|
દિન
૧૧
જગતમાં શાંતિને સૌ કોઇ
ચાહે છે, પણ શાંતિ મળે છે તેને જ જે નમ્ર, નિર્મલ તથા નિરહંકાર તથા સેવાભાવી બને
છે.
એમનાથી પણ વધારે શાંતિસુખ
તેમને મળે છે જે તમારાં ચરણકમળના ભૃંગ બને છે, ને તમારી સાથે પ્રેમ કરીને તમને
ઝંખતા રહી, કોઇ ધન્યાતિધન્ય પળે તમારું દર્શન પામી લે છે.
તમે મળતાં સર્વકાંઇ મળી
જાય છે.
પછી તમને છોડીને બીજાં
પદાર્થો પાછળ શા માટે પડવું જોઇએ ?
પંડિત ને પ્રાજ્ઞ તો તે જ
છે જે તમને સેવે છે. તમારી જ કામના કરે છે, ને તમારા પરમ પ્રેમમય પાવન રૂપના
દર્શનથી આનંદ પામે છે.
હે મા, મને તો તમે એ જ
ભાગ્ય આજ લગી આપ્યા કર્યું છે, ને હવે પછી પણ મારી બધીયે મનોકામના પૂરી કરીને એ
જ મહાભાગ્ય આપતા રહેજો એ જ મારી પ્રાર્થના છે.
- આસો
સુદી ૧૨, મંગળવાર, ૩૦-૯-૧૯૫૨
☼
☼ ☼ ☼ ☼
દિન ૧૨
મેં પહેલેથી જ
જણાવી દીધું છે ને આજે પણ જણાવી દઉં છું કે મારામાં કોઇયે પ્રકારની આસક્તિ નથી.
જપ, તપ, સાધન, વિદ્યા, ક્રિયા કે યોગ, બધાથી હું અજ્ઞાત છું.
એક તમારા વિના,
તમારી કૃપા વિના કશામાં મારો આખરી વિશ્વાસ નથી, તમારી કૃપા એ જ મારો એકમાત્ર
આધાર છે.
તમારો મારા પરનો
પ્રેમ એ જ મારું એકનું એક બળ છે અને એ બળથી જ મારો આજ સુધી ઉદ્ધાર થતો આવ્યો
છે.
તમારી કરુણાનો મને
આસ્વાદ મળ્યો છે એ હું જાણું છું.
તમારી પરિપૂર્ણ
કૃપાના અપાર અમૃત-સાગરમાં સ્નાન કરાવીને મારા જીવનને સફળ કરી દો.
જે કાર્ય માટે એક
વાર ફરી તમે મને આ સંસારમાં મોકલ્યો છે તે કાર્યની સુખદ શરૂઆત થાય તે માટે તમે
કૃપા કરો અને આપણા બંનેની વચ્ચેનો લગીર જેટલો પડદો પણ હઠાવી દો.
- આસો સુદી ૧૩, બુધવાર,
૧-૧૦-૧૯૫૨
☼
☼ ☼ ☼ ☼
દિન ૧૩
પાણી પરના
મારા ઉપવાસ પૂરા થયા છે, ને તમારી પ્રેરણા પ્રમાણે બે દિવસ રસ ને દૂધ લઇને હવે
સાધારણ અનાજ લેવાનું મેં શરૂ કર્યું છે.
પણ તમારે
માટેની અંતરની આતુરતા ને બળતરા કેમે કરી ઓછી થતી નથી.
તે તો ત્યારે
જ ઓછી થશે જ્યારે તમારી પરિપૂર્ણ કૃપા જીવનમાં વહી રહેશે ને જીવનને પૂર્ણ મુક્ત
ને ધન્ય કરશે.
- આસો સુદી ૧૪, ગુરુવાર, ૨-૧૦-૧૯૫૨ |