ્વારેથી જો ખાલી
હાથે પાછો ફરું તો દુનિયા તમારી કૃપા ને કરુણા વિશે કેવો ખ્યાલ બાંધશે?
ના ના, એ વિચાર પણ દુઃખદ
છે.
હવે તો તમારો કૃપાભંડાર
મારે માટે તદ્દન ખાલી કરી દો.
તમારા પ્રેમામૃતને મન
મૂકીને પીવાની ને તમારા અલૌકિક રૂપને અખંડ રીતે નિહાળવાની મારી આતુરતાને હવે
શાંત કરો, ને એક પણ દિવસ હવે વધારે રિબાવ્યા વિના મને શાંતિ દો.
-
માગશર સુદી પુનમ, ગુરૂવાર તારીખ:
૧૩-૧ર-પ૧ |