|
આ સંસારમાં
જેને તમારી લગની લાગી જાય છે તેને તમારા વિના બીજું કંઇ જ ગમતું નથી.
તમારી યાદમાં
તેનું મન નિશદિન મસ્ત રહે છે ને તેના હૃદયમાં એક તમારો જ રાગ રહી જાય છે.
તમારી સાથે
વાતો કરવાને માટે તેની વાણી આકુળવ્યાકુળ બની જાય છે, ને પ્રાણ તમારા પ્રેમની
પાવન ગંગામાં નિશદિન નાહ્યા કરે છે.
તમારા વિના
તેનું મન બીજે ક્યાંય લાગતું નથી. ને તમારા દર્શન માટે તલપાપડ બનેલું તેનું
અંતર સંસારના ગમે તેવા સ્વર્ગીય સુખમાં પણ આસક્ત થઇ શકતું નથી.
તે ગમે ત્યાં
રહે, ગમે ત્યાં ફરે પણ તેનો એક જ જીવનવ્યવસાય રહેવાનો ને તે તમારા મંગલ મિલનને
માટે મહેનત કરવાનો, તમારા વિશ્વવિમોહન કે ત્રિભુવનસુંદર સ્વરૂપને ધરાઇ ધરાઇને
જોવા માટે પરિશ્રમ કરવાનો ને તમારી યાદ ને પ્રાર્થનામાં ચકચૂર રહેવાનો.
સંસારના વિરાટ
મંદિરમાં દિલને વિશાળ આંગણે તમારી પ્રતિષ્ઠા કરી, રાતદિન ભક્તિના પ્રેમજળથી
અભિષેક કરી, ભાવના ને કર્મની આરતી ઉતારી, તમારા દર્શનને માટે તે આતુર આતુર થઇ
જવાનો.
તમારી કૃપા
વિના એવી લગની લાગી શકતી નથી.
સંસારમાં ભૂખ
સૌને હોય છે. કોઇ ધનને માટે તો કોઇ ધામને માટે, કોઇ સ્ત્રીને માટે તો કોઇ
સંતાનને માટે, કોઇ કીર્તિને માટે તો કોઇ સત્તાને માટે, એમ વિવિધ વસ્તુ કે
વ્યક્તિને માટે સંસારમાં વધારે ભાગે માણસોને ભૂખ હોય છે. પણ તમારા માટેની ભૂખ
તો કોઇકના જ દિલમાં લાગી હોય છે.
તે જ માણસ
સંસારમાં ખરેખરો બડભાગી છે, જે તમારો અનુરાગી છે.
જેનું મન
તમારા મંગલમય ચરણોમાં મોહિત થઇ ગયું છે, ને તમારા દૈવી દર્શનને માટે આતુર
બન્યું છે.
તમારા પ્રેમી
બનવાનું એ મહાન ભાગ્ય તમે મને આપ્યું છે, એ મારે માટે અત્યંત આનંદનો વિષય છે,
પણ હવે વધારે મહાન ભાગ્ય પણ જલદી જલદી આપો.
તમારા પરમ
મંગલ મિલનના આનંદથી મારા રોમેરોમને પુલકિત ને પ્રસન્ન કરી દો, ને સાધનાની
સંપૂર્ણ સિદ્ધિ આપીને જીવનને શાંતિ, પરમાનંદ ને પૂર્ણતાથી ભરી દો.
આજ સુધી મેં
તમારે દ્વારે કેટકેટલી પ્રાર્થના કરી છે
?
દિવસોના દિવસો
મેં તમારી પૂજા ને પ્રતીક્ષામાં પસાર કર્યા છે.
તમારા
પ્રત્યેક આપેલા દિવસે આતુર હૃદયે મેં તમારી રાહ જોઇ છે.
છતાં હજી મારો
તલસાટ શમ્યો નથી.
હવે તો તમારો
આપેલો દિવસ સાચો નીવડે એવી મારી નમ્રાતિનમ્ર પ્રાર્થના છે.
- માગશર
વદી ૧૧, શનિવાર તારીખ :
૧૩-૧૨-૧૯૫૨
☼
☼ ☼ ☼ ☼ |