|
દિન
૩
તમારા મધઝરતા
મધુર મંગળ મુખને જેણે આંખ ભરીને જોઈ લીધું છે ને તમારી પરમ કૃપાના પારાવારમાં
જેણે સારી રીતે સ્નાન કર્યું છે તે જ સંસારમાં સાચો બડભાગી છે,
ને પૂજ્ય, સ્તુત્ય ને પ્રશસ્ય પણ તે જ છે.
સંસારમાં જન્મ
લઈને તેણે મેળવવા જેવું અમર ધન મેળવી લીધું.
તમારાં
કમળકોમલ ચરણોમાં પોતાના મનને લીન કરીને જેણે પરમાનંદની પ્રાપ્તિ કરી લીધી તે જ
સંસારમાં સાચો ભાગ્યશાળી છે ને તેના જેવો ભાગ્યશાળી બીજો કોઈ જ નથી.
એવા મહાન
બડભાગી બનવાની જ મારી ઈચ્છા છે ને તે ઈચ્છાથી જ રાતદિવસ હું તમારી તરફ તાકીને
બેઠો છું.
ચારે તરફ લાગી
ઊઠેલા દાવાનળની વચ્ચેથી બચવા માટે જેમ કોઈ અંતરના ઊંડાણમાંથી પોકાર કરે તેમ હું
તમારી કૃપા માટે પોકારી રહ્યો છું ને તમારી મદદની માંગણી કરી રહ્યો છું.
હૃદયમાં તમે
કોણ જાણે એવું તે શું જાદું કર્યું છે કે તમારી પરિપૂર્ણ કૃપા વિના મને ચેન
પડતું નથી, ને ચેન નહિ પડે.
આંખોમાં પણ
તમે કોણ જાણે કેવું અંજન આંજી દીધું છે કે તમારા સુમધુર દૈવી દર્શન વિના તેને
આરામ નથી ને આરામ નહિ મળે.
તમારા સુધામય
સ્પર્શ ને સંગીતમય શબ્દો વિના રોમરોમ ને શ્રવણને સુખ નથી ને સુખ નહિ મળે.
મારા દિલમાં
ઊંડે ઉઠેલા દરદની દવા તમારી જ પાસે છે, કહો કે તમે જ છો.
બાકી તમારા
વિના ત્રિલોકના વૈભવથી પણ દિલને શાંતિ અને આરોગ્ય નહિ મળે.
છતાં તમે
વિલંબ કેમ કરો છો ?
તમે દયાળુ,
કૃપાળુ, પ્રેમસિંધુ કહેવાઓ છતાં વિલંબ કેમ કરો છો
?
ઉપવાસની
વેદનાથી કે ગમે તેવા તીખા તપથી પણ તમારું અંતર ઓગળી જશે ને તમારી કૃપા થશે એમ
માનીને મેં આ વ્રત શરૂ કર્યું નથી.
જે તમારી કૃપા
માટે તલસે છે, તેને માટે તપ, વ્રત, વિદ્યા કે સાધનાનો જરા જેટલો અહંકાર પણ
નકામો છે એ હું જાણું છું.
તમારી કૃપા તો
તમારે માટે તલસવાથી ને તમારી કૃપાના પ્રભાવથી જ થઈ શકે છે. છતાં તમારા મંદિરમાં
મારો પોકાર સંભળાવવા હું આ વ્રતની વેદના સહેવા ફરી વાર તૈયાર થયો છું.
તમે જે ક્ષણે
કૃપા કરી દેશો તે ક્ષણ મારે માટે ઉત્સવક્ષણ બની જશે, ને તે ક્ષણે મારું તપ ને
વ્રત, મારી સાધના ને સિદ્ધિ બધું જ સંપૂર્ણપણે સફળ થશે.
- આસો
સુદી ૨, શનિવાર, તારીખ :
૧૦-૧૦-૧૯૫૩
☼
☼ ☼ ☼ ☼ |