Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

 

દિન ૧૭

તમારી અખંડ સ્મૃતિ ને પ્રેમપૂર્વકની તમારી પ્રાર્થના જેવો યજ્ઞ બીજો કોઇ જ નથી.

હૃદયની યજ્ઞવેદી પર આ યજ્ઞ સદાયે ચાલ્યા જ કરે છે, ને ભાવનાના અગ્નિમાં સુરતાની આહુતિ આપીને પ્રેમી એ યજ્ઞને વધારે ને વધારે જાગ્રત કરે છે.

જેના દિલમાં એ યજ્ઞ ચાલે છે તે પુરુષ આ જગતમાં સૌથી વધારે બડભાગી છે.

પણ તેથીયે વધારે બડભાગી તો તે છે જેને તમારું સુમધુર દર્શનદાન મળી જાય છે.

સર્વે પ્રકારના યજ્ઞોના ફળદાતા એક તમે જ છો.

એટલે આપણા આ વિરાટ યજ્ઞને પણ હવે સફળ કરી દો, જેથી શાંતિ ને સિદ્ધિની સૌરભથી તન, મન ને અંતર મહેકી ઉઠે.

- પોષ સુદી ૧૪, મંગળવાર, ૩૦-૧૨-૧૯૫૨

 

☼         ☼         ☼         ☼         ☼

 

દિન ૧૮

હા, આ યજ્ઞ કાંઇ મારો જ નથી, પણ આપણા બંનેનો છે.

મારા ને વિશ્વના હિતને માટેની આ સાધના તમારી પ્રેરણાથી જ શરૂ થઇ છે ને તમારી કૃપાથી જ તેને સફળતા મળતી રહી છે.

સાધનાના વિરાટ વિકાસની કલ્પના ને તે કલ્પના પ્રમાણેના વિકાસ પ્રત્યેની વફાદારી તમારી કૃપા વિના મળી ને ટકી શકે નહિ.

માણસના મનના ઉચ્ચ વિચાર ને તેના દિલની ઉર્મિના રૂપમાં તમે જ પ્રકટો છો, ને તેના પોષક પ્રાણ બનીને તેને ઉછેરો છો એ નક્કી જ છે.

તમારી કૃપા વિના માણસનું ગજું નથી કે તે તમારી પ્રાપ્તિ માટે તૈયાર થાય ને પ્રયાસ કરે.

તેમાંય મારા વિચાર ને મારું જીવન તો તમારી ઇચ્છા ને પ્રેરણા પ્રમાણે જ વળાંક લે છે.

એટલે જ મારો સાધનાનો યજ્ઞ કેવળ મારો નહિ પણ આપણા બંનેનો યજ્ઞ છે ને તેની પૂર્ણાહુતિ થવામાં આપણા બંનેનું હિત સમાયેલું છે.

માટે તેની પૂર્ણાહુતિ તમે જલ્દી જલ્દી કરી દો એ જ મારી પ્રાર્થના છે.

ડીસેમ્બર મહિનાની તમારી પ્રકટાવેલી આશા આજ સુધી તો પૂરી નથી થઇ.

હવે આજે છેલ્લો જ દિવસ બાકી છે.

તમારી કૃપા આજે જરૂર જરૂર કરી દો તેવી અંતરના અંતરતમની પ્રાર્થના છે.

- પોષ સુદી ૧૫, બુધવાર, ૩૧-૧૨-૧૯૫૨
 

☼         ☼         ☼         ☼         ☼

 

દિન ૧૯

ડીસેમ્બર મહિનો પણ પૂરો થઇ ગયો. હજી મારી આશા પૂરી ના થઇ.

તમારી કૃપાપ્રાપ્તિ માટે હજી કેટકેટલું તલસવાનું છે તે તમે જ જાણો છો.

મેં તો મારું બધું જ જીવન એક તમારે જ ભરોસે મુકી દીધું છે. ને તમે તેને પાર કરશો જ એવી મારી શ્રદ્ધા છે.

એ શ્રદ્ધામાં મેં છેલ્લા કેટલાય મહિના ને વરસના વરસ પસાર કર્યાં છે.

બીજું થાય પણ શું ?

તમારી પરિપૂર્ણ કૃપા વિના મને કોઇ કાળે પણ નિરાંત નથી જ નથી.

તે કૃપા તમે જલદી જલદી કરી દો એવી મારી પ્રાર્થના તમે ક્યારે સાંભળશો ?

- પોષ વદી ૧, ગુરુવાર, ૧-૧-૧૯૫૩

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer