Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

       

દિન ૩૪

અંધકારમાં તો તે અટવાય છે જે તમને ભૂલી જાય છે, ને છોડે છે.

ક્લેશ તેને કોરી ખાય છે, ચિંતા તેના ચિત્તને ચાવી ખાય છે, ને ભય પણ તેને જ ભ્રમિત કરે છે, જે તમારાથી વિમુખ થઇ સંસારના ઇતર વિષયોમાં આસક્ત બને છે, ને તમારા તરફ અવિશ્વાસ, અશ્રદ્ધા ને આશંકાની નજરે જુએ છે.

સંસારના વિશાળ વનમાં જીવનને અજવાળનારો પ્રકાશ તેને નથી લાધતો.

વિષયના તાપથી તપેલા તેના અહંકારયુક્ત મનને તમારા પ્રેમની હૂંફ નથી મળતી.

ને તમારી સહવાસ છાયાથી પણ તે વંચિત જ રહી જાય છે, જે મળતાં પ્રાણ ને જીવન પ્રફુલ્લ પ્રફુલ્લ બની ઊઠે છે, ને કૃતાર્થતાનું ગૌરવગીત ગાવા માંડે છે.

પરંતુ જેને તમારો જ આધાર છે, તમારાં જ કમળચરણોનો આશ્રય લઇને જે જીવે છે, ને જગતમાં જે તમને જ ઝંખે છે, ને તમારા પ્રેમમાં તરબોળ બનીને આખરે આ જ પૃથ્વી પર તમને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરે છે, તેને માટે ચિંતા કે વિષાદ નથી.

ભય શોક કે પરિતાપ નથી.

મૃત્યુ નથી.

તેને કદી ક્લેશ કે અંધકારના આવરણ નથી.

તેને માટે તો હમેશાં અખંડ આનંદ, સનાતન સુખ, પરમ ને કદીયે પૂરો ના થાય એવો પ્રકાશ ને શાશ્વત શાંતિ લખાયેલી છે.

તમારી પ્રાપ્તિ કરીને તે કૃતાર્થ બને છે, ને સંસારમાં અનેકને શાંતિ દેતાં, કૈંકનો પ્રકાશ બનતા ને કૈંકને છાયા દેતાં કોઇ દેવદૂતની જેમ તમારી પ્રતિમા બનીને જીવી રહે છે.

તમારી આવી પ્રતિમૂર્તિ બનવાની મારી નેમ છે, ને તે હવે તમે મારી સામે પ્રકટ બનીને શીઘ્રાતીશીઘ્ર પૂરી કરો.

આ જ મારી દિનરાત પ્રાર્થના છે, ને પ્રત્યેક શ્વાસે, રક્તના રણકારે તે થયા જ કરે છે.

- માગશર વદ ૬, બુધવાર તારીખ: ૧૯-૧ર-પ૧

 

☼         ☼         ☼         ☼         ☼

 

દિન ૩પ

અંધારના આવરણને ભેદીને પ્રભાતનું પ્રકાશકિરણ જ્યારે પૃથ્વી પર પ્રસરી વળે છે, ત્યારે વિશ્વયાત્રાએ નીકળેલા પ્રવાસી જેવા પંખી પ્રસન્નતાનું ગીત ગાય છે, ને ઊડતા ફુવારામાં સ્નાન કરી પોતાનો ઉલ્લાસ ઠાલવે છે.

મે જ્યારે મારા જીવનાકાશમાં પ્રકાશી ઊઠશો ત્યારે મારું તન મન અંતર પણ આજ રીતે છતાં આથીયે વધુ કિલ્લોલ કરી ઊઠશે જે કદી નહીં શમે, કદી નહી મરે.

- માગશર વદ ૭, ગુરુવાર તારીખ: ર૦-૧ર-પ૧

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer