|
દિન ૩ર
હે મા, ઉપવાસની પૂર્ણાહુતિ
છતાં તમારે દ્વારે મારો પોકાર તો રાતદિન ચાલુ જ રહે છે ને ચાલુ જ રહેશે.
તમે ઉપવાસથી મળશો કે કૃપા
કરી દેશો અથવા ઉપવાસ વિના કૃપા કરશો તે તમે જ જાણો છો.
હું તો તમારા પર વિશ્વાસ
રાખીને તમારી પ્રેરણા પ્રમાણે પ્રવૃત્ત થાઉં છું ને તમારી કૃપાની ઝંખના કરું
છું.
તમારી કૃપા વિના મને કદી
શાંતિ થશે નહીં, ને મારા અંતરતમમાં દર્દની જે જ્વાલા જલી રહી છે તે પણ કદી મટશે
નહીં.
તમારી અહેતુકી કૃપાથી જ
મારો ઉદ્ધાર થઇ શકશે એ ચોક્કસ છે.
મારો પુરુષાર્થ પણ એટલા જ
પ્રમાણમાં શક્ય બનશે જેટલા પ્રમાણમાં તમે તેને ઉપયોગી સમજીને શક્ય બનાવશો.
છતાં પણ તમારી પૂર્ણ
કૃપાનો વરસાદ મારા પર ક્યારે વરસશે તે ચિંતા મારા મન પર સવાર થઇને ક્ષણે ક્ષણે
મને ઉત્સુકતા ને વેદનાના ઊંડા ભાવથી ભરી દે છે.
આ વખતે તમે મારી કસોટી પણ
ખૂબ જ કઠોર ને કપરી કરી છે.
તો પણ તેના પરિણામરૂપે
તમારી કૃપા હવે વહેલી વહેલી વરસાવી દો તો હજીયે મને શાંતિ ને સંતોષ વળશે.
તમારી કૃપા ક્યારે થશે ?
-
માગશર વદી ૪, સોમવાર તારીખ:
૧૭-૧ર-પ૧
☼
☼ ☼ ☼ ☼
દિન ૩૩
આ સંસારમાં તમારા વિના બધું
જ નીરસ છે.
એક તમે જ ઇચ્છવાયોગ્ય છો,
ને પ્રેમ કરવા યોગ્ય પણ તમારા વિના કોઇ જ નથી.
જગતનો આનંદ, વિશ્વની
વિવિધતા ને સૃષ્ટિના આ સૌન્દર્યમાં તમે જ સાકાર થઇને રહેલા છો.
છતાંયે તેથી અતીત છો.
ને તમારી પાછળ સર્વસ્વને
સમર્પી ચૂકેલા તમારા પ્રેમી ભક્તો તમારા એ જ વિશ્વવિમોહન ને પરિપૂર્ણ સ્વરૂપને
જોવા ઝંખે છે.
સંસારના ક્ષણિક પદાર્થોમાં
તેમની તરસ કદી છીપી શકતી નથી, ને તમારા સાક્ષાત દર્શનના આનંદ વિના તેમને શાંતિ
પણ વળતી નથી.
તમે કૃપા કરી તેમની સામે
પ્રકટ થાવ છો ત્યારે જ તેમને ચેન પડે છે, ને તેમના હૃદયની વ્યાકુળતા શાંત બને
છે.
આવા મહાનુભાવો જ આ સંસારમાં
સાચા અર્થમાં બડભાગી છે; ને તેમના પર કૃપા કર્યા વિના તમે પણ રહી શકતાં નથી.
-
માગશર વદી ૫, મંગળવાર તારીખ:
૧૮-૧ર-પ૧ |