|
દિન
૫
ભોજન વિના જેમ પ્રાણ ટકતો
નથી - અન્ન, જલ, દૂધ કે છેવટે વાયુ - કોઇપણ પ્રકારનું ભોજન તેને જોઇએ જ છે, તેમ
તમારા વિના પણ તમારા પ્રેમી ભક્તોના પ્રાણ ટકી શકતા નથી.
પ્રેમીના દિલનો દરિયો
તમારા મુખચંદ્રની ચાંદનીથી મુગ્ધ ને પ્રેરિત થઇને તમને મળવા માટે ઉછાળા મારે
છે.
પણ ફેર માત્ર એટલો જ છે
કે સાગર તો આકાશના ચંદ્રની સાથે એક થઇ શકતો નથી.
જ્યારે તમારા ભક્તને તો
તમારું પરમ મંગલમય મિલન મળી જાય છે, તમારી અહેતુકી કૃપા તેની પર વરસે છે, ને તે
તમારી સાથે એક બને છે.
મને એ ભાગ્ય જલ્દી જલ્દી
આપો ને સદા માટે આપો.
-
આસો સુદ
૩,
સોમવાર,
મહુવા તારીખ:
૨૨-૯-૧૯૫૨
☼
☼ ☼ ☼ ☼
દિન ૭
તમારાં કમલકોમલ ને પરમ
પુનિત ચરણોમાં મન લગાડ્યા વિના ને તમને પ્રેમ કર્યા વિના કોઇપણ માણસ સુખી થઇ
શકતો નથી એ નક્કી વાત છે.
ને એ પણ નક્કી છે કે તમારે
માટે તલસ્યા કે ભોગ આપ્યા વિના ને છેવટે તમને મેળવ્યા વિના કોઇનેય શાંતિ મળી
શકતી નથી.
તમે જ સુખના ભંડાર ને
શાંતિના સાગર છો. આનંદના અર્ણવ છો.
તેથી જ જેને સુખશાંતિ
જોઇએ છે તેણે તમને મળવું જ જોઇએ ને તમારી અસીમ કૃપાના સરોવરમાં મુક્ત વિહાર
કરીને બહારથી ને અંદરથી સ્નાન કરવું જોઇએ.
શાંતિ ને સુખનો એ જ માર્ગ
છે.
ને તેથી જ કોઇક બડભાગી
જીવો સંસારમાં આવીને તમારે માટે આક્રંદ કરે છે, તમને ઝંખે છે, ને તમારે માટે હતા
ન હતા પણ થઇ જાય છે.
મારા આત્માને તમે એવો
બડભાગી બનાવી દીધો છે.
તે માટે તે તમારો ઉપકાર
માને છે.
પણ એટલાથી જ અટકવામાં તેનો
આનંદ નથી.
તે તો તમારી પરિપૂર્ણ કૃપા
માગે છે.
તમને ને તમારા સંપૂર્ણ
વૈભવને ચાહે છે.
તેથી જ તે તમારે માટે તલસે
છે.
તો દયા કરો ને જલ્દી જલ્દી
પધારીને તેના બધા જ મનોરથ પૂરા કરો.
-
આસો સુદ ૭, શુક્રવાર તારીખ:
૨૬-૯-૧૯૫૨ |